You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં દાઢીને કારણે સસ્પેન્ડ કરાયેલા મુસ્લિમ પોલીસકર્મીનો કેસ શું છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મુસલમાન સબ-ઇન્સ્પેક્ટરને પરવાનગી વિના દાઢી રાખી શિસ્તભંગ કરવાના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા વિવાદ થઈ રહ્યો છે.
આ મામલે પોલીસ અધિક્ષક અભિષેક સિંહનું કહેવું છે કે એમણે આ કાર્યવાહી કાયદાનુસાર જ કરી છે.
બીબીસી સાથે વાત કરતા અભિષેક સિંહે કહ્યું કે "જો કોઈ આની સામે અદાલત પણ જવા ઇચ્છતું હોય તો અમે તેના માટે તૈયાર છીએ."
જોકે, સબ-ઇન્સ્પેક્ટર ઇંતેસાર અલીનું કહેવું છે કે, એમણે ગત વર્ષે નવેમ્બરમાં દાઢી રાખવા માટે પરવાનગી માગી હતી જે મળી નહોતી. એમણે કહ્યું કે જરૂર પડ્યે તેઓ આ મામલે અદાલતમાં પણ જશે.
બાગપત સ્ટેશનના સબ-ઇસ્પેક્ટર ઇંતેસાર અલીને દાઢી રાખવા પર સસ્પેન્ડ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સવાલ ઉઠાવી રહ્યાં છે અને ઉત્તર પ્રદેશ પોલીસ પર ધર્મ આધારિત ભેદભાવનો આરોપ મૂકે છે.
જોકે, અભિષેક સિંહ આ પ્રકારના આરોપોને રદિયો આપે છે. તેઓ કહે છે કે, "ઉત્તર પ્રદેશ પોલીસ એક શિસ્તબદ્ધ દળ છે અને જિલ્લામાં પોલીસદળના કમાન્ડિંગ ઑફિસર હોવાને નાતે શિસ્તનું પાલન કરાવવું મારી જવાબદારી છે. સબ-ઇન્સ્પેક્ટરને દાઢી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. એમણે નોટિસ નજરઅંદાજ કરી પછી આ કાર્યવાહી કરવામાં આવી છે."
સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતાં અનેક લોકોએ કહ્યું કે, ઇંતેસાર અલીને મુસલમાન હોવાને કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે પણ આ વિષય પર ટ્વીટ કર્યું હતું.
ભીમ આર્મી સાથે જોડાયેલા હિમાંશુ વાલ્મિકીએ ટ્વીટ કર્યું "ઉત્તર પ્રદેશના દરેક પોલીસ સ્ટેશનમાં મંદિર બનેલા છે. મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કેમ નહીં. ભારત દેશ બંધારણથી ચાલે છે, મનુસ્મૃતિથી નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આરોપ પર અભિષેક સિંહ કહે છે કે "જો કોઈ હિંદુ પોલીસકર્મી આ રીતે શિસ્તભંગ કરે તો એના પર પણ આવી જ કાર્યવાહી થાય છે. જે લોકો આને ધર્મ સાથે જોડી રહ્યાં છે તે ભૂલ કરી રહ્યાં છે. સમસ્યા એમના દૃષ્ટિકોણમાં છે. પોલીસ ફોર્સમાં ફક્ત શીખ સમુદાયને જ દાઢી રાખવાની પરવાનગી છે."
અભિષેક સિંહ કહે છે કે, "જયારે કોઈ પોલીસની નોકરીમાં આવે છે ત્યારે અનેક બાબતોનો ત્યાગ કરે છે. પોલીસ એક સશસ્ત્ર દળ છે. શિસ્ત અમારી પહેલી જવાબદારી છે. જો કોઈ પોલીસકર્મી શિસ્ત તોડશે તો એના પર અમે કાર્યવાહી કરીશું."
તેઓ કહે છે કે "શિસ્તભંગને મામલે એક સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવો એ પોલીસની આંતરિક બાબત છે. જે લોકો સોશિયલ મીડિયા પર આની ચર્ચા કરે છે એમણે નિયમોની જાણકારી મેળવવી જોઈએ."
પોલીસના નિયમો મુજબ શીખ પોલીસકર્મી સિવાય તમામ પોલીસકર્મીઓએ દાઢી રાખવા માટે પરવાનગી લેવી પડે છે.
પત્રકાર રોહિણી સિંહે એક ટ્વીટ કર્યું છે. જેમાં એક પોલીસ અધિકારી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સામે ઘૂંટણિયે હાથ જોડીને બેઠા છે.
એમણે લખ્યું કે "જો સર્વિસના નિયમ દાઢી વધારાવની પરવાનગી નથી આપતા તો કોઈ રાજકીય વ્યક્તિ આગળ ઝૂકવાની પણ પરવાનગી નથી આપતા. ખરેખર તો આ દાઢી રાખવાથી પણ વધારે ખરાબ છે. આ પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવો જોઈએ."
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ આ ટ્વીટને રિટ્વીટ કરી.
એક અન્ય ટ્વીટમાં સ્વરા ભાસ્કરે લખ્યું કે તમારે જાણવું જોઈએ. આ ભેદભાવનો મામલો નથી.
પૂર્વ આઈપીએસ અધિકારી વિભૂતિ નારાયણ રાય કહે છે કે "એક ઇન્સ્પેક્ટરના સસ્પેન્શનને જબરદસ્તી સાંપ્રદાયિક રીતે જોવામાં આવી રહ્યું છે. આ સીધી રીતે જ પોલીસ શિસ્તનો મામલો છે."
રાય કહે છે કે "હું જ્યારે આઈપીએસ બન્યો ત્યારે મને પોતાને પણ બે-ત્રણ વાર દાઢી ન કરવા બદલ દંડિત કરવામાં આવ્યો હતો. મારા ટ્રેનરે મને રાઇફલ માથે ઉંચકીને દોડાવ્યો હતો. પોલીસ એક શિસ્તબદ્ધ દળ છે. પોલીસ અધિક્ષકની કાર્યવાહી યોગ્ય છે."
રાય કહે છે કે "હું જ્યારે પોલીસ અધિક્ષક હતો ત્યારે વર્ષમાં ડઝનેક અરજીઓ દાઢી રાખવા દેવાની પરવાનગીની આવતી હતી. કેટલાક સમય માટે પરવાનગી આપવામાં પણ આવતી. હું પૂરી તપાસ કરીને પરવાનગી આપતો હતો."
આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા પર રાય કહે છે કે "જે પોલીસમાં ભરતી થાય છે તેને એ ખબર જ હોય છે કે દરરોજ દાઢી કરવાની છે. આ પ્રકરણને જબરદસ્તી ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો અને આમ કરીને જે શક્તિઓ ધર્મને આધારે સમાજને વહેંચવા માગે છે એમને જ મજબૂતી મળે છે."
રાય કહે છે કે" સોશિયલ મીડિયા પર ચર્ચા કરનારા અનેક લોકો નિયમોને નથી જાણતા અને ફક્ત એમ જ ચર્ચામાં કૂદી પડે છે. આ કેસમાં પણ આમ જ થઈ રહ્યું છે."
હું અદાલતમાં જઈશ
જેમને દાઢીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ઇંતેસાર અલીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "હું મારી ફરજ પણ નિભાવું છું અને નમાઝ પણ પઢું છું. મેં કદી નહોતું વિચાર્યું કે દાઢી રાખવાને કારણે મને આ રીતે દંડિત કરવામાં આવશે. મને મારા ધર્મનું પાલન કરવાનો અધિકાર છે."
તેઓ કહે છે કે "હું પચીસ વર્ષથી પોલીસની સેવામાં છું. આ સમય દરમિયાનની મારી કામગીરીની તપાસ કરી લેવામાં આવે. મે ખૂબ ઇમાનદારીથી મારી નોકરી કરી છે. હું કાયમથી દાઢી રાખતો આવ્યો છું અને કોઈ અધિકારીએ મને કદી ટોક્યો નથી."
તેઓ કહે છે "મેં ગત વર્ષે નવેમ્બરમાં પરવાનગી માગી હતી. હવે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દાઢી રાખવી મારા ધર્મ સાથે સંબંધિત છે. હું અધિકારીઓ પાસે પરવાનગી માટે અપીલ કરીશ. મને વિશ્વાસ છે કે મારી વાત સાંભળવામાં આવશે."
ઇંતેસાર અલી કહે છે કે "હું દાઢી નહીં કપાવું. આ મારા ધર્મનો મામલો છે. હું અધિકારીઓને વિનંતી કરીશ. પરવાનગી નહીં મળે તો અદાલત પણ જઈશ. ધર્મનું પાલન કરવાનો મને બંધારણીય અધિકાર છે."
તો શું ઇંતેસાર અલી દાઢી રાખવાની પરવાનગી માગશે તો એમને મળશે એ સવાલ પર એસપી અભિષેક સિંહ કહે છે "હવે તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેઓ જાણે છે કે પોલીસમાં રહીને દાઢી ન રાખી શકાય."
સવાલ એ પણ કરવામાં આવી રહ્યો છે કે શું એક મુસલમાન પોલીસદળમાં રહીને ધર્મનું પાલન નથી કરી શકતો? આ સવાલના જવાબમાં વિભૂતિ નારાયણ રાય કહે છે કે "દાઢી ઇસ્લામમાં ફરજ નથી, સુન્નત છે. જે મુસ્લિમ પોલીસમાં છે તે જ્યારે નોકરીમાં આવે છે ત્યારથી જ જાણે છે કે એમની પાસે શું અપેક્ષાઓ છે અને એમની જવાબદારીઓ શું-શું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો