You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની શાળાઓ ખૂલશે TOP NEWS
ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત કેસો ઘટી રહ્યા છે ત્યારે હવે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
બુધવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની શાળા પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે.
ચુડાસમાનું કહેવું હતું કે તમામ શાળાઓમાં એસઓપીનું પાલન કરવું પડશે.
આ ઉપરાંત ટ્યૂશન ક્લાસ પહેલી તારીખથી શરૂ કરી શકાશે અને તેમને રાજ્ય સરકારની એસઓપી પાળવાની રહેશે.
ટ્યૂશન ક્લાસમાં જેવી રીતે નવ, દસ, અગિયાર અને બારના વર્ગો શરૂ થાય એ રીત શરૂ કરવાના રહેશે.
કૉલેજમાં જ્યાં કોરોનાનાં સેન્ટર બનાવાયાં છે, તેના પર શિક્ષણ અને આરોગ્યવિભાગ અહેવાલ આપે તે બાદ જાહેરાત શકાશે.
દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસાની પાછળ દીપ સિધુનો હાથ?
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર મંગળવારે સાંજે ખેડૂતનેતાઓએ 'માઝાની કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ' અને દીપ સિધુને લાલ કિલ્લા ખાતે કરેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે આમાં સરકારી એજન્સીઓનો હાથ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીકેયુ રાજેવાલના નેતા બલ્બીર સિંઘ રાજેવાલે કહ્યું, "મેં કહ્યું હતું કે જો આપણે શાંત રહ્યા તો આપણે જીતીશું, પરંતુ જો આપણે હિંસા કરીશું તો જીતીશું નહીં, હવે જે ખેડૂતોને ખોટા રસ્તે લઈ ગયા હતા તે આના માટે જવાબદાર છે. અમે આ કેમ અને કેવી રીતે થયું તેની તપાસ કરીશું."
ખેડૂત નેતા રાજિન્દરસિંહે કેન્દ્ર સરકારની એજન્સીઓ પર આરોપ મૂક્યો હતો અને કહ્યું, "દીપ સિધુએ હકારાત્મક ભૂમિકા નથી ભજવી."
'બીકેયૂ એકતા ઉગરાહા'ના પ્રમુખ જોગિન્દરસિંહ ઉગરાહાએ કહ્યું, "જે થયું છે તે ખોટું થયું છે અને અમે આની તપાસ કરી રહ્યા છીએ અને જોઈશું કે શું ખોટું થયું છે. એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારની એજન્સી પોતાની સ્કીમ પર કામ કરાવવા કામયાબ થઈ ગઈ."
બીકેયૂ હરિયાણાના ગુરુનામસિંહે દીપ સિદ્ધુની ટીકા કરી છે અને કહ્યું કે તેમણે યુવાનોને ગેરમાર્ગે દોર્યા અને લાલ કિલ્લા પર લઈ ગયા.
ગુરુનામસિંહે વધુમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ખેડૂત આંદોલન ધાર્મિક નથી અને ભવિષ્યમાં પણ તે એવું જ રહેશે.
સંયુક્ત કિસાન મોરચાની અંદરના સૂત્રોને ટાંકીને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' લખે છે કે સોમવારે સાંજે સંયુક્ત મોરચાના સ્ટેજ પર વિવાદ જોવા મળ્યો હતો. કેટલાક યુવાનો અને ગૅંગસ્ટરમાંથી કર્મશીલ બનેલા સિધાનાએ સ્ટેજની કમાન્ડ પોતાના હાથમાં લીધી હતી તે દરમિયાન તેમણે લાલ કિલ્લા તરફ કૂચની જાહેરાત કરી હતી.
ખેડૂત આંદોલન : હિંસાના કારણે ખેડૂતો અને સરકાર વચ્ચેની ચર્ચા પર પ્રશ્નાર્થ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર છેલ્લા બે મહિનાથી સરકાર કૃષિકાયદાઓને લઈને ખેડૂત સંગઠનો સાથે જે ચર્ચા કરી રહી હતી, તેમાં ગઈકાલે થયેલી હિંસા પછી સરકાર પોતાની સ્ટેટર્જી બદલવા વિચારી રહી છે.
સરકારમાં રહેલાં એક સૂત્રએ કહ્યું, "તમે જબરદસ્તી લાલ કિલ્લામાં ઘુસી શકતા નથી, ત્યાં ધ્વજ ફરકાવશો અને પછી કહેશો ચલો કૃષિકાયદાઓ વિશે ચર્ચા કરીએ."
વધુમાં કહ્યું, "જો ખેડૂતનેતાઓ અમારી સાથે કરાર માટે આવી ગયા અને આ આંદોલનકારીઓ તેનો સ્વીકાર નહીં કરે તો આ નેતાઓ શું કરશે? આજની ઘટનાથી દેખાડે છે કે તેમની અપીલ પણ કામ નહીં લાગે."
મંગળવારે મોડી રાત્રે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ પણ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે પક્ષના પાર્ટી હેડક્વાટર પર ચર્ચા કરી હતી.
41 ખેડૂત નેતાઓ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે કૃષિ કાયદાઓને લઈને 11 રાઉન્ડમાં ચર્ચા થઈ છે.
ગલવાન ખીણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુના પિતાએ કહ્યું, 'પરમવીર ચક્ર તો મળવું જોઈતું હતું'
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર લદ્દાખની ગલવાન ખીણમાં જૂન, 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં મૃત્યુ પામનાર કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્ર એનાયત કરાયું તેનાથી તેમના પિતા સંતુષ્ટ નથી.
બાબુના પિતા ઉપેન્દ્રે કહ્યું, "એવું નથી કે હું દુ:ખી છું પરંતુ હું (મહાવીર ચક્ર પુરસ્કારથી) 100 ટકા સંતુષ્ટ નથી. તેમને સારી રીતે સન્માનિત કરવાના હતા."
તેમણે વધુમાં કહ્યું, "પરંતુ મારા મતે સંતોષ બાબુએ પોતાના કર્તવ્યના પાલન દરમિયાન દર્શાવેલી બહાદુરી માટે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવા જોઈતા હતા."
તેમણે કહ્યું કે તેમના દીકરાની બહાદુરીએ અનેક લોકોને પ્રેરણા આપી છે જેમાં સંરક્ષણદળમાં કામ કરનારા કર્મચારી પણ સામેલ છે.
કર્નલ બાબુ 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઑફિસર હતા અને ગલવાન ઘાટીમાં ચીન સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામેલા સૈનિકોમાં સામેલ હતા.
સુરતમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં રેલી કરવા બદલ પાટીદાર નેતાઓની અટકાયત
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુરતમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં નીકળેલી તિરંગાયાત્રામાં જોડાયેલા 400 લોકો અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોની પોલીસે અટકાયત કરી છે જ્યારે કેટલાકની ધરપકડ કરી છે.
મંગળવારે સવારે સુરતના વિવિધ વિસ્તારોમાં પાસના સમર્થક દ્વારા વિવિધ જૂથમાં તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી. વરાછા, પુનાગામ, સરથાણા, કપોદરા વિસ્તારમાં ભારે પોલીસદળને તહેનાત કરવામાં આવ્યું હતું.
વરાછામાંથી જ્યારે યાત્રાની શરૂઆત થઈ ત્યારે પોલીસે લોકોની ધરપકડ કરી હતી.
પાસના સ્ટેટ કન્વીનર અલ્પેશ કથિરિયા અને સુરત સિટી કન્વીનર ધાર્મિક માલવિયાની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત કૉંગ્રેસના છ કૉર્પોરેટરની પણ ધરપકડ કરી હતી.
સુરત સિટી પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું, "પાસ દ્વારા આ રેલી પોલીસની મંજૂરી વિના યોજવામાં આવી હતી અને અમારી પોલીસ ટીમ ત્યાં સ્પોટ પર હતી, તેમની ધરપકડ કરી છે. ત્યાં હિંસા થઈ નથી કે તણાવની સ્થિતિ નથી. તેમની પર પોલીસ કમિશનરના નોટિફિકેશનની અવમાનનાનો કેસ થયો છે."
અગાઉ પાસે સુરત પોલીસે યાત્રાને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. જોકે હાઈકોર્ટે સરકારને 27 જાન્યુઆરી સુધીમાં જવાબ આપવાનું કહ્યું હતું. જે પ્રમાણે પાસ કાયદાકીય રીતે સૂચિત તારીખે રેલી ના કાઢી શકે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો