You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થાઇલૅન્ડ : બૅંગકોકમાં રાજાશાહી સામે ફરી બળવો, કટોકટી જાહેર કરાઈ
થાઇલેન્ડની સરકારે બૅંગકોકમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને કારણે કટોકટીનું ફરમાન જાહેર કર્યું છે. જેમાં લોકોને વધારે સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા લોકશાહી માટેના આંદોલનકારીઓ વડા પ્રધાનનું રાજીનામું માગે છે અને રાજાની સત્તા પર અંકુશ મુકવા માગે છે.
ગુરુવારે 4 વાગે સરકારે કટોકટીની જાહેરાત કરી હતી.
ટીવી પર કરાયેલી જાહેરાતમાં પોલીસે કહ્યું કે "શાંતિ અને વ્યવસ્થાની જાળવણી" કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે.
આ પહેલાં ગુરુવારે બીબીસીને જાણવા મળ્યું હતું કે પોલીસે ત્રણ મુખ્ય પ્રદર્શનકારી નેતાઓની ધરપકડ કરી હતી.
માનવઅધિકારના વકીલ એનોન નામ્પા, વિદ્યાર્થી કર્મશીલ પૅરિટ ચિવારરાક ઉર્ફે "પેંગ્વિન" અને પનુસાયા સિથિજિરાવટ્ટાનાકુલની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ સુધી ધરપકડની અધિકૃત રીતે જાણ કરી નથી.
36 વર્ષીય એનોને સૌથી પહેલાં રાજાશાહીની સામે સૌથી પહેલાં ઑગસ્ટમાં અવાજ ઉઠાવ્યો હતો. એ મહિનાના અંત સુધીમાં પાનુસાયાએ રાજપરિવારમાં સુધારા માટે દસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો જે પછી તેઓ વિરોધના મુખ્ય વ્યક્તિ બની ગયા હતા.
આ અગાઉ પણ આ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સુધી 21 વર્ષીય પાનુસાયાની ધરપકડ કરાઈ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા ફરમાનમાં શું છે?
પોલીસે નવા ફરમાનની જાહેરાત રાજ્યના ટીવી પર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું, "અનેક લોકોનાં સમૂહોને આમંત્રણ આપવામાં આવ્યું છે, ઉપરાંત ગેરકાયદેસર રીતે લોકો બૅંગકોકમાં એકઠા થઈ રહ્યા છે અને તે પ્રદર્શનકારીઓ અરાજકતા અને જાહેરમાં અશાંતિ ફેલાવી રહ્યા છે."
બુધવારે જ્યારે રાજપરિવારનો કાફલો નીકળ્યો ત્યારે પ્રદર્શનકારી તેની સામે આવ્યા જેને ફરમાન જાહેર કરવા પાછળનું કારણ આપવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા પાછળ ધકેલવામાં આવ્યા હતા. લોકોએ આ સમયે હવામાં ત્રણ આંગળીઓ ઉંચી કરીને વિરોધ નોંધાવ્યો, જે વિરોધનું પ્રતીક બની ગયો.
ફરમાનમાં ચારથી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે, ઉપરાંત મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ કેમ વિરોધ કરી રહ્યા છે?
થાઇલૅન્ડમાં રાજકીય અરાજકતાનો લાંબો ઇતિહાસ રહેલો છે, પરંતુ વિરોધની શરૂઆત ફેબ્રુઆરીમાં થઈ હતી. જ્યારે કોર્ટે લોકશાહીતરફી વિરોધી પાર્ટીને રદ્દબાતલ કરી હતી.
સરકાર વિરોધી પ્રદર્શન બૅંગકોકમાં 20 સપ્ટેમ્બરથી ચાલી રહ્યું છે.
જુવાન લોકોમાં ફ્યૂચર ફૉરવર્ડ પાર્ટી ખૂબ જ જાણીતી છે, માર્ચ 2019માં થયેલી સંસદની ચૂંટણીમાં પહેલી વખત આપતા લોકોની મદદથી તે ત્રીજી મુખ્ય પાર્ટી બની હતી.
અગાઉ લોકશાહી તરફી કર્મશીલ વાંચાલેર્મ સાત્સાક્સિત જુન મહિનામાં કંબોડિયામાં ગુમ થતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ 2014થી લશ્કરી બળવાના કારણે દેશવટો ભોગવી રહ્યા હતા.
તેઓ ક્યાં છે હાલ તેનો કોઈને ખ્યાલ નથી અને પ્રદર્શનકારીઓએ થાઇ સરકાર પર તેમના અપહરણનો આરોપ મૂક્યો છે. જેને પોલીસ અને સરકાર નકાર્યા હતા.
જુલાઈ મહિનાથી ત્યાં સતત વિદ્યાર્થીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો