જયેશ પટેલ : જે ભૂમાફિયાની ઇંગ્લૅન્ડમાંથી ધરપકડ કરાઈ એ કોણ છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં જામનગર પોલીસ ચર્ચામાં છે. જ્યારથી સમાચારોમાં આવ્યું છે કે જયેશ પટેલ ગૅંગના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની ઇંગ્લૅન્ડથી ધરપકડ કરાઈ છે, ત્યારથી જયેશ પટેલ અને તેના સાગરિતો સમાચારોમાં આવી ગયા છે.

એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે જયેશ પટેલની ધરપકડ યુકેથી થઈ ચૂકી છે અને તેમને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

જામનગરના એક નાનકડા વિસ્તારમાં ખેડૂત પરિવારના દીકરા જયેશ પટેલ ગુજરાતના ગુનાની દુનિયામાં આટલું મોટું નામ કેમ થઈ ગયા?

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ગુજરાતના હેડ પરિમલ નથવાણીએ પણ ગુજરાત પોલીસને ત્યારે બિરદાવી હતી, જ્યારે તેમની (જયેશ પટેલ) સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણના કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

'જયેશ રાનપરિયા ઉર્ફે જયેશ પટેલની ધરપકડ'

પોલીસનો દાવો છે કે તેમની ધરપકડ યુકેથી કરી લેવામાં આવી છે અને તેમના પ્રત્યર્પણની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.

તેમના પર ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

જોકે પોલીસ પ્રમાણે તેઓ ગુનો કરવા માટે જામનગર અને તેના આસપાસના વિસ્તારને જ પસંદ કરતા હતા.

એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જયેશ રાનપરિયા ઉર્ફે જયેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ તેને ભારતમાં ક્યાં સુધી લાવવામાં આવશે અને તે આખી પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તેના વિશે હજી સુધી ગુજરાત પોલીસ કંઈ કહી શકે એમ નથી.

જામનગર પોલીસની એક પ્રેસ નોટ પ્રમાણે, જયેશના ત્રણ સાગરિતોને પોલીસે કોલકાતાથી પકડી લીધા છે, અને તેમને ટ્રાન્સિટ રિમાન્ડ પર લેતા પહેલાં તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ લખાય છે, ત્યાં સુધી કોવિડ-19 ટેસ્ટનું પરિણામ બાકી છે.

આ ત્રણેય લોકો વકીલ કિરીટ જોષીના ખૂનમાં સામેલ હતા, તેવો પોલીસનો આરોપ છે.

કેવી રીતે ભૂમાફિયા બન્યા જયેશ પટેલ?

ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની ઉંમર હાલમાં અંદાજે 41 વર્ષની છે.

ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસમાં જેનું નામ છે તે જયેશ ઉર્ફે જયસુખ રાનપરિયાનો જન્મ 18મી ઑગસ્ટ, 1979ના રોજ થયો હતો.

ભારતમાં ન હોવા છતાં જામનગરમાં પોતાનું ગુનાનું નેટવર્ક ચલાવતા હોવાના આરોપસર પોલીસે તેમની સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણના કાયદા હેઠળ ઑક્ટોબર 2020માં ફરિયાદ નોંધી હતી.

આ કાયદા હેઠળ આ પ્રથમ ફરિયાદ હતી.

જામનગરના પોલીસ અધિક્ષક દીપેન ભદ્રન બીબીસી ગુજરાતીને જણાવે છે કે "તેનું આ નેટવર્ક અહીં હતું, એટલા માટે જ તેની સામે ફરિયાદ થઈ હતી."

તેમણે કહ્યું કે "જયેશ પટેલની સામે કુલ 45 ફરિયાદો છે, જેમાં મુખ્યત્વે લોકોની જમીન ખોટી રીતે પચાવીને તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાના આરોપ છે."

જયેશ પટેલ વિશે વાત કરતા જામનગરના એક વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદીએ કહ્યું હતું કે "જયેશ પટેલ પહેલાં જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં એક STD PCO ચલાવતો હતો. બાદી તે નાની-મોટી બાઇકની ચોરીના ગુના આચરતો થઈ ગયો હતો. બાઇકચોરી કરતાકરતા તે લોકોને બિવડાવી નાની-મોટી વાતો પર પૈસા ઉઘરાવતો થઈ ચૂક્યો હતો."

હિરેન ત્રિવેદી કહે છે કે "2016થી 2018ના સમયગાળા દરમિયાન આખા જામનગરમાં તેનો ખૂબ ત્રાસ થઈ ચૂક્યો હતો. જોકે 2018માં વકીલ જોષીની હત્યા બાદ તે બિલકુલ બેફામ થઈ ચૂક્યો હતો અને ગમે તેની જમીન ઉપર પોતાનો અધિકાર જમાવી, ખોટા દસ્તાવેજો ઊભા કરી, કોર્ટમાં કેસ કરીને કોઈ પણ રીતે સામેવાળી વ્યક્તિ પાસેથી પૈસા પડાવી લેતો હતો."

જયેશની ટીમમાં એક પોલીસ કૉન્સ્ટેબલ, એક વકીલ, એક રાજકીય નેતા, એક બિલ્ડર ઉપરાંત તેમનું પોતાનું જ એક અખબાર પણ હતું.

2020માં ગુજસીટોકની એફઆઈઆર દાખલ કરીને પોલીસે જયેશના તમામ સાગરિતોને પકડી લીધા છે. હાલમાં તેમના 12 જેટલા સાથીદારો ગુજરાતની અલગ-અલગ જેલોમાં છે.

મૉડસ ઑપરૅન્ડી શું હતી?

જયેશ પટેલ પર મુખ્યત્વે તો જમીન પચાવી પાડવાના આરોપો છે.

તેમનાં આવાં કામની શરૂઆત ઇવા પાર્ક (લાલપુરની જમીન, 2016માં જેની બજારકિંમત 100 કરોડની હતી)થી થઈ હતી.

ખોટા દસ્તાવેજો બનાવીને આ જમીન પર તેમણે પોતાના કબજાનો દાવો કર્યો હતો. આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો.

હિરેન ત્રિવેદી કહે છે કે, "આ જમીન પર પોતાનો દાવો કર્યા બાદ તો તેણે આવી જ રીતે અનેક જમીનો પર પોતાનો દાવો કર્યો, અને ગમે તેમ કરીને તે ખોટા દસ્તાવેજો ઊભા કરી દેતો હતો."

આ જમીનના મૂળ માલિકે વકીલ કિરીટ જોષીની મદદથી જયેશના રેગ્યુલર જામીન નામંજૂર કરાવાયા હતા, જેને કારણે તેમને ઘણા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

બીબીસી ગુજરાતીએ જ્યારે જયેશ પટેલ વિશે જાણવા માટે જામનગરના અમુક લોકો સાથે વાત કરી હતી, તો અનેક લોકોએ તેમના વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.

મોટા ભાગના લોકોને બીક છે કે જો એમના વિશે કંઈ પણ બોલશે તો તેમના જીવ પર જોખમ આવી શકે છે.

જોકે હિરેનભાઈએ કહ્યું કે "જયેશનું મૂળ કામ તો ડરનું જ છે. જમીનના કાગળો બનાવ્યા બાદ તે જમીનના મૂળ માલિકને ડરાવતો, ધમકાવતો અને આખરે તેમની જમીન પર પોતાનો હક છોડવા માટે મોટી રકમ પડાવી લેતો."

આ પ્રકારનું કામ કરીને જયેશે પોતાની ગૅંગ મોટી કરી અને ખૂબ પૈસાની કમાણી કરી.

જોકે જયેશ પટેલ માત્ર 11મા ધોરણ સુધી ભણેલા છે, પરંતુ હવે તેમને ગુજરાતીની સાથે અંગ્રેજી પણ બોલતા આવડે છે.

જયેશનો પાવર તેના વૉટ્સઍપમાં છુપાયેલો હતો?

બીબીસી ગુજરાતીએ જામનગરના અનેક લોકો સાથે વાત કરી.

મોટા ભાગના લોકોનું કહેવું છે કે તે (જયેશ પટેલ) મોટા ભાગે સામાન્ય સીમ કાર્ડનો કૉલ નહોતો કરતો.

આખા જામનગરમાં જેની ઉપર જયેશ પટેલનો વૉટ્સઍપ કૉલ આવે તેને પછી પૈસા આપવા જ પડે, તેવું ઘણા લોકો માને છે.

એક વખત કોઈ માણસ પૈસા આપવા તૈયાર થઈ જાય તો મુખ્યત્વે જામનગરના લાલપુર વિસ્તારના (પહેલાં કૉંગ્રેસ અને પછી ભાજપ સાથે રહેલા) અતુલ ભંડેરિયા નામના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરની મદદથી લોકો પાસેથી પૈસા પોતાના સુધી મગાવતો હતો એવું કહેવાય છે.

ભંડેરિયાની હાલમાં પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેઓ પણ જેલમાં છે.

જયેશ પટેલ માટે ખાસ અધિકારીની બદલી?

જામનગરના જમીન માફિયાઓના સંદર્ભે સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કૉર્પોરેટ અફર્સના ગ્રૂપ ડિરેક્ટરે અગાઉ પોતાના ટ્વીટ દ્વારા ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને જામનગર એસપી તરીકેની જબાવદારી સોંપાઈ હતી અને જયેશ પટેલને પકડવા માટેની કામગીરી કરવા માટે તેમણે પોતાની ટીમની પણ પસંદગી કરવાની છૂટ આપાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો