You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાયનાં ગોબરની ચીપ મોબાઇલના રેડિયેશનથી બચાવે?
- લેેખક, રિયાલિટી ચૅક ટીમ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાષ્ટ્રીય કામધેનુ પંચના પ્રમુખ વલ્લભભાઈ કથીરિયાએ હાલમાં જ દાવો કર્યો કે મોબાઇલના રેડિયેશનથી ગાયનું ગોબર સુરક્ષા આપે છે.
તેમણે ગાયના ગોબારમાંથી બનેલી ચીપ લૉન્ચ કરતાં કહ્યું કે "આ રેડિયેશન ચિપ મોબાઇલ ફોન સાથે વાપરવાથી રેડિયેશન ઘટાડી શકાય છે."
જોકે સોશિયલ મીડિયામાં તેમના આ દાવાની મજાક ઉડાવવામાં આવી રહી છે અને પ્રશ્ન ઊભો કરાઈ રહ્યો છે કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
ગાયના ગોબરની ચિપ શું છે?
ગૌશાળા ચલાવતાં 'રાષ્ટ્રીય કામધેનુ પંચે' બનાવેલી ચીપને મોબાઇલની સપાટી પર મૂકી શકાય છે.
દાવો કરવામાં આવ્યો છે કે આ ચીપ મોબાઇલ પર લગાવવાથી મોબાઇલના રેડિયેશનથી સુરક્ષિત રહી શકાય છે.
આ ચિપ 50થી 100 રૂપિયામાં વેચાઈ રહી છે અને 'રાષ્ટ્રીય કામધેનુ પંચ'ના ચૅરમૅન વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું છે કે દેશમાં 500 જેટલી ગૌશાળાઓ આ ચીપ બનાવી રહી છે.
ગુજરાતથી સંચાલિત 'રાષ્ટ્રીય કામધેનુ પંચે' બીબીસીને જણાવ્યું કે ''આ ચીપ છેલ્લા એક વર્ષથી બનાવવામાં આવી રહી છે. તેનો કોઈ વૈજ્ઞાનિક ટેસ્ટ કે ટ્રાયલ કરવામાં આવ્યાં નથી.''
ગૌશાળા સંચાલક દાસ પાઈએ કહ્યું, "આયુર્વેદિક સાહિત્યમાં કહેવાયું છે કે ગાયનાં છાણ અને અન્ય પદાર્થો જે ચીપને મોબાઇલ ફોનથી જોડે છે એ મોબાઇલ ફોનના રેડિયેશનથી રક્ષણ આપે છે. પરંતુ અમે આ અંગે કોઈ ટેસ્ટ કે ટ્રાયલ કરી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાયનાં છાણમાં ખરેખર આ ગુણો છે?
આવો દાવો પ્રથમ વખત નથી કરવામાં આવ્યો. 2016માં, રાષ્ટ્રીય સેવા સંઘના પ્રમુખ શંકરલાલે પણ આવો જ દાવો કર્યો હતો.
અગાઉ એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ગાયનું ગોબર ત્રણ પ્રકારનાં રેડિયેશન - આલ્ફા, બીટા અને ગામા રેડિયેશનને શોષી શકે છે.
વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આ દાવાને ફગાવી દીધો હતો અને આ દાવાને પુરવાર કરવા માટે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ પણ નથી હાથ ધરાયો.
અશોકા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ગૌતમ મેનને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ગાયનાં છાણની સંરચના વિશે જેટલું જાણીએ છીએ, એમાં એવું કશું નથી જે કહી શકે તે તેમાં એવા કોઈ ગુણો છે."
રેડિયેશનથી રક્ષણ આપી શકે એ માટે 'સીસું' જાણીતો પદાર્થ છે, જેનો ઉપયોગ રેડિયેશન થૅરેપી, ડાઇગ્નોસ્ટિક ઇમેજિંગ, ન્યૂક્લિયર અને ઔદ્યોગિક શિલ્ડિંગમાં કરવામાં આવે છે.
"ગાયનાં છાણમાં અનેક ગુણોનો દાવો કરનારા લોકોનું કહેવું છે કે ગાયનું છાણ રેડિયેશનથી રક્ષણ આપવામાં અસરકારક છે, એ વાતના પુરાવા ભારતીય ગ્રામ્ય વિસ્તારોમાં લાખો ઘરોની દીવાલો પર લીપવામાં આવતા છાણની પરંપરામાં રહેલા છે."
જોકે પ્રોફેસર મેનનનું કહેવું છે કે આવું એટલે હોય છે કારણ કે ગાયનું છાણ સરળતાથી ઉપલબ્ધ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેનાથી ઘરોમાં ઇન્સ્યુલેશન આપી શકે છે પરંતુ આનું રેડિયેશન સામે રક્ષણ આપવા સાથે કોઈ સંબંધ નથી.
શું મોબાઇલ ફોનથી નુકસાનકારક રેડિયેશન નીકળે છે?
મોબાઇલ ફોનને કારણે આરોગ્ય પર આડઅસર વિશે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.
લાંબા સમય સુધી મોબાઇલ ફોનના વપરાશને કારણે કૅન્સર અથવા અન્ય ગંભીર સમસ્યાઓ થવાની વાતો પણ સામે આવે છે.
પરંતુ યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશનના તાજેતરના સૂચનો મુજબ હાલના છેલ્લા દાયકાઓમાં સંશોધકોને મોબાઇલ ફોન વાપરવાથી કૅન્સર જેવી આરોગ્યની સમસ્યાઓ થતી હોવાના પુરાવા નથી મળ્યા.
યુકેમાં મેડિકલ નિષ્ણાત પ્રોફેસર મૅલકમ સ્પેરિને કહ્યું, મોબાઇલ ફોન જ્યારે વાપરીએ ત્યારે તેમાંથી નૉન-આયોનાઇંગ રેડિયેશન નીકળે છે. તેની માનવોમાં રેડિયોફ્રિક્વન્સી રેડિયેશનની એકમાત્ર બાયોલૉજિકલ (જીવવૈજ્ઞાનિક) અસર ત્યારે દેખાય છે, જ્યારે તે ગરમ થાય છે."
પ્રોફેસર મૅલકમ સ્પેરિન કહે છે, "મોબાઇલ ફોનથી નીકળતી ઊર્જાનું પ્રમાણ એટલું નાનું છે કે તેની માનવ આરોગ્ય પર આડઅસરના કોઈ નિર્ણાયક પુરાવા નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો