You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન પ્લેન ક્રેશ : ભૂલથી વિમાન તોડી પાડ્યાના વિરોધમાં સતત બીજે દિવસે વિરોધપ્રદર્શન
ઈરાનના પાટનગર તેહરાનના રસ્તા પર સેંકડો લોકો પ્રદર્શન કરી રહ્યા છે.
ઈરાને માનવીય ભૂલમાં યુક્રેનનું એક વિમાન તોડી પાડતા લોકો ગુસ્સે થયા છે. રવિવારથી શરૂ થયેલા વિરોધપ્રદર્શનોનો આજે બીજો દિવસ છે.
આ વિમાની દુર્ઘટનામાં 176 લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના ઈરાનના નાગરિક છે.
શરૂઆતમાં ઈરાનના વહીવટી તંત્ર દ્વારા યુક્રેનના વિમાનને નુકસાન નહીં પહોંચ્યાડ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, પાછળથી ઈરાને ભૂલ સ્વીકારી છે.
લોકો વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ અધિકારીઓ વિરુદ્ધ તેહરાનની બે યુનિવર્સિટીઓની બહાર પ્રદર્શન થઈ રહ્યાં હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ટિયરગેસનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.
તેમજ અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રદર્શનોને પ્રેરક ગણાવતાં, તેના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ઈરાને શનિવારે એટલે કે વિમાન ક્રેશના 3 દિવસ બાદ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે તેમના મિસાઇલના કારણે જ વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર તમામ 176 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
યુક્રેનિયન ઍરલાઇન્સનું આ વિમાન તેહરાન થઈ યુક્રેન જઈ રહ્યું હતું.
વિરોધપ્રદર્શનમાં શું થઈ રહ્યું છે?
તેહરાનથી મળી રહેલી માહિતી પ્રમાણે ઓછામાં ઓછી બે યુનિવર્સિટી, શરીફ અને આમિર કાબિરની બહાર પ્રદર્શનકારીઓ ભેગા થયા છે.
પહેલાં એવું કહેવાઈ રહ્યું હતું કે આ લોકો અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ભેગા થયા છે.
પરંતુ સાંજ પડતાં જ આ પ્રદર્શન ઉગ્ર બની ગયું.
ઈરાનની ફાસ સમાચાર એજન્સી દ્વારા વિરોધ પ્રદર્શન અંગેના સમાચારો પ્રસિદ્ધ કર્યા છે.
મોટા ભાગે આ અર્ધ-સરકારી એજન્સી સરકારવિરોધી સમાચારો ભાગ્યે જ પ્રસિદ્ધ કરે છે.
તેના રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાનના સત્તાધારી નેતાઓ વિરુદ્ધ હજાર કરતાં વધારે લોકો નારાબાજી કરી રહ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે આ વિરોધપ્રદર્શનોમાં મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ છે.
તેઓ વિમાનને તોડી પાડવા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ નારાબાજી દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા કમાન્ડર ઇન ચીફ અયતોલ્લાહ અલી ખમેનેઈના રાજીનામા અને જુઠ્ઠું બોલનાર તમામને મૃત્યુદંડ આપવાની માગ કરી રહ્યા છે.
ફાંસ સમાચાર એજન્સી પ્રમાણે પોલીસકર્મચારીઓએ રસ્તા રોકી રાખનાર પ્રદર્શનકારીઓ પર પણ કાર્યવાહી કરી છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો ફૂટેજ ચાલી રહ્યું છે તેમાં ટિયરગેસનો ઉપયોગ થતો પણ જોઈ શકાય છે.
આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટ કર્યું, "હું મારા દેશના એ અધિકારીઓને ક્યારેય ક્ષમા નહીં કરું જેઓ આ અપરાધમાં સામેલ હતા અને જુઠ્ઠું બોલી રહ્યા હતા."
જોકે, તેહરાનમાં જોવા મળી રહેલ આ વિરોધપ્રદર્શન ઈરાનના કમાન્ડર સુલેમાનીના મૃત્યુ બાદ યોજાયેલાં પ્રદર્શનોની સરખામણીએ ખૂબ સામાન્ય છે.
ડૉનાલ્ડ ટ્રમ્પનું સમર્થન
આ વિરોધપ્રદર્શન વિશે અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજી અને ફારસી બંને ભાષામાં ટ્વીટ કર્યું છે.
પોતાના ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું છે કે, "ઈરાનની બહાદુર જનતા, હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારથી તમારા પક્ષે ઊભો છું. મારી સરકાર તમારો સાથ આપશે. અમારી નજર તમારા પ્રદર્શન પર રહેશે. તમારું સાહસ પ્રેરણાદાયી છે."
તેમજ અમેરિકન વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પણ ઈરાનના વિરોધપ્રદર્શનના વીડિયો ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું કે, "ઈરાનના લોકોનો અવાજ સ્પષ્ટ છે. તેઓ ઈરાની સરકારનાં જુઠ્ઠાણાં, ભ્રષ્ટાચાર, અયોગ્યતા અને ખમેનેઈના નેતૃત્વવી સેનાના આતંકથી ત્રસ્ત થઈ ચૂકી છે. અમે ઈરાનની જનતાની સાથે ઊભા છીએ, જેઓ બહેતર ભવિષ્યના હકદાર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો