અમદાવાદની સાબરમતી જેલમાં મોબાઇલ કઈ રીતે પહોંચાડવામાં આવે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદની સાબરમતી જેલમાં મોબાઇલ વાટે ચલાવાઈ રહેલા ખંડણીના કથિત રૅકેટનો પર્દાફાશ થયો છે. પોલીસનો દાવો છે કે વિશાલ ગોસ્વામી જેલની અંદરથી 'ઑર્ગેનાઇઝ્ડ ગૅગ' ચલાવી રહ્યા હતા અને તેમની પાસેથી બે મોબાઇલ ફોન-સિમકાર્ડ અને ચાર્જર પકડાયાં છે.

આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ 'ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇડ ક્રાઇમ'ના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો છે.

પોલીસનો દાવો છે કે ત્રીસ શખ્સોની આ ગૅંગના મુખ્ય સૂત્રધાર વિશાલ ગોસ્વામી જેલમાંથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા દીપેન ભદ્રને આ અંગે વાત કરતાં જણાવ્યું, "ગુજરાતના વેપારીઓને વૉટ્સઍપ કૉલ અને એસએમએસથી ધમકી આપીને ખંડણી ઉઘરાવાઈ રહી હોવાની અમને ફરિયાદ મળી હતી. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે VOIP નામની ઍપ્લિકેશન દ્વારા આ ફોન અને મૅસેજ કરાઈ રહ્યા હતા અને તેનું લૉકેશન સાબરમતી જેલ બતાવાઈ રહ્યું હતું."

જેલમાંથી ખંડણીનું રૅકેટ?

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર અમદાવાદના બોપલમાં રહેતા એક વેપારીને વિશાલ ગોસ્વામીએ સાબરમતી જેલની અંદરથી ફોન કરીને પચાસ હજારની ખંડણી માગી હતી.

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરાતાં ફોન સાબરમતી જેલમાંથી કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા 42 દિવસ સુધી આ નંબરને વિજિલન્સ હેઠળ રાખવામા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિશાલ ગોસ્વામીએ મધ્ય પ્રદેશના આકાશ વર્મા સાથે મળીને વર્ષ 2011થી 2015 દરમિયાન 30 જણની ગૅંગ બનાવી હતી.

જે ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક અને રાજસ્થાનના વેપારીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવતી હતી.

પોલીસના દાવા અનુસાર વિશાલ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી બે ઍન્ડ્રોઇડ ફોન અને સિમકાર્ડનો ઉપયોગ કરતા હતા તથા સવાર અને સાંજે જેલની બહાર પોતાના સાગરિતોને ફોન કરીને પૈસા ઉઘરાવતા હતા.

ગુજરાતમાં એક સમયે કુખ્યાત બુટલેગર લતીફ જેલમાંથી ફોન પર ગૅંગ ચલાવતા હતા એવો આરોપ છે. એ બાદ સાબરમતી જેલમાંથી કેટલીય વખત ફોન પકડાયા છે.

વર્ષ 2010માં સાબરમતી જેલમાંથી ફોન પકડાયો હતો અને એ ફોન પરથી પાકિસ્તાનમાં વાત કરવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.

જેલમાં ફોન કઈ રીતે આવે?

ગુજરાતની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી જેલમાં ફોન કઈ રીતે પહોંચાડવામાં આવે છે એ જાણવા માટે અમે વાત કરી ત્રણ મહિના પહેલાં જ જેલમાંથી છૂટેલા જુનૈદ નામના એક પૂર્વ કેદી સાથે.

જુનૈદે જણાવ્યું, "સાબમરતી જેલમાં કશું પણ લાવવું અશક્ય નથી. પાંચસો રૂપિયામાં જેલમાં સરળતાથી તમાકુની પડીકી મળે છે. એક હજાર રૂપિયામાં 20 સિગારેટનું પૅકેટ મળે છે. પાંચસો રૂપિયામાં મસાલા, ચરસ, ગાંજો પણ મળી જાય છે."

જેલમાં કોઈ વસ્તુ લઈ જવી સરળ નથી હોતી. જેલની અંદર જતી વખતે કેદીને નિર્વસ્ત્ર કરીને, સ્કૅનર દ્વારા તપાસ કરવામાં આવે છે. જોકે, જે તે વસ્તુને જેલમાં લઈ જવા દેવામાં ખુદ જેલકર્મીઓ જ મદદ કરતાં હોવાનો જુનૈદનો દાવો છે.

"મને તમાકુની લત છે. જેલમાં ગયો ત્યારે અન્ય કેદીઓ થકી જાણવા મળ્યું કે પૈસા આપો તો જેલની અંદર બધું જ મળે."

"જે કેદીઓ પાસે મોબાઇલ ફોન હોય એની પાસેથી ફોન કરાવીને અમે જેલમાં મળવા આવતાં સગાંવહાલાઓને જણાવી દેતા. એમને કહીને જેલકર્મીઓને પૈસા અપાવી દઈએ અને તમાકુ, બીડી, ગાંજો, ચરસ જેવી વસ્તુઓ મગાવી લઈએ."

જેલમાં કોઈ વસ્તુ લઈ જવાની પ્રક્રિયા અંગે વાત કરતાં તેઓ જણાવે છે. "જેલમાં ફોન તો સિપાહી જ લઈ આપે. પહેલાં દસ હજાર રૂપિયામાં ફોન મળતો પણ હવે બાર હજાર રૂપિયામાં ફોન મળે છે."

જેલમાં ફોનને ચાર્જ કરવા માટે પ્લગ તો હોતા નથી. આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "જેલમાં અલગ પ્રકારનું ચાર્જર રાખવામાં આવે છે. ચાર્જિંગ માટે પ્લગ જેલમાં હોતા નથી એટલે ચાર્જરની પીનના બે છેડા કાઢીને ટ્યૂબલાઇટના વાયરના છેડા સાથે એને ભરાવીને ફોને ચાર્જ કરવામાં આવતો હોય છે. જેલના ચાર્જર પર જાકીટ હોતું નથી."

"વાત કરવી હોય ત્યારે જ ફોનમાં સિમકાર્ડ લગાવવામાં આવે છે. મોબાઇલ ફોનને શૌચાલય કે બગીચામાં કચરાના ઢગલા પાછળ સંતાડી રાખવામાં આવે છે અને સાંજે એક કલાક માટે જ્યારે જામર બંધ હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવામાં આવે છે."

"સગાંસંબંધીઓ જેલકર્મીને 2500 રૂપિયા આપી જાય, જેમાંથી કેદીને બે હજાર મળે. એ પૈસામાંથી તમાકુ, બીડી, સિગારેટ મગાવવામાં આવે."

"આ ઉપરાંત જાપ્તા દરમિયાન પૈસાના બદલામાં સગાંસંબંધીઓને મળવાની પોલીસ છૂટ આપે છે. આ માટેના પૈસા કાં તો પહેલાંથી પોલીસને આપવાના હોય કાં તો કોર્ટમાં મુલાકાત વખતે આપવા પડે."

જુનૈદની વાતને નિવૃત્ત પોલીસ અધિકારી રમેશ સવાણી સમર્થન આપતાં જણાવે છે, "હું જ્યારે જેલ આઈ.જી. હતો ત્યારે મારી પાસે એક વીડિયો આવ્યો હતો, જેમાં કેદી જેલમાં બેઠક યોજીને સિગારેટ ફૂંકતા દેખાતા હતા. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે સબજેલમાં આવું શક્ય છે."

જોકે, તેઓ ઉમેરે છે, "આ પ્રકારની પ્રવૃત્તિ અધિકારીઓ નથી કરતા પણ નાના કર્મચારીઓ કરતા હોય છે. જેલમાં ફોન ઉપલબ્ધ કરાવવા જેવા ગુનાઓ નાના કર્મચારીઓ દ્વારા થતાં હોય છે."

"જોકે, કેટલાક કિસ્સાઓમાં બાહુબલીઓ જેલના કર્મચારીઓને ધાર્યું કામ કરાવવા મજબૂર કરતા હોય છે. જેલના મૅન્યુઅલ પ્રમાણે જેલકર્મીઓ જાતે કોઈ પગલાં લઈ શકતાં નથી. તેમને પોલીસ પર જ આધાર રાખવો પડતો હોય છે."

"હું જેલમાં ચાલતા ગોરખધંધાનો બચાવ નથી કરતો. જેલમાં ફોન લઈ જવો એક ગંભીર બાબત છે. શૌચાલય કે બગીચામાં છુપાવાયેલા મોબાઇલ ફોન મેં ભૂતકાળમાં પકડેલા છે. આ પ્રકારના ગોરખધંધા કાયદો અને વ્યવસ્થા માટે જોખમરૂપ છે."

આ અંગે જેલના એડિશન ડી.જી. એસ.કે. ગઢવીએ તપાસ ચાલુ હોઈ કંઈ વધુ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. જોકે તેમણે ઉમેર્યું, "આ સમગ્ર પ્રકરણની અમે તપાસ કરી રહ્યા છીએ અને જેલના બે અધિકારોને સસ્પેન્ડ કરી દેવાયા છે."

આ મામલે સાબરમતી જેલના આઈ.જી. કે. એલ. વી. રાવનો સંપર્ક સાધ્યો. એમણે પણ તપાસ ચાલી રહી હોવાને પગલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

અહીં એ વાત પણ નોંધવી રહી કે ગુજરાતની જેલોમાં ચાલતી કથિત ગેરકાયદે પ્રવૃત્તિ બદલ ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને બેદરકારી દાખવવા બદલ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતની જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ

  • વર્ષ 1982માં પોપટ નામના ટ્રિપર મર્ડરના આરોપી પર વારંવાર જેલમાંથી બહાર આવીને સાક્ષીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો અને પોલીસ આ મામલે સતત ઇન્કાર કરી રહી હતી. જોકે, સંદેશ અખબારના વરિષ્ઠ પત્રકાર નિરંજન પરીખે પાછલા બારણેથી જેલમાં પ્રવેશીને પોપટનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેને પગલે એ વખતની માધવસિંહ સોલંકીની સરકારને જેલના કાયદાઓ આકરા કરવાની ફરજ પડી હતી.
  • વર્ષ 1985-86માં જેલમાં બેસીને સાક્ષીઓ ફોડવા અને પોતાનું નેટવર્ક ચલાવવાના આરોપમાં અમદાવાદના બુટલેગર લતીફ પર અનેક આરોપ લાગ્યા હતા. 1995માં જેલમાં બંધ લતીફ પર પોતાના સાથીઓની મદદથી હત્યા કરવાનો આરોપ લગાવાયો હતો.
  • વર્ષ 1995માં ઓઢવની એક યુવતી બીજલ જોષી પર એડિશનલ જેલ આઈ. જી. કનુ પિલ્લાઈની મદદથી આઈએસઆઈના એજન્ટ સત્તાર બેટરી અને ઉસ્માન ગમી મૂર મહમદની વિગતો બહાર લાવી હોવાનો ખુલાસો થયો હતો અને કનુ પિલ્લાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • વર્ષ 1994થી સતત જેલમાં રહેલા અબ્દુલ વહાબ શેખના ઘરે 1998માં દીકરાનો જન્મ થયો ત્યારે કોર્ટમાં કબૂલ્યું હતું કે તે અઠવાડિયામાં ચાર વખત પોલીસની મદદથી ઘેર જતો હતો એટલે પિતા બની શક્યો હતો.
  • વર્ષ 1995થી 2005 સુધી જેલમાં રહેલા ચેતન બેટરીની વર્ષ 2005માં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના પછી ખુદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને જેલમાં બેકાળજી આચરવા બદલ ચેતન બેટરીનાં સગાંને 5 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.
  • વર્ષ 2013ના ફેબ્રુઆરીમાં સાબરમતી જેલના છોટા ચક્કરમાંથી સુરંગ કાઢવામાં આવી હતી. 213 ફૂટ લાંબી અને 16 ફૂટ ઊંડી આ સુરંગ 22 નવેમ્બર, 2012થી ખોદાવાની શરૂઆત કરાઈ હતી.
  • ફેબ્રુઆરી, 2013માં તેનો પર્દાફાશ થયો હતો. એન્જિનિયરિંગના કેટલાક નકશાઓ અને જેલના શૌચાલયની પાછળથી ગટર સુધી પહોંચવાની આ પાઇપલાઇન પણ પકડાઈ હતી.
  • વર્ષ 2009માં ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના આરોપી જયેશ ઠક્કર પાસેથી ડિસેમ્બર, વર્ષ 2017માં નડિયાદની જેલમાંથી મોબાઇલ પકડાયો હતો. વડોદરામાં અનિલ ઍન્થોની પાસેથી મોબાઇલ પકડાયો હતો.
  • નવેમ્બર, 2017માં વડોદરાની જેલમાંથી પાંચ મોબાઇલ ફોન પકડાયા હતા. નવેમ્બર, 2018માં સુરેન્દ્રનગરની સબ જેલના એક કેદીએ જેલની અંદર 10 હજારમાં મોબાઇલ ફોન અને તમાકુ-સિગારેટ મળતા હોવાનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. ડિસેમ્બર, 2018માં વડોદરાની જેલમાંથી વધુ બે મોબાઇલ પકડાયા હતા. 27 એપ્રિલ, 2018ના રોજ ચંપલની અંદર ખાનું બનાવીને સાબરમતી જેલમાં ફોન લઈ જતી એક વ્યક્તિ પકડાઈ હતી.
  • બૅન્કમાં છેતરપિંડી કરવાના મામલે પકડાયેલા અમિત ભટ્ટનાગર નામના આરોપી પાસેથી નવેમ્બર, 2019માં બે મોબાઇલ ફોન પકડાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો