You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિકાયદા રદ : પ્રિયંકા ગાંધીનો નરેન્દ્ર મોદી પર વાર, 'પહેલાં ખેડૂતોને આંદોલનજીવી કહ્યા અને પછી માફી માગી'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતી વખતે ત્રણેય કૃષિકાયદા પરત લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે વિવાદિત કૃષિકાયદાની સામે ખેડૂતો એકાદ વર્ષથી આંદોલન કરી રહ્યા હતા તો સરકાર તેને ખેડૂતોના લાભમાં ગણાવતી હતી. જોકે, આખરે સરકારે પાછી પાની કરી છે.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આંદોલન તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિકાયદાઓને સંસદમાં રદ કરવામાં આવે."
"સરકાર એમએસપીની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરશે."
આ દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે "જ્યારે ખેડૂતોની હત્યા થઈ રહી હતી, તેમના પર લાઠીઓ વીંઝવામાં આવતી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી રહી હતી, આ બધું કોણ કરી રહ્યું હતું? તમારી સરકાર."
"આજે તમે કહો છો કે કાયદા પાછા ખેંચાયા. કોઈ તમારા પર ભરોસો કેવી રીતે કરે? મને ખુશી છે કે સરકાર સમજી ગઈ કે આ દેશમાં ખેડૂતોથી મોટું કોઈ નથી."
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "તેઓ કેમ આવું કરી રહ્યા છે? શું દેશવાસીઓ નથી સમજતા કે ચૂંટણી આવી રહી છે અને તેમને લાગ્યું હશે કે પરિસ્થિતિ બરાબર નથી. તેઓ સરવેમાં જોઈ શકે છે કે પરિસ્થિતિ સારી નથી. એટલે ચૂંટણી પહેલાં તેમણે માફી માગી."
આગળ તેમણે કહ્યું કે "સરકારના નેતાઓએ ખેડૂતોને કયાં-કયાં નામે બોલાવ્યા? આંદોલનજીવી, ગુંડા, આતંકવાદી, દેશદ્રોહી - આ બધા શબ્દો કોણે વાપર્યા? આ બધા શબ્દો કહેવાઈ રહ્યા હતા ત્યારે મોદી કેમ ચુપ હતા? તેમણે પોતે 'આંદોલનજીવી' શબ્દ વાપર્યો."
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ખેડૂતઆંદોલનને લઈને સક્રિય રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શનમાં હિંસા વખતે પ્રિયંકા ગાંધી પ્રભાવિત ખેડૂતોને મળવા જવાં માગતાં હતાં ત્યાર તેમને રોકવામાં આવ્યાં હતાં.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ત્રણ કૃષિકાયદા પરત લેવા મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કટાક્ષ કર્યો છે.
ઓવૈસીએ ટ્વિટર પર એક શેર લખ્યો છે અને સાથે જ લખ્યું છે :
''કૃષિકાયદા પ્રારંભથી જ ગેરકાયદે હતા. સરકારના અંહકારને કારણે ખેડૂતોએ રસ્તા પર ઊતરવું પડ્યું. જો સરકારે બાળહઠ ન કરી હોત તો 700થી વધુ ખેડૂતોનો જીવ ન જાત. ખેડૂત આંદોલનને અભિનંદન. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સ્થિતિને જોતાં મોદી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો.''
તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણ કૃષિકાયદા પરત ખેંચવાની જાહેરાત કરી, તેને કૉંગ્રેસે ખેડૂતોની જીત ગણાવી અને કહ્યું કે, 'તૂટ ગયા અભિમાન, જીત ગયા મેરે દેશ કા કિસાન.'
કૃષિકાયદા પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની પણ પ્રતિક્રિયા આવી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે પ્રકાશપર્વના દિવસે મોટી ખુશખબર મળી. ત્રણ કૃષિકાયદા રદ. 700 કરતાં વધારે ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહાદત અમર રહેશે."
કૃષિકાયદા અંગે શું બોલ્યા?
- ત્રણ કૃષિકાયદા લાવવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત અને એ માટે વધારે વિકલ્પો મળી રહે.
- આ માટે વર્ષોથી દેશના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.
- આ કાયદાઓ પર સંસદમાં મંથન થયું અને કાયદા લાવવામાં આવ્યા હતા.
- દેશમાં ખૂણે-ખૂણે કરોડો ખેડૂતોએ આ કાયદાનું સમર્થન કર્યું હતું, હું આજે તેમનો આભાર માનું છું.
- અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે અને દેશના કૃષિજગતના હિત માટે આ કાયદા લાવી હતી, પણ આ અંગે અમે કેટલાક ખેડૂતોને સમજી ન શક્યા.
- ખેડૂતોનો એક વર્ગ જ આનો વિરોધ કરી રહ્યો હતો, છતાં એ અમારા માટે મહત્ત્વપૂર્ણ વાત હતી.
- અમે એ ખેડૂતોને અનેક માધ્યમોથી સમજાવવાનો પ્રયાસ કર્યો.
- હું આજે દેશવાસીઓની ક્ષમા માગીને પવિત્ર હૃદયથી કહેવા માગું છું કે કદાચ અમારી કોઈ તપસ્યામાં જ કોઈ ખામી હશે કે અમે આ વાત કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા.
- આજે પ્રકાશપર્વ છે, આજે હું પૂરા દેશના કહેવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિકાયદા પરત લેવાનો નિર્ણય લીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલી રહ્યા છે?
- કોણ જાણે કેટલી પેઢીઓથી જે સપનાં જોવાતાં હતાં, એ સપનાં આજે ભારત પૂરાં કરી રહ્યું છે.
- મેં મારા જાહેરજીવનમાં ખેડૂતોની સમસ્યાઓ જાણી અને સમજી છે, એટલે વડા પ્રધાન બન્યા બાદ કૃષિકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.
- દેશના 100માંથી 80 ખેડૂતો નાના ખેડૂતો છે. એમની પાસે બે હૅક્ટરથી પણ ઓછી જમીન ધરાવે છે.
- આ નાના ખેડૂતોની સંખ્યા દસ કરોડ કરતાં પણ વધારે છે.
- દેશના નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા અમે બીજ, ખાતર સહિતની બાબતો પર કામ કર્યું છે.
- અમે 22 કરોડ સોઇલ હેલ્થકાર્ડ ખેડૂતોને આપ્યાં છે, જેના કારણે કૃષિઉત્પાદન વધ્યું છે.
- આપત્તિના સમયમાં ખેડૂતોના વધુમાં વધુ વળતર મળે એવો પ્રયાસ અમે કર્યો છે અમે નાના ખેડૂતોના બૅન્કખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યાં.
- ખેડૂતોને તેમની મહેનતના બદલે યોગ્ય વળતર મળે એ માટે અનેક પગેલાં લેવામાં આવ્યાં.
- આજે કેન્દ્ર સરકારનું કૃષિબજેટ અગાઉની તુલનામાં પાંચગણું થયું છે.
- પશુપાલન અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોને પણ લાભ મળવાના શરૂ થઈ ગયા છે.
- અમારી સરકાર ખેડૂતો માટે એક પછી એક પગલાં લઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો