You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા : હોબાળા પછી CAAને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો
ગુજરાત વિધાનસભાએ શુક્રવારે બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો છે.
નાગરિકતા કાયદા પર સમર્થન પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
ભાજપના ધારાસભ્યોની બહુમતીથી આ ઠરાવ પસાર કરાયો હતો.
અગાઉ કેરળ વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ઠરાવ પસાર કર્યો હતો.
શુક્રવારે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું, જેની શરૂઆત વિપક્ષ કૉંગ્રેસના હોબાળા સાથે થઈ.
રાજ્યપાલના સંબોધન સાથે આ સત્રની શરૂઆત થઈ હતી, પરંતુ કૉંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા સત્રનું કામકાજ થોડાક સમય માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ગૃહમાં હાજર બીબીસી પ્રતિનિધિ ભાર્ગવ પરીખ જણાવે છે, કૉંગ્રેસના હોબાળાના કારણે રાજ્યપાલ પોતાનું ભાષણ અધવચ્ચે છોડી ગયા હતા.
એસ.સી.-એસ.ટી.ની અનામતની મુદ્દત ખતમ થઈ રહી છે, જેને દસ વર્ષ સુધી લંબાવવા માટેના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં અનુમોદન કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સિવાય નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા માટે ગુજરાત સરકાર ઠરાવ લાવવાની છે.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સીએએ-એનઆરસીનો વિરોધ કરતા પોતે લોહી લખેલું પોસ્ટર રજૂ કર્યું હતું.
ઇમરાન ખેડાવાલાએ caa NRC નો વિરોધ કરતું પોસ્ટર દર્શાવતા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કમેન્ટ કરી કે આ પાકિસ્તાનની વિધાનસભા નથી. ત્યારબાદ સ્પીકર કહ્યું કે મેં હળવાશથી આ કમેન્ટ કરી છે. હું હવે ધ્યાન રાખીશ.
જોકે, નાયાબ મુખ્ય મંત્રી નિતિન પટેલે કહ્યું કે આ પાકિસ્તાનની વિધાનસભા નથી એમ કહીને સ્પીકરે કશું ખોટું કહ્યું જ નથી.
લોહીથી લખેલું પોસ્ટર
કૉંગ્રેસ SC અને STને વધુ દસ વર્ષ માટે અનામત આપવાના મુદ્દે સરકારના ઠરાવનું સમર્થન કરશે.
જોકે કૉંગ્રેસનો આરોપ છે કે સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આટલું ટૂંકું સત્ર બોલાવ્યું છે.
કૉંગ્રેસના વિધાનસભાના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે "નવા વર્ષની શરૂઆતમાં એક દિવસના ટૂંકા સત્રનું રાજ્યપાલે આહ્વાન કર્યું હતું."
તેમણે કહ્યું કે કૉંગ્રેસ આ એક દિવસના સત્રને વધારીને આર્થિક મંદી, નોટબંધી અને જી.એસ.ટી., બેરોજગારી, પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતો, ખેડૂતોને પાકવીમો અને ઋણમાફી પર ચર્ચાની માગ કરી હતી.
પરેશ ધાનાણીએ કહ્યું, કથળતી સ્વાસ્થ્ય સેવાઓ, મહિલાઓ અને બાળકોમાં કુપોષણ અને વધતાં બાળમૃત્યુ પર ચર્ચા માટે સત્ર વધારવાની માગ કરી હતી. પરંતુ તે માનવમાં આવી નહોતી. જ્યારે સત્ર શરૂ થયું ત્યારે અમે રાજ્યપાલ સામે આ માગ કરી પરંતુ તે માનવામાં ન આવી.
પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાત સરકાર મુખ્ય મુદ્દાઓને અવગણી રહી છે.
જમાલપુર-ખાડિયાની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ પોતાના લોહીથી NRC, NPR અને CAAનો બહિષ્કાર કરવાની અપીલ કરતું પ્લૅકાર્ડ લખ્યું હતું.
સીએએનો વિરોધ
આ પહેલાં આ વિધાનસભા સત્રમાં દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સીએએ અંગે વિરોધ કરવાની વાત કહી હતી.
વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ બુધવારે કહ્યું હતું કે 10 જાન્યુઆરીએ તેઓ તથા અન્ય દલિત કાર્યકરો સીએએની પ્રતો સળગાવશે.
નવા નાગરિકત્વ કાયદાનો વિરોધ કરતાં તેમણે કહ્યું હતું કે પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પોતાના નાગરિકત્વના પુરાવા આપે.
જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે રૂપાણી બર્માથી આવ્યા છે. પહેલાં તેમણે પુરાવા આપવા જોઈએ, જ્યાં સુધી તેઓ પુરાવા નહીં બતાવે ત્યાં સુધી અમે અમારા દસ્તાવેજ નહીં બતાવીએ.
મેવાણીએ કહ્યું હતું કે "આ કાળા કાયદાના વિરોધમાં આ અમારો અસહયોગ આંદોલન છે. ડિનોટિફાઇડ ટ્રાઇબના કેટલાક લોકો પાસે દસ્તાવેજ નથી હોતા, તે લોકો શું કરશે? બેરોજગારી જેવા મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હઠાવવા માટેનો આ સરકારનો પ્રયાસ છે."
ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું કે "વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. વર્ષનું પ્રથમ સત્ર હોવાને કારણે રાજ્યપાલનું ઉદ્બોધન ફરજિયાત છે. લોકશાહીને શરમ આવે એવી રીતે રાજ્યપાલના ઉદ્બોધનની શરૂઆતથીજ વિરોધ કરવામાં આવ્યો."
તેમણે કહ્યું કે "આગામી લાંબા બજેટ સત્રમાં સંપૂર્ણ પણે પ્રશ્નો રજૂ કરવાની તક છે. તેમને પ્રસ્તુત કરેલા પ્લાકાર્ડમાં કરવામાં આવેલા પ્રશ્નો મંત્રીઓએ જવાબ આપેલા છે. જો કૉંગ્રેસ શિસ્ત જાળવી રાખ્યું હોત તો સારૂં હતું. વિપક્ષના નેતા વિધાનસભામાં હાજર હોવા છતાં રાષ્ટ્રગાન શરૂ થયું ત્યારે તેઓ ગેરહાજર રહ્યા હતા."
તેમણે કહ્યું, "વિરોધ કરવાના કેટલાક દિવસો હોય છે, કેટલીક તક મળતી હોય છે. પહેલાં એસસી-એસટીને અનામત લંબાવવા પર વિધાનસભામાં ચર્ચા થશે, ત્યાર બાદ સીએએ લાવવા બદલ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને આભાર વ્યક્ત કરવાનો ઠરાવ લાવવામાં આવશે."
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કૉંગ્રેસના પ્રદર્શન પર તેમણે કહ્યું, "આ મુદ્દો કોઈનો પણ અધિકાર લેવા માટે નથી. આ મુદ્દો ત્રણ દેશના લઘુમતી માટે છે, ભારતની લઘુમતી માટેનો આ મુદ્દો જ નથી. કૉંગ્રેસ આ મુદ્દે રાજકારણ રમી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો