નરેન્દ્ર મોદીએ ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન કર્યું ત્યાં ચાઇલ્ડ ન્યૂટ્રિશનની છે ગંભીર સ્થિતિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓએ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે વિશ્વના પ્રથમ ટેકનોલૉજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ જે વિસ્તારમાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું છે એ નર્મદા જિલ્લાનાં બાળકો કુપોષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યાં છે.

ગુજરાતમાં કુપોષણનો મુદ્દો વારંવાર સામે આવે છે અને તેમાં નર્મદા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, વડોદરા વગેરે આદિવાસી જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક છે અને આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે.

કેવડિયા ખાતે વડા પ્રધાન આરોગ્યવન, આરોગ્યકુટિર, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી અને ડૅમની લાઇટનું ઉદ્ઘાટન પણ કર્યું છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ફેસબુકમાં આ સંદર્ભે એક પોસ્ટ મૂકી છે.

જેમાં તેમણે લખ્યું છે, 'વિશ્વનો પ્રથમ ટેકનોલૉજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક - આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી અદ્યતન ટેકનોલૉજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે.'

'મિની ટ્રેન દ્વારા પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રિ હંટ જેવાં સ્ટેશનો આવે છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મિરર મેઈઝ, 5-D થિયેટર અને ભૂલભૂલૈયાં પણ છે.'

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બાળકોમાં કુપોષણનો મુદ્દો પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં.

અવારનવાર વિપક્ષ આ મામલે સત્તાધારી પક્ષને સવાલો કરતો રહે છે અને વિધાનસભામાં આ મુદ્દો ચર્ચાતો રહે છે.

આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યા

ગુજરાતમાં કુપોષણની સમસ્યા કેટલી ગંભીર અને વકરી રહી એ મીડિયા અહેવાલો પરથી જણાઈ આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, કુપોષણની સૌથી વધુ સમસ્યા આદિવાસી વસતીવાળા દાહોદ અને નર્મદા જિલ્લામાં છે.

અહેવાલ અનુસાર, ગત વર્ષે આ જ સમયે રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 1,96,660 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

અહેવાલ અનુસાર, સૌથી વધુ 42,488 બાળકો દાહોદ જિલ્લામાં અને બાદમાં નર્મદા જિલ્લામાં 14,722 બાળકો છે.

અહેવાલ મુજબ રાજ્ય સરકારે કૉંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.

તો સૌથી વધુ ઓછાં કુપોષિત બાળકો પોરબંદર (709) અને બોટાદ જિલ્લામાં (938) જોવાં મળ્યાં હતાં.

તો અગાઉની સ્થિતિ પણ એટલી જ વિકટ જોવા મળી રહી છે.

અમદાવાદ મિરરના 10 જુલાઈ, 2019ના એક અહેવાલ અનુસાર, ગુજરાતમાં લગભગ 1.42 લાખ બાળકો કુપોષિત હતાં.

અમદાવાદ મિરર લખે છે કે કૉંગ્રેસના ધારાસભ્યે વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં રાજ્યનાં મહિલા અને બાળકલ્યાણ વિભાગનાં મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે "ગુજરાતમાં કુલ 1,42,142 બાળકો કુપોષિત છે, જેમાં 1,18,041 'ઓછું વજન' ધરાવતા અને 24,101 બાળકો 'ગંભીર રીતે ઓછું વજન' ધરાવે છે."

અહેવાલ અનુસાર, આદિવાસી જિલ્લાઓમાં બાળકોની સ્થિતિ બહુ ખરાબ છે. દાહોદ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લા ટૉપ પર છે.

નર્મદા જિલ્લામાં 3,410 બાળકો ગંભીર રીતે ઓછું વજન ધરાવે છે. તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ 11,786 બાળકો ઓછું વજન ધરાવતા છે.

ગુજરાતમાં અન્ય આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ-ડિસેમ્બર 2019 દરમિયાન કુપોષિત બાળકોની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ બનાસકાંઠામાં થઈ હતી.

બાળકોનાં કુપોષણની સમસ્યા કેટલી ગંભીર?

દેશભરમાં ઇન્ટિગ્રેટેડ ડેવલપમૅન્ટ સ્કિમ યોજના હેઠળ નવજાતથી માંડીને છ વર્ષ સુધીના બાળકને આંગણવાડી કાર્યકર મારફત પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે.

સરકાર દ્વારા પૂરો પાડવામાં આવેલો પોષક ખોરાક તમામ સુધી પહોંચે તે જોવાની ફરજ આંગણવાડી કાર્યકરોની હોય છે.

યોજના મુજબ નવજાત બાળકથી ત્રણ વર્ષ તથા ત્રણથી છ વર્ષ એવી રીતે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

નવજાત બાળકથી ત્રણ વર્ષ સુધી ઉંમર દરમિયાન બાળક ઉપરાંત માતા માટે ઘરે લઈ જવાનું રૅશન આપવામાં આવે છે.

બાળકો અને મહિલા માટે કામ કરતી સંસ્થા 'આનંદી'નાં ડિરેક્ટર અને અન્ન સુરક્ષા અધિકાર અભિયાન'નાં સંયોજક નીતા હાર્ડિકર કહે છે કે સમગ્ર ગુજરાતમાં બાળકોમાં કુપોષણની સમસ્યા ગંભીર છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "કોરોનાકાળમાં હાલમાં આખી દુનિયા એક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. અહીં લોકોના ઘરમાં ખાવાનું નથી, ભૂખમરો છે, લોકો પાસે કામ નથી. એવામાં આપણે બાળકો, મહિલાઓ અને ગરીબો સાથે મજાક કરી રહ્યા છીએ."

તેમના અભ્યાસ અને સર્વેનો હવાલો આપીને તેઓ કહે છે, "અમારા એક અભ્યાસ મુજબ, અંદાજે 45થી 50 ટકા બાળકો આદિવાસી જિલ્લાઓમાં કુપોષણની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. અને 35થી 40 ટકા બાળકો એવાં છે, જેમની પોતાની ઉંમર પ્રમાણે ઊંચાઈ વધી નથી."

તેઓ કહે છે કે કુપોષણની સમસ્યાનું સમાધાન આવા કાર્યક્રમોથી ન થઈ શકે, તેના માટે લાંબા ગાળાના એક આયોજનથી કામ કરવું જરૂરી છે. હાલમાં આપણે જે રીતે કામ કરી રહ્યા છીએ એ પૂરતું નથી.

તેમના મતે, કોરોનાકાળમાં આપણે કુપોષણની સમસ્યાને વધુ મુશ્કેલી તરફ આગળ ધકેલી દીધી છે.

તો ગુજરાત સરકાર દ્વારા કુપોષણને નાથવા અને મહિલાઓના આરોગ્ય માટે અલગઅલગ યોજનાઓ પણ ચલાવ છે. તેમાં નવાં આંગણવાડી કેન્દ્ર (નંદઘર), ગુજરાત કુપોષણ અભિયાન, સંકલિત બાલ વિકાસ યોજના, માતા યશોદા ભવિષ્ય નિધિ, ઘરદીવડા યોજના સહિત અનેક યોજનાઓ અને કાર્યક્રમો પણ ચલાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો