જમ્મુ-કાશ્મીરમાં લદાયેલા પ્રતિબંધોની સરકાર એક સપ્તાહમાં સમીક્ષા કરે : સુપ્રીમ કોર્ટ

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરતા અનુચ્છેદ 370ને કેન્દ્ર સરકારે 5 ઑગસ્ટ 2019ના રોજ હઠાવાયા બાદ પ્રદેશમાં સંચારમાધ્યમ, ઇન્ટરનેટ પર લદાયેલા તથા અન્ય પ્રતિબંધોને પડકારતી અરજી પર ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે તમામ પ્રતિબંધોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતાં જણાવ્યું કે સરકાર એક સપ્તાહમાં તમામ નિષેધાત્મક આદેશની સમીક્ષા કરે.

જસ્ટિસ એન. વી. રમણા, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવઈની સંયુક્ત પીઠે આ મામલે ફેંસલો સંભળાવ્યો.

જસ્ટિસ રમણાએ કહ્યું કે ઇન્ટરનેટ વાણીસ્વાતંત્ર્યના અધિકાર અંતર્ગત આવે છે. તે વાણીસ્વાતંત્ર્યનું માધ્યમ પણ છે.

જસ્ટિસ રમણાએ કહ્યું, "જમ્મુ-કાશ્મીરના તંત્રે પ્રતિબંધ સંબંધિત તમામ આદેશ સીઆરપીસીની (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ધારા 144 અંતર્ગત પ્રકાશિત કરવાના છે, જેથી પ્રભાવિત લોકો તેને પડકારી શકે."

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે વગર કોઈ નિર્ધારિત મુદ્દત કે અનિશ્ચિતકાળ માટે ઇન્ટરનેટ બંધ કરવું એ ટેલિકૉમના નિયમોનું ઉલ્લંઘન અને સત્તાનો દુરુપયોગ છે.

આ પહેલાં ખંડપીઠે સંબંધિત અરજીઓ અંગેનો ફેંસલો 27 નવેમ્બરે મોકૂફ રાખ્યો હતો.

ગત વર્ષે પાંચ ઑગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યને બંધારણના અનુચ્છેદ 370 અંતર્ગત મળનારા વિશેષ દરજ્જાને ખતમ કરી નાખ્યો હતો. સાથે જ પ્રદેશમાં કેટલાય પ્રકારના પ્રતિબંધ પણ લાદી દીધા હતા.

કાશ્મીરનાં વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન, કૉંગ્રસના નેતા ગુલામ નબી આઝાદ અને કેટલાક લોકોએ આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવો હતો.

'પ્રતિબંધ સંબંધિત આદેશ પ્રકાશિત કરવા જરૂરી'

અમુક અરજદારોનાં વકીલ વૃંદા ગ્રૉવરે આદેશ બાદ જણાવ્યું, "જ્યારે કોઈ રાજ્યમાં સુરક્ષા અને સ્વતંત્રતાનું સમતોલન સાધવાની જરૂરિયાત હોય, ત્યારે તમે બંધારણના કેટલાક સિદ્ધાંતો અનુસાર સ્વંતત્રતા પર રોક લગાવી શકો છો."

"કાશ્મીરમાં પણ જો તમે સુરક્ષા અને સ્વતંત્રતાનું સમતોલન સાધો, ત્યારે આ વાતને ધ્યાને રાખવી પડશે. પણ રાજ્યમાં ઇન્ટરનેટ અને સંચારમાધ્યમો પર પ્રતિબંધો લાદવા અને કલમ 144 લાદવા સંબંધિત આદેશ ન તો પ્રકાશિત કરાયા કે ન તો કોર્ટ સમક્ષ રજૂ કરાયા."

તેમણે ઉમેર્યું, "સુપ્રીમ કોર્ટે કલમ 144 અંતર્ગત પ્રતિબંધ લાદવાના આદેશોને પ્રકાશિત ન કરવાનું પગલું ખોટું ગણાવ્યું છે અને તેને પ્રકાશિત કરવા રાજ્યને નિર્દેશ આપ્યો છે.""આગળ પણ તમામ આદેશો હંમેશાં પ્રકાશિત કરવા જણાવાયું છે, જેથી નાગરિકો તેને પડકારી શકે. એ આદેશોમાં એ વાત હોવી જોઈએ કે કયા કારણથી સ્વતંત્રતા પર રોક લગાવાઈ રહી છે."

તેમણે જણાવ્યું, "કોર્ટે એવું પણ કહ્યું કે આજની તારીખે ઇન્ટરનેટ અનુચ્છેદ 19(1) અંતર્ગત વાણીસ્વાતંત્ર્યનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે આજે બહુ જ મહત્ત્વપૂર્ણ વાત કરી છે. એટલે જો સરકાર ક્યારેય પણ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવે, તો અનુચ્છેદ 19(2)ની જોગવાઈઓની એરણ પર તેની ચકાસણી થશે."

વિશેષ દરજ્જાની નાબૂદી

પાંચ ઑગસ્ટ, 2019ના રોજ ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સાથે ચાર બિલ રજૂ કર્યાં હતા, જેમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતાં જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા વર્ષ 1954માં દાખલ કરાયેલ અનુચ્છેદ 35-અ નાબૂદ કર્યો હતો.

જેને પગલે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમુહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા મહેબૂબા મુફ્તીએ એ દિવસને 'ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિવસ' ગણાવ્યો હતો.

અનુચ્છેદ 370 નાબૂદ, એટલે...

જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર નાબૂદ થતાં બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે.

સંબંધિત અનુચ્છેદ અનુસાર સંચાર, વિદેશબાબત, સંરક્ષણ તથા અન્ય આનુષંગિક બાબતોમાં કાયદા ઘડવાના તથા વ્યવસ્થા સંભાળવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બાબતો માટે રાજ્યનું અલગ બંધારણ હતું. રાજ્યનો પોતાનો અલગ ધ્વજ પણ હતો.

વર્ષ 2014 તથા વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

અનુચ્છેદ 35-અ નાબૂદ, એટલે...

રાજ્યનો વિશેષ દરજ્જો તથા અનુચ્છેદ 35-અની જોગવાઈઓને કારણે જમ્મુ-કાશ્મીરના નિવાસી અન્ય રાજ્યમાં સ્થાવર મિલ્કત ખરીદી શકતા, પરંતુ અન્ય રાજ્યના નિવાસી જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા ન હતા.

અનુચ્છેદ 35-અ હેઠળ જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને નોકરી તથા જમીન ખરીદીની બાબતમાં વિશેષાધિકાર મળેલા હતા.

આ સિવાય 'કાયમી નાગરિકો'ને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર રાજ્યની વિધાનસભાને મળેલો હતો.

રાજ્યની વિધાનસભાએ ઘડેલા કાયદા મુજબ જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય કોઈ રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશ)ના યુવક સાથે લગ્ન કરે તો રાજ્યમાં સંપત્તિ ધારણ કરવાના તેના અધિકાર છિનવાઈ જતા હતા, હવે એમ નહીં બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો