કેશુભાઈ પટેલ: 2001માં ગાદી ન છોડી હોત તો ગુજરાત અને દેશનું રાજકારણ અલગ હોત? - દૃષ્ટિકોણ

    • લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

29મી ઑક્ટોબરે 92 વર્ષીય કેશુભાઈ સવજી પટેલનું નિધન થયું હતું. સામાન્ય રીતે આવા મૃત્યુ પ્રસંગે ઔપચારિક ભાષામાં 'એક યુગનો અંત થયો' અને 'એમના જવાથી ના પુરાય એવી ખોટ પડી છે' વગેરે કહેવાતું હોય છે. જોકે, કેશુભાઈ પટેલ માટે આ ઔપચારિકતા માત્ર નથી.

કેશુભાઈ પટેલનું મૃત્યુ ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીનું જ મૃત્યુ નથી, એમની પેઢીના, આ પ્રકારના રાજકારણના છેલ્લા સ્તંભનું ખડી જવું છે.

1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્ય મંત્રી બન્યા, ત્યારે એ પ્રજા અને પત્રકારો સૌ માટે એક કૌતુકનો વિષય હતા.

ભારતભરમાં પણ ભાજપની આ પહેલવહેલી સરકાર હતી. પાંચ દાયકાના કૉંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન પછી જાણે દેશે પડખું ફેરવ્યું હતું.

કેશુભાઈ અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તામાં જેલ ભજિયાં હાઉસનાં ભજિયાં ખાવા રોકાઈ જતા એ પણ મોટા ન્યૂઝ બનતા. કેશુભાઈ દેશી ઢબથી કપમાંથી રકાબીમાં કાઢીને ફૂંક મારીને ચા પીતા એવા ફોટા નેશનલ મૅગેઝિનોમાં છપાતા.

કેશુભાઈ ગુજરાતનાં બધાં ગામો ગોકુળિયા ગામ બનાવવાની વાતો કરતા તો અમે પત્રકારો પૂછતા, કે એટલા પૈસા લાવશો ક્યાંથી? એ કહેતા, 'બાપના તબેલામાંથી!"

જોકે, કેશુભાઈને પ્રશ્નો પૂછી શકાતા હતા. હવે આજ કાલના નવા પત્રકારો તો માનવા તૈયાર નહીં થાય, કે મુખ્ય મંત્રી કેશુભાઈ દર બુધવારે કૅબિનેટ મિટિંગ પછી નિયમિત બપોરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને પત્રકારોને જાતે મળતા.

નાનાં-મોટાં છાપાં કે ટીવીનો કોઈ પણ પત્રકાર કેશુભાઈને કોઈ પણ પ્રશ્ન પૂછી શકતો અને એને જવાબ પણ મળતો. પ્રમાણમાં ભલા હતા, કેશુભાઈ. આ ભલમનસાઈ જ એમને નડી ગઈ.

કેશુભાઈએ ગાદી ન છોડી હોત તો ઇતિહાસ અલગ હોત

ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના ત્રણ સ્થપતિ - કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. આ આરએસએસનું બહુ ડેડલી કૉમ્બિનેશન હતું. જોકે, મહત્ત્વાકાંક્ષાઓએ આ ત્રણે સ્વયંસેવકોને ત્રણ જુદી દિશાઓમાં ફેંકી દીધા.

શંકરસિંહ વાઘેલાના આરએસએસ-ભાજપના સૌપ્રથમ બળવાએ ભાજપની પહેલી સરકાર 1997માં પાડી કેશુભાઈને ઘરે બેસાડ્યા અને મોદીને ગુજરાતવટો અપાવ્યો. જે મોદીને તો ફળ્યો.

1998મા શંકરસિંહની સરકાર ઘરે ગઈ અને કેશુભાઈ ફરી મુખ્ય મંત્રી બન્યા. જોકે, નરેન્દ્ર મોદીની કેશુભાઈને હઠાવીને ગુજરાતના મુખ્ય મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષાને કારણો 2001મા જ મળી ગયા.

ધરતીકંપમાં નબળી કામગીરી અને સાબરમતી સીટ પર ભાજપની હાર થઈ. 3 ઑક્ટોબર 2001ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદી નવા મુખ્ય મંત્રી બન્યા. ગુજરાતનું મુખ્ય મંત્રીપદ જ આગળ જતા નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ સુધી લઈ ગયું. મોદી માને કે ના માને, એ માટે કેશુભાઈ પટેલ જ નિમિત્ત બન્યા.

આમ તો જો અને તો જેવો વિષય છે, પણ માની લો, કે કેશુભાઈએ અડવાણી-વાજપેયી આગળ સરૅન્ડર થવાને બદલે ગાદી છોડવાનો મક્કમતાપૂર્વક વિરોધ કર્યો હોત તો? ગુજરાતના બધા જ ધારાસભ્યોનું એમને સમર્થન હતું. જો એવું થયું હોત તો ગુજરાતનો અને દેશનો પણ ઇતિહાસ આજે અલગ જ હોત.

જોકે, કેશુભાઈએ વિરોધ ન કર્યો. ફરિયાદના સૂરમાં એટલું જ કીધું, "મારો વાંક શું? મારો ગુનો શું? " જેનો જવાબ એમને મૃત્યુપર્યંત ન મળ્યો.

વનવાસ અને મોદી સામે મોરચો

2001માં નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી બન્યા બાદ કેશુભાઈ એક પ્રકારે વનવાસમાં જ હતા. મોદી વારે તહેવારે કેશુભાઈને પગે લાગવા જવાની ઔપચરિકતા નિભાવતા પણ કેશુભાઈ ગુફામાંથી બહાર ના આવી શકે એનું એ હદે ધ્યાન રખાતું કે કાર્યકરો એમને મળવા જતા પણ ડરતા.

પાંચ વર્ષ બાદ 2007ની ચૂંટણી પહેલાં સુરતમાં પટેલોએ કેશુભાઈના નેતૃત્વમાં મોદી સામે એક થવાનો પ્રયત્ન કર્યો.

કેશુભાઈ એ વખતે અમેરિકા હતા અને ત્યાંથી સુરત આવી બળવાનું રણશિંગુ ફૂંકશે એવી વાત હતી. જોકે, કોઈ અકળ કારણસર કેશુભાઈ અમેરિકાથી સુરત આવ્યા જ નહીં અને એમને નામે નેતાગીરી લેનારા બધા કારણ વગર કૂટાઈ ગયા.

ફરી પાંચ વર્ષના ઇન્ટરવલ અને વનવાસ બાદ 2012ની ચૂંટણી વખતે ગોરધન ઝડફિયા સાથે મળીને કેશુભાઈએ મોદી સામે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે મોરચો ખોલ્યો. ઢળતી ઉંમરે ગુજરાતભરમાં ફરીને મોદી વિરુદ્ધ પ્રચાર પણ કર્યો. જોકે, 2014 સુધીમાં એનું ફીંડલું વળી ગયું.

મોદી વડા પ્રધાન બન્યા પછી તો કેશુભાઈએ રાજકારણમાંથી વિધિવત નિવૃત્તિ લઈ લીધી.

કેશુભાઈ બની ગયા ભીષ્મ પિતામહ

છેલ્લાં છ વર્ષ અને આમ તો છેલ્લાં વીસ વર્ષ કેશુભાઈ માટે ભીષ્મની બાણશૈયા સમાન રહ્યા.

ગુજરાતના નાથની સત્તા અને લોકપ્રિયતા ભોગવ્યા પછી, હવે ગાંધીનગરના સરકારી બંગલામાં સાવ એકાકી જિંદગી હતી. મોટી ઉંમરે એક પછી એક સાથીઓનો સાથ છૂટતો જતો હતો.

એમના જીવનસાથી લીલાબાનું પણ આકસ્મિક અવસાન એ ઘરમાં જ થયું અને છેલ્લે છેલ્લે દીકરાના મૃત્યુનો ભાર પણ સહ્યો. બાકી હતું, તો કોરોના પણ થયો. એમાંથી સાજા થઈને આવ્યા તો અચાનક હૃદયરોગે હુમલો કર્યો, જે જીવલણે નીવડ્યો.

વડા પ્રધાન મોદી એમની અંતિમક્રિયામાં આવી શક્યા હોત અથવા અંતિમક્રિયા મોદી આવે ત્યાં સુધી એકાદ દિવસ પછી ઠેલાઈ શકાઈ હોત, પણ એમ ન થયું. અલબત્ત, ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપવાની ઔપચારિકતા નરેન્દ્ર મોદીએ બીજે દિવસે નિભાવી ખરી.

ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા નેતાનો શોક પણ એક જ દિવસમાં પૂરો કરી પક્ષ અને સરકાર મોદીના આગળના કાર્યક્રમોમાં પરોવાઈ ગયા.

એમના પક્ષ ભાજપે જ એમને ભૂલાવવાના ભરપુર પ્રયત્નો કર્યા. જોકે, ગુજરાત અને ઇતિહાસ કેશુભાઈ પટેલને એક સરળ અને સજ્જન મુખ્ય મંત્રી તરીકે યાદ રાખશે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો