સ્મૃતિસંગ્રહાલયમાંથી ગાંધીહત્યાની તસવીરો હઠાવાતા ગાંધીજનો નારાજ

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીના પ્રખ્યાત ગાંધી સ્મૃતિસંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક તસવીરો હઠાવી દેવાઈ છે અને તેને લઈને વિવાદ થયો છે.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી તેમજ અન્ય ગાંધીવાદીઓનું કહેવું છે કે ડિજિટલાઇજેશનના બહાને મહાત્મા ગાંધીની હત્યા અને અને એમની અંતિમ યાત્રાની તસવીરોને ઇરાદાપૂર્વક હઠાવી દેવાઈ છે.

જોકે, મ્યુઝિયમના નિદેશક આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીસ્મૃતિમાં અગાઉ મહાત્મા ગાંધીના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને ડિસપ્લે બોર્ડ પર તસવીરો દ્વારા દેખાડાતી હતી અને તેમાં એમની હત્યા અને અંતિમયાત્રાની તસવીરો પણ હતી, પરંતુ હવે એ તસવીરોને હઠાવી દેવાઈ છે.

ગાંધીજીની હત્યા અને અંતિમયાત્રાની તસવીરોને સ્થાને ત્યાં એક ડિજિટલ સ્ક્રીન મૂકવામાં આવી છે. આ ડિજિટલ સ્ક્રિન પર 6થી 8 તસવીરો એક પછી એક ચાલ્યા કરે છે.

ગાંધીવાદીઓ ડિજિટલાઇઝેશનની આ રીત પર વાંધો ઉઠાવી કેન્દ્ર સરકારની દાનત પર સવાલ કરી રહ્યા છે.

ગાંધીવાદીઓને વાંધો

તુષાર ગાંધીનો આરોપ છે કે ડિજિટલ કરવાના ઓઠા હેઠળ તસવીરોનું મહત્ત્વ ઘટાડાઈ રહ્યું છે અને તે હવે પહેલાંની જેમ જીવંત અને આકર્ષક નથી લાગતી.

તુષાર ગાંધીનું કહેવું છે કે એક રીતે આ કામ આ એ સમયની સ્મૃતિઓને ઝાંખી કરી દેવાનો પ્રયાસ છે.

તેઓ કહે છે, "બાપુની હત્યાની વાતથી આ સરકારને પરેશાની થાય છે કેમ કે એ ઇતિહાસ જેટલો ઉજાગર થશે એમ લોકોને એ ખબર પડી જશે. જેઓ સરકારના પ્રેરણાસ્રોત છે એમની એમાં ભૂમિકા છે. એટલા માટે એમની એવી કોશિશ છે કે બાપુના ઇતિહાસને ઝાંખો કરી દેવાય."

તુષાર ગાંધી કહે છે કે પહેલાં આ સંગ્રહાલયમાં અનેક એવી તસવીરો હતી જે ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતી હતી અને ગાંધીજીની હત્યાની સાક્ષી પૂરતી હતી.

તેઓ ઉમેરે કે ડિજિટલ કરાયેલી એ તસવીરોમાં ગાંધીજીની હત્યામાં વપરાયેલી પિસ્તોલની તસવીર પણ હતી.

એ ઉપરાંત ગુલાબની પાંખડીઓમાં વચ્ચે રખાયેલા એમના પાર્થિવ દેહ સાથે અંતિમયાત્રામાં ઉમટેલાં લોકોની તેમજ ભાગ લેનારા મોટા-મોટા નેતાઓની તસવીરો પણ હતી.

વડા પ્રધાન પર સવાલો

તુષાર ગાંધી કહે છે, "જ્યારે મેં જોયું કે તસવીરો ત્યાં નથી તો મને ખૂબ આશ્ચર્ય થયું. તે એક સ્ક્રીનમાં બદલાઈ ગઈ છે. મેં પૂછ્યું કે કેમ બદલવામાં આવ્યું તો સ્ટાફે મને કહ્યું ઉપરથી આદેશ આવ્યો હતો."

"મને ત્યાં હાજર લોકોએ કહ્યું કે ગત વર્ષે નવેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી તે પછી એ આદેશ આવ્યો હતો."

જોકે, ગાંધી સ્મૃતિના નિદેશક દીપાંકર શ્રીજ્ઞાન આ વાતનો ઇન્કાર કરે છે. તેઓ કહે છે કે એમની પાસે આદેશ આ મ્યુઝિયમનું સંચાલન કરનારી સંસ્થા તરફથી આવ્યો હતો.

દીપાંકર શ્રી જ્ઞાન કહે છે કે, "ગાંધીસ્મૃતિ અને દર્શનસમિતિ એક સ્વાયત્ત સંસ્થા છે. આનું સંચાલન કરનારી એક ઉચ્ચ સંસ્થા છે, જેના આદેશોનું અમે પાલન કરીએ છીએ."

"અમને ઉચ્ચ સંસ્થા તરફથી મ્યુઝિયમને ડિજિટલાઇઝ કરવાનો આદેશ મળ્યો હતો અને એ પ્રમાણે તસવીરોને સ્ક્રીનમાં નાખી રહ્યા છીએ."

"અનેક તસવીરોને બદલવામાં આવી છે અને કેટલીક આગળ પણ બદલવામાં આવશે."

"આ પ્રક્રિયા ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ ડિજિટલાઇઝેશન સિવાય કંઈ નથી."

દીપાંકર ગાંધીસ્મૃતિ અને દર્શનસમિતિની દેખરેખ કરનારી જે ઉચ્ચ સંસ્થાની વાત કરે છે એ ભારત સરકારના સંસ્કૃતિમંત્રાલયની નાણાકીય સહાય થકી ચાલે છે અને ભારતના વડા પ્રધાન તેના અધ્યક્ષ છે. ગાંધીસ્મૃતિની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે વરિષ્ઠ ગાંધીવાદીઓ અને સરકારના અલગઅલગ વિભાગોના પ્રતિનિધિઓ આ મ્યુઝિયમને વિભિન્ન કાર્યો માટે દિશાનિદેશ આપે છે.

ગાંધીવાદીઓનો એવો પણ આરોપ છે કે આ સંસ્થામાંથી ગાંધીવાદીઓને હઠાવી દેવામાં આવ્યા છે.

શું પરિવર્તન આવ્યું છે?

તુષાર ગાંધી કહે છે, "ગાંધીસ્મૃતિ એ મહાત્મા ગાંધીનું જીવનવૃત્તાંત છે. અહીં લોકો એમની સાથે સંકળાયેલાં ચિત્રો, તસવીરો જોવા માટે આવે છે.""આ સ્થળનું એક અલગ જ વાતાવરણ છે, પરંતુ તસવીરોને સ્ક્રીનમાં નાખીને એ વાતાવરણ ખતમ કરી દેવાયું છે."

"પહેલાં લોકો રોકાઈને તસવીરો જોતા. એની સાથેની વિગતો વાંચતા હતા પરંતુ હવે જો તેઓ વાંચવા ઇચ્છે તો સ્ક્રીન પર તસવીર ઘડીક રોકાય છે અને બદલાઈ જાય છે."

"એના લીધે લોકો લખેલું વિવરણ પણ સારી રીતે વાંચી શકતા નથી અને તરત તસવીર બદલાઈ જાય છે. ક્યારેક સ્ક્રીન બ્લૅક પણ થઈ જાય છે."

"લોકોને શું સમજમાં આવશે? આ તો સ્ક્રીન પર ચાલતી જાહેરાત જેવું છે અને તે લોકોનું ધ્યાન ન ખેંચી શકે. લોકો ભારતના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટનાને તસવીરોના માધ્યમથી જોવામાંથી ચૂકી જાય છે."

જોકે, દીપાંકર શ્રીજ્ઞાનનું કહેવું છે કે જ્યાં સુધી લોકોને જોવાની વાત છે તો એમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો. લોકોએ આ પ્રયોગને વખાણ્યો છે.

તેઓ કહે છે, "સ્ક્રીન પર 6થી 8 તસવીરો દેખાય છે અને તસવીર એક મિનિટ માટે રોકાય છે. આ સમય દરમિયાન લોકો એના વિશે વાંચી શકે છે."

"સાથે જ હું કહું છું કે જે કોઈને પણ શંકા હોય, તે અહીં આવીને જુએ કે તસવીરોમાં કોઈ પરિવર્તન નથી કરાયું. જે તસવીરો અંગે સવાલ કરવામાં આવ્યો છે તે પણ એ જ રીતે ગૅલેરીમાં ડિજિટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે.

તુષાર ગાંધીનું કહેવું છે એમને ડિજિટલાઇઝેશનથી કોઈ વાંધો નથી પરંતુ એમાં સયંમ રાખવાની જરૂર છે. એમનું કહેવું છે કે ગાંધીજીના ઓરડા અને એમના જીવન સાથે સંબંધિત તસવીરોને એમ જ રાખવામાં આવે અને સ્ક્રીન લગાવવી હોય તો અન્ય સ્થળે લગાવીને એ તસવીરો મૂકી શકાય છે.

ગાંધીસ્મૃતિના નિદેશક દીપાંકરનું કહેવું છે કે ગાંધીજીના ઓરડા સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી અને કરવામાં પણ નહીં આવે.

કઈ તસવીરો ડિજિટલ થઈ

ગાંધી સ્મૃતિસંગ્રહાલયને બિરલા હાઉસના નામે ઓળખવામાં આવે છે. નાથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધી પર ગોળી ચલાવી હતી. બિરલા હાઉસમાં જ મહાત્મા ગાંધીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ સ્થળે મહાત્મા ગાંધીએ અંતિમ સમય વિતાવ્યો. અહીં એ ઓરડો પણ છે જેમાં હત્યા અગાઉ ગાંધીજી રહેતા હતા. એક રીતે આ સ્થળ મહાત્મા ગાંધીની જીવનયાત્રાનું સાક્ષી છે.

ફ્રાંસના ફોટોગ્રાફર હૅનરી કાર્તિયર-બ્રૅસને મહાત્મા ગાંધીની હત્યા અને અંતિમસંસ્કારની તસવીરો ઝડપી હતી અને તે તેમણે ગાંધીસ્મૃતિને ભેટમાં આપી હતી. એ તસવીરોને સંગ્રહાલયની લૉબીમાં લગાવવામાં આવી હતી.

ઇરાદાઓ પર સંદેહ

ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કુમાર પ્રશાંત પણ આ ફેરફારને જોવા માટે ગાંધીસ્મૃતિમાં ગયા હતા. એમણે બીબીસીને કહ્યું કે આ બદલાવ યોગ્ય નથી.

એમણે કહ્યું, "ડિજિટલાઇઝેશન અન્ય રીતે પણ થઈ શકે છે. તમે તસવીરોની આત્મા સાથે છેડછાડ ન કરી શકો. હવે તો ટેકનૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે તમે તસવીરોને બહેતર રીતે દેખાડી શકો છો."

"અત્યારે જે કરવામાં આવ્યું છે તે તસવીરોનું મહત્ત્વ વધારવાને બદલે ઘટાડે છે."

કુમાર પ્રશાંત કહે છે કે, "ભાજપને કાયમ મહાત્મા ગાંધીની હત્યા સાથે સંબંધિત જાણકારીથી તકલીફ રહી છે, કારણ કે એમની હત્યા કરનાર એમની સાથે જ જોડાયેલો હતો."

તેઓ કહે છે, "ડિજિટલાઇઝેશન વસ્તુઓની સંભાળ અને સુરક્ષા માટે હોય છે, પરંતુ અહીં મામલો અલગ છે. ઐતિહાસિક સ્મારક અને ખાસ કરીને એક જીવંત સ્મારકમાં રોજ હજારો લોકો આવે છે."

"તસવીરોને જોઈને તેને અનુભવે છે અને ભાવુક થાય છે. હવે એ સ્થળે ફક્ત એક ઇલેકટ્રૉનિક અહેસાસ રહી જાય તો એ એક રીતે ઇતિહાસ ભૂંસી દેવાની કોશિશ છે."

કુમાર પ્રશાંત કહે છે, "ગાંધીજીના કામોનો એક સંગ્રહ છે, 100 વૉલ્યુમ - ધ કલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી. આના 100 સંસ્કરણો છે. ગાંધીજીએ જે કહ્યું અને લખ્યું તે તમામ એક જ સ્થળે છાપવામાં આવ્યાં છે."

"અટલ બિહારી વાજપેયીની સરકારે આ તમામ સંસ્કરણો ખરાબ ન થઈ જા તે માટે તેનું ડિજિટલાઇઝેશન કર્યું હતું, પરંતુ જ્યારે તેનું ડિજિટલ સંસ્કરણ બન્યું તો એમાંથી ગાંધીજીએ આરએસએસ વિશે કહી હતી એ વાતોના અનેક અંશો હઠાવી દેવામાં આવ્યા. આ રીતે કમસેકમ 700 પાનાઓ કાઢી નાખવામાં આવ્યા."

"આનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેને ડિજિટલ સંસ્કરણમાં ઉમેરવામાં આવ્યા. આ લોકોનો રેકર્ડ એટલો ખરાબ છે કે આ ફક્ત ટેકનિકલ મામલો છે એવો ભરોસો કરવો સંભવ નથી."

"એમને લાગે છે કે લોકો ગાંધીજીની હત્યાની ધૂંધળી યાદો સાથે લોકો એમની હત્યાને પણ ભૂલી જશે. હત્યા કરનારા એમનામાંથી જ એક હતો એટલે એની ખરાબ છબિ લોકોના દિમાગમાં ન આવે તે માટે તસવીરો લોકો સામેથી હઠાવી દેવાઈ."

સેન્ટ્રલ ગાંધીસ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહી કહે છે, "સંગ્રહાલયમાં ઈસવીસન 1947 સુધીનાં ચિત્રો હતાં એમ રાખવામાં આવ્યા છે, પરંતુ 1948ના એક મહિનાનો જે સમય છે એનાં ચિત્રો હઠાવીને ત્યાં ગાંધીજીનાં ગ્રામસભાનાં વિચારો મૂકી દેવામાં આવ્યા છે."

રામચંદ્ર રાહીનો વાંધો એ છે કે એમની જીવનયાત્રાના ક્રમને તોડવો ન જોઈએ.

જોકે, ગાંધી સ્મૃતિના નિદેશક દીપાંકર કહે છે, "આ આરોપોની હકીકત જાણવા માટે લોકો મ્યુઝિયમમાં આવે. હું જૂની અને નવી વસ્તુઓ દેખાડવા તૈયાર છું. લોકો આવે અને કહે કે કેવો ફેરફાર થયો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો