બંધારણનો મુસદ્દો એક બ્રાહ્મણે તૈયાર કર્યો હતો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે બંધારણનિર્માતા ડૉ. બી. આર. આંબેડકરે બંધારણનો મુસદ્દો બનાવવાનું શ્રેય બી. એન. રાવને આપ્યું હતું, જેઓ એક બ્રાહ્મણ હતા.

'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ'ના બીજા અધ્યાયના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

આટલું જ નહીં તેમણે દાવો કર્યો હતો કે અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી સહિત નોબલ પુરસ્કારથી સન્માનિત 9 પૈકી 8 ભારતીય બ્રાહ્મણ હતા.

અહેવાલ અનુસાર તેમણે સમારોહમાં વિવાદિત નિવેદન આપવાનું ચાલુ રાખતાં આગળ કહ્યું હતું કે "બ્રાહ્મણોએ હંમેશાં અન્યોને આગળ વધવાની તક આપી અને પોતે તેમના સમર્થનમાં પાછળ રહ્યા છે. તેવી રીતે બી. એન. રાવે પણ આંબેડકરને આગળ રાખ્યા હતા."

ગુજરાતમાં તાપમાન ઘટવાની આગાહી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજકોટ અને કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન ઘટવાના કારણે કોલ્ડવેવનો અનુભવ થશે.

અહેવાલ અનુસાર મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાંથી વાતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

અહેવાલ અનુસાર ભારતીય હવામાન વિભાગના વિભાગીય નિદેશક, જયંતા સરકારે કહ્યું હતું, "બે દિવસ બાદ ફરીથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે."

સાવરકરના પૌત્રની રાહુલ ગાંધીસામે કાર્યવાહીની માગ

વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજિત સાવરકરે શુક્રવારે, 'સાવરકર' અંગેની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ સેવાદળ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગ કરી હતી.

એનડીટીવી ડોટ કૉમના અહેવાલ અનુસાર તેમણે આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા કરી હતી.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું, "હું પાછલા દિવસોથી તેમને મળવાનો સમય માગી રહ્યો છું, પરંતુ તેમની પાસે મારા માટે એક મિનિટ સુધ્ધાં નથી."

"મને તેમના આવા વ્યવહારના કારણે ઘણી નિરાશાનો અનુભવ થયો છે. તેમનું આવું વર્તન સાવરકરજીના અપમાન સમાન છે."

સર્જિકલ સ્ટ્ર્રાઇકથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો મળ્યો : સેનાધ્યક્ષ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતીય સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નારવણેએ શુક્રવારે પાકિસ્તાનની ક્રૉસ-બૉર્ડર આતંકવાદને મદદ કરવાની નીતિ અંગે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું :

"પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે પરમાણુશસ્ત્રો સિવાય 'સર્જિકલ સ્ટ્રાઇક' અને 'બાલાકોટ ઍર-સ્ટ્રાઇક' જેવા વિકલ્પો ખુલ્લા છે."

તેમણે કહ્યું હતું કે આ બંને સ્ટ્રાઇકથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો મળી ગયો છે.

નોંધનીય છે કે ભારતીય સેનાને શંકા છે કે 'ઍર-સ્ટ્રાઇક' બાદ બાલાકોટમાં ફરીથી જમાત-એ-ઇસ્લામના ઉગ્રવાદી કૅમ્પ શરૂ થઈ ગયા છે.

સેનાધ્યક્ષે આ મામલે કહ્યું હતું કે "ભારત બૉર્ડર પાર કરીને પણ આ ઉગ્રવાદી કૅમ્પો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉગ્રવાદી લૉન્ચ-પેડનો ખાતમો બોલાવી શકે છે."

CAAના અમલ અંગે સરકાર પીછેહઠ નહીં કરે : અમિત શાહ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જોધપુર ખાતે CAAના અમલીકરણ અંગેના ભાજપના નિર્ધાર સ્પષ્ટ કરતા કહ્યું હતું :

"સરકાર CAAના અમલીકરણથી જરા પણ પીછેહઠ નહીં કરે."

"જો આ મુદ્દે સમગ્ર વિપક્ષ એનડીએ સરકાર વિરુદ્ધ એકઠો થતો હોય તો પણ આ સરકાર આ મુદ્દે કોઈ જ બાંધછોડ નહીં કરે."

જોધપુર ખાતેથી CAA અંગે પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવાનો અભિયાન શરૂ કરતી વખતે એક રેલી (જેમાં પાકિસ્તાનથી આવેલા 4 હજાર હિંદુ શરણાર્થીઓ પણ સામેલ હતા)ને સંબોધતા કહ્યું હતું :

"વિપક્ષ ભલે CAA વિરુદ્ધ ગમે તેટલી ગેરમાન્યતા પેદા કરવાનો પ્રયાસ કરે, તમારે ડરવાની જરૂર નથી."

"સરકાર આ મામલે બિલકુલ પીછેહઠ નહીં કરે. તમને ભારતની નાગરિકતા મેળવવાથી કોઈ નહીં રોકી શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો