You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા સાથે પરિચિત વ્યક્તિ દ્વારા થતા દુષ્કર્મની ઘટનાઓ કેમ વધી રહી છે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં ગુજરાતમાં બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી સાથે કથિત દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. તેમાં તેમના સંબંધીનું જ નામ આરોપી તરીકે સામે આવ્યું હતું.
તાજેતરના આવા અન્ય બનાવોમાં પણ અનેક કેસ એવા છે જેમાં આરોપી તરીકે નજીકના સગા-સંબંધી કે જેમની સાથે પરિચય હોય એવા લોકોનું નામ સામે આવ્યું છે.
વળી, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે દેશમાં મહિલાઓ સાથે આચરવામાં આવતા દુષ્કર્મના કેસોમાં મોટાભાગના આરોપી પરિચિત હોય છે.
'રૉયટર્સ'ના એક અહેવાલ મુજબ વર્ષ 2014માં નોંધાયેલા દુષ્કર્મના કેસોમાંથી લગભગ 90 ટકા કેસોમાં પીડિતા સાથે દુષ્કર્મ કરનાર કે અત્યાચાર આચરનારી વ્યક્તિ કાં તો સંબંધી, પાડોશી અથવા ઍમ્પ્લૉયર હતી.
વર્ષ 2017નો એનસીઆરબી ડેટા પણ દર્શાવે છે કે કુલ નોંધાયેલા દુષ્કર્મના 32,559 કેસોમાંથી 93 ટકા કેસોમાં આરોપી પીડિતાના પરિચિત હતા. એટલે કે તેઓ પીડિતાને સારી રીતે ઓળખતા હતા.
રિપોર્ટ અનુસાર 30,299 કેસોમાં આરોપી પીડિતાના પરિવારના સભ્ય હતા, જ્યારે 16,591 કેસોમાં પારિવારિક મિત્ર, પાડોશી અથવા અન્ય પરિચિત વ્યક્તિ આરોપી હતાં.
જોકે અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે પરિચિતો દ્વારા (કથિત) દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય અને કેસ દાખલ થયા હોય તેનું પ્રમાણ 2015 કરતાં 2017માં ઘડ્યું છે. વર્ષ 2015માં આ પ્રમાણ 95 ટકા હતું.
ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓ સામે થતા અત્યાચાર સંબંધિત ગુનાનું પ્રમાણ અને તેના આંકડા દર્શાવે છે કે ઉપરોક્ત મુદ્દો ગંભીર છે. પરંતુ આ પ્રકારના બનાવો કેમ વધી રહ્યા છે?
આ વિશે બીબીસીએ મહિલા અધિકારો માટે લડતાં સામાજિક કાર્યકર્તા અને વકીલ સોનલ જોશી સાથે વાતચીત કરી.
સોનલ જોશીએ આ વિશે કહ્યું, "આવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે એનો અર્થ એ નથી કે પરિવારમાં દરેક પુરુષને શંકાની નજરથી જોવામાં આવે. એ વાત સાચી છે કે આવી ઘટનાઓ નોંધાઈ રહી છે. જેથી આવી ઘટનાઓને કારણ હવે ભારતીય સંસ્કૃતિનું પારિવારિક માળખું શંકાશીલ થઈ રહ્યું છે, આ વિકૃત્તિ છે."
"પરંતુ બીજી તરફ જો સરકારના પ્રયાસની વાત કરીએ, તો નિર્ભયાની ગ્રાન્ટ બીજે વપરાઈ ગઈ અને ફાસ્ટ ટ્રૅક કોર્ટ ખોલવાની હતી પણ એમાં ખાસ પ્રગતિ થઈ નહીં."
'આવા કેસોનું વધતું પ્રમાણ ચિંતાજનક'
તેઓ કહે છે કે, "જ્યાં સુધી કાયદાકીય અથવા નીતિગત બાબતની વાત છે તો આ સમસ્યાને દૂર કરવાની કોશિશ માટે પહેલાં સોસાયટી કે સમુદાય અથવા ગામમાંથી થવી જોઈએ. 'વિશાખા માર્ગદર્શિકા'ની જેમ એક સમિતિ બનવી જોઈએ. જેથી કોઈ દીકરી કે મહિલાને સોસાયટી કે ઘરની જ કોઈ વ્યક્તિ સામે વાંધો અથવા સમસ્યા હોય તો તે તરત જ ત્યાં રજૂઆત કરી મદદ માગી શકે. જોકે આમાં એક બાબત એ પણ છે કે પછી પુરુષોને દબાવવા માટે તેનો દુરુપયોગ ન થાય એની પણ તકેદારી રાખવી પડે."
સોનલ જોશી કહે છે કે, "આપણે દીકરીઓ અને મહિલાઓને વધુ શિક્ષિત કરવી પડશે. સ્કૂલ શિક્ષણમાં પણ બાળકોને શિક્ષણ આપવું પડશે કે જો તમે કોઈની દીકરીને તેની મરજી વિરુદ્ધ પરેશાન કરો તો તમને સજા થઈ શકે છે."
સોનલ જોશી માને છે કે "સરકારે કાયદામાં પણ થોડો બદલાવ કરવાની જરૂર છે. જેમાં પરિવારની વ્યક્તિ દ્વારા જો દુષ્કર્મ અથવા કોઈ શારીરિક છેડછાડ કરવામાં આવે તો વધુ કડક સજા થવી જોઈએ".
ઉપરાંત જ્યાં સુધી આઈપીસી અને સીઆરપીસીની વાત છે, તો એ મામલે તેમણે ઉમેર્યું કે પોલીસ તપાસમાં મોટાભાગે ઢીલ જોવા મળતી હોય છે. જેમાં પણ સુધાર કરવો પડશે.
સોનલ જોશી વિચરતીમુક્ત સમુદાયની મહિલાઓ તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓને તેમના અધિકારો મામલે શિક્ષિત કરી તેમને સશક્ત કરવા માટે સક્રિય છે.
તેમણે તેમની કામગીરી દરમિયાન થયેલા અનુભવો પણ બીબીસી સાથે શૅર કર્યા. જેમાં તેમણે પરિચિત દ્વારા આચરવામાં આવતા દુષ્કર્મના કેસોમાં થઈ રહેલા વધારા વિશે ચિંતા પણ વ્યક્ત કરી.
જોકે બીબીસીએ એ પણ સમજવાની કોશિશ કરી કે આ પ્રકારની ઘટનાઓ વિશે પોલીસનો દૃષ્ટિકોણ શું છે. કારણ કે ફરિયાદથી લઈને તપાસ અને કેસ દાખલ કરવાની કામગીરી પોલીસ દ્વારા થતી હોય છે.
આ સમગ્ર મામલે ગુજરાતનાં મહિલા આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીનું કહેવું છે કે પરિચિતો દ્વારા થતાં દુષ્કર્મના મામલા હવે વધુ પ્રકાશમાં આવી રહ્યા છે.
હાલ સુરતના ઝોન-3નાં ડીસીપી (ડૅપ્યૂટી કમિશનર ઑફ પોલીસ) તરીકે ફરજ બજાવી રહેલાં વિધિ ચૌધરી કહે છે,"હા આ વાત સાચી છે. વળી કેટલીક વખત તો પરિવાર ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કરે છે અથવા કેટલાક મામલા બહાર જ નથી આવતા. જેથી અમે સુઓ મોટો ઍક્શન લઈને પરિવારને સમજાવીએ છીએ."
એક જૂના કેસ વિશે જણાવતા તેમણે ઉમેર્યું, "વર્ષ 2011 ડુમસમાં દુષ્કર્મનો એક કેસ થયો હતો. જેમાં મીડિયા અહેવાલોથી ઘટના પ્રકાશમાં આવી હતી. તેમાં અમે સમયસૂચકતા વાપરીને સુઓ મોટો કાર્યવાહી કરીને આરોપીને સજા કરાવી હતી."
"વળી એક વખત પીડિતાના ભાઈએ જ દુષ્કર્મ કર્યું હતું. મેડિકૉલિગલ કેસ થાય પછી ઘટના સામે આવી, ત્યારે જાણ થઈ. એટલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આવા કેસોમાં પરિવારની જ વ્યક્તિ આરોપી હોવાથી પરિવાર તેને બચાવવાની કોશિશ કરે છે. ક્યારેક પરિવાર સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ડરના વિચારને કારણે ફરિયાદ કરવા આગળ નથી આવતો. ઘણી વાર તો કોર્ટમાં નિવેદન ફેરવી દે છે, તો કેટલાક ફરિયાદમાં વર્ણન બદલી નાખે છે."
આ પ્રકારની ઘટનાઓને રોકવા આઈપીએસ વિધી ચૌધરી સ્થાનિક સામાજિક સ્તરેથી જ પરિવર્તન લાવવા માટે એક પ્રોજેક્ટ ચલાવે છે.
આ પહેલ વિશે જણાવતાં તેઓ કહે છે, "મેં 2018ના સપ્ટૅમ્બરથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 'સેફ હોમ, સેફ સ્ટ્રીટ'. આ પ્રોજેક્ટમાં અમે અત્યાર સુધી 8 લાખથી વધુ બાળકોને વિવિધ જરૂરી બાબતોથી માહિતગાર કર્યાં છે. વળી સ્કૂલના શિક્ષકો અને વાલીઓ સાથે પણ સેમિનાર કર્યા છે. "
"તેમાં તેમને વિવિધ પ્રકારના વીડિયો અને અન્ય સામગ્રી થકી સરળ રીતે સમજાવવામાં આવે છે કે તેમનું 'સેફ સર્કલ' શું છે અને તેમણે કેવી પરિચિતો તરફથી પણ કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવાનું છે."
કયાં પરિબળો જવાબદાર?
જોકે સમાજનાં એવાં કયાં પરિબળો આ ગંભીર બાબતને પ્રેરે છે?
આ વિશે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસીને જણાવ્યું, "ખરેખર કૌટુંબિક સંબંધો સત્તાના સંબંધો પણ છે અને લાગણીના સંબંધો પણ છે. જેમ કે સાસુ અને વહુ વચ્ચે સત્તાનો સંબંધ છે. એટલે શોષણનો ભાવ જોવા મળતો હોય છે. વળી બીજી તરફ કેટલાક રિવાજો પણ છે જે પ્રભાવિત કરે છે. સંતાન કેમ નથી થતું? બાળક માટે દબાણ, દીકરી જન્મે તો પણ વાંધો સહિતની બાબતો સત્તાના સંબંધની પ્રતીતિ કરાવે છે."
તેઓ કહે છે કે, "મહિલાઓનાં શોષણ અથવા દબાણની પ્રથા અને રિવાજો ઘરમાં જ વધુ જોવા મળે છે. વળી ઘરમાં આવી પ્રથાઓને જાળવવામાં આવે છે. ઘણીવાર માબાપ પણ ત્રાસ આપે છે. યુવતી છૂટાછેડા લઈને આવી હોય તો ઘરના સભ્યોને નથી ગમતું. વળી વિધવાને પિયર અથવા સાસરામાં પણ નમીને રહેવું પડે છે."
"ઉપરોક્ત રિવાજો અને માનસિકતાઓ મહિલાને અશક્ત બનાવે છે."
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની અનુસાર ઘણા કિસ્સાઓમાં મહિલાની લાચારી પણ એક કારણ રહેતું હોય છે.
તેઓ કહે છે,"ઘણી જગ્યાએ આર્થિક લાચારીને કારણે સ્ત્રીને સરૅન્ડર થવાનો વારો આવી જાય છે. તે ભલે દેહ વેચીને પરિવારનું પોષણ કરે તો પણ તેના વ્યક્તિત્વનો કોઈ આદર નથી કરવામાં આવતો."
"આ પ્રકારનાં કારણો અને પરિસ્થિતિ મહિલા સામે શાબ્દિક અને શારીરિક હુમલા કરવા માટેનું વાતાવરણ પૂરુ પાડે છે."
બદલાઈ રહેલી સમાજવ્યવસ્થા
પરિચિત વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવા પાછળ વ્યક્તિની માનસિકતા વિશે જણાવતાં સુરતના મનોચિકિત્સક મુકુલ ચોક્સીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "આ બાબતને સગૌત્ર વ્યાભિચાર કહેવાય છે. અંગ્રેજીમાં તેના માટે શબ્દ છે 'incest'.
"ભૂતકાળમાં પણ આવું બનતું જ હતું. જોકે એ સમયે સગૌત્ર વ્યભિચારની ઘટનાઓમાં સમાજમાં અંદરોઅંદર જ સમાધાન કરી દેતો હતો. પણ હવે ફરિયાદો થાય છે. લોકો હિંમત કરી ફરિયાદ કરતા થયા છે એટલે પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે."
"બીજી તરફ હવે નાનાં ન્યુક્લિયર ફેમિલી થવાં લાગ્યાં છે. એટલે છોકરી ઘરે એકલી હોય. કેમ કે જો સંયુક્ત કુટંબ હોય તો ઘરમાં 10 લોકો હાજર હોય એટલે ફેર પડે."
"જેથી દીકરી ઘરમાં એકલી હોવાથી ક્યારેક આડોશ પાડોશના કે આજુબાજુના લોકો આ સ્થિતિનો લાભ ઉઠાવી લેતા હોય છે. સામાજિક માળખું પણ એવું છે કે પરિચિત વ્યક્તિ નજીકના ઘરમાં જઈ શકે છે વાતચીત કરી શકે છે. એટલે દીકરી ઓળખતી હોવાથી વ્યક્તિ પર વિશ્વાસ કરી લેતી હોય છે. જેથી તેને કોઈ જગ્યાએ બોલાવવામાં આવે કે લઈ જવામાં આવે તો તે સરળતાથી સાથે જતી રહે છે."
આ મુદ્દે તેમણે એક મહત્ત્વની વાત એ પણ કહી કે પૉર્નોગ્રાફી પણ ક્યાંકને ક્યાંક વ્યક્તિ-સમાજને આ મુદ્દે અસર કરી છે.
તેમણે કહ્યું, "પૉર્નોગ્રાફીમાં સગૌત્ર વ્યાભિચારના વીડિયો જ વધારે હોય છે. એટલે આનાથી લોકોને થ્રિલ થાય છે. જેથી એક સબકૉન્સિયસ માઇન્ડમાં આવી બાબત પ્રત્યે આકર્ષણ જન્મ લે છે. જેનાં લીધે તેનાં પરિણામો સમાજે ભોગવવાં પડે છે."
સુરક્ષાની જવાબદારી કોની?
સમાજના પરિપ્રેક્ષ્યમાં આ મુદ્દે મહિલા-પુરુષની ભૂમિકા વિશે એક ઉદાહરણ પૂરું પાડતાં ગૌરાંગ જાની કહે છે, "દીકરી જ્યારે પિરિયડ્સમાં આવે છે, ત્યારે તેની માતા તેને બધુ સમજાવે છે કે તેણે શું કરવાનું, શું નહીં કરવાનું. દીકરીના માતા તેની સાથે સંવાદ કરે છે અને શરીરમાં આવેલા આ બદલાવ વિશે વાત કરે છે."
ગૌરાંગ જાની કહે છે કે, "જોકે તેમાં પણ માતા તેને હવે ભવિષ્યમાં તેણે કેટલીક બાબતોથી સચેત રહેવાની શિખામણ આપે છે. એટલે મહિલાની સુરક્ષા માટેની જવાબદારી પણ મહિલા પર જ થોપી દેવાય છે. જેને સુરક્ષાની જરૂર છે, તેના પર જ આ જવાબદારી થોપી દેવી કેટલી યોગ્ય છે?"
આ વિશે તેમણે વધુમાં ઉમેર્યું, "જેવો સંવાદ માતા-દીકરી વચ્ચે થાય છે, આ પ્રકારના સંવાદ બાપ-દીકરા સાથે નથી થતા."
"કોઈ પિતા તેના દીકરાને નથી કહેતા કે હવે તું યુવાન થઈ ગયો છે અને તારે કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. કેમ કે એક રીતે પુરુષને બાયૉલૉજિકલ ઍડ્વાન્ટેજ હોય છે. દુષ્કર્મ કરનાર પુરુષને ગર્ભ રહેતો નથી થતો પણ મહિલા પર માનસિક અને શારીરિક અસર થતી હોય છે. એટલે પણ સમાજમાં કેટલાક લોકો આ પ્રકારનું શોષણ કરતા હોય છે."
અત્રે નોંધવું કે પરિચિતો દ્વારા બાળકો ખાસ કરીને કિશોરીઓના શારીરિક શોષણને રોકવા માટે પોક્સો એક્ટમાં કડક જોગવાઈઓ પણ સામેલ કરી છે.
જે દર્શાવે છે કે પરિચિતો દ્વારા શારીરિક શોષણ-દુષ્કર્મની ભીતિની સમસ્યાનો મહિલાએ બાળપણથી લઈને વયસ્ક થાય ત્યાં સુધી સામનો કરવો પડે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો