You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પેટાચૂંટણી : કચ્છની અબડાસા બેઠકની તાસીર ભાજપને નડશે?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની જે આઠ બેઠકોમાં પેટાચૂંટણી થવાની છે, તેમાં કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પણ સામેલ છે.
ભાજપે અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જાડેજા આ બેઠક પરથી ગત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.
હવે તેઓ આ પેટાચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવશે. તો કૉંગ્રેસે અબડાસા વિધાનસભા બેઠક પરથી ડૉ. શાંતિલાલ સંઘાણીને ઉમેદવાર બનાવ્યા છે.
બંને પક્ષોએ બેઠક પર જીતના દાવા પણ કર્યા છે. ભાજપે અબડાસા બેઠક પર અત્યાર સુધી માત્ર ત્રણ વાર જ જીત મેળવી છે.
'ઇલેક્શન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર અપક્ષ ઉમેદવાર માધવસિંહ અબડાસા બેઠક પરથી સૌપ્રથમ વાર ચૂંટાઈને આવ્યા હતા.
1962માં તેમણે કૉગ્રેસના ઉમેદવાર જુગતરામ દવેને 5805 મતથી હરાવીને ચૂંટણીમાં જીત મેળવી હતી.
વેબસાઇટ અનુસાર અબડાસા બેઠક વર્ષોથી કૉંગ્રેસ પાસે છે. 1990, 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણી સિવાય ભાજપ આ બેઠક પર જીત મેળવી શક્યો નથી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમદેવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી ચૂંટાઈ આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબડાસા બેઠકમાં કુલ 223787 મતદારો છે, જેમાં 52.03 ટકા પુરુષ મતદારો છે અને 47.97 ટકા સ્ત્રી મતદારો છે.
જાડેજા 2017નું પુનરાવર્તન કરી શકશે?
અબડાસા બેઠકની તાસીર એ રહી છે કે અહીં એક ઉમેદવાર બીજી વાર ચૂંટાતા નથી. તો શું પ્રદ્યુમનસિંહ જાડેજા આ વખતે પણ ચૂંટણી જીતી શકશે?
જાડેજાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે તેમને ખાતરી છે કે મતદારો તેમને ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટશે.
તેઓ કહે છે, "જો તમે અબડાસાના મતદારોને પૂછશો કે તેઓ અચૂક કહેશે કે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વિસ્તાર માટે કામ કર્યું છે. એપીએમસી, પીવાના પાણી અને કૉલેજની જે માગ હતી, તે પૂર્ણ થઈ છે અને બીજાં પણ જનહિતનાં કામો કરવામાં આવશે. "
"મને જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે, તેના આધારે હું ચોક્કસ કહી શકું છું કે ચૂંટણીમાં જીત મેળવીશ. અબડાસામાં કોઈ ધારાસભ્ય બીજી વાર ચૂંટાઈને આવતો નથી, તે પરંપરા આ વખતે તૂટી જશે."
પત્રકાર અને રાજકીય વિશ્લેષક ભાવિન વોરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે એક લાખ મુસ્લિમ અને દલિત મત ધરાવતા અબડાસા બેઠકની તાસીર રહી છે કે એક ઉમેદવાર બીજી વખત ચૂંટાઈને આવતો નથી.
"30000 પાટીદાર સમાજના મતો છે અને એટલા જ મતો ક્ષત્રિય સમાજના છે. પ્રદ્યુમનસિંહ માટે પેટાચૂંટણીમાં જીત મેળવવી સરળ નહીં રહે. તેમણે ઘણી મહેનત કરવી પડશે."
શું કૉંગ્રેસ આ બેઠક જીતી શકે છે?
તેના જવાબમાં તેઓ જણાવે છે, "જો હાર્દિક પટેલ યોગ્ય રણનીતિ બનાવે અને સારી રીતે પ્રચાર કરે તો પક્ષ આ બેઠક જીતી શકે છે."
તેઓ વધુમાં કહે છે, "ભાજપ માટે આ બેઠકમાં ગુમાવવા જેવું કંઈ નથી. 2017માં આ બેઠક કૉંગ્રેસ પાસે હતી અને જો ભાજપ હારી પણ જાય તો વિધાનસભામાં તેની સખ્યાંમાં કોઈ ધટાડો નહીં થાય."
આ બેઠક પર કૉંગ્રેસ ડૉ. શાંતિલાલ સંઘાણીને ટિકિટ આપી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "કૃષિસુધારાનો કાયદા સહિત ભાજપની જે ખોટી નીતીઓ છે, તે આ ચૂંટણીમાં લોકો સમક્ષ રાખીશ. આટલાં વર્ષોમાં ભાજપ સરકારે કચ્છનો જોઈએ એવો વિકાસ કર્યો નથી અને આજે પણ અહીં ખેડૂતો માટે સિંચાઈની સારી સુવિધા નથી."
"પવનઊર્જાની કંપનીઓ ખેડૂતો સાથે ખરાબ વર્તન કરે છે અને તેમની જમીનોમાં ગેરકાયદે દબાણ કરે છે. અબડાસામાં કપાસનું સારું ઉત્પાદન થાય છે પણ ખેડૂતો માટે જોઈએ એવી સુવિધાઓ નથી."
તેમના મતે વિસ્તારમાં નખત્રાણા બાય-પાસ, આધુનિક બસસ્ટેશન અને ગટરયોજનાને સ્થાનિક સમસ્યાઓ છે, જેને લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આયાતી ઉમેદવારોને ટિકિટ મામલે સંઘાણી જણાવે છે, " જે રીતે ભાજપ ચૂંટાયેલા લોકોને ખરીદીને પક્ષપલટો કરાવે છે અને પછી એ જ લોકોને પેટાચૂંટણીમાં ફરીથી ટિકિટ આપે છે, તે લોકશાહી માટે લાંછન લગાડવાની જેવી વાત છે."
કચ્છના સ્થાનિક પત્રકાર જયેશ શાહ કહે છે, "કચ્છમાં બે બેઠકોને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, એક રાપર અને બીજી અબડાસા. એમ કહી શકાય કે બંને બેઠકોમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના ટ્રેડિશનલ મતદારો છે, જેના કારણે અબડાસા બેઠકમાં હાલ કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે."
"પ્રદ્યુમનસિંહ જાડેજાના કૉંગ્રેસ પક્ષ છોડી દેવાથી મતદારો પણ નારાજ થયા છે. જાડેજા કહે છે કે લોકોની સેવા કરવા માટે તેઓ ભાજપમાં જોડાયા છે, પણ મતદારો આ વાતથી સંમત નથી. પેટાચૂંટણીમાં આ વાત અસર કરી શકે છે."
અબડાસા બેઠકના મુદ્દાઓ શું છે?
રાજકીય વિશ્લેષક દીપક માંકડ મુજબ અબડાસા બેઠકમાં પીવાના પાણીની સમસ્યા એ સૌથી મોટો મુદ્દો છે. બીજા નંબરમાં આવે છે સિંચાઈની સુવિધાઓ. કનકાવતી-2 અને મીઠી-2 યોજનાઓ હજી સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "હજુ સુધી કચ્છમાં મૂળભૂત સુવિધાઓને અભાવ છે. નર્મદાનું પાણી ભચાઉ સુધી પહોંચી ગયું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારો, જેમ કે લખપત, માંડવી અને અબડાસા હજુ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી."
"પેટાચૂંટણીમાં આ મુદ્દો અસર કરી શકે છે. ખેતીવાડી અને પશુપાલન એ અબડાસાના લોકોનો મુખ્ય વ્યવસાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો