You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શિક્ષકો વિજય રૂપાણીની સરકારથી નારાજ કેમ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી અને ગાંધીનગરથી
એક પછી એક આંદોલનોનો સામનો કરી રહેલી ગુજરાત રાજ્યની વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર શિક્ષકોના વિરોધનો પણ સામનો કરી રહી છે.
બિનસચિવાલય ક્લાર્ક, લોકરક્ષક દળ ઉપરાંત વિવિધ સરકારી પદો પર ભરતી માટે થયેલી પરીક્ષામાં ગેરરીતિ સામે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા.
પાકવીમાનું વળતર, દેવામાફી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો પણ સરકારથી નારાજ છે અને તેમના વિરોધનો પણ સરકાર સામનો કરી રહી છે.
આ ઉપરાંત આશાવર્કર્સ અને આંગણવાડી કાર્યકરો પણ વિરોધ કરી રહ્યાં છે.
આ સિવાય લાંબા અરસાથી રાજ્યના શિક્ષકોમાં પણ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે શિક્ષકોની માગ?
વિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનો, ખેડૂતો અને આશાવર્કર્સ બાદ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો પણ સરકાર સામે રોષ પ્રગટ કરવા રસ્તા પર ઊતર્યા છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારે ધરણાં યોજ્યા.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રાથમિક શિક્ષકો CL રજા મૂકીને આ ધરણાંમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભરતીની જાહેરાત છતાં ભરતી ન કરાતાં આ ધરણાંમાં વિદ્યાસહાયકો પણ મોટી સંખ્યામાં જોડાયા.
શિક્ષકોનું કહેવું છે કે સરકારે કોઈ પણ જાણકારી આપ્યા વગર 4,200 રૂપિયાનો ગ્રેડ-પે બંધ કરી દીધો છે, જે શિક્ષકોને મળવો જ જોઈએ એવી માગ કરાઈ રહી છે.
બંધ કરી દેવાયેલી પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના પ્રમાણે શિક્ષકોને લાભો આપવામાં આવે એવી પણ માગ શિક્ષકો કરે છે.
આ ઉપરાંત અન્ય પડતર માગણીઓ સાથે શિક્ષકોએ ધા નાખી છે.
શું કહે છે શિક્ષકો?
આણંદથી વિરોધમાં ભાગ લેવા માટે આવેલા બ્રિજપાલસિંહ ગોહિલે બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલ સાથે વાત કરતા જણાવ્યું, "સરકારે કોઈ પણ જાણ કર્યા વગર 4200નો ગ્રેડ-પે બંધ કરી દીધો છે."
"આ ઉપરાંત સીસીસીની પરીક્ષા પાસ કરી છે એ પછીથી જે પગારધોરણ પ્રમાણે વેતન મળવું જોઈએ તે મળી રહ્યું નથી."
ધરણાંમાં સામેલ થવા આવેલા અન્ય એક શિક્ષકે કહ્યું, "બાળકોને જે તૈયાર કરવાનું કામ કરે છે તે શિક્ષકોને નવા લાભો તો આ સરકાર આપી નથી રહી, ઊલટાનું જે થોડા લાભો શિક્ષકોને મળે છે તે છીનવવાનું કામ સરકાર કરી રહી છે."
"તેમણે પ્રાથમિક શિક્ષકો માટે ફિક્સ્ડ પગારની નીતિ દાખલ કરી દીધી છે."
ધરણાંમાં આવેલાં શિક્ષિકા જાગૃતિબહેનનું કહેવું છે કે "સરકારે અમને એક હાથે આપ્યું અને બીજા હાથે છીનવી લીધું. જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પેના લાભો સરકારે કેમ બંધ કરી દીધા એનો કોઈ જ પરિપત્ર અમને મળ્યો નથી."
શિક્ષકોના ફાળે બિનશૈક્ષણિક કામોનો ભાર
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ 2016માં ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 13,140 પદ ખાલી હતાં.
શિક્ષકોની ભરતી પર રણજિત પરમારનું કહેવું છે, "વિદ્યાર્થી-શિક્ષક રેશિયો મુજબ 120 બાળકો સુધી પાંચ શિક્ષકો આપવામાં આવે છે. જોકે, સ્કૂલે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 સુધી પહોંચે તો પણ વધુ શિક્ષકો આપવામાં આવતા નથી."
રણજીત પરમાર કહે છે, "વડા પ્રધાન ગુજરાતના છે અને સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહે એ અમે ઇચ્છીએ કે બિનજરૂરી કામગીરી જો શિક્ષકોને આપવામાં ન આવે તો તેઓ ભણાવવા પર વધારે ધ્યાન આપી શકે."
શિક્ષણશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી રોહિત શુક્લા કહે છે, "બાળકોને સારું શિક્ષણ આપે એવી અપેક્ષા શિક્ષકો પાસે રાખવાની જગ્યાએ કેટલાંય કામ શિક્ષકો ઉપર મૂકી દેવામાં આવે છે."
"જેમ કે મેલેરિયા નાબૂદી, મતદાર યાદીનું કામ હોય, ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જવાનું કામ શિક્ષકો કરે છે. ખરેખર તો શિક્ષકોનું નિશ્ચિત કામ હોવું જોઈએ."
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા કેટલાક પરિપત્રોને લઈને પણ વિવાદ થયો હતો.
'ખોરાકનો બગાડ ન થાય એનું શિક્ષકો ધ્યાન રાખે'
લગ્ન, પાર્ટીઓ, મિટિંગો જેવા સામાજિક કાર્યક્રમોમાં ખાદ્યપદાર્થોનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવા માટે અને એ અંગે કામગીરી કરવા માટેનો પરિપત્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંબોધીને લખવામાં આવ્યો હતો.
આ પરિપત્રમાં લખ્યું છે, "ભારતીય જાહેર પ્રશાસન સંસ્થા દ્વારા સામાજિક સંમેલનોમાં ખાદ્યપદાર્થોના થતા બગાડ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં મુખ્ય તારણોમાં જણઆવ્યું છે કે સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિનની ઉજવણી દરમિયાન ખોરાકનો બગાડ વધારે થાય છે."
'આ માટે શાળાઓ અને કૉલેજોમાં ઑડિયો-વિઝ્યુઅલ પબ્લિસિટી દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવું. ગરીબોમાં ખાદ્યાપદાર્થોની વહેંચણી કરતાં એનજીઓને શોધવાં' જેવી કામગીરી કરવાનું પરિપત્રમાં સૂચવ્યું છે.
આ પરિપત્ર અંગે વિવાદ વકર્યો હતો અને શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
શું શિક્ષકોએ તીડ ઉડાવવાની કામગીરી કરવી?
આ અગાઉ ગુજરાતના શિક્ષકોએ તીડ ભગાવવાની કામગીરીમાં પણ જોતરાવું તેવો એક પરિપત્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવ્યો હતો.
ડિસેમ્બર માસમાં બનાસકાંઠા જિલ્લાના વાવ અને સૂઈગામ તાલુકાના ગામડાંમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો પરેશાનીમાં મુકાઈ ગયા હતા.
આ મામલે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો અને આ પરિપત્ર તાલુકાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યોને મોકલવામાં આવ્યો હતો.
અનેક કામગીરીનો બોજો વેઠતા શિક્ષકો પર વધારાની કામગીરીઓ થોપી દેવાતાં વિવાદ વકર્યો હતો.
શિક્ષિકા જાગૃતિબહેન પ્રાથણિક શિક્ષકોની વ્યથા વર્ણવતાં કહે છે, "હું શાળામાં જાઉં છું ત્યારે મને સમજાતું નથી કે હું શું કરું?"
"હું યોગ કરાવું? સફાઈ કામ કરાવું કે પછી શિષ્યવૃત્તિની માહિતી આપું?"
"મને સમજાતું નથી કે હું પ્રવેશોત્સવ કરું? ગુણોત્સવ કરું? કે પછી ગુણોત્સવનું નવું વર્ઝન 2.0 કરું?"
જોકે શિક્ષકોમાં સરકાર પ્રત્યે નારાજગી છે અને અંત સુધી સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે.
ઘરણાંમાં જોડાયેલા શિક્ષક બ્રિજપાલસિંગ ગોહિલ કહે છે, "અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ધરણાં યોજીને રોષ પ્રગટ કર્યો, અહીં રાજ્ય કક્ષાએ પણ વિરોધ કરી રહ્યા છીએ. આ છતાં જો સરકાર અમારી માગ નહીં સ્વીકારે તો અમે વિરોધ કરવા દિલ્હી સુધી જવા તૈયાર છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો