JNU : મુરલી મનોહર જોશીએ કહ્યું, 'આવા કુલપતિને હઠાવી દેવા જોઈએ'

જેએનયુના વિદ્યાર્થીઓએ રવિવારે કૅમ્પસમાં થયેલા હુમલાના વિરોધમાં કુલપતિ જગદીશકુમારને હઠાવવાની માગ સાથે મોટી રેલી કરી.

આ વિરોધરેલી રાષ્ટ્રપતિભવન તરફ આગળ વધી રહી હતી જેને દિલ્હી પોલીસે અટકાવી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી.

જોકે, પાછળથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.

આ દરમિયાન અટલ બિહારી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂકેલા મુરલી મનોહર જોશીએ ટ્વીટ કરીને કુલપતિને હઠાવી દેવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે જેએનયુના આંદોલનમાં અનેક માગણીઓ પૈકી કુલપતિને હઠાવી દેવાની માગણી પણ છે.

મુરલી મનોહર જોશીએ ટ્વીટ કરીને કહ્યું કે ''અહેવાલો મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુ કુલપતિને બે વાર ફી વધારા મામલે પ્રસ્તાવ લાગુ કરવા કહ્યું હતું. કુલપતિને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત કરવા કહેવામાં આવ્યું હતું. આ ચોંકાવનારી વાત છે કે કુલપતિ સરકારનો પ્રસ્તાવ લાગુ નહીં કરાવવા પર અડેલા છે. આ વલણ દુ:ખદ છે અને મારું માનવું છે કે આવા કુલપતિને પદ પર ન રહેવા દેવા જોઈએ.''

ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે એમની અટકાયત કરી અને બસોમાં ભરીને લઈ ગઈ.

પોલીસે લાઉડસ્પીકરની મદદથી શાંતિ જાળવી રાખવાનું પણ કહ્યું. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની અને તેમાં વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવાના સમાચાર પણ છે.

વિરોધપ્રદર્શનને લઈને પોલીસે પહેલેથી બૅરિકેડ લગાવેલા હતા. પોલીસે જબરદસ્તી વિદ્યાર્થીઓને બસોમાં ભર્યા અને વિદ્યાર્થીઓએ મોદી સરકાર અને જેએનયુ કુલપતિ વિરુદ્ધ નારા લગાવ્યા.

ગુરૂવારે જેએનયુના વિદ્યાર્થીઓ અને નાગરિકસંગઠનોના સભ્યો તેમજ પ્રોફેસરોએ મંડી હાઉસથી રેલી કાઢી હતી.

વિદ્યાર્થીઓની યોજના માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કુલપતિને હઠાવવા માટે આવેદનપત્ર આપવાની હતી.

પાછળથી જેએનયુ સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટ આયશા ઘોષે રેલીને રાષ્ટ્રપતિ ભવન લઈ જવાની જાહેરાત કરી. આ રેલીમાં સીતારામ યેચૂરી સહિત અનેક ડાબેરી નેતાઓ હાજર રહ્યા.

કૅમ્પસમાં થયેલી હિંસા બાબતે જેએનયુ ટીચર્સ એસોસિએસનના સભ્યો, સાત શિક્ષકો અને અને જેએનયુ સ્ટુન્ડન્ટ યુનિયનના ચાર પ્રતિનિધિઓ ગુરૂવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને મળવા ગયા હતા.

આ મુલાકાતમાં મંત્રાલયના સચિવ અમિત ખરેએ કહ્યું કે ''કુલપતિને હઠાવી દેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.''

કન્હૈયા કુમારે શું કહ્યું?

આ રેલીમાં જેએનયુ સ્ટુન્ડન્ટ યુનિયનના પૂર્વ પ્રેસિડેન્ટ કન્હૈયા કુમારે કહ્યું કે ''વિદ્યાર્થીઓ પર થયેલા બર્બર હુમલાની વિરોધમાં પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશનો કાયદો નહીં પરંતુ ભાજપ તોડશે.''

કન્હૈયા કુમારે કહ્યું કે ''તેઓ અમને ટૂકડે ટૂકડે ગૅંગ કહે છે. હું રસ્તા વચ્ચે મોં છુપાવ્યા વગર ઊભો છું અને કબૂલ કરૂ છું કે હા હું ટૂકડે ટૂકડે ગૅંગનો સભ્ય છું. પરંતુ અમે દેશને નહીં ભાજપને ચોક્કસ તોડીશું.''

કન્હૈયા કુમારે સરકારને વખોડતાં કહ્યું કે ''કોઈ વિશ્વવિદ્યાલયને વારંવાર બદનામ કેમ કરવામાં આવે છે તે સમજવું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓની પડખે ઊભા રહેનારને દેશદ્રોહી કેમ કહેવામાં આવે છે?''

''દીપિકા પાદુકોણ જેએનયુ આવ્યાં. એમણે તો કંઈ ન કહ્યું. ન તો નરેન્દ્ર મોદીનું નામ લીધું કે ન તો અમિત શાહનું. તેઓ ફક્ત ઘાયલ વિદ્યાર્થીઓને મળ્યાં અને નીકળી ગયાં. આના પછી તરત જ ભાજપ સમર્થકોએ એમની ફિલ્મના બહિષ્કારની ઘોષણા માટે જંગ છેડી દીધી.''

''જો તેમણે કોઈ પાર્ટી કે વિચારધારાનું નામ નથી લીધું તો તમે તેમની ફિલ્મનો બહિષ્કાર કેમ કરો છો?''

કન્હૈયા કુમારે કહ્યું, ''આનો મતલબ છે કે તેઓ ખુદ એ સ્વીકારે છે કે જેએનયુમાં થયેલી હિંસા પાછળ સરકારના સમર્થકો હતા.''

''કુલપતિનું કહેવું છે કે પ્રખ્યાત લોકોએ જે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે એમને મળવું જોઈએ. કોઈ એમને યાદ અપાવો કે એ કામ એમનું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એમણે વાત કરવી જોઈએ. દીપિકા પાદુકોણ જેએનયુનાં વાઇસ ચાન્સેલર નથી.''

એમણે કહ્યું કે ''વિશ્વવિદ્યાલય તંત્રનું કહેવું છે કે 5 જાન્યુઆરીએ કેટલાંક વિદ્યાર્થીસંગઠન પરસ્પર બાખડ્યાં. તો પછી એ લોકોએ શિક્ષકોને કેમ માર માર્યો?''

ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં 50 જેટલા બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30-35 વિદ્યાર્થીઓ-શિક્ષકોને ઈજાઓ થઈ હતી. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનનાં પ્રેસિડેન્ટ આયેશા ઘોષ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.

જોકે, હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો