ગુજરાત પેટાચૂંટણી : ભાજપ-કૉંગ્રેસ માટે અનામત સીટ ગઢડા કેટલી મહત્ત્વની?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં યોજાનારી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં બોટાદ જિલ્લાની ગઢડા બેઠકનો પણ સમાવેશ થાય છે.

ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જે આઠ બેઠકની ચૂંટણી થઈ રહી છે, એમાં એકમાત્ર ગઢડા એસ.સી. અનામત બેઠક છે.

આ બેઠક પરથી ભાજપમાંથી પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ચૂંટણી લડી રહ્યા છે અને કૉંગ્રેસમાંથી મોહન સોલંકી મેદાનમાં છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.

જોકે રાજ્યસભાની ચૂંટણી અગાઉ પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હતું અને એના કારણે આ બેઠક પર ચૂંટણી થઈ રહી છે.

એ પણ નોંધવું રહ્યું કે પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ પેટાચૂંટણીમાં કોઈ પક્ષમાંથી ચૂંટણી નથી લડતા.

કોરોનાના સમયમાં થઈ રહેલી પેટાચૂંટણીમાં ગઢડા એકમાત્ર અનુસૂચિત જાતિ માટે અનામત સીટ છે. એ રીતે પણ કૉંગ્રેસ અને ભાજપ બંને આ સીટ પોતાના ખાતામાં લાવવા માટે મથે છે.

ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત તમામ દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીપ્રચારમાં લાગ્યા છે.

2017ની વિધાનસભાની ચૂંટણીના આંકડા પ્રમાણે ગઢડા બેઠક પર 2,41,795 મતદારો છે, જેમાં 52.18 ટકા પુરુષ મતદારો અને 47.82 ટકા મહિલા મતદારો છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને હરાવ્યા હતા.

જોકે ભાજપે તેમ છતાં અહીં આત્મારામ પરમારને ફરી ટિકિટ આપી છે.

ઇલેક્શન ઇન ઇન્ડિયા વેબસાઇટ અનુસાર, ગત વિધાનસભામાં કૉંગ્રેસના પ્રવીણ મારુને 50.67 ટકા મત મળ્યા હતા અને ભાજપના આત્મારામ પરમારને 43.8 ટકા મત મળ્યા હતા.

આત્મારામ પરમાર આ બેઠક પર ભાજપમાંથી સૌપ્રથમ 1995માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

ત્યારથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ચાર વાર અહીંથી ધારાસભ્ય બન્યા છે.

2002માં કૉંગ્રેસના પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.

તો 2007 અને 2012માં પણ ભાજપના આત્મારામ પરમારે કૉંગ્રેસના પ્રવીણ મારુને હરાવ્યા હતા.

આ સીટના મતદારો કોઈ એક પક્ષના ઉમેદવારને સતત ચૂંટતા નથી, એવું અગાઉની ચૂંટણીઓનાં પરિણામ પરથી જાણી શકાય છે.

ગઢડા બેઠકનો ઇતિહાસ

1967થી ગઢડા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 1980માં અનામત (એસ.સી.)માં ફેરવાઈ હતી.

1967માં એસડબલ્યુએ (સ્વતંત્ર પાર્ટી)ના આર.બી. ગોહિલે કૉંગ્રેસના ડીએમ દેસાઈને હરાવ્યા હતા.

બાદમાં 1972ની ચૂંટણીમાં કૉંગ્રેસના લખમણભાઈ ડી. ગોટીએ એનસીઓ (ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ ઑર્ગેનાઇઝેશન)ના ચંદ્રકાન્ત એમ. ઠાકરને હરાવ્યા હતા.

1975માં આ બેઠક કૉંગ્રેસે કબજે કરી હતી અને 1980માં ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઈ હતી. ત્યારે ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (આઈ) બચુભાઈ ગોહેલે જનતાપાર્ટી (જેપી)ના હેજામ કિશોર શ્યામદાસને હરાવ્યા હતા.

1985માં કૉંગ્રેસ, 1990માં ભાજપ, 1995માં ભાજપ, 1998માં ભાજપ, 2002માં કૉંગ્રેસ, 2007માં અને 2012માં પણ ભાજપ આ સીટ પરથી જીત્યો હતો.

શું છે સ્થાનિક મુદ્દા?

કૉંગ્રેસ આ પેટાચૂંટણીમાં બેરોજગારી, પક્ષપલટાનો પાઠ ભણાવો, ખેડૂતોની સમસ્યાઓ સહિત અનેક મુદ્દાઓ લોકો સમક્ષ મૂકીને પ્રચાર કરી રહી છે.

તો સામે પક્ષે સત્તાધારી પક્ષ ભાજપ વિકાસની રાજનીતિને આગળ ધરે છે.

ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે.

છેલ્લાં 30 વર્ષથી પત્રકાર તરીકે કામ કરતા નીતિન સોની કહે છે કે ગઢડા બેઠક પરથી વારાફરતી ભાજપ-કૉંગ્રેસના નેતાઓ ચૂંટાતા આવ્યા છે.

"ભાજપના કમિટેડ મતદારો છે અને ભાજપની સંગઠનશક્તિ પણ સારી છે. એટલે બધાં સમીકરણ જોતાં ભાજપને ફાયદો થાય એવું લાગી રહ્યું છે."

તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગઢડા મતવિસ્તાર મૂળે તો ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી, એ રીતે સ્થાનિક રોજગારીની પણ સમસ્યા છે."

"મોટા ભાગના લોકો ખેતીવાડી પર નભે છે, હીરાનું થોડુંઘણું કામ ચાલે છે. તો વર્ષો પહેલાં અહીં નૅરોગેજ લાઇન હતી એ ઘણા સમયથી બંધ પડેલી છે. એટલે લોકોને ટ્રાન્સપૉર્ટેશનની પણ સમસ્યા વેઠવી પડે છે."

પાટીદાર અનામત આંદોલન સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સત્તા પક્ષ સામે વિરોધના સૂર જોવા મળતા હતા. જોકે સમય જતાં તેમાં ઘણે અંશે બદલાવ આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.

નીતિન સોની પણ કહે છે કે આ પેટાચૂંટણીમાં 'પાટીદાર ફૅક્ટર' અસર કરે એવું લાગતું નથી.

આત્મારામ પરમાર ભાજપના દિગ્ગજ નેતા છે, એમનો ચૂંટણી લડવાનો રાજકીય અનુભવ પણ બહોળો છે, એ રીતે સ્થાનિક મતદારોમાં તેમની પકડ વધુ મજબૂત હોઈ શકે છે.

પેટાચૂંટણીના ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો

ઉલ્લેખનીય છે કે અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડી હતી.

જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપ તરફથી કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે અને કૉંગ્રેસે ડૉ. શાંતિલાલ સંઘાણીને ઉમેદવાર બનાવ્યા છે.

તો પાટીદારોના પ્રભુત્વવાળી મોરબી બેઠક પરથી ભાજપ તરફથી બ્રિજેશ મેરજાની પસંદગી કરવામાં આવી અને કૉંગ્રેસમાંથી જયંતીલાલ પટેલ ઉમેદવાર છે.

અમરેલીની ધારી બેઠક પર ભાજપે જે. વી. કાકડિયા પર પસંદગી ઉતારી છે, તો કૉંગ્રેસે અહીં સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. તો કૉંગ્રેસે અહીં મોહનભાઈ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ દ્વારા કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો કૉંગ્રેસે અહીં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે.

તો ભાજપે ડાંગ બેઠક માટે વિજય પટેલને ટિકિટ આપી છે અને કૉંગ્રેસમાંથી સૂર્યકાંત ગામિતને મેદાનમાં ઉતારાયા છે.

કપરાડા બેઠક માટે ભાજપે જિતુભાઈ ચૌધરીને પસંદ કર્યા છે અને કૉંગ્રેસના ઉમેદવાર બાબુબાઈ વરથા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો