કોરોના વાઇરસ: કરમાઈ ગઈ ફૂલો વેચીને પેટિયું રળતાં લોકોની જિંદગી, ફૂલોના ખેડૂતોની પણ દયનીય હાલત

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તહેવારોમાં જ્યાં પગ મૂકવાની જગ્યા ન મળે એવા અમદાવાદના ફૂલબજારમાં આજે જૂજ ગ્રાહકો જોવા મળે છે.

ફૂલબજારના મોટા ભાગના ઓટલાઓ પણ ખાલી પડ્યા છે, કારણ કે કોરોનાને કારણે ન તો રથયાત્રા થઈ, ન ગણપતિ ઉત્સવ થયો અને ન તો નવરાત્રીમાં ગ્રાહક દેખાયા નથી.

ફૂલ વેચીને પેટિયું રળતાં જસુબહેન શ્રીમાળીની હાલત દયનીય છે.

જસુબહેન બીબીસી સાથે વાત કરતાં કહે છે કે દર વર્ષે અમે ગણેશચતુર્થી, રથયાત્રા અને લગ્નગાળામાં રોજના પાંચથી સાત હજાર કમાઈ લેતા હતા અને આખાય વર્ષનો ખર્ચો કાઢી લેતા હતા.

"આ વર્ષે કોરોનાને કારણે તહેવારો ન થયા. અમને એમ હતું નવરાત્રીમાં બધું સમુંસૂતરું થઈ જશે, પણ નવરાત્રી પણ કોરી ગઈ. ગ્રાહકો ન હોવાથી ફૂલ લાવીએ એ પણ બગડી જાય છે. ખરીદનાર કોઈ નથી, હવે દિવાળીમાં શું થશે એ ખબર નથી."

'થાય છે કે ફરી પાછી શાકભાજીની લારી કરું'

જસુબહેને વધુમાં કહ્યું કે "મારા પતિ બાંધકામ મજૂર હતા. એમના અવસાન બાદ પહેલા મેં મહેનત-મજૂરી કરી શાકભાજીની લારી ચલાવી, પણ ત્રણ બાળકોનો પેટનો ખાડો પૂરવો અને એમને ભણાવવા સંભવ નહોતું."

"અમારી ચાલમાં એક લગ્નમાં ઘર ફૂલથી શણગારવાનું હતું. જમાલપુર બજારમાં આવીને ફૂલ ખરીદ્યાં તો એ સસ્તાં આવ્યાં. મને થયું કે મારી બચતમાંથી હું ફૂલનો ધંધો કરું."

"નાના પાયે ધંધો કર્યો. બપોરે શાકભાજીની લારી ચલાવતી, પણ ફૂલ વેચવામાં પૈસા સારા મળ્યા એટલે આઠ વર્ષથી ફૂલ વેચવાનો ધંધો કરીને ઘર ચલાવું છું."

જસુબહેન કહે છે કે તેમની પાસે જે થોડાંઘણાં ઘરેણાં હતાં એ વેચાઈ ગયાં છે. દિવાળીમાં તેમના છોકરાઓને શું ખવડાવવું એ તેમના માટે એક મોટો સવાલ છે.

તેઓ કહે છે કે મને લાગે છે કે હવે ફરી શાકભાજીની લારી ચાલુ કરી દઉં.

'કદાચ વ્યાજે પૈસા લાવીને દીકરીને પરણાવવી પડે'

આવું જ કંઈક ફૂલહજારમાં છેલ્લાં 36 વર્ષથી ફૂલનો ધંધો કરતા દેવસી દાતણિયા કહે છે.

એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં ફૂલના ધંધામાં મારાં ચાર બાળકોને મોટાં કર્યાં, એક દીકરા અને દીકરીનાં લગ્ન કરાવ્યાં."

"મને હતું કે મારા બાંધેલા ગ્રાહકો જે લગ્નમાં ડૅકોરેશનનું કામ કરે છે, નવરાત્રીમાં મોટા પ્લોટમાં ગરબા કરે છે, એમના ઑર્ડરથી હું કમાઈ લઈશ અને મારી બીજી દીકરીનાં લગ્ન પણ કરી શકીશ, પણ કોરોનાને કારણે આ વર્ષે ગણેશચતુર્થી, રથયાત્રા ના થયાં, નવરાત્રી ન થઈ, લગ્નગાળો ના થયો, દિવાળીમાં શું થશે એની ખબર નથી."

તેઓ કહે છે કે આગામી લગ્નગાળામાં પણ ધામધૂમથી લગ્ન થાય એવું લાગતું નથી એટલે મારે મારી દીકરીનાં લગ્ન પાછાં ઠેલવા પડશે.

"જો વેવાઈ નહીં માને તો વ્યાજે પૈસા લાવીને પરણાવવી પડશે. આ કોરોનાને કારણે દીકરીનાં લગ્ન અટકી પડે તો નવાઈ નહીં, પણ એક વાત તો છે કે કોરોનાને કારણે અમારી જિંદગીનું એક વર્ષ પાછળ જતું રહ્યું છે."

"ઘર ચલાવવા માટે મેં મારું અને મારા દીકરાનું મોટરસાઇકલ પણ વેચી દીધું છે. ભગવાન જાણે કોરોના અમને બીજું શું-શું વેચાવશે?"

ફૂલ ઉગાડતા ખેડૂતોની દયનીય હાલત

આનાથી વધુ ખરાબ હાલત ફૂલ ઉગાડતા ખેડૂતોની છે.

અમદાવાદની પાસે ધોળકામાં મોટા પાયે ગુલાબ, ગલગોટા, લીલીનાં ફૂલોની ખેતી થાય છે.

ધોળકામાં ફૂલોની ખેતી કરતા ખેડૂત ધીરુભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મારી પાસે ત્રણ હેક્ટર જમીન છે. ખેતીમાં કોઈ ફાયદો થતો નહોતો. અમારા ગામમાં 12 વર્ષ પહેલાં કેટલાક ખેડૂતોએ ગલગોટા અને ગુલાબની ખેતી કરી અને પૈસા કમાયા.

"ફૂલના બે પાક ઉપર એક પાક બીજો લેતા અને બધા બે પાંદડે થયા હતા એટલે મેં પણ ગલગોટાની ખેતી કરી."

"એક હેક્ટરમાં 12થી 15 ટન ગલગોટા ઊગતાં અને હું ત્રણ હેક્ટરમાં ખેતી કરી બે સિઝનમાં 3 લાખ કમાતો અને બીજો એક પાક લઈ બે પાંદડે થયો. બાળકોને ભણવ્યાં, પણ આ વર્ષે કોરોનાને કારણે ભારે નુકસાન ગયું છે."

તેઓ વધુમાં કહે છે કે અમે લગ્ન અને બીજા તહેવારોને ધ્યાનમાં રાખી ફેબ્રુઆરીમાં ધરુ નાખ્યા હતા. ફૂલ આવ્યાં ત્યારે લૉકડાઉનના કારણે કોઈ ખરીદનારું નહોતું. બધાં ફૂલ કરમાઈ ગયાં.

"પછી અનલૉક થયું. અમને એમ કે આ સિઝનમાં કમાઈ લઈશું એટલે મેં કેસરી અને પીળાં ગલગોટા વાવ્યાં હતાં. જૂનમાં વાવેલાં ગલગોટા થયાં ત્યાં નવરાત્રી બંધ રહી, લગ્નગાળાનાં ઠેકાણાં નથી, અને ફૂલ ખરીદનાર કોઈ નથી."

"ગલગોટા 20 રૂપિયે કિલો ખરીદનાર નથી. અમે ટેમ્પો કરીને અમદાવાદ આવીએ તો ભાડાના પૈસા માંડ નીકળે છે. નફો તો દૂરની વાત છે."

કોરોનાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેઓ કહે છે કે આ વખતે ઑક્ટોબરમાં તેઓ ફૂલ નહીં વાવે, કેમ કે તેમના ફૂલના બે પાક નિષ્ફળ ગયા છે, હવે ત્રીજો પાક લેવાની તેમનામાં હિંમત નથી.

ખેડૂતોને એવી પણ ચિંતા છે કે દિવાળીમાં અને લગ્નગાળામાં પણ ફૂલોની માગ નહીં વધે.

'તપાસ કરીને સહાય કરીશું'

તો ગુજરાત ફ્લાવર ઍસોસિયેશનના મંત્રી અજય રામીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ વર્ષે કોરોનાને કારણે ફૂલોની માગ ઓછી છે.

"નવરાત્રીમાં અમદાવાદમાં રોજ 170 ટ્રક ફૂલ આવતાં હતાં, આજે માંડ 75 ટ્રક આવે છે અને ગ્રાહક પણ નથી. ગલગોટા અને ગુલાબના ભાવ પણ ઘટ્યા છે, છતાં ગ્રાહકો નથી. ડિસેમ્બરમાં આવનારા લગ્નગાળામાં શું થશે એની ખબર નથી."

ગુજરાત બાગાયતી અને કૃષિવિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતમાં 70 હજાર હેક્ટરમાં ફૂલોની ખેતી થાય છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે તપાસ કરી, એમને અન્ન ઉત્પાદન કરતા ખેડૂતોની જેમ જ સહાય આપવામાં આવશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો