You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પેટાચૂંટણી : હાર્દિક પટેલ અને 'પાટીદાર ફેક્ટર' કેટલી અસર કરી શકશે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે અને રાજકીય પક્ષોએ પ્રચારપ્રસાર શરૂ કરી દીધો છે, નેતાઓ પોતપોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં પહેલી વાર હાર્દિક પટેલના કૉંગ્રેસમાં આવ્યા પછી ચૂંટણી યોજાઈ રહી છે. વળી, કૉંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષનું પદ પણ આપ્યું છે.
હાર્દિક પટેલ જોશભેર પેટાચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. એમણે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની બેઠકો પર સભાઓ કરી છે.
ભાજપ તરફથી સી આર પાટીલ ઉપરાંત, મુખ્ય મત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ બેઠકો પર પ્રચાર કરી રહ્યાં છે.
એટલે રાજકીય નિષ્ણાતો સહિત સામાન્ય લોકોની પણ હાર્દિક પટેલ અને પાટીદારોની ભૂમિકા પર નજર હોય એ સ્વાભાવિક છે.
નિષ્ણાતો અનુસાર આ પેટાચૂંટણીમાં પાટીદારોની ભૂમિકાને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે, તો હાર્દિક પટેલની કેટલી અસર થશે એ બાબતે પણ અલગઅલગ મત છે.
એવું પણ માનવામાં આવે છે કે હાર્દિક પટેલનું પ્રભુત્વ પહેલાં કરતાં ઓસરતું જઈ રહ્યું છે. તો કેટલાકના મતે હાર્દિકને નજરઅંદાજ ન કરી શકાય.
જોકે કોરોનાના સમયમાં અને આર્થિક સુસ્તીની વચ્ચે યોજાતી ચૂંટણીમાં મતદારો પણ સુસ્ત હોય તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વિધાનસભાની ચૂંટણી વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન, પાકવીમો, પાણી જેવા મુદ્દાઓએ ગુજરાતમાં ભાજપને નુકસાન કર્યું હતું.
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કૉંગ્રેસે 77 બેઠક જીતી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવાનેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સતત સક્રિય રહ્યા અને ચર્ચામાં પણ રહ્યા હતા.
જોકે હવે હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે અને તેમને પાર્ટીના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
તો એક સમયે કૉંગ્રેસમાં રહીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં ભળી ગયા હતા અને ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં હારી ગયા હતા.
તો શું આ ચૂંટણીમાં પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે?
સૌરાષ્ટ્રના રાજકારણને બહુ નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે આ ચૂંટણીમાં કચ્છ-સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
તો જાણીતા રાજકીય વિશ્લેષક મનોજ મિસ્ત્રીના મતે 'પાટીદાર ફેક્ટર' આ ચૂંટણીમાં એટલું અસર કરે તેવું લાગતું નથી.
કેવો છે ચૂંટણીનો માહોલ?
હાર્દિક પટેલે એક વાર બીબીસી ગુજરાતીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'તેઓ પેટાચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બેકારી અને આરોગ્યની સમસ્યાને ઉઠાવશે.'
તેઓ ગામડે-ગામડે તથા સોસાયટી-સોસાયટીએ જઈને મહિલા, ખેડૂત, બેરોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દા ઉઠાવશે અને આ મુદ્દે રાજ્યની છ કરોડની જનતાને જાગૃત કરવા પ્રયાસ કરશે.
તેમણે ખેડૂતોના પાકવીમા તથા ત્રણ લાખ ખાલી જગ્યા ભરવા જેવી પડતર માગણીઓને ફરીથી ઉઠાવવાની વાત કહી હતી.
રાજકીય નિષ્ણાતો અનુસાર પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક મુદ્દાઓ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.
હાલમાં કોરોનાના સમયમાં આરોગ્યસેવાઓ કેવી રહી, રસ્તા-પાણીની સુવિધા કેવી, ખેડૂતોની સમસ્યા શું છે એ પણ જોવામાં આવે છે.
મનોજ મિસ્ત્રીના મત અનુસાર આ વખતની ચૂંટણીમાં સામાન્ય લોકોને એટલો બધો રસ નથી.
તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે "પાર્ટી લેવલે ચૂંટણીનો માહોલ જોવા મળે છે, પણ સામાન્ય લોકો ચૂંટણીના માહોલથી નારાજ છે. લોકો પાસે પૈસા નથી. બેકારી છે, બેરોજગારીનો સવાલ છે. એવું કહી શકાય કે લોકોનો મૂડ નથી."
પાટીદારો કેટલી અસર કરી શકે?
આ પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. કચ્છની અબડાસા, અમરેલીની ધારી, મોરબી, બોટાદની ગઢડા અને સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક.
રાજકીય નિષ્ણાતોના મતે સૌરાષ્ટ્રમાં કોઈ પણ ચૂંટણીમાં પાટીદાર મતદારોની ભૂમિકા મહત્ત્વની ભાગ ભજવતી હોય છે.
રાજકીય નિષ્ણાતો અનુસાર, 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદારોએ મોટી ભૂમિકા ભજવી હતી.
સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે, એ અગાઉ કૉંગ્રેસ પાસે હતી અને એ બેઠકો પર પાટીદારોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જગદીશ આચાર્ય કહે છે, "સૌરાષ્ટ્ર અને કચ્છની પાંચ બેઠકો પર પાટીદાર મતોની સંખ્યા બહુ મોટી છે. ધારી એ સંપૂર્ણ પાટીદારો મત ધરાવતી બેઠક છે. ધારો કે લીમડી બેઠક પર પાટીદારો સૌથી વધુ મતદાર તરીકે ન હોય, પણ એ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે."
તેઓ કહે છે કે "પાટીદારો જે તરફ જાય એ પાર્ટીને ફાયદો થઈ શકે."
પાટીદારોમાં સરકાર સામે ગુસ્સો છે કે નહીં એ અંગે તેઓ કહે છે, "હાર્દિકની પહેલાં જેટલી લોકપ્રિયતા નથી એ વાત સાચી છે, પરંતુ પાટીદારો હવે હાર્દિકને સાવ ગણતા નથી એવું પણ નથી."
"ખાસ કરીને પાટીદારોનો જે યુવાવર્ગ છે એ આજે પણ હાર્દિક સાથે છે. એટલે 'હાર્દિક ફેક્ટર'ને સાવ કોરાણે મૂકી દેવાય એવું નથી."
મનોજ મિસ્ત્રી કહે છે કે હાલમાં પાટીદારોનું કોઈ જૂથ એવી કોઈ મોટી લડાઈ નથી લડી રહ્યું, જેની આ ચૂંટણીમાં અસર થાય.
તેઓ કહે છે, "ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહે બળવો કર્યો એટલે કૉંગ્રેસની સરકાર ન બની. શંકરસિંહ જો કૉંગ્રેસ સાથે અડીખમ હોત તો ગુજરાતમાં આજે કૉંગ્રેસની સરકાર હોત. કેમ કે સીટોનો તફાવત બહુ ઓછો હતો."
તેઓ એમ પણ કહે છે કે "પાટીદારો નારાજ છે એ ચોક્કસ, પણ ઓવરઑલ હાલમાં પાટીદારો આ ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી. પાટીદારો હાલ વિરોધ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી."
પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોણ સામસામે?
આઠ પેટાચૂંટણીમાં ભાજપે પાંચ એવા ધારાસભ્યો છે, જે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, એમને ટિકિટ આપી છે.
ભાજપ તરફથી કચ્છ જિલ્લાની અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે, તો કૉંગ્રેસે ડૉ. શાંતિલાલ સંઘવીને અહીં ઉમેદવાર બનાવ્યા છે.
મોરબી બેઠક એ પાટીદારોની પ્રભુત્વવાળી બેઠક છે અને અહીં પાટીદાર અનામત આંદોલનની પણ ઘણી અસર હતી.
મોરબી બેઠક પર ભાજપ દ્વારા કૉંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાની પસંદગી કરવામાં આવી છે, તો કૉંગ્રેસ તરફથી જયંતીલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
પાટીદારોના પ્રભુત્વાળી ધારી બેઠક પરથી ભાજપે જે.વી. કાકડિયાને ટિકિટ આપી છે, તો કૉંગ્રેસે અહીં સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે.
બોટાદ જિલ્લાની ગઢડા (એસ.સી.) બેઠક પર ભાજપે પૂર્વ કૅબિનેટમંત્રી આત્મરામ પરમારને ટિકિટ આપી છે. તો સામા પક્ષે કૉંગ્રેસ મોહનભાઈ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.
ગઢડા આમ તો અનુસૂચિત જાતિ માટે અનામત છે, તેમ છતાં અહીં પાટીદારો મોટી ભૂમિકા ભજવી શકે છે તેવો નિષ્ણાતોનો મત છે.
જગદીશ આચાર્ય અનુસાર, 2017ની ચૂંટણીમાં સરકાર સામે જે રોષ હતો એ હવે ઘટ્યો છે, પણ એનો અર્થ એ નથી કે પાટીદારો ભાજપને ચાહવા લાગ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "તમે સોશિયલ મીડિયામાં પાટીદારોનાં જે ગ્રૂપ છે, તેમની કૉમેન્ટ જુઓ તો હજુ પણ પાટીદારોને ભાજપ પ્રત્યે પ્રેમ હોય એવું લાગતું નથી."
"ખેડૂતોને જે મોટો વર્ગ છે એ પાટીદારો છે, એટલે ખેડૂતોની જે વર્ષો જૂની સમસ્યા હતી એ આજે પણ ઊભી છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં પાટીદારો મોટી ભૂમિકા ભજવી શકે છે."
હાર્દિક પટેલ અંગે તેઓ કહે છે, "ગામડાંઓમાં હજુ પણ હાર્દિકને સાંભળવા-મળવા માટે લોકો ભેગા થાય છે. હાર્દિક હાલમાં તો કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે, પણ જ્યારે તેઓ ભાજપની વિરુદ્ધમાં કામ કરતાં હતા અને કૉંગ્રેસમાં નહોતા જોડાયા ત્યારે પણ લાભ તો કૉંગ્રેસને જ થતો હતો."
તો મનોજ મિસ્ત્રી કહે છે કે સૌરાષ્ટ્રમાં થોડી ઘણી અસર થઈ શકે છે, પણ અહીં દક્ષિણ ગુજરાતમાં એવું નથી. અહીંના લોકો સામાન્ય રીતે બળવો કરતા નથી હોતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો