IND Vs AUS : રવીન્દ્ર જાડેજાની એ વિકેટ જેણે ઑસ્ટ્રેલિયાનું સપનું રોળી નાંખ્યું

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે જીતીને સિરીઝ વ્હાઇટવોશ બચાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમ વચ્ચે વન-ડે સિરીઝથી પ્રવાસનો પ્રારંભ થયો જે વિરાટ કોહલીની ટીમ માટે નિરાશાજનક રહ્યો હતો.

ભારતીય ક્રિકેટરો ઘરમાં જ વાઘ બનીને રમે છે અને વિદેશી પીચો પર તેમના હાલ બૂરા થઈ જાય છે તેમ વર્ષોથી કહેવાતું આવ્યું છે અને આ વખતે તે પુરવાર પણ થઈ જતું દેખાતું હતું.

ભારતના વન-ડે ઇતિહાસમાં પહેલી વાર એમ બનવાનું જોખમ હતું કે ટીમનો સળંગ બે સિરીઝમાં વ્હાઇટવૉશ થાય પણ બુધવારે બાજી ફરી ગઈ અને બે ગુજરાતી ઑલરાઉન્ડરે કમાલ કરી દેખાડી તથા ભારતની લાજ બચાવી.

આ બે ખેલાડી એટલે સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજા અને બરોડાના હાર્દિક પંડ્યા. તેમાં ત્રીજા ગુજરાતીનું નામ પણ ઉમેરી શકાય અને એ હતા જસપ્રિત બુમરાહ, પણ જસ્સીની વાત પછી કરીએ.

હાર્દિક અને રવીન્દ્રની ફટકાબાજી

બુધવારે ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા ખાતે સિરીઝની ત્રીજી વન-ડે રમાઈ અને તેમાં ભારતે ખરેખર તેની પ્રતિષ્ઠાને છાજે તેવી રમત દાખવી તેના માટે જાડેજા અને હાર્દિક પંડ્યાનો ફાળો બહુમૂલ્ય હતો.

આમ તો ભારતની ટીમે નિયમિત રીતે ધબડકો જ કર્યો હતો. શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર ખાસ કાંઈ ઉકાળી શક્યા ન હતા. કૅપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી.

તેમણે પોતાની કરિયરના 12,000 રન પણ પૂરા કર્યા અને એ પણ વિશ્વના અન્ય તમામ બૅટ્સમૅન કરતાં ઓછી મૅચ રમીને.

જોકે આ સમય દરમિયાન ભારતે 32મી ઓવરમાં 152 રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવી દીધી.

હવે રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યા. 2017ની આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં આ જ બે ખેલાડી ભારત માટે વળતો પ્રહાર કરી રહ્યા હતા.

એ વખતે હાર્દિક પંડ્યા જોરદાર બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ જાડેજા સાથેની ગેરસમજમાં તેઓ રનઆઉટ થયા અને પાકિસ્તાન સામે ભારત એ મૅચમાં હારી ગયું હતું.

એ મૅચમાંથી શીખેલા સબકને બંનેએ આજે યાદ રાખ્યો અને કોઈ ભૂલ કર્યા વિના આક્રમક બેટિંગ કરી.

ઑસ્ટ્રેલિયાના બૉલરો પાસે તેમનો કોઈ જવાબ ન હતો. બંનેએ મળીને 18 ઓવરમાં જ 150 રન ફટકારી દીધા હતા. શરૂઆતમાં હાર્દિક આક્રમક બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ જેમજેમ ઇનિંગ્સનો અંત આવ્યો તેમતેમ જાડેજા ફૉર્મમાં આવતા ગયા.

ઝડપી બૉલર સિન ઍબોટની એક ઓવરમાં તો તેમણે સળંગ ત્રણ બાઉન્ડરી ઉપરાંત એક સિક્સર પણ ફટકારી દીધી. જાડેજાએ માત્ર 50 બૉલમાં 66 રન ફટકાર્યા હતા, તો હાર્દિક આ સિરીઝમાં બીજી વાર નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યા.

જોકે તેમને આ બાબતનો અફસોસ નહીં રહે. 76 બૉલમાં અણનમ 92 રન ફટકારીને હાર્દિકે ભારતનો સ્કોર 300 ઉપર પહોંચાડીને ટીમનો વિજય લગભગ નિશ્ચિત કરી દીધો હતો.

બૉલિંગમાં કરેલાં પરિવર્તન ફળ્યાં

આમ છતાં ભારત જીતે જ તેની ગૅરંટી ન હતી, કેમ કે કાંગારું ટીમ માટે 303 રનનો ટાર્ગેટ સાવ અઘરો કહી શકાય તેમ ન હતો, પરંતુ 300નો આંક મનોવૈજ્ઞાનિક રીતે અઘરો હતો.

બસ, આ ચેલેન્જને પાર પાડવામાં ઑસ્ટ્રેલિયા નિષ્ફળ રહ્યું. અગાઉની બે મૅચના પરાજય બાદ ભારતે આ મૅચમાં કેટલાક પરિવર્તન કર્યાં જે તેને બૉલિંગમાં ફળ્યાં હતાં.

શાર્દૂલ ઠાકુર અને ટી. નટરાજને ટીમને મજબૂત પ્રારંભ કરાવી આપ્યો. અગાઉ બે મૅચમાં સદી ફટકારી ચૂકેલા સ્ટિવ સ્મિથને ઠાકુરે આઉટ કર્યા, તો અત્યંત પ્રતિભાશાળી અને આ મૅચમાં ડેવિડ વૉર્નરને સ્થાને ઓપનિંગમાં આવેલા લબુશેનને ટી. નટરાજને આઉટ કર્યા.

કૅપ્ટન એરોન ફિંચ જામી ગયા હતા અને તેમણે 75 રન ફટકારી દીધા હતા, જેને રવીન્દ્ર જાડેજાએ આઉટ કર્યા હતા.

છેલ્લે બુમરાહે રંગ રાખ્યો

આઈપીએલમાં નિષ્ફળ રહેલા ગ્લૅન મેક્સવેલ આ સિરીઝમાં ભારત માટે વિલન બની ગયા હતા અને આજે પણ તેઓ એવી જ આક્રમક ફટકાબાજી કરતા હતા.

તેમણે 38 બૉલમાં 59 રન ફટકારી દીધા હતા, જેમાં ચાર સિક્સરનો સમાવેશ થતો હતો.

ભારત અને વિજયની વચ્ચે એકમાત્ર મેક્સવેલ હતા, પરંતુ અહીં ટીમના ત્રીજા ગુજરાતી કામ આવી ગયા. જસપ્રિત બુમરાહે તેમને બોલ્ડ કરીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો.

આમ, ભારતે આ સિરીઝ તો બચાવી લીધી પણ હજી ઘણું કાર્ય બાકી છે. હવે બંને ટીમ ટી-20 સિરીઝ રમશે અને ત્યારબાદ બંને વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે.

ભારત અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી વિજેતા છે. આ ટ્રૉફી ભારતે જાળવી રાખવાની છે અને તે પણ રોહિત શર્માની ગેરહાજરીમાં.

આગામી દિવસો ભારત માટે અગત્યના છે ત્યારે બુધવારનો વિજય ટીમને ઉત્સાહ પૂરો પાડી શકે તેમ છે.

રોહિત શર્માની ગેરહાજરીમાં ગુજરાતીઓની કમાલ

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી આધારભૂત બૅટ્સમૅન કોઈ હોય તો તે રોહિત શર્મા છે. હકીકત તો એ છે કે છેલ્લાં આઠ વર્ષથી રોહિત શર્મા જ એવા બૅટ્સમૅન હતા જેમણે દરેક વર્ષે ટીમ માટે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હોય.

2013માં તેમણે 209 રન ફટકાર્યા હતા તેવી જ રીતે 2020ના વર્ષમાં પણ તેમનો જ સર્વોચ્ચ સ્કોર હતો.

આ વર્ષે ઑસ્ટ્રેલિયા સામે તેમણે બેંગલોરમાં 119 રન ફટકાર્યા હતા. આથી વધુ રન કોઈ અન્ય બૅટ્સમૅન ફટકારી શક્યા નથી.

જોકે હાર્દિક પંડ્યા છેલ્લા એક જ સપ્તાહમાં બે વાર આ સ્કોરની નજીક પહોંચી ગયા હતા.

ભારત ભલે આ સિરીઝ હારી ગયું હોય પણ બે ગુજરાતી ખેલાડીઓનો દેખાવ ઊડીને આંખે વળગે તેવો રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ બુધવારે અણનમ 92 રન ફટકાર્યા હતા. અગાઉ 27મીએ રમાયેલી પહેલી વન-ડેમાં પણ તેમનું યોગદાન 90 રનનું રહ્યું હતું. બીજી વન-ડેમાં તેમણે 28 રન ફટકાર્યા હતા. હાર્દિક તેમની ઇજાને કારણે ખાસ બૉલિંગ કરી શક્યો ન હતો, પરંતુ રવિવારે ટીમને જરૂર હતી ત્યારે તેમણે થોડી ઓવર ફેંકી હતી અને આ જાંબાઝ ઑલરાઉન્ડરે એક વિકેટ પણ લીધી હતી.

હકીકતમાં ઑસ્ટ્રેલિયન ધરતી પર સાતમા ક્રમે આવીને સર્વોચ્ચ સ્કોર નોંધાવવામાં તેમણે કપિલદેવનાં 40 વર્ષ પુરાણા રેકૉર્ડને વટાવ્યો હતો.

આવી જ રીતે ટીમ ફૉર્મમાં હોય કે ન હોય પણ જાડેજા મૅચમાં 100 ટકા હાજરી પૂરાવતા જોવા મળે છે. તેમનું યોગદાન અમૂલ્ય હોય છે.

સૌરાષ્ટ્રના આ ઑલરાઉન્ડર બેટિંગ અને બૉલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ યોગદાન આપતા રહે છે.

તેમણે બુધવારે તો ઝંઝાવાતી 66 રન ફટકાર્યા પરંતુ તે ઉપરાંત પહેલી મૅચમાં કોહલીને હાર્દિકને સપોર્ટ કરીને 25 અને બીજી મૅચમાં કોહલીના સહયોગી તરીકે 24 રનનું યોગદાન આપ્યું હતું. ત્રીજી વન-ડેમાં પણ જાડેજાએ અત્યંત બહુમૂલ્ય એવી એરોન ફિંચની વિકેટ ઝડપી હતી.

આ સિરીઝમાં ભારતે રોહિત શર્માની ગેરહાજરીએ વિવાદ તો સર્જયો જ છે, પરંતુ બે ગુજરાતીઓએ ટીમની રહીસહી લાજ બચાવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો