ગુજરાતની પેટાચૂંટણી: આર્ટિકલ 370 કેમ બની રહ્યો છે ચૂંટણી મુદ્દો?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"આ એ કૉંગ્રેસ છે, જેણે બંધારણનું અપમાન કર્યું અને ભાજપે જ્યારે સંસદમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશને એક કરવાની વાત કહી ત્યારે આ લોકોએ ભારતને ખંડિત રાખવાના પૂરતા પ્રયાસ કર્યા હતા."

આ શબ્દો ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના છે અને આ વાત તેમણે ગુજરાતની પેટાચૂંટણીમાં પ્રચાર કરતી વખતે કહી હતી.

એક તરફ ભાજપ કાશ્મીર-370 જેવા મુદ્દાઓ પર ગુજરાતની પેટાચૂંટણી લડી રહ્યો છે, તો બીજી તરફ કૉંગ્રેસ 'ગદ્દારો હારશે આઠે આઠ'ના સૂત્રનો ચૂંટણીપ્રચારમાં પૂરજોશથી ઉપયોગ કરી રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાઈ રહી છે, જેનો પ્રચાર રંગેચંગે ચાલી રહ્યો છે.

જોકે આ પ્રચારઅભિયાનમાં સ્થાનિક મુદ્દાઓ કરતાં વધારે ચર્ચા કાશ્મીરમાં 370 હઠાવવા અને ધારાસભ્યોનાં રાજીનામાં અંગે થઈ રહી છે.

કૉંગ્રેસનું સૂત્ર અને ભાજપનો જવાબ

મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લીંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા - આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

પક્ષપલટા બાદ ભાજપ તરફથી લડી રહેલા પૂર્વ કૉંગ્રેસીઓને ધ્યાને રાખીને કૉંગ્રેસે 'ગુજરાતના મતદારો સાથે વિશ્વાસઘાત'ના સૂત્ર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટર વહેતાં કર્યાં છે.

સાથે જ કૉંગ્રેસે સૂત્ર મૂક્યું છે કે 'ગુજરાતની જનતા ભણાવશે પાઠ, ગદ્દારો હારશે આઠે આઠ.'

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોરબીમાં આ સૂત્રનો જવાબ આપતાં પ્રચારસભામાં કહ્યું હતું, "સાંભળું છું કે કૉંગ્રેસ છોડી દીધી હોય તેમની માટે ગદ્દારી કરી હોય એવું કહેવાઈ રહ્યું છે. એ લોકો જે આર્ટિકલ 370નો બહિષ્કાર ન કરી શક્યા, તેઓ આજે ગદ્દારીની વાત કરે છે?"

"ભાજપે જ્યારે સંસદમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક ધ્વજ અને એક બંધારણ હેઠળ દેશને એક કરવાની વાત કહી ત્યારે આ લોકોએ ભારતને ખંડિત રાખવાના પૂરતા પ્રયાસ કર્યા હતા."

તેમણે કહ્યું, "આ એ લોકો છે, જેમણે સંસંદમાં પ્રશ્ન કર્યો હતો કે બંધારણ અને સંસદ કલમ 370 હઠાવવાનો અધિકાર તમને આપે છે?"

કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની પ્રચારસભામાં પણ સ્મૃતિ ઈરાનીએ લગભગ આ જ વાત દોહરાવી હતી.

અક્ષય પટેલ ગઈ ટર્મમાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય હતા અને રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાનો મુદ્દો સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં પણ ગૂંજી રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ પેટાચૂંટણીમી પ્રચારસભાઓમાં જનધન યોજના, બાલાકોટ હુમલો, કૃષિ સુધારણા કાયદો, આત્મનિર્ભર ભારત વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

370ને બદલે ભાજપ વાસ્તવિક સમસ્યાઓની ચિંતા કરે - કૉંગ્રેસ

ગુજરાતની ચૂંટણીમાં અનુચ્છેદ 370 પ્રચારનો મુદ્દો હોઈ શકે? કૉંગ્રેસ જ્યારે પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા ઉમેદવારો માટે 'ગદ્દાર' શબ્દ વાપરીને પ્રચારસભાઓ કરી રહી છે ત્યારે સ્મૃતિ ઈરાની તેમને 370ના નામે ઘેરી રહ્યાં છે.

આ વિશે કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બીબીસીને જણાવ્યું કે "ખરેખર તો ભાજપે 370ના નામે કાશ્મીરમાં પ્લોટ મળશે એ પ્રકારની લાલચ આપવાના બદલે વાસ્તવિક સમસ્યાઓની ચિંતા કરવાની જરૂર છે."

જયરાજસિંહ સ્થાનિક મુદ્દાઓ યાદ કરાવતાં કહે છે, "સ્મૃતિ ઈરાની કરજણ અને મોરબીમાં આવ્યાં અને ત્યાં MSME(માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇસીઝ)માં રોજગારીના પ્રશ્નો છે. મોરબીમાં સિરામિકઉદ્યોગ છે, જામનગરમાં બ્રાસનો ઉદ્યોગ, નજીકમાં રાજકોટમાં મશીનરીઉદ્યોગ છે, હિંમતનગરમાં ટાઇલ્સનો ઉદ્યોગ, આ બધાને સરકારની આયાતનિકાસ નીતિએ ખલાસ કરી નાખ્યાં છે."

આ મુદ્દે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ બીબીસીને કહ્યું હતું, "અમે આ કામ કર્યું છે એટલે કહીએ છીએ. અમે જે કામો કર્યાં છે, એનો હિસાબ પ્રજા વચ્ચે પ્રચારરૂપે લઈને જઈએ છીએ. આ મતબૅન્ક કે તુષ્ટીકરણની રાજનીતિ નથી. મતબૅન્ક કૉંગ્રેસનો શબ્દ છે."

તેઓ ઉમેરે છે, "કલમ 370નો મુદ્દો જનસંઘ વખતથી ભાજપનો છે. સમગ્ર દેશવાસીઓની વર્ષોથી ઇચ્છા હતી કે 370 હઠાવવામાં આવે અને કાશ્મીરનું ભારતમાં પૂર્ણ એકીકરણ થવું જોઈએ."

"કૉંગ્રેસે જે ન કર્યું, તે ભાજપે કરી બતાવ્યું. એટલે જ દેશની રાષ્ટ્રપ્રેમી જનતામાં ઉત્સાહ અને સંતોષનો માહોલ છે."

'પેટાચૂંટણીના સ્થાનિક મુદ્દાઓ વિશે કૉંગ્રેસ પોતે બોલતી નથી'

કલમ 370નો મુદ્દો ગુજરાતની પેટાચૂંટણી ઉપરાંત બિહારની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ ચર્ચાઈ રહ્યો છે.

ગુજરાતના કર્મશીલ અને લેખક ચંદુ મહેરિયાએ બીબીસીને જણાવ્યું કે "સ્મૃતિ ઈરાની 370નો ઉલ્લેખ પેટાચૂંટણીના પ્રચારમાં કરતાં હોય તો એનાથી ભાજપને ફાયદો નહીં થાય."

તેઓ આ અંગે છણાવટ કરતાં કહે છે, "ચૂંટણીમાં ડિસ્કોર્સ કઈ રીતે બદલવો અને અન્ય રાજકીય પક્ષોને પોતાના મુદ્દા પર લઈ આવવા એ રાજકીય પક્ષોની ખૂબી હોવી જોઈએ. જે ભાજપની ખૂબી છે."

"370ના મુદ્દા સાથે ગુજરાત કે બિહારને ખાસ લેવાદેવા ન હોય છતાં એમાં લઈ આવવાનો. આનો હેતુ એ છે કે કઈ રીતે તમે ધ્રુવીકરણ કરો છો એ ભાજપ માટે સૌથી અગત્યનું છે."

મહેરિયા કહે છે, "ગુજરાતમાં કૉંગ્રેસ એ રીતે નબળી છે કે ક્યારેય પોતાના મુદ્દા પર ભાજપને લાવી શકતી નથી."

"બિહારમાં આ વખતે રાષ્ટ્રીય જનતા દળના આગેવાન તેજસ્વી યાદવ પોતાના મુદ્દા પર ભાજપ અને નીતીશકુમારને લઈ આવ્યા છે. તેજસ્વીએ દસ લાખ નોકરીઓની જાહેરાત કરી, એની સામે ભાજપે અને નીતીશકુમારે બોલવું પડે છે."

"કૉંગ્રેસમાં મૂળે ખામી એ છે કે મોરબી કે કરજણમાં સ્થાનિક સમસ્યા શું છે અને એ મુદ્દા બનવા જોઈએ એ વિશે કૉંગ્રેસ બોલી નથી શકતી."

'પક્ષાંતરવિરોધી કાયદો તકવાદમાં ફેરવાઈ ગયો છે'

ભાજપ તેના ચિરપરિચિત મુદ્દા સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીય ચૂંટણીમાં ચમકાવતો રહે છે, આનું અન્ય કારણ જણાવતાં પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહીલે કહ્યું, "370નો મુદ્દો લોકસભા કે રાષ્ટ્રીય ચૂંટણીનો મુદ્દો છે. ભાજપ એવું માને છે કે આ મુદ્દાને લીધે ધ્રુવીકરણ કરીને જીતી શકાશે."

"આ બહાને પ્રજાલક્ષી મુખ્ય મુદ્દાને કોરાણે કરી શકાય, જેથી ચર્ચા આડે પાટે ચઢી જાય. 370નો મુદ્દો ભાજપે વાજબી રીતે ઉપાડ્યો હતો અને એનો ઉકેલ પણ લાવ્યો, પણ પેટાચૂંટણીમાં 370નો મુદ્દો અપ્રસ્તુત છે."

જે લોકો કૉંગ્રેસ છોડીને ભાજપમાંથી ઉમેદવાર બન્યા, એ વિશે દિલીપ ગોહીલ કહે છે કે "કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા, તેમને પ્રજાદ્રોહ તો કહેવો જ પડે અને એ ચૂંટણીનો મુખ્ય મુદ્દો તો છે."

"સરવાળે એ દરેક પક્ષને નુકસાનકારક છે, તેથી એનો કૉંગ્રેસ ઉલ્લેખ કરે એ વાજબી છે. સવાલ એ છે કે જે અસરકારક રીતે કોંગ્રેસે એ મુદ્દો હાથમાં લેવો જોઈએ એ રીતે નથી લીધો."

પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ માટે કૉંગ્રેસના નેતા 'ગદ્દાર' શબ્દ પ્રયોજી રહ્યા છે.

આ સંદર્ભે જયરાજસિંહે કહ્યું હતું કે "ગદ્દારોને તો હંમેશાં ધિક્કાર મળે છે, ગદ્દારી પછી ભાઈ સાથે કરી હોય કે સમાજ સાથે કરી હોય. તેથી ગદ્દાર શબ્દ કૉંગ્રેસ પ્રયોજે છે, તે બરાબર જ છે."

"ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ કહે છે કે કૉંગ્રેસના નેતાને હવે ભાજપમાં સ્થાન નહીં અને જ પાટીલ પ્રમુખ થયા, એ પછી પાંચ ગદ્દારોને તો ઉમેદવારી આપી જ છે."

આની સામે પ્રશાંત વાળા કહે છે, "સી. આર. પાટીલે હાકલ કરી છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો જીતીશું. જો એમ થશે તો પછી કોઈને લેવાની જરૂર નહીં રહે. કારણકે, બધા જ ધારાસભ્યો અમારા જ હશે."

ચંદુ મહેરિયા કહે છે, "પક્ષાંતરવિરોધી કાયદો તેમાં રહેલાં છીંડાંને લીધે તકવાદમાં ફેરવાઈ ગયો છે. કૉંગ્રેસે આની સામે મોટી ઝુંબેશ આદરવી જોઈએ કારણકે એનો તો દુરુપયોગ વધી ગયો છે."

"રાજીવ ગાંધીને પ્રચંડ બહુમતી મળી, ત્યારે પક્ષપલટાવિરોધી કાયદો લાવ્યા હતા. એ કાયદામાં મસમોટાં છીંડાં છે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે પણ તેમણે એ છીંડાં પૂરવાનું કામ નહોતું કર્યું. હવે કમસેકમ જોરથી અવાજ તો ઉઠાવવો જ જોઈએ."

આર્ટિકલ 370 વિશે

ભારતીય બંધારણના આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હતો.

જો તેના ઇતિહાસમાં જઈએ તો વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા.

બાદમાં તેમણે કેટલીક શરતો સાથે ભારતમાં વિલયની સહમતિ દર્શાવી હતી.

જે બાદ ભારતીય બંધારણમાં કલમ 370ની જોગવાઈ કરવામાં આવી હતી.

જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

જોકે, રાજ્ય માટે અલગ બંધારણની માગ કરવામાં આવી. એ પછી 1951માં રાજ્યને બંધારણસભાને અલગથી બોલવવાની મંજૂરી મળી ગઈ.

નવેમ્બર, 1956માં રાજ્યના બંધારણનું કામ પૂર્ણ થયું અને 26 જાન્યુઆરી, 1957ના રોજ રાજ્યમાં વિશેષ બંધારણ લાગુ થઈ ગયું.

બંધારણની કલમ 370 વાસ્તવમાં કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીરના સંબંધોની રૂપરેખા છે.

કલમ 370ની જોગવાઈ અનુસાર, રક્ષા, વિદેશનીતિ અને સંચાર સાથે જોડાયેલા મામલાઓ સિવાય અન્ય કાયદાઓ રાજ્યમાં લાગુ કરાવવા માટે કેન્દ્રએ રાજ્યની મંજૂરી લેવી પડતી હતી.

આ વિશેષ દરજ્જાને કારણે જમ્મુ-કાશ્મીર રાજ્ય પર બંધારણની કલમ 356 લાગુ થતી નથી.

કલમ 370ના કારણે, જમ્મુ-કાશ્મીરમાં અલગ ધ્વજ હતો, આ સાથે જ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો