ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ : 'જો બાપુ હોત તો સરકાર સામે ઝંડો લઈને જાતે નીકળી પડ્યા હોત'

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તરાયણના દિવસે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA), NRC અને NPR અંગે પોતાનો વિરોધ રજૂ કરવા માટે આ તમામ જોગવાઈઓનો વિરોધ કરતી સૂત્રોની પ્રિન્ટવાળા પતંગ ઉડાવવાનું નક્કી કરાયું હતું.

જોકે, વિદ્યાર્થીઓનો આરોપ છે કે CAA (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) , NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને NPR (નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર) વિરુદ્ધ સૂત્રો લખેલા પતંગ ચગાવવા જતા વિદ્યાર્થીઓને પોલીસે વિદ્યાપીઠના કૅમ્પસમાં ઘૂસીને અટકાવ્યા હતા.

આ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી.

સરકારી જોગવાઈઓ વિરુદ્ધ અહિંસક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની કનડગત કરવાનો પોલીસ પર આરોપ મુકાયો છે.

દેશભરમાં ચાલી રહેલાં સરકારની નીતિ વિરુદ્ધનાં આંદોલનો અને તેને દબાવવા માટે સરકારી તંત્ર તરફથી થઈ રહેલા પ્રયત્નોની વ્યાપક અસર વિશે જાણવા કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

આંદોલનમાંથી જન્મેલી વિદ્યાપીઠમાં આંદોલનકારીઓ અસુરક્ષિત

ગૂજરાત વિદ્યાપીઠમાં અહિંસકપણે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા અટકાવવાની ઘટનાને વખોડતાં સામાજિક કાર્યકર મનીષી જાની જણાવે છે કે :

"વિદ્યાપીઠ આંદોલનના ભાગરૂપે ઊભી થયેલી સંસ્થા છે, વિદેશી ભણતરનો ત્યાગ અને વિદેશી સરકારના વિરોધ માટે બનેલી સંસ્થામાં જ, જો આજે સરકારની નીતિ વિરુદ્ધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હોય, તો તે ખૂબ જ દુ:ખદ ઘટના કહેવાય."

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ વિદેશી સરકાર સામે જનઆંદોલનને વધુ વ્યાપક બનાવવા અને ગાંધીજીના આદેશાનુસાર વિવિધ પ્રવૃતિઓ થકી સરકારની નીતિઓ સામે વિરોધ કરવા માટે તૈયાર રહેતા હતા."

"આવો ભવ્ય ઇતિહાસ અને વિરોધનો વારસો ધરાવતી સંસ્થામાં વિદ્યાર્થીઓને સરકારની નીતિ વિરુદ્ધ અહિંસકપણે પોતાના વિચારો રજૂ કરતા અટકાવવા એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે."

ઉલ્લેખનીય છે કે વર્ષ 1920માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

કેમ આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ?

વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલાં આંદોલનોનાં મૂળ કારણો અંગે ચર્ચા કરતાં મનીષી જાની જણાવે છે :

"અત્યારના યુવાનો સરકાર દ્વારા મૂળભૂત મુદ્દા અને સમસ્યાઓ પર વાત ન કરી અને CAA, NRC અને NPR વગેરે જેવી જોગવાઈઓને મહત્ત્વ અપાતું જોઈને, ઉપેક્ષિત અનુભવી રહ્યા છે."

"તેથી તેઓ સરકાર વિરુદ્ધ અલગ-અલગ રીતે પ્રદર્શનો કરી રહ્યા છે."

"અને સરકાર તેમના વિરોધના મૂળ કારણને જાણ્યા વગર દમન થકી તેને ડામવા મથી રહી છે તે ખરેખર અયોગ્ય છે."

1973-'74 દરિયાન ગુજરાતની ચીમનભાઈ પટેલ (કૉંગ્રેસ) સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા, ત્યારે જાની પણ તેમાં સામેલ હતા.

વિદ્યાર્થીઓ અને નાગરિકોના આક્રોશને પગલે વર્ષ 1974માં ચીમનભાઈએ તેમના પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું હતું.

જો ગાંધીજી હોત તો...

સાબરમતી ગાંધી આશ્રમના આશ્રમવાસી ધીમંત બઢિયા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને વિરોધ કરતા અટકાયા હોવાની વાત અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં જણાવે છે કે :

"સરકાર અને પોલીસ દ્વારા અહિંસક વિરોધને પણ ડામવાનો પ્રયત્ન થાય એ તો ખરેખર ગાંધીજીનાં મૂલ્યોની વિરુદ્ધ છે."

"જોકે, હાલ દેશની તમામ ગાંધીસંસ્થાઓ સરકારની અયોગ્ય નીતિ વિરુદ્ધ બોલવાની પરંપરા જાળવી શકી નથી."

"ઉપરથી સરકાર એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે કે જેથી ગાંધીસંસ્થાઓમાંથી ઊઠી રહેલા અવાજોને દબાવી શકાય."

"આવી પરિસ્થિતિમાં સરકાર આવનારા દિવસોમાં કોઈ પણ ગાંધીસંસ્થાને તેના મૂળ રૂપમાં નહીં રહેવા દે એ વાતનો ભય વધી ગયો છે."

જો ગાંધીજી હોત તો શું વિદ્યાર્થીઓને વિરોધ કરતા અટકાવાયા હોત?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, "જો ગાંધીજી હોત તો આ ઘટના બદલ પોતે સરકાર અને તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કરવા ઝંડો લઈને નીકળી પડ્યા હોત."

"વિદ્યાર્થીઓ પર થઈ રહેલા દમનનો વિરોધ કરવા માટે બાપુએ પોતે આ મુદ્દે આગેવાની સંભાળી હોત, એ વાતે કોઈ બેમત નથી."

CAA વિરુદ્ધ નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી તથા ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિયાન ચલાવ્યું છે.

ગાંધીઆદર્શો અને મૂલ્યો વિશે વાત કરતાં મનીષી જાની જણાવે છે કે, "ગાંધીજી પોતાના વિરોધી સાથે પણ સંવાદમાં માનતા."

"જ્યારે આજની સરકારો પોતાના વિરોધીઓને દબાવવામાં માને છે."

"વિદ્યાર્થીઓને પોતાનો વિરોધ વ્યક્ત કરતા અટકાવવાની ઘટના આ સંવાદના અભાવને દર્શાવે છે."

"પોલીસની આ પ્રકારની કાર્યવાહી ગાંધીજીના તમામ સિદ્ધાંતો જેના આધારે વિદ્યાપીઠની રચના થઈ છે તેની અવહેલના છે."

દમનકારી પગલું

અમદાવાદની એચ. કે. કૉલેજના પ્રોફેસર સંજય ભાવેએ બીબીસી સાથેની વાતચીતમાં આ ઘટનાને દમનકારી ગણાવતાં કહ્યું હતું કે,

"ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસે પ્રવેશ કરીને વિદ્યાર્થીઓને CAA-NRCનો વિરોધ કરવા માટે પતંગ ઉડાવતાં અટકાવ્યાની ઘટના દમનકારી છે."

"પહેલાં તો પોલીસે વિદ્યાપીઠપરિસરમાં પ્રવેશ કયા આધારે કર્યો એ પ્રશ્ન છે."

"પોલીસ વિદ્યાકીય સંકુલમાં સંકુલના સત્તાવાળાઓએ બોલાવ્યા વિના પ્રવેશ ન કરે એ દેશ અને દુનિયામાં સ્વીકૃત બાબત છે."

"ગુજરાત વિદ્યાપીઠ કે બીજા કોઈ પણ શૈક્ષણિક સંકુલમાં પોલીસ આમ પ્રવેશે તે ખૂબ ખરાબ બાબત છે." "એ પણ સ્પષ્ટ છે કે ગુજરાત રાજ્ય સરકાર એનઆરસી સીએએ વિદ્યાર્થીઓના અવાજને દબાવી રહી છે."

"થોડા દિવસ પહેલાં પણ સરકારે બીજી સંસ્થામાં પરોક્ષ રીતે આ મુદ્દે ડારો કર્યો હતો. સરકારનાં આવાં પગલાં અને વલણને વખોડવું પડે"

વિદ્યાર્થીઓના આરોપ

એક વિદ્યાર્થી ભાવેશ બારિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમે લોકોએ વિદ્યાપીઠના મેદાનમાં પતંગ ચગાવી વિરોધ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસે અમને મેદાનમાં જતા રોક્યા."

"પોલીસે અમને કહ્યું કે તમે અહીં પતંગ ન ચગાવી શકો."

"તેમણે કહ્યું કે ગાંધીની વિદ્યાપીઠ જેમણે અન્યાય સામે પ્રતિકાર માટે 1920માં વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, તેના 100 વર્ષ પૂરા થવામાં છે ત્યારે વિદ્યાપીઠના નક્શો બદલાઈ રહ્યો છે."

"પોલીસે વિદ્યાર્થીઓને રોકતા તમામ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠના ગેટ પર પહોંચ્યા હતા."

"ગેટ ઉપર પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. વિદ્યાર્થીઓએ ગેટ પર રાષ્ટ્રગીત ગાઈને વિરોધ કર્યો હતો."

"વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદાનો વિરોધ કરતી પતંગોને રસ્તા પર પાથરી દીધા હતા."

"વિદ્યાર્થીનું કહેવું છે કે ગૂજરાત વિદ્યાપીઠનાં મેદાનમાં પોલીસે તેમને એવા પતંગ ચગાવવાથી રોક્યા હતા, જેમાં લખ્યું હતું કે 'સંવિધાન બચાવો, દેશ બચાવો' અને 'નો સીએએ, નો એનઆરસી.'

વિરોધ બાદ આખરે પોલીસે પીછેહઠ કરવી પડી હતી અને પોલીસની ગાડી જે શરૂઆતમાં ગૂજરાત વિદ્યાપીઠની અંદર હતી તેને બહાર ખસેડી લેવાઈ હતી.

તો લાંબી રકઝક પછી પોલીસે વિદ્યાર્થીઓ નાગરિકતા કાયદાના વિરોધમાં પતંગ ચગાવે તેની સામેનો વાંધો પડતો મૂકવો પડ્યો હતો.

ઘટના અંગે પોલીસનું નિવેદન

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની આ મુદ્દે વાતચીત કરતાં અમદાવાદ ઝોન-1 ડીસીપી, પી. એલ. માલે જણાવ્યું હતું

"ઘટનાના આગલા દિવસે સોશિયલ મીડિયા પર મકરસક્રાંતિના દિવસે ગૂજરાત વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો અને NRCના વિરોધમાં એક પ્રદર્શન યોજાવાનું છે."

"અમારી પાસે એવા ઇનપુટ પણ હતા કે, આ વિરોધપ્રદર્શન દરમિયાન બહારના વિદ્યાર્થીઓનું જૂથ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશી શકે છે."

"જે કારણે વિદ્યાર્થીજૂથોમાં અંદરોઅંદર ઘર્ષણ થવાની સંભાવના હતી."

"તેથી અમે પેટ્રોલિંગના ભાગરૂપે વિદ્યાપીઠમાં દાખલ થયા હતા."

જ્યારે તેમને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "ગૂજરાત વિદ્યાપીઠ અમારી હદમાં આવતી હોવાના કારણે યુનિવર્સિટી પ્રશાસન પાસેથી અમારે કોઈ પણ પ્રકારની પરવાનગી મળે એની રાહ જોવી ન પડે."

"તેથી અમારી પાસે રહેલી માહિતીના આધારે અમે કાર્યવાહી કરી હતી."

સામાન્ય રીતે યુનિવર્સિટી પરિસરમાં પોલીસ ન પ્રવેશે તેવો શિરસ્તો છે, પરંતુ ન પ્રવેશી શકે તેવો કોઈ નિયમ નથી અને અસામાન્ય સંજોગોમાં પ્રવેશી શકે છે.

તો ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આંયગરે કહ્યું હતું કે, "અમે તમામ ટ્રસ્ટીઓ આંદોલનના માણસો છીએ."

"તેમજ પોલીસની આ કામગીરીનો વિરોધ કરીએ છીએ."

"અમને પોલીસ કેવી રીતે આવી એની જાણ નથી, પરંતુ આ અંગે કુલનાયકનું ધ્યાન દોરવામાં આવે."

"વિદ્યાપીઠમાં પોલીસ ન આવવી જોઈએ તે હું ચોક્કસ માનું છું અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો