ઈરાની સૈન્યે જણાવ્યું, 'ભૂલથી તોડી પાડ્યું હતું યુક્રેનનું વિમાન'

ઈરાનની સરકારી ટીવીના રિપોર્ટ અનુસાર સૈન્યે શનિવારે કહ્યું કે 'ભૂલ'થી યુક્રેનનું પ્રવાસીવિમાન તેણે તોડી પાડ્યું હતું. આ વિમાનમાં 176 લોકો સવાર હતા.

ઈરાન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં આને 'માનવીય ભૂલ' ગણાવાઈ છે.

બૉઇંગ 737 ફ્લાઇટ યુક્રેનિયન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સની હતી. ઉડાણ ભર્યાના થોડા સમયમાં જ તેને તહેરાનની બહારના વિસ્તારમાં તોડી પડાઈ હતી.

ઈરાને અમેરિકન સૈન્યનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. એના થોડા કલાકો બાદ આ વિમાનને તોડી પડાયું હતું.

આ પહેલાં ઈરાન આ વાતનો ઇન્કાર કરી રહ્યું હતું કે તેણે વિમાન તોડી પાડ્યું છે.

અમેરિકા અને કૅનેડાએ પોતાની ગુપ્ત સૂચનાના આધારે જણાવ્યું હતું કે ઈરાને વિમાન તોડી પાડ્યું છે. આ વિમાન યુક્રેનની રાજધાની કીવ જઈ રહ્યું હતું.

વિમાનમાં 167 મુસાફરો અને ચાલકદળના નવ સભ્યો સવાર હતા.

ફ્લાઇટમાં ઈરાનના 82, કૅનેડાના 13 અને યુક્રેનના 11 નાગરિકો પણ સવાર હતા.

'ભૂલનો સ્વીકાર'

ઈરાને જણાવ્યું છે કે વિમાને પ્રત્યાશિત રીતે સંવેદનશીલ સૈન્ય ઠેકાણાં તરફ ટર્ન લીધો હતો. આ પહેલાં ઈરાને વિમાનની દૂર્ઘટના માટે તકનીકી ખામીને જવાબદાર ઠેરવી હતી.

ઈરાની સૈન્યે પોતાના નિવેદનમાં જણાવ્યું, "વિમાન રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરના બેઝની નજીક આવી ગયું હતું. આ સ્થિતિમાં માનવીય ભૂલ થઈ અને વિમાનને તોડી પડાયું."

સમાચાર એજન્સી એએફપી અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે યુક્રેનનું વિમાન તોડી પાડવું એ બહું મોટી ટ્રૅજેડી છે. જેણે પણ ભૂલ કરી એને માફ નહીં કરવામાં આવે.

ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે ટ્વીટ કરીને આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "બહુ જ દુ:ખદ. સૈન્યની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ માનવીય ભૂલ હતી. જે અમેરિકાના દુ:સાહસના કારણે સંકટની ક્ષણે થઈ. અમે આ માટે માફી માગીએ છીએ અને લોકો સાથે અમારી સંવેદનાઓ છે."

ઈરાની સૈન્યે પોતાના નિવેદનમાં જણાવ્યું છે, "ઈરાકમાં અમેરિકન ઠેકાણા પર મિસાઇલથી હુમલો કરાયા બાદ અમેરિકન સૈન્યનાં વિમાનો ઈરાની સરહદની ચોતરફ ઊડવાં લાગ્યાં હતાં. એવામાં ઈરાની સૈન્યના ઍરિયલ પર સૈન્ય બેઝ તરફ આવી રહેલું એક વિમાન દેખાયું. ઈરાનની કેટલીય ડિફેન્સ સિસ્ટમની પ્રવૃતિઓ વધી ગઈ હતી. આવી સ્થિતિમાં યુક્રેનિયન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ ફ્લાઇટ 752એ તહેરાનના ઇમામ ખુમૈની ઍરપૉર્ટ પરથી ઉડાણી ભરી હતી. ઉડાણ ભર્યા બાદ તે આઈઆજીસી સૈન્ટ સેન્ટરની નજીક આવી ગયું હતું. આવી સ્થિતિમાં ભૂલથી વિમાન તોડી પડાયું. આ ભૂલને કારણ કેટલાય ઈરાની ઉપરાંત વિદેશી નાગરિકોનાં પણ જીવ ગયા."

ઈરાન પર વિમાન તોડી પાડવાની જવાબદારી લેવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.

અમેરિકા અને તેના સહયોગી દેશોએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે ગુપ્ત સૂચના મળી છે કે વિમાન મિસાઇલ હુમલાનો શિકાર બન્યું છે.

શંકા એટલે પણ વધી ગઈ હતી કે ઈરાને થોડા સમય પહેલાં જ અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ઈરાને શું કહ્યું હતું?

ઈરાને પહેલાંથી જ એ વાતની સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ ઘટનાસ્થળેથી પ્રાપ્ત થયેલ 'બ્લૅક-બોક્સ' વિમાન બનાવનાર કંપની બોઇંગ કે અમેરિકાને નહીં સોંપે.

આ ઘટના 3 જાન્યુઆરીના રોજ ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયા બાદ તેમજ તેના જવાબમાં ઈરાને ઇરાકમાં સ્થિત અમેરિકન ઠેકાણાં પર મિસાઇલ હુમલો કર્યા બાદ ઘટી હતી.

જોકે, આ ઘટના અંગેની તપાસ કરવા માટે ઈરાની વહીવટી તંત્ર દ્વારા અમેરિકન નેશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફટી બોર્ડ(NTSB)ને ઘટનાની તપાસમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સંસ્થાએ પણ પોતાના પ્રતિનિધિઓને ઘટનાસ્થળે મોકલવાની વાત કરી હતી.

બોઇંગે પણ તપાસમાં NTSBને મદદ કરવાની બાંહેધરી આપી હતી. તેમજ તહેરાને દુર્ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરવા માટે કૅનેડાના ટ્રાન્સપૉર્ટેશન સેફટી બોર્ડને પણ કહેણ મોકલાયું હતું.

આ ઉપરાંત ફ્રાન્સની BEA ઍર-ઍક્સિડન્ટ એજન્સીએ પણ શુક્રવારે આ તપાસમાં ભાગ લેવાનું આમંત્રણ મળવાની વાત કબૂલી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો