CAA : નાગરિકતા કાયદા પર ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું દેશ કપરા સમયમાં

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો અને વર્તમાન સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના અધ્યક્ષપદની પીઠે કહ્યું કે જ્યાં સુધી આ કાયદાને લઈને થઈ રહેલી હિંસા નહીં અટકે ત્યાં સુધી તેઓ નાગરિકતા સંશોધન અધિનિયમને પડકારતી અરજીઓ પર સુનાવણી નહીં કરે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ ઢાંડાએ નાગરિકતા સંશોધન કાયદાને બંધારણીય જાહેર કરવા માટે અરજી કરી હતી. આ અરજી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ થવો જોઈએ. આવી અરજીઓથી કંઈ નહીં થાય.

સુપ્રીમ કોર્ટમાં હાજર વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતીએ બીબીસીને કહ્યું કે ચીફ જસ્ટિસ બોબડેએ વકીલ ઢાંડાને જણાવ્યું કે આવી અરજી કરીને તેઓ આંદોલનોને વધારે આગ અને હવા આપી રહ્યા છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે કદી એવું નથી સાંભળ્યું કે કોઈ કાયદાને બંધારણીય બનાવવામાં આવે.

જોકે, ટીકા છતાં સુપ્રીમ કોર્ટે આ પિટિશન પર દલીલ સાંભળવાની તૈયારી દર્શાવી છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે અલગ-અલગ હાઈકોર્ટમાં પૅન્ડિંગ નાગરિકતા સંશોધન કાયદાની બંધારણીયતાને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે.

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે તેઓ 10 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટની આ બૅન્ચમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે.

બૅન્ચે કહ્યું કે, પ્રથમ નજરે તેમનો અભિપ્રાય એ છે કે નાગરિકતા કાયદાને લઈને થયેલી પિટિશનો હાઈકોર્ટ જુએ અને મતભેદ થાય તો સુપ્રીમ કોર્ટ એના પર વિચાર કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો