કોરોના વૅક્સિન : રસીની સફળતાથી તરત જ મહામારીનો અંત આવી જશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તે સોમવારનો દિવસ હતો. જર્મનીના માઇન્ટ્સમાં અંદાજે 50 વર્ષની ઉંમરનાં બે વૈજ્ઞાનિકો એક ખાસ સમાચારની રાહ જોઈ રહ્યાં હતાં.

આ બંનેએ આખી જિંદગી કૅન્સરનો ઇલાજ શોધવામાં લગાવી દીધી. તેમના માતા-પિતા 1960ના દાયકામાં તુર્કીથી જર્મની આવ્યાં હતાં.

ત્યારે એ નક્કી નહોતું કે તેમને જર્મનીની નાગરિક્તા મળશે કે નહીં પરંતુ હવે તેમની આગામી પેઢી, એટલે આ દંપતીની ગણતરી જર્મનીના સૌથી ધનવાન લોકોમાં થાય છે.

તેમને આ મુકામ મેડિકલ સેક્ટરમાં તેમની સિદ્ધીઓએ અપાવ્યો છે.

ત્યારે સમાચાર એજન્સીએ એક સમાચાર પ્રસારિત કર્યાં હતાં જેની ઉજવણી બંને એક રાત્રી પહેલાં જ કરી ચૂક્યાં હતાં.

દુનિયામાં 14 લાખથી વધારે લોકોના જીવ લઈ ચૂકેલા કોરોના વાઇરસને રોકવા માટે તેમની કંપની બાયૉએનટેકે અમેરિકાની ફર્મ ફાઇઝરની સાથે મળીને જે વૅક્સિન તૈયાર કરી છે તે ટ્રાયલમાં 90 ટકાથી વધારે કારગત સાબિત થઈ છે.

બાયૉએનટેકના સીઈઓ ઉગુર સાહિન અને તેમના પત્ની તેમજ બૉર્ડના સભ્ય ઓજેસ તુએરેસીનું કોરોના વાઇરસની વૅક્સિન માટે ઘણું મોટું યોગદાન છે.

પછીના દિવસોમાં દવા કંપની મૉડર્ના, એસ્ટ્રાઝેનેકા અને રશિયામાં તૈયાર થઈ રહેલી વૅક્સિનને લઈને પણ આવા સમાચાર આવ્યા અને દુનિયામાં ખુશી ફેલાઈ ગઈ.

2 ડિસેમ્બરે બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે ફાઇઝર/બાયૉએનટેકની કોરોના વાઇરસની વૅક્સિનને વ્યાપક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

પરંતુ શું દુનિયાને તે વૅક્સિન મળી ગઈ છે જે કોરોના વાઇરસની મહામારીને પૂર્ણ કરી શકે?

અમેરિકા સિવાય હેલ્થ પબ્લિકેશન સ્ટાટ ન્યૂઝના રિપોર્ટર હેલેન બ્રાંસવેલ આ સવાલનો જવાબ આપતા કહે છે કે ફાઇઝરે જે ટેસ્ટ કર્યા, તેના પરિણામ સારા સમાચાર છે. આનાથી જાહેર થયું કે જે અન્ય વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે, તે અસરકારક સાબિત થશે. કારણ એ છે કે તે તમામ સ્પાઇક પ્રોટીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.

હેલેન બ્રાંસવેલ કહે છે સ્પાઇક પ્રોટીન શું છે?

તેઓ કહે છે, "જો તમે કોરોના વાઇરસની તસવીર જોઈ હશે તો તમને તેની ઉપર કાંઈક ઉપસેલું દેખાશે, કંઈક મુગટ જેવું. આ સ્પાઇક પ્રોટીન છે, જે વાઇરસની ઉપર રહે છે."

હેલેન કહે છે, "કેટલાંક લોકો એ કહી શકે છે કે વૅક્સિન તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકોએ તમામ ઈંડાં એક જ ટોકરીમાં રાખી દીધાં. તે કહેશે કે સ્પાઇક પ્રોટીનને ધ્યાનમાં રાખતા વૅક્સિન બનાવવી યોગ્ય નથી પરંતુ ફાઇઝરના પરિણામ દર્શાવે છે સ્પાઇક પ્રોટીન યોગ્ય લક્ષ્ય હતું."

મૉડર્ના અને ફાઇઝરે જે ટેસ્ટ કર્યા, તેમના પરિણામો તેની તકનીકી કામિયાબીના પણ સંકેત આપવામાં આવ્યા જેનાથી વર્ષોથી તૈયાર કરવામાં આવતા હતા. પરંતુ આને માનવ પર ક્યારેય ઉપયોગમાં લેવામાં આવ્યા ન હતા.

સંક્રમણને અસરકારક રીતે અટકાવી શકાશે?

વૅક્સિનની આ પ્રક્રિયામાં જિનેટિક કોડિંગનો ઉપયોગ થયો છે. હેલેન બ્રાંસવેલ આને વધારે સ્પષ્ટતાથી સમજાવે છે.

તેમના કહેવા પ્રમાણે, "આપણને જે પ્રોટીનની જરૂરિયાત હોય છે, તેને તૈયાર કરવા માટે આપણું શરીર દરેક સમયે મેસેન્જર આરએનએનો ઉપયોગ કરે છે.

વૅક્સિનમાં હાજર મેસેન્જર આરએનએ કોશિકાઓને દર્શાવે છે કે આ પ્રોટીનને કેવી રીતે તૈયાર કરવામાં આવે. તે પછી જ્યારે તમે કોરોના વાઇરસની સામે લડાઈ લડો છો ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમમાં તે ઍન્ટિબૉડી હાજર હોય છે જે આની ઓળખ કરીને સંક્રમિત કોશિકાઓ સાથે જોડવાથી રોકી દે છે."

ઉજવણીની તમામ કહાણીની વચ્ચે હાલ પણ કેટલાંક સવાલ બાકી છે. વૅક્સિન દ્વારા મળેલી ઇમ્યુનિટી ક્યાં સુધી રહેશે? અને શું આનાથી સંક્રમણની અસર ઉપર પણ રોક લગાવી શકાશે?

હેલેન બ્રાંસવેલ આ સવાલનો જવાબ આપતા કહે છે, "તમે હર્ડ ઇમ્યુનિટી વિશે સાંભળ્યું હશે. આશા કરવી જોઈએ કે વૅક્સિન આપણને તે સ્થિતિમાં પહોંચાડી શકે છે, જ્યાં તમામ એવા લોકો હશે જેમની પાસે વાઇરસની સામે લડવા માટે પ્રતિકારકશક્તિ હશે. જેનાથી વાઇરસ ઘણો ઝડપથી ન ફેલાય. જો વૅક્સિન સંક્રમણને રોકી શકતી નથી, ત્યારે સ્થિતિ મુશ્કેલ બનશે."

એવામાં આપણે મહામારી જલદી પૂર્ણ થાય તેની કેટલી આશા લગાવી શકીએ છીએ?

હેલેન કહે છે કે વિજ્ઞાનમાં કંઈક મેળવવા માટે સમય લાગે છે. પરંતુ આની વચ્ચે સરકારે વૅક્સિન તૈયાર કરવા માટે યોજનાઓ જોરદાર રીતે બનાવી રહી છે અને એવું લાગી કહ્યું છે કે તેમની પાસે પસંદ કરવા માટે અનેક વિકલ્પો હાજર છે.

પ્રોફેસર અઝરા ઘની લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં સંક્રમક રોગના મહામારી વિભાગ સાથે જોડાયેલા છે.

તેઓ આ વાઇરસના ફેલાવાની રીત પર અધ્યયન કરે છે. સાથે જ માહિતી એકઠી કરી રહ્યા છે કે મહામારી પર કાબૂ મેળવવા માટે વૅક્સિન લોકોના વિવિધ સમૂહોને કેવી રીતે પહોંચાડવામાં આવે.

પ્રોફેસર અઝરા ઘની કહે છે, "હાલ આપણને નથી ખબર આમાંથી કંઈ રસી અસરકારક હશે. એટલા માટે અલગ અલગ ટેકનિક અને રીતથી બનાવેલી અનેક રસી હોવાના કારણે આ જોખમ ઓછું થઈ જાય છે કે જો રસી નિષ્ફળ જશે તો શું થશે. બીજો ફાયદો એ પણ છે કે આપણે દુનિયાની સૌથી મોટી વસતિને રસી આપવા ઇચ્છીએ છીએ. એના માટે ઘણી વૅક્સિનની જરૂરિયાત હશે. કોઈ એક કંપની આ માગને પૂરી ન કરી શકે."

જે વૅક્સિન તૈયાર કરવામાં આવી રહી છે, તેમનું પહેલો ઉદ્દેશ કોરોના વાઇરસને માત આપવાનો છે. પરંતુ પ્રોફેસર અઝરા ઘનીના મતે આના દ્વારા પહેલાં હાજર વૅક્સિનને વધારે અસરકારક બનાવવામાં મદદ મળી શકે છે.

તે કહે છે, "મેલેરિયાની પહેલી વૅક્સિન બનાવવામાં 20 વર્ષ લાગી ગયા. મને લાગે છે કે આ તકનીકનો ઉપયોગ કરી નવી પેઢીની મેલેરિયાની વૅક્સિન ઘણી ઝડપથી બનાવી શકાય છે.

આવી સંક્રામક બિમારીઓ જે આખી દુનિયામાં ફેલાય છે અને અનેક લોકોના જીવ લે છે, એમાંથી અનેક ગરીબ વિસ્તારોમાં ફેલાય છે અને તેમના પર જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું આપવામાં આવતુ નથી."

વૅક્સિન દેશોની વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે?

તેઓ આગળ કહે છે, "મારી મોટી ચિંતા એક એવી સ્થિતિને લઈને છે જ્યાં કોરોના વાઇરસ અમીર દેશમાંથી ખતમ થઈ જાય અને ગરીબ દેશોની વચ્ચે ફેલાતો રહે અને ત્યારે આપણે ગરીબ દેશોની સમસ્યાના સમાધાનની વાત ભુલાવી દીધી."

વૅક્સિન જ્યારે આવી જશે ત્યારે તેને દુનિયાના તમામ દેશોની વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે, આની રૂપરેખા બનાવવા માટેના પ્રયાસ ચાલુ છે. પરંતુ વચ્ચે અનેક પડકારો પણ છે.

આ પડકારોને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન કહે છે, "હાલ લાખો વસ્તુઓ કરવાની છે, એજ કારણ છે કે હું રાત્રે ઉંઘતી નથી."

તેઓ કહે છે, "સૌથી મોટો પડકાર દુનિયાના તમામ દેશોની સાથે એક સાથે વૅક્સિન પહોંચાડવાનો છે. સાથે જે તે નક્કી કરવાનું છે કે આ દેશ જરૂરિયાતમંદ લોકોને વૅક્સિન આપે."

ડૉક્ટર સૌમ્યા વૈશ્વિક ભાગીદારીની યોજના સાથે જોડાયેલા છે. જેનું નામ છે 'કોવૅક્સ'.

આ એક હકીકત છે કે અમીર દેશ પોતાના દેશની વસતિ માટે વૅક્સિનના ઉત્પાદનનો મોટો ભાગ રાખવા ઇચ્છતા હોય. કોવૅક્સ એટલે જ બનાવવામાં આવ્યું છે જેથી દુનિયાના તમામ દેશોને વૅક્સિન પારદર્શી રીતે આપી શકાય.

ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનના કહેવા પ્રમાણે હાલ સુધી 185થી વધારે દેશ કોવૅક્સની સાથે જોડાયેલા છે. આ દુનિયાની કુલ વસતિના નેવું ટકાથી વધારેનું વસતિનું પ્રતિનિધિત્વ કરે છે.

એક અનુમાન અનુસાર વર્ષ 2021ના અંત સુધી કોવૅક્સની પાસે વૅક્સિનના બે અરબ ડોઝ હશે. આ ડોઝ જે લોકો પર ભય વધારે છે તેમને સુરક્ષિત કરવા માટે અને ફ્રન્ટલાઇન હેલ્થવર્કર માટે ઘણી હશે.

શું ફ્રન્ટલાઇન કર્મચારીઓને સુરક્ષિત કરી શકાશે?

ડૉ. સૌમ્યા સ્વામીનાથન કહે છે, "અમારી પહેલી પ્રાથમિક્તા બીમારીના કારણે થતાં મૃત્યુને ઘટાડવાની છે. શરૂઆતમાં તમામ દેશને તેમની અંદાજે એક ટકા વસતિને સુરક્ષિત કરવા માટે જરૂરી પ્રમાણમાં વૅક્સિન આપવામાં આવશે. આનાથી આરોગ્યકર્મીઓ સુરક્ષિત થઈ શકશે."

તે કહે છે, "મોટાભાગના દેશોમાં ત્રણ ટકા વૅક્સિન દ્વારા તમામ ફ્રન્ટલાઇન કર્મચારીઓને સુરક્ષિત કરી દેવાશે.

જે લોકો પર મૃત્યુનો સૌથી વધારે ભય છે, તેમનું રસીકરણ કરીને આપણે મૃત્યુ પામનારની સંખ્યા ઘટાડી શકીએ છીએ. જો અમે પોતાના ફ્રન્ટલાઇન કર્મચારીઓને સુરક્ષિત કરી શકીશું તો આપણું આરોગ્યતંત્ર કામ કરતું રહેશે અને ત્યારે આપણે સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી શકીશું."

વૅક્સિનનું ઉત્પાદન મોઘું છે અને સવાલ એ પણ છે કે ગરીબ દેશોને આ વૅક્સિન મળવામાં કોવૅક્સ કેવી રીતે મદદ કરશે?

આ અંગે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન કહે છે, "દુનિયા આખીના દેશોના બે સમૂહ છે.

એમાંથી એક આર્થિક રીતે પોતે પોષિત છે. જે વૅક્સિન માટે ખર્ચ કરશે. જ્યારે બીજા એવા 92 દેશ છે જે કંઈક રકમ ખર્ચી શકે છે પરંતુ બહારની મદદ પર નિર્ભર રહેશે. તેમને વૅક્સિન મફત અથવા પછી ઘણી ઓછી કિંમત પર મળશે."

આંકડાની વાત કરીએ તો તમામ દેશ મહામારીમાંથી બહાર આવી શકે તે માટે કોવૅક્સને 38 અરબ ડૉલર એટલે અંદાજે 38 ખરબ રૂપિયાની જરૂરત હશે. આ ઘણી મોટી રકમ છે.

પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાને દરેક મહિને જેટલું નુકસાન થયું છે, આ રકમ તેના માત્ર 10 ટકા જ છે.

ડૉ. સૌમ્યા સ્વામીનાથન આને લઈને કહે છે, "જો તમે મહામારીને જોશો તો સમજી જશો કે માત્ર પોતાના દેશ અને પોતાના લોકોને સુરક્ષિત રાખવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. વૈશ્વિક સ્તરે વેપાર, અર્થવ્યવસ્થા અને મુસાફરીને લઈને અવરોધો રહેશે. આખી દુનિયાના દરેક દેશ સુધી વૅક્સિન પહોંચાડવી, એ નક્કી કરવું દેશના હિતમાં છે, નહીં તો સામાન્ય સ્થિતિ નહીં આવી શકે."

તે એ દાવો પણ કરે છે કે કોવૅક્સ એટલા માટે બનાવવામાં આવી છે કે ગરીબ દેશોને વૅક્સિન માટે લાંબી રાહ ન જોવી પડે.

કોવૅક્સના પ્રયત્ન પોતાની જગ્યાએ છે પરંતુ અમીર દેશોની તૈયારી તેમના ઇરાદાઓમાં ખલેલ ઊભી કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ કોવિડ વૅક્સિનના વિતરણની વ્યવસ્થાની તુલના વિમાનમાં આપાતકાલની સ્થિતિમાં બહાર આવનારા ઑક્સિજન માસ્ક સાથે કરી છે.

વિમાનમાં યાત્રીઓને આદેશ આપવામાં આવે છે કે બીજાની મદદ પહેલાં તે પોતે માસ્ક પહેરે. આ પ્રકારે દરેક દેશે પહેલાં પોતાના નાગરિકોને વૅક્સિન આપવી જોઈએ.

પરંતુ અમેરિકામાં કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સમાં ગ્લોબલ હેલ્થ પ્રોગ્રામના ડિરેક્ટર ટૉમ બોઇકી માને છે કે આ પ્રકારના વિચારમાં ખામી છે.

ટૉમ બોઇકી કહે છે કે આ વિચારમાં મહત્ત્વનું અંતર છે કે વિમાનમાં ઑક્સિજન માસ્ક માત્ર પહેલાં દરજ્જાના યાત્રીઓ માટે બહાર નથી આવતાં. આવું થવું તબાહીનું કારણ બની શકે છે. આ એજ કારણ છે કે આખા વિમાનમાં એક જ પ્રકારનું ઑક્સિજન માસ્ક બહાર આવે છે.

વિમાનમાં સવાર દરેક વ્યક્તિની સુરક્ષા નક્કી કરવાનો યોગ્ય રસ્તો છે. વૅક્સિનને લઈને પણ આ વલણ અપનાવવું જોઈએ.

આ જાણકારી તમામની પાસે છે કે દુનિયાની વસતિનો મોટો ભાગ કૉવેક્સ ગઠબંધનના દેશોમાં છે. પરંતુ રશિયા અને અમેરિકાએ કોવૅક્સ પર હાલ સુધી સહી કરી નથી.

આને લઈને ટૉમ કહે છે કે કોરોના વાઇરસના સંકટના શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય સહયોગનો અભાવ રહ્યો છે. યાદ કરાવી દઈએ કે અનેક દેશોએ પીપીઈ, માસ્ક અને વૅન્ટિલેટરનો સપ્લાય રોકી દીધો હતો.

હવે વૅક્સિનને લઈને પણ આ પેટર્ન અપનાવવામાં આવી રહી છે. હાલના મૉડલ પ્રમાણે દુનિયાની આખી વસતિને 2024 સુધી વૅક્સિન મળી જશે. એટલા માટે આ સવાલ મહત્વનો બની જાય છે કે કોને શું મળશે અને ક્યારે મળશે?

અનેક અમીર દેશોએ કોવૅક્સ ગઠબંધનની બહાર વૅક્સિનનું એડવાન્સ બુકિંગ કરાવી ચૂક્યા છે. તેમને દવા કંપનીઓ સાથે સીધા કરાર કર્યા છે.

શું પહેલાં અમીર દેશના લોકોને મળશે વૅક્સિન?

કેટલીક બાબતોમાં એવા કરાર દ્વારા આ વર્ષે અને આગામી વર્ષે વૅક્સિનના ઉત્પાદનની ભાગીદારીને લઈને જોખમની સ્થિતિ બનેલી છે આનું ઉદ્દાહરણ ફાઇઝરને જોઈ શકાય છે.

ટૉમ બોઇખી કહે છે, "અમેરિકા અને ઇંગ્લૅન્ડે એ આઠ દેશોમાં છે જેમને ફાઇઝર અને વૅક્સિન બનાવતી જર્મનીની કંપની સાથે મોટા પ્રમાણમાં ખરીદી માટે કરાર કર્યા છે. મારા દેશ અમેરિકાએ 10 કરોડ ડોઝ ખરીદ્યા છે. સાથે જ 50 કરોડ ડોઝ બીજા ખરીદવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. જો અમેરિકા આ વિકલ્પને અપનાવે છે તો આનો અર્થ એ થશે કે આ વૅક્સિનના એક અરબ ત્રીસ કરોડ ડોઝમાંથી એક અરબ દસ કરોડ ડોઝ અમીર દેશોની પાસે હશે. આ પછી આટલી વૅક્સિન બચશે તો દુનિયાના બાકી 10 કરોડ લોકોને 2021 સુધીના અંત સુધી મળી શકે."

તે આગળ કહે છે, "વૅક્સિન વધારે પણ છે પરંતુ તેમને રિઝર્વ રાખવામાં આવી છે અને એ પણ ખ્યાલ નથી કે બાકી દુનિયા માટે તેમના કેટલા ડોઝ બચશે."

સામાન્ય લોકો સુધી વૅક્સિન પહોંચાડવાની તૈયારી?

મૉડર્ના અને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જેવા કેટલાંક વૅક્સિન ઉત્પાદકોએ કોવૅક્સની સાથે કરાર કર્યો છે. અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીના સંશોધન અનુસાર સાડા નવ અરબ ડૉઝ રિઝર્વ કરવામાં આવ્યા છે અને આવું કરનારા મોટા ભાગના અમીર દેશ છે.

કેટલાંક દેશ પોતાની વસતિનું અનેક વખત રસીકરણ કરી શકાય તેવી રીતે રસીની ખરીદી કરી રહ્યા છે. કૅનેડા પોતાની વસતિનું પાંચ વખત રસીકરણ કરી શકે છે. ટૉમના મતે આ દિશામાં સહયોગની ઉણપના મોટા પરિણામ આવી શકે છે.

તે કહે છે, "દુનિયાની સામે હાલ ચાલી રહેલાં સંકટના સમયમાં જો આપણે એક વૅક્સિન શેર નથી કરી શકતા તો તે વૈશ્વિક પડકાર છે. ભવિષ્યની સંભવિત મહામારીને રોકવા, જળવાયુ પરિવર્તન અને પરમાણુ અપ્રસારને લઈને આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ?"

ટૉમનું કહેવું છે કે વૅક્સિનનું વિતરણ નિષ્પક્ષ રીતે થાય, તેમાં કોવૅક્સની ભૂમિકા મહત્ત્વની રહેશે. પરંતુ તેના માટે ત્રણ મહત્ત્વના પરિબળો વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. ઉપલબ્ધ સંસાધન, ધનિક દેશોમાંથી મળનારી મદદ અને અમેરિકાનો સંપૂર્ણ સહયોગ.

આ વચ્ચે મહામારીના અંતની આશા બુલંદ છે, વૅક્સિન પ્રભાવક સાબિત થઈ રહી છે. તેને મંજૂરી આપવાનું કામ ચાલી રહ્યું છે.

પરંતુ જેમ કે સૌમ્યા સ્વામીનાથન કહે છે, "વૅક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ પાસ કરવું કહાણીની શરૂઆત છે. છેલ્લો પડકાર ત્યારે શરૂ થશે જ્યારે વૅક્સિન કંપનીમાંથી નીકળીને દુનિયાના તમામ દેશ સુધી પહોંચશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો