ઓમાનના સુલતાન કાબૂસ બિન સઇદ અલ સઇદનું નિધન, બંધ કવર પર સૌની નજર

ઓમાનના સુલતાન કાબૂસ બિન સઇદ અલ સઇદનું 79 વર્ષની વયે નિધન થયું છે. કાબૂસ આરબજગતમાં સૌથી વધુ સમય સુધી સુલતાન રહ્યા હતા.

ઓમાનના મીડિયા પ્રમાણે સુલતાન કાબૂસનું શુક્રવારે સાંજે નિઘન થયું છે.

ગત મહિને તેઓ બેલ્જિયમથી પોતાની સારવાર કરાવીને પાછા આવ્યા હતા. મીડિયામાં એવા પણ સમાચાર આવ્યા હતા કે તેમને કૅન્સર હતું.

સુલતાનન કાબૂસ 1970માં બ્રિટનના સમર્થક પોતાના પિતાને ગાદી પરથી હઠાવીને સુલતાન બન્યા હતા. તેઓએ ઓમાનના વિકાસ માટે ઑઇલમાંથી થતી કમાણીનો ઉપયોગ કર્યો હતો.

સુલતાન કાબૂસ અપરિણીત હતા અને તેમના ઉત્તરાધિકારી તરીકે હવે કોઈ નથી.

સલ્તનતના નિયમો પ્રમાણે ગાદી ખાલી રહેવાના ત્રણ દિવસમાં રાજવી પરિવાર પરિષદ નવા સુલતાન ચૂંટશે. રાજવી પરિવાર પરિષદમાં અંદાજે 50 પુરુષ સભ્યો છે.

જો પરિવારમાં નવા સુલતાનને લઈને સહમતી ન બની તો રક્ષા પરિષદના સભ્ય, સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ, સલાહકાર પરિષદ અને રાજ્યપરિષદ એ બંધ કવરને ખોલશે, જેમાં સુલતાન કાબૂસે નવા સુલતાન પર પોતાની પસંદગી ઉતારી છે. પછી તે શખ્સને નવા સુલતાન બનાવાશે.

કોણ બની શકે છે સુલતાન?

કહેવાય છે કે સુલતાન બનવાની રેસમાં કાબૂસના ત્રણ ભાઈઓ સૌથી આગળ છે, જેમાં સંસ્કૃતિમંત્રી હૈયથમ બિન તારિક અલ સઇદ, નાયબ વડા પ્રધાન અસદ બિન તારિક અલ સઇદ અને ઓમાનના પૂર્વ નૌસેના કમાન્ડર શિહબ બિન તારિક અલ સઇદનો સમાવેશ થાય છે.

સુલતાન ઓમાનમાં સર્વોચ્ચ પદ છે અને તે વડા પ્રધાન, સેનાના સુપ્રીમ કમાન્ડર, રક્ષામંત્રી, નાણામંત્રી અને વિદેશમંત્રી જેવાં પદો પણ સંભાળે છે.

46 લાખ વસ્તીવાળા ઓમાનમાં અંદાજે 43 ટકા લોકો પ્રવાસી છે. અંદાજે પાંચ દશકોથી ઓમાનના રાજકારણમાં સુલતાન કાબૂસનું વર્ચસ્વ હતું.

29 વર્ષની વયે તેઓ પોતાના પિતાને હઠાવીને રાજગાદી પર બેઠા હતા.

તેમના પિતા સઇદ બિન તૈમુરને એક અતિરૂઢિવાદી શાસક ગણાવાતા હતા, જેઓએ રેડિયો સાંભળવા કે સનગ્લાસ પહેરવા સહિત અનેક ચીજો પર પ્રતિબંધ લાદ્યો હતો. લગ્ન કરવાં, શિક્ષિત થવું અને દેશ છોડવા સહિતના નિર્ણયો પણ તેઓએ તેમની મરજી પ્રમાણે લીધા હતા.

પોતાના પિતા બાદ સુલતાન કાબૂસે તરત એલાન કર્યું હતું કે તેઓ એક આધુનિક સરકાર ઇચ્છે છે અને તેલમાંથી મળતા પૈસાને દેશના વિકાસ માટે વાપરવા માગે છે. એ સમયે ઓમાનમાં માત્ર 10 કિમીના પાકા રસ્તા અને ત્રણ સ્કૂલો હતી.

તેઓએ વિદેશી મામલાઓમાં એક તટસ્થ માર્ગ અપનાવ્યો અને 2013માં અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત વાર્તામાં પણ ભૂમિકા નિભાવી હતી. એનાં બે વર્ષ પછી એક ઐતિહાસિક પરમાણુ કરાર થયો હતો.

લોકપ્રિયતા અને વિરોધ

સુલતાન કાબૂસના વ્યક્તિત્વને કરિશ્માઈ અને દૂરદર્શી ગણાવાતું હતું. તેઓ ઓમાનમાં બહુ લોકપ્રિય હતા. જોકે તેઓએ પણ વિરોધના અવાજને દબાવી દીધો હતો.

વર્ષ 2011માં આરબ ક્રાંતિના સમયે તેમની સામે પણ વિરોધ જોવા મળ્યો હતો.

ઓમાનમાં કોઈ મોટી ક્રાંતિ નથી આવી, પરંતુ હજાર લોકો યોગ્ય વેતન, વધુ નોકરીઓની માગ અને ભ્રષ્ટાચાર સામે રસ્તા પર ઊતર્યા હતા.

સુરક્ષાબળોએ શરૂઆતનાં વિરોધપ્રદર્શનો પર કોઈ ખાસ કાર્યવાહી નહોતી કરી, પરંતુ બાદમાં અશ્રુગૅસના ગોળા, રબર બુલેટ અને હથિયારોથી તેમને રોકવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન બે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા.

સેંકડો લોકોને 'અવૈધ રીતે ભેગા થવાના' અને 'સુલતાનનું અપમાન કરવાના' આરોપસર સજા કરવામાં આવી હતી.

આ વિરોધપ્રદર્શનથી કોઈ ખાસ બદલાવ ન આવ્યો, પરંતુ સુલતાન કાબૂસે ભ્રષ્ટાચારી ગણાવાતા અને લાંબા સમયથી પદ રહેલા કેટલાક મંત્રીઓ દૂર કર્યા.

સલાહકાર પરિષદની શક્તિ વધારી અને સરકારી નોકરીઓ વધારવાનો વાયદો આપ્યો હતો.

હ્યુમન રાઇટ્સ વૉચના અનુસાર ત્યારથી પ્રશાસન સરકારના ટીકાકાર સ્થાનિક સ્વતંત્ર છાપાંઓ અને પત્રિકાઓને બંધ કરી રહ્યું છે અને સામાજિક કાર્યકરોને પરેશાન કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો