You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : સરકારનો પરિપત્ર, શું શિક્ષકોએ તીડ ઉડાવવાની કામગીરી કરવી પડશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
હવે ગુજરાતના શિક્ષકોએ તીડ ભગાવવાની કામગીરીમાં પણ જોતરાવું પડશે એવું બનાસકાંઠા જિલ્લામાં એક પરિપત્ર બાદ ચર્ચાઈ રહ્યું છે.
આ અંગે ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદના તાલુકા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
શિક્ષકોના માથે પહેલાંથી જ અનેક બિનશૈક્ષણિક કામગીરીઓનો બોજો છે અને હવે તીડ ભગાડવાની કામગીરીમાં પણ જોતરાવું પડશે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને સૂઈગામ તાલુકાના ગામડાંમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો પરેશાનીમાં મુકાઈ ગયા છે.
ઊભા પાકમાં લાખોની સંખ્યામાં તીડ બેસી જતાં હોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ પહેલાં ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદુએ પણ આ વિસ્તારનાં ગામોની મુલાકાત લીધી હતી.
હવે આ મામલે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે અને ખેડૂતોએ કેવી રીતે તીડ ભગાડવાં તેની જાણકારી આપી છે.જોકે, ખેડૂતોએ હવે પોતાની રીતે આ તીડને ભગાડવાના નુસખાઓ શોધી લીધા છે.
કેટલાક ખેડૂતો ખેતરમાં ઢોલ વગાડીને તીડને ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.
જ્યારે કેટલાક ખેડૂતો ખેતરમાં બાઈક કે ટ્રેક્ટર ચલાવીને તીડને ભગાડી રહ્યા છે. ખેડૂતો પાકને નુકસાન કરનારા આ તીડને ભગાડવા માટે વિવિધ રીત અપનાવી રહ્યા છે. તીડ એક પ્રકારનું સ્થળાંતર કરનારું જીવજંતુ છે અને તે ઝૂંડમાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેતરના પાક કે જમીન પરની લીલોતરી પર તે બેસે છે. જ્યાં પણ તીડનું આક્રમણ થાય ત્યાં તે પાકને ભારે નુકસાન કરે છે.
પરિપત્રમાં શું લખ્યું છે?
થરાદના તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્રમાં લખ્યું છે, "ખેતીવાડી અધિકારીશ્રીની સૂચના મુજબ વાવ અને સુઈગામ તાલુકામાં તીડનાં ભયંકર ટોળાં જોવા મળી રહ્યાં છે. જે થરાદ તાલુકામાં પ્રવેશવાની તૈયારીમાં છે."
એવું પણ લખ્યું છે, "સાવચેતીના ભાગરૂપે તીડ આવે ત્યારે ઢોલ-નગારાં વગાડવા તેમજ ભેગા થઈને મોટેથી અવાજ કરવા અને કેરોસીનનો છંટકાવ કરવો."
આ પરિપત્ર તાલુકાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યોને મોકલવામાં આવ્યો છે.
જોકે શિક્ષકોના માથે પહેલાંથી જ અનેક કામગીરીઓનો બોજ છે.
કુષિમંત્રી ફળદુએ કહ્યું, "જનતાનું સમર્થન માગી રહ્યા છીએ. જો વિદ્યાર્થીઓને આ કામમાં લગાડવામાં આવ્યા હશે તો વહેલામાં વહેલી તકે અમે આ ક્ષતિને સુધારીશું."
તેમણે શિક્ષકોની કામગીરી અંગે વાત કરતા કહ્યું, "શિક્ષકોએ જાતે જઈને તીડ ઉડાવવાનું કામ કરવાનું નથી, શિક્ષકોએ જઈને માત્ર ખેડૂતોને સમજાવવાના છે."
ભણતર કરતાં શિક્ષકો પર અન્ય ભાર વધારે
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ 2016માં ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 13,140 પદ ખાલી હતાં.
શિક્ષકોની ભરતી પર રણજીત પરમારનું કહેવું છે, "વિદ્યાર્થી-શિક્ષક રેશિયો મુજબ 120 બાળકો સુધી પાંચ શિક્ષકો આપવામાં આવે છે. જોકે, સ્કૂલે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 સુધી પહોંચે તો પણ વધુ શિક્ષકો આપવામાં આવતા નથી."
રણજીત પરમાર કહે છે, "વડા પ્રધાન ગુજરાતના છે અને સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહે એ અમે ઇચ્છીએ કે બિનજરૂરી કામગીરી જો શિક્ષકોને આપવામાં ન આવે તો તેઓ ભણાવવા પર વધારે ધ્યાન આપી શકે."
શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી રોહિત શુક્લા કહે છે, "ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ખરાબ થવાનું એક કારણ છે પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી ન થવી. અથવા બાંધ્યા પગારે તેમને અમુક નિશ્ચિત કામોમાં રાખવામાં આવે છે."
તેઓ કહે છે, "બાળકોને સારું શિક્ષણ આપે એવી અપેક્ષા શિક્ષકો પાસે રાખવાની જગ્યાએ કેટલાંય કામ શિક્ષકો ઉપર મૂકી દેવામાં આવે છે."
"જેમ કે મેલેરિયા નાબૂદી, મતદાર યાદીનું કામ હોય, ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જવાનું કામ શિક્ષકો કરે છે. ખરેખર તો શિક્ષકોનું નિશ્ચિત કામ હોવું જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો