You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેમડેસિવિર : રાજકોટમાંથી કોરોનાની સારવારમાં વપરાંતાં ઇંજેક્ષનનું કૌભાંડ કઈ રીતે પકડાયું?
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટમાં 12 દિવસમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીના ઇલાજમાં ઉપયોગી એવાં રેમડેસિવિર ઇંજેક્ષનને ઊંચા ભાવે વેચવાના ચાર ગુનામાં 12 લોકોની ધરપકડ કરાઈ છે.
કોરોના વાઇરસની મહામારીમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ચારથી પાંચ હજાર રૂપિયાનાં ઇંજેક્ષનને 10થી 12 હજાર રૂપિયામાં વેચવામાં આવી રહ્યાં હતાં.
રાજકોટ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓ નોંધ્યા છે. જે પૈકી બે ગુના તેમણે જાતે નોંધ્યા છે, જ્યારે અન્ય બે ગુના ફૂડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળીને નોંધવામાં આવ્યા છે.
રેમડેસિવિરની કાળાબજારીમાં રાજકોટ પોલીસે બે ગુનામાં હૉસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ અને એક આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે.
આ ઉપરાંત બીજા બે ગુનામાં મેડિકલના જથ્થાબંધ વેપારી અને ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવની પણ ધરપકડ કરાઈ છે.
રાજકોટ પોલીસે બ્લૅકમાં રેમડેસિવિર ઇજેંક્ષન વેચવાનો સૌથી પહેલો કેસ 27 સપ્ટેમ્બરે નોંધ્યો હતો, જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
હૉસ્પિટલનો સ્ટાફ વેચતો હતો ઇંજેક્ષન
રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી. કે. ગઢવીએ કહ્યું, "અમે એમ જ તપાસ શરૂ કરી હતી કે શું માર્કેટમાં બ્લૅકમાં ઇંજેક્ષન મળે છે, અમને માહિતી મળી કે આ પ્રકારે હૉસ્પિટલના સ્ટાફના લોકો જ ઇંજેક્ષન વેચી રહ્યા છે."
રાજકોટની એક હૉસ્પિટલમાં એક નર્સિંગ સ્ટાફનો પોલીસે સંપર્ક કર્યો અને પૂછપરછ કરી ત્યારે નર્સિંગ સ્ટાફમાં કામ કરતી વ્યક્તિનું નામ સામે આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે ટ્રૅપ ગોઠવી તેમની પાસેથી ઇંજેક્ષન મંગાવ્યું, નર્સે 4,800 રૂપિયાના ઇંજેક્ષનના 10 હજાર માગ્યા હતા.
બે ઇંજેક્ષન લેવાની વાત થઈ હોવાથી 20 હજાર રૂપિયા લઈને આવવા માટે કહ્યું હતું.
રાત્રે ઇંજેક્ષન આપવા માટે બહેન આવ્યાં ત્યારે પોલીસે તેમની અટકાયત કરી અને તપાસ કરી ત્યારે બિલ વિનાનાં બે ઇંજેક્ષન મળ્યાં હતાં. તેમની સાથે તેમના મંગેતર પણ પકડાયા હતા.
એકથી બે હજાર રૂપિયા વધારે મેળવી વેચ્યાં ઇંજેક્ષન
રાજકોટ પોલીસે નોંધેલી એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) પ્રમાણે પૂછપરછ કરતાં મહિલાએ કહ્યું હતું કે તેમણે અને તેમના મંગેતરે એક હૉસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં કામ કરતી વ્યક્તિ પાસેથી 15 હજાર રૂપિયામાં ખરીદ્યાં હતાં.
ત્યારબાદ મેડિકલ સ્ટોરના કર્મીની પૂછપરછ કરવામાં આવી અને ખ્યાલ આવ્યો કે તેમણે પણ તેમની સાથે કામ કરતી વ્યક્તિ પાસેથી 14 હજાર રૂપિયામાં બે ઇંજેક્ષન લીધાં હતાં.
જ્યારે આ 14 હજાર રૂપિયામાં ઇંજેક્ષન ખરીદનાર વ્યક્તિની ધરપકડ કરાઈ ત્યારે તેમણે કબૂલ્યું કે હૉસ્પિટલમાં નોકરી કરતી એક વ્યક્તિ પાસેથી 12 હજાર રૂપિયામાં આ ઇંજેક્ષન ખરીદ્યાં હતાં.
પોલીસના કહેવા પ્રમાણે આ વ્યક્તિએ પૂછપરછમાં પાછળથી કબૂલ્યું કે તેમણે આ ઇંજેક્ષન રાજકોટની સિવિલ હૉસ્પિટલમાંથી ચોર્યાં હતાં.
રાજકોટ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે આઈપીસીની કલમ 420, 114 આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7, 11, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટની કલમ 53 અને ડ્રગ અને કૉસ્મેટિક અધિનિયમની કલમ 27 મુજબ ગુનો નોંધ્યો છે.
આયુર્વેદિક ડૉક્ટર ઇંજેક્ષન આપતા હતા
રાજકોટ પોલીસે એક એવા આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે કે જેઓ કોરોના વાઇરસની સારવાર કરતા હતા અને ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે રેમડેસિવિર ઇંજેક્ષનનું વેચાણ કરતા હતા.
રાજકોટના કાલાવાડ રોડ પરની એક સોસાયટીમાં રહેતા આ ડૉક્ટર ઘરે આવીને કોરોનાની સારવાર કરતા હતા.
તેમણે દર્દીને રેમડેસિવિરનાં ઇંજેક્ષન આપ્યાં હતાં. પોલીસને આ વાતની જાણ થતાં તેમણે ડૉક્ટરને રંગે હાથે પકડવા છટકું ગોઠવ્યું હતું.
ડૉક્ટર જ્યારે સારવાર માટે આવ્યા ત્યારે જ પોલીસે તેમને ઇંજેક્ષન સાથે પકડ્યા હતા.
ઇંજેક્ષનની કિંમત 5,400 રૂપિયા હતી, જેને ડૉક્ટર સાત હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા. તેમણે દર્દીને 21 હજાર રૂપિયા લઈને ત્રણ ઇંજેક્ષન આપ્યાં હતાં.
પોલીસે કહ્યું કે ડૉક્ટર એમબીબીએસ કે એમડીની ડિગ્રીની જગ્યાએ બીએએમએસની ડિગ્રી ધરાવે છે, જે સારવાર માટે માન્ય નથી.
પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે આ ઇંજેક્ષન તેમણે રાજકોટની નીલકંઠ હૉસ્પિટલના જ એક સુપરવાઇઝર પાસેથી ખરીદ્યાં હતાં. હૉસ્પિટલના સુપરવાઇઝરે ત્રીજી વ્યક્તિનું નામ આપ્યું જેમણે હૉસ્પિટલની ફાર્મસીમાંથી આ ઇંજેક્ષન લીધાં હતાં.
હૉસ્પિટલનાં ખોટાં કાગળ બનાવ્યાં
ફૂડ અને ડ્રગ્સ કંટ્રોલ ઍડ્મિનિસ્ટ્રેશનના કમિશનર ડૉક્ટર હેમંત કોશિયા કહે છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેમડેસિવિરનો જથ્થો ખૂટી ન જાય તે માટે જિલ્લાઓમાં આવતા કેસની સંખ્યાના આધારે રેમડેસિવિરની વહેંચણી કરાવીએ છીએ.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં રાજકોટમાં કોરોના વાઇરસના કેસ વધતાં અમે મોટો જથ્થો ઍજન્સીને રાજકોટ મોકલાવ્યો હતો. તેમ છતાં લોકોએ ઇંજેક્ષન ન હોવાની ફરિયાદ કરી હતી.
ડૉ. કોશિયા કહે છે, "સ્ટોક ન હોવાની ફરિયાદ મળતાં અમે જે કંપનીઓ વેચાણ કરી રહી છે, તેમને પૂછ્યું તો જાણ થઈકે તેમને જથ્થો મોકલાવ્યો છે. એ પછી સ્થાનિક જથ્થાબંધ વેપારીને ત્યાં અમે અમારા માણસોને મોકલ્યા."
તેઓ આગળ કહે છે, "ત્યાં તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે મુખ્ય કંપનીએ એક કંપનીની સાથે જુગલબંદી કરીને માલ આપી દીધો છે. માલનું વેચાણ કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ દ્વારા કરાય છે એવું કંપનીના માલિકે કહ્યું હતું."
તેઓ આગળ જણાવે છે કે "વેચેલા માલનાં કાગળિયાંની તપાસ કરી અને હૉસ્પિટલનો સંપર્ક સાધ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હૉસ્પિટલના નામે ખોટાં કાગળિયાં બનાવીને ઇંજેક્ષન વેચાઈ રહ્યાં છે."
પીઆઈ ગઢવી કહે છે, "અમે ફરિયાદના આધારે તપાસ કરી, જેમાં ફાર્માસ્યુટિકલ્સે વેદાંત હૉસ્પિટલના નામે ખોટા બિલ બનાવીને ચાર લાખ 54 હજારની કિંમતના 110 રેમડેસિવિર ઇંજેક્ષન ખરીદ્યાં હતાં."
રાજકોટ પોલીસે આ કેસમાં કંપનીના માલિક અને દવા બનાવતી કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવની જ ધરપકડ કરી છે.
સારવાર ન કરતાં ડૉક્ટરના નામે ખરીદ્યાં ઇંજેક્ષન
ફૂડ અને ડ્રગ્સ વિભાગના કોશિયા જણાવે છે કે અન્ય એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ ખોટા બિલ બનાવીને આ પ્રકારે વેચાણ કરવામાં આવતું હતું.
ડીસીબી બ્રાન્ચે જ્યારે તપાસ કરી ત્યારે અનેક ખોટા બિલ મળ્યાં હતાં, જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા એક આયુર્વેદિક ડૉક્ટરના દવાખાનાનાં બિલ મળ્યાં હતાં.
પોલીસે ડૉક્ટરને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે તેઓ પોતે બી.એ.એમ.એસ હોવાથી પ્રાથમિક સારવાર કરે છે અને કોરોના વાઇરસની સારવાર માટે તેઓ કામ કરતા નથી, એવું જણાવ્યું હતું.
આ ડૉક્ટરે ન્યૂ આઇડલ ઍજન્સી સામે ફરિયાદ નોંધાવી હતી.
આયુર્વેદિક ડૉક્ટરના દવાખાનાના નામે 24 નંગ ઇંજેક્ષન ખરીદવામાં આવ્યાં હતાં.
ડૉ. કોશિયાએ જણાવ્યું કે આ બંને ઍજન્સીઓએ સાથે મુખ્ય કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ જ ભળી ગયા હતા. જે આ પ્રકારે દવાખાનાનાં ખોટા બિલ રજૂ કરતા હતા અને વેચાણમાં પણ મદદ કરતા હતા.
તેમણે વધુમાં કહ્યું, "સ્થાનિક ઍજન્સીઓનાં લાઇસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવ્યાં છે."
ઇન્સ્પેક્ટર ગઢવી કહે છે કે આ તમામ આરોપીઓએ પૈસાની લાલચમાં આ કામ કર્યું હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે. હજુ અમે તપાસ અટકાવી નથી અને તપાસ ચાલુ છે.
તેમના કહેવા પ્રમાણે આ ઇંજેક્ષન કોને વેચવામાં આવ્યાં છે, તેની તપાસ પોલીસ કરી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો