દિલ્હીમાં થયેલી હિંસાથી ખેડૂત આંદોલનને નુકસાન થશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન છૂટાછવાયા હિંસક બનાવો સામે આવ્યા હતા. કેટલાક લોકોને સવાલ થયો હતો કે 60 દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલતા આંદોલનમાં આવી ઘટનાઓ કેમ સામે આવી? ગુજરાતમાં જે કૃષિક્ષેત્રના જે કાર્યકરો છે તેમની સાથે બીબીસીએ વાત કરીને તેમનો આ મુદ્દે મત જાણ્યો હતો.

અમદાવાદના કૃષિકાર્યકર તેમજ 'ખેડૂત એકતા મંચ'ના પ્રમુખ સાગર રબારીએ બીબીસીને કહ્યું હતું કે "કોઈ પણ આંદોલન જ્યારે અતિશય મોટું થાય ત્યારે એમાં અનેક પ્રકારનાં તત્ત્વો ભળતાં હોય છે. જરૂરી નથી કે એ ખેડૂતોનાં હિતેચ્છુ હોય."

"એ તત્ત્વો આંદોલનને બદનામ કરવા માટે અને આંદોલન સિવાય પોતાના એજન્ડાને આગળ ધપાવવા માટે પણ સામેલ થતા હોય છે. તેમના ઇરાદા શંકાસ્પદ હોય છે. શંકાસ્પદ એટલે ખેડૂતવિરોધી પણ હોઈ શકે અને રાષ્ટ્રવિરોધી પણ હોઈ શકે. સરકારના સમર્થક પણ હોઈ શકે અને વિરોધી પણ હોઈ શકે."

તેઓ આંદોલનમાં ભળેલાં અસામાજિક તત્ત્વોને શોધવાની જવાબદારી સરકારની હોવાની વાત કરતાં કહે છે કે, "સરકાર પાસે સીસીટીવી કૅમેરા ફૂટેજ છે. તેમણે ડ્રોન કૅમેરા ઉડાવીને હવાઈ સર્વેલન્સ પણ કરાવ્યું હશે. એ ઉપરાંત પોલીસના વીડિયોગ્રાફર પણ હોય છે. જે લોકોએ ઝપાઝપી કરી છે એવા લોકોને વહેલી તકે પકડીને સમાજની સામે મૂકી દે. જેથી સરકાર અને આંદોલન બંને શુદ્ધ છે એ સાબિત થાય."

સાગર રબારી એવું પણ માને છે કે દિલ્હીમાં જે હિંસા થઈ એ ખેડૂતોએ નથી કરી પણ ખેડૂતના આંદોલનને આ ઘટનાને લીધે નુકસાન થશે.

તેઓ કહે છે કે "દિલ્હીમાં હિંસાના જે બનાવ બન્યા એને લીધે સરકાર માની જશે એવું બનવાનું નથી. સમજવાની વાત એ છે કે સરકારને આક્ષેપ કરવાની એક તક મળશે."

"સરકાર કહેશે કે અમે પહેલેથી જ કહેતા હતા કે આમાં ખેડૂતો નથી. ખેડૂત આંદોલનનો બીજા લોકોએ કબજો લઈ લીધો છે. એવી વાત સરકાર હવે વધારે ભારપૂર્વક કહેશે અને થોડું જડ વલણ પણ અપનાવશે. આ જે કંઈ અનિચ્છનીય બનાવો બન્યા તે ખેડૂતોએ નથી કર્યા પણ નુકસાન ખેડૂતોને થશે."

અશિસ્ત અને હિંસા કોઈ પણ આંદોલનને નબળું પાડે

વડોદરાના કૃષિકાર્યકર અને સજીવ ખેતીના હિમાયતી એવા 'જતન સંસ્થા'ના કપિલ શાહે પણ એ વાતમાં સૂર પુરાવ્યો હતો કે ટ્રૅક્ટર પરેડ દરમિયાન જે છૂટીછવાઈ હિંસક ઘટના સામે આવી એ આંદોલનના હેતુને નુકસાન પહોંચાડનારી છે. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે :

"અશિસ્ત અને હિંસા કોઈ પણ આંદોલનને નબળું પાડે છે. રાષ્ટ્રધર્મ અને તિરંગાના સ્થાને બીજો કોઈ ધ્વજ હોઈ ન શકે. એવી ચેષ્ટા ઘોર નિંદાને પાત્ર છે. ત્રણ કૃષિકાયદાથી ખેડૂતોને કશો વિશેષ લાભ થવાનો નથી. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ જે ઘટના બની તેનાથી આંદોલનના મૂળ હેતુને નુકસાન થાય એ સંભવ છે."

રાજકોટના સામજિક કાર્યકર અને કિસાન સંઘર્ષ સમિતિના સહ કોઑર્ડિનેટર ડાયાભાઈ ગજેરાનો મત અલગ છે.

તેઓ બીબીસીને કહે છે કે, "કોઈ પણ ઘટના બને એટલે સરકારને બોલવાની તક તો મળવાની જ છે. આંદોલન જે મક્કમતાથી ચાલે છે એ ચાલતું રહેશે. પ્રજાસત્તાક દેશના વડા પ્રધાન ધ્વજવંદન કરવાના હોય ત્યારે તેમની નૈતિક ફરજ એ છે કે ખેડૂતો બબ્બે મહિનાથી આંદોલન કરતા હોય તો એનું નિરાકરણ લાવીને ધ્વજવંદન કરવું જોઈએ."

ઍકશન સામે રિઍક્શન?

ડાયાભાઈ ગજેરાની વાતનો તંતુ સાંધતાં સુરતના સામાજિક કાર્યકર તેમજ ખેડૂત સમાજ સંગઠનના પ્રમુખ અને સંયુક્ત કિસાન મોરચા સાથે સંકળાયેલા જયેશ પટેલ કહે છે કે, "આંદોલને કોઈ અસર થવાની નથી. ત્રણ કાયદા હઠાવવાની માંગ યથાવત્ રહેશે."

"ખેડૂતોએ દિલ્હીમાં જે કૂચ કરી તેની આઉટર રિંગ રોડની મંજૂરી આપવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતોને ત્યાં પણ જતાં રોકવામાં આવ્યા હતા. ત્યાંથી ઘર્ષણની શરૂઆત થઈ હતી."

"આંદોલનને અસફળ બનાવવાનું સરકાર અને પોલીસનું સંયુક્ત કાવતરૂં કહી શકાય. એનાથી ખેડૂતોને કોઈ ફરક પડવાનો નથી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચ્યા પછી પોતપોતાની મંજીલ પર પરત ફર્યા હતા."

"જેને હિંસા કહેવામાં આવે છે તો સમજવાની એ જરૂર છે કે ખેડૂતકૂચ દરમ્યાન બૅરીકેડ્સ કોણે લગાવ્યા? એટલું ખરૂં કે ખેડૂતો સમય મર્યાદા મુજબ 12 વાગ્યે નીકળવાના હતા એને બદલે દસ વાગ્યે નીકળ્યા પણ એનો મતલબ એ નથી કે તમે આંસુ ગૅસ છોડો અને લાઠીચાર્જ કરો."

"જો પોલીસ આવાં પગલાં લે તો સ્વાભાવિક છે કે ઘર્ષણ થવાનું જ હતું. એને હિંસા કહેવાશે? પોલીસે જતા રોક્યા તો એ ઍકશનનું રિઍક્શન આવ્યું. અમારા ખેડૂતો હિંસક ન હોઈ શકે."

એક દિવસની હિંસા યાદ રહી જશે?'

ક્યારેક એવું પણ થતું હોય છે કે આંદોલન શાંતિપૂર્ણ ચાલતું હોય અને પછી હિંસાનો બનાવ બને ત્યારે મૂળ મુદ્દા બાજુમાં મુકાઈ જતા હોય છે અને ચર્ચા ફક્ત આંદોલન અને હિંસા પૂરતી જ રહી જાય છે.

આવું ભૂતકાળમાં થયું છે. આ વાતને જોડતાં સાગર રબારી કહે છે કે, "એવું થઈ શકે છે. જે લોકોએ આંદોલનની અંદર ભળીને અણબનાવનાં કામ કર્યાં છે તે લોકોએ ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોરવા માટે આ નથી કર્યું."

"ખેડૂતોની માગણીઓ પરથી ધ્યાન હઠે અને બીજા જ બિનજરૂરી મુદ્દાઓ ચર્ચામાં આવી જાય એ એક હેતુ હોઈ શકે. એવાં પણ તત્ત્વો હોય જે એવું ઇચ્છતા હોય કે સરકારને બળપ્રયોગ કરવાની જરૂર પડે જેથી સામાન્ય સમાજની આ આંદોલન પ્રત્યે જે સહાનુભૂતિ છે તે હઠી જાય."

ડાયાભાઈ ગજેરા પોતાનો મત મૂકતાં કહે છે કે, "જે લોકો દિલથી આંદોલન સાથે જોડાયેલા છે કે જનતાની જે લાગણી છે તેમાં કોઈ ઓટ આવવાની નથી."

"આંદોલનના નેતૃત્વની ઉશ્કેરણીથી આવું થયું હોય એવું તો કશું છે નહીં. આંદોલનનું નેતૃત્વ કરનારા લોકોએ પણ આ ઘટનાને તો વખોડી છે. ટ્રૅક્ટર પરેડની ગાઇડલાઇન પણ નક્કી જ હતી. અમુક અસામાજિક તત્ત્વો એ આ કર્યું હોય તો એને લીધે આંદોલન પ્રત્યેની લોકોની સહાનુભૂતિ ઓછી ન થાય."

આ સવાલનાં જવાબમાં સાગર રબારી કહે છે કે, "જેવું કોઈ પણ આંદોલન કે વ્યક્તિ હિંસક થાય છે એટલે સમાજ સામેવાળાના બધા ગુના માફ કરીને હિંસાનો દોષ કાઢવા માંડે છે. સહાનુભૂતિ સહન કરનાર સાથે હોય છે. એ અહિંસાની મર્યાદા ઓળંગે છે ત્યારે સહાનુભૂતિ સામે પક્ષે જતી રહે છે."

"જોકે, દિલ્હીમાં જે અનિચ્છનીય બનાવો બન્યા છે એના માટે ખેડૂતો જવાબદાર છે એ હું નથી માનતો."

"દેશનો સામાન્ય માણસ પણ ખેડૂતોએ આટઆટલા દિવસ જે આંદોલન કર્યું એ જોઈને એવું તો ઇચ્છતો જ હતો કે સરકારે આનો ઉકેલ લાવવો જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો