You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ભારતને કેટલી ખરાબ અસર થાય?
ઇરાકમાં અમેરિકાના હવાઈ હુમલામાં શુક્રવારે ઈરાનના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ થયું. આ સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ વધી ગયો છે.
અમેરિકાએ ભરેલા આ પગલાનું કારણ શું છે અને હવે આ મામલે કઈ બાજુ આગળ વધી રહ્યો છે, જો મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ બને કે તણાવ વધવાથી તેલની કિંમતો વધે તો ભારત પર તેની કેવી અસર થશે?
આ બધા સવાલોને લઈને બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરે મધ્ય-પૂર્વના મામલાના જાણકાર આફતાબ કમાલ પાશા સાથે વાત કરી.
વાંચો તેમનો દૃષ્ટિકોણ.
ગત ત્રણ મહિનામાં ખાડી દેશોમાં ઘણું બધું થયું. તેલ ટૅન્કરો અને અમેરિકન ડ્રોન પર હુમલો થયો. તેમ છતાં ઈરાન પર વધુમાં વધુ દબાણ કરવાની અમેરિકાની નીતિની કંઈ ખાસ અસર ન પડી.
અમેરિકાએ ઈરાન સામે ઇરાકમાં તેનો પ્રભાવ ઓછો કરવાની દૃષ્ટિથી બીજું પગલું ભર્યું છે, કેમ કે અમેરિકા અને સીરિયામાં તેના સહયોગી દેશોની તમામ કોશિશો બશર-અલ-અસદને સત્તાથી હઠાવવામાં નિષ્ફળ રહી.
લેબનન અને ઇરાકમાં ઈરાનનો પ્રભાવ અમેરિકા સામે સતત વધી રહ્યો હતો. ઈરાને ત્યાંના રાજકીય નેતાઓ અને તમામ સમુદાયને પોતાના પક્ષમાં લીધા. તેનાથી અમેરિકા ઘણું ચિંતિત હતું.
અમેરિકા શું સાબિત કરવા માગે છે?
અમેરિકા એ સાબિત કરવા માગે છે કે ઈરાન પર માત્ર આર્થિક પ્રતિબંધ નહીં અન્ય પ્રતિબંધો પણ ધીમેધીમે દૂર કરાશે, જે સાઉદી અરબ પણ ઇચ્છે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલ અને અબુધાબી પણ એ ઇચ્છે છે, કેમ કે આર્થિક પ્રતિબંધ અને દબાણને કારણે ઈરાનનું નેતૃત્વ વાતચીત માટે તૈયાર નથી અને ન તો અરબ દેશોમાં દખલ સહન કરી શકે છે. તો રશિયા અને તુર્કીના સમર્થનથી ઈરાનને પોતાની તાકત વધતી જણાઈ.
અમેરિકા અને ઈરાનની લડાઈ તેજ થઈ રહી છે, પરંતુ અમેરિકા સીધી રાતે ઈરાન પર હુમલો કરવાથી બચી રહ્યું છે.
બધા ખાડી દેશોમાં જે અરબ દેશો છે, ઇરાકથી લઈને ઓમાન સુધી તેમાં હજારોની સંખ્યામાં અમેરિકન સૈનિક છે.
ઈરાન પાસે જે મિસાઇલ અને અન્ય હથિયારો છે એ જો છોડવામાં આવો તો ન માત્ર અમેરિકાને, પણ ખાડી દેશોને પણ નુકસાન થશે, જ્યાં જ્યાં અમેરિકાનાં પૉર્ટ, હાર્બર અને જંગી જહાજ છે.
સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમિરાત પણ ડરેલાં છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે સીધું યુદ્ધ થશે તો તેમને ઘણું નુકસાન થશે. ત્યાં વસેલા મજૂરો અને અન્ય લોકો જતાં રહ્યા તો અર્થવ્યવસ્થામાં હલચલ મચશે. માટે અમેરિકા પણ બચતું રહે છે.
અમેરિકાના વાતચીતના પ્રયાસો પણ કારગત નથી નીવડ્યા. ઓમાને કોશિશ પણ કરી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત થાય, પરંતુ ઈરાનનું કહેવું છે કે પહેલાં તમે પ્રતિબંધ ખસેડો પછી વાતચીત થશે.
ભારતને શું અસર થશે?
અમેરિકા અને ઈરાનમાં તણાવથી કાચા તેલની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતની આર્થિક સ્થિતિ અને ફૉરેન ઍક્સચેન્જ પર પણ તેની અસર થશે.
ફૉરેન ઍક્સચેન્જ વધે તો ન માત્ર મંદી વધશે, પરંતુ ખાનપાનની ચીજોથી લઈને ટ્રાન્સપૉર્ટ, રેલવે, પ્રાઇવેટ ટ્રાન્સપૉર્ટ પર પણ ગંભીર અસર થશે, બેરોજગારી વધશે.
આ બધું થયું તો ભારતની આર્થિક સ્થિતિ બગડશે અને લોકો રસ્તે ઊતરશે. જેવું 1973માં ઇંદિરા ગાંધીના સમયમાં થયું હતું. એ સમયે ભારતનું બજેટ બગડી ગયું હતું.
કાચા તેલની કિંમત દોઢ ડૉલરથી લઈને આઠ ડૉલર સુધી પહોંચી ગઈ હતી, જેનાથી ભારતનું બધું પ્લાનિંગ અસ્તવ્યસ્ત થઈ ગયું.
ઇંદિરા ગાંધી પાસે ફૉરેન એક્સચેન્જ બહુ ઓછું થઈ ગયું હતું. બીજી વાર ચંદ્રશેખર અને વીપી સિંહની સરકારમાં પણ આવું થયું.
જો ત્રીજી વાર ઈરાન પર હુમલો થાય અને તેલની કિંમતો વધે તો ભારત પર મુસીબત આવશે અને ભારતનું જે પાંચ ટ્રિલિયન ઇકૉનૉમીનું સપનું છે એ ઘણું પાછળ રહી જશે.
આ બાબતોને ઘણા દેશો ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિનો પ્રયાસ કરી રહ્યા છે, જેમ કે ઓમાન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પ્રયાસો કર્યા કે અન્ય દેશો કરી રહ્યા છે તેમ ભારત તેમની સાથે મળીને કે અલગ રીતે અમેરિકા સાથે વાત કરે અને ઈરાન સાથે શાંતિ જાળવી રાખવાની દિશામાં પ્રયાસ કરે.
માત્ર 80 લાખ ભારતીયો જ ત્યાં નથી પણ ભારત 80 ટકા તેલ ત્યાંથી આયાત કરે છે.
મોટી સંખ્યામાં ગૅસ આવે છે, 100 બિલિયનથી વધુ વેપાર ખાડી દેશોમાં થાય છે અને રોકાણ પણ છે. આથી ઇરાક કે લેબનનને લઈને જંગ થાય તો તેનાં ઘણાં ખરાબ પરિણામ આવી શકે છે.
તેની અસર શું થશે?
અમેરિકા માત્ર ઈરાન સાથે દુશ્મની નથી ઇચ્છતું, પરંતુ જેઓ તેના પર દબાણ કરે છે, જેમ કે સાઉદી અરબ, ઇઝરાયલ હોય કે અમિરાત.
તેમના દબાણમાં આવીને અમેરિકા જે કરી રહ્યું છે, તે ડ્રોન હુમલો હોય કે અન્ય કોઈ હુમલો- જેમાં સામાન્ય લોકો મરી રહ્યા છે. હવે બધા સાથે તણાવ સતત વધી રહ્યો છે અને ગમે ત્યારે આ આગ ભડકો થઈ શકે છે.
જો અમેરિકા ઈરાન સાથે યુદ્ધ ન ઇચ્છે તો પણ તેના પર ગંભીર અસર થશે. તેનું પરિણામ ખરાબ આવશે.
જો ઈરાનનું નેતૃત્વ એ નક્કી કરે લે કે અમેરિકા કોઈ પણ કારણે ત્યાંની સત્તા પલટાવવાની કોશિશ કરે છે કે તેઓ પોતાની તાકતનો ઉપયોગ કરીને દબાણ નાખી શકે છે.
જેવી રીતે બગદાદમાં અમેરિકન ઍમ્બેસીને ઘેરવામાં આવ્યું હતું, જેવું 40 વર્ષ પહેલાં તેહરાનમાં થયું હતું.
ઈરાન પોતાના એજન્ટ કે સહયોગીઓના માધ્યમતી અમેરિકા પર ઘણું દબાણ લાવી શકે છે.
માત્ર ઇરાકમાં ઍમ્બૅસી પર નહીં, આઈએસએલને હરાવવા માટે અમેરિકાએ ઉત્તરમાં જે મથકો બનાવ્યાં છે, તેના પર પણ હુમલો થઈ શકે છે. સીરિયામાં જે તેમના મિત્રો છે, તેલભંડારો પર પણ હુમલો શઈ શકે છે. આ બધાને લઈને તણાવ વધી રહ્યો છે.
શું અમેરિકા યુદ્ધ ઇચ્છે છે?
મારું માનવું છે કે ન અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, ન તો ઈરાન પોતાને જંગમાં ઉતારવા માગે છે. બંને 'જેવા સાથે તેવા'ની નીતિ અપનાવે છે.
બંને પોતાના પગલાથી એકબીજાને એ સંદેશ આપી રહ્યા છે કે અમે ચૂપ નહીં રહીએ, તમે અમને ડરાવી-ધમકાવીને અમારા ઇન્ટરેસ્ટને નુકસાન ન પહોંચાડી શકો. ઇરાક અને લેબનનમાં પ્રૉક્સી વૉર ચાલી રહ્યું છે.
આપણે જોઈ ચૂક્યા છીએ કે ઈરાન અને સાઉદી અરબ વચ્ચેના શીતયુદ્ધને કારણે યમનમાં કેટલી તબાહી થઈ છે.
તુર્કી જે પગલાં ભરવાનું વિચારે છે એ જોતાં સીરિયામાં જે બરબાદી થઈ છે, લીબિયામાં પણ તેના અણસાર છે.
આ ત્રણ દેશોમાં ક્ષેત્રીય યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ, સાઉદી અરબ, યુએઈ અને તુર્કી ઈરાન અને સીરિયામાં ઘમસાણના અણસાર વર્તાવી રહ્યા છે. તેમાં અમેરિકા, ચીન અને રશિયા પણ ધીમેધીમે સામેલ થતા દેખાઈ રહ્યા છે.
આશા રાખી શકાય કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ન થાય અને એ હદે મામલો ઉકેલી શકાય, પરંતુ કેટલોક તણાવ રહેશે, કેટલીક એવી સ્થિતિ રહેશે જેમાં અમેરિકા બૉમ્બમારો કરશે અને ઈરાન જવાબ આપશે. તેનાથી અસ્થિરતા અને અસુરક્ષાની સ્થિતિ વધશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો