You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : સુરતમાં કેસોમાં ધરખમ વધારો, અમદાવાદમાં પણ કોરોના વધ્યો, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'લૉકડાઉન એક વિકલ્પ'
સરકારી આંકડાઓ અનુસાર આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા કુલ 1414 કેસો નોંધાયા છે અને 4 મોત નોંધાયા છે. તથા 948 દરદીઓ સાજા થયા છે. જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ 96.27 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 6147 ઍક્ટિવ કેસો છે, જ્યારે 67 વૅન્ટિલેટર પર છે અને 6080 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4439 મોત થયા છે. અને કુલ 2,73,280 દરદી સાજા થયા છે.
રાજ્યમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક-એક મોત એમ કુલ ચાર મોત નોંધાયા છે.
રાજ્યમાં સર્વાધિક કેસો સુરતમાં નવા 349 કેસ નોંધાયા છે. ત્યાર પછી અમદાવાદમાં 335 અને વડોદરામાં 127 અને પછી રાજકોટમાં 115 કેસ નોંધાયા છે. એટલું જ નહીં સુરત ગ્રામીણમાં પણ 101 કેસો નોંધાયા છે.
રાજ્યમાં માત્ર ભાવનગર ગ્રામીણ અને બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નથી નોંધાયો.
સમગ્ર આંકડા દર્શાવે છે કે સુરત અને અમદાવાદ બંને શહેરોમાં ફરીથી કેસો વધી રહ્યા છે.
2.45 લાખ લોકોનું રસીકરણ
બીજી તરફ રસીકરણની વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2.45 લાખ લોકોનું રસીકરણ થયું છે, જ્યારે અમદાવાદમાં સર્વાધિક 18395 અને સુરતમાં 18282 લોકોનું રસીકરણ થયું છે.
સુરતમાં કુલ 278 દરદી ડિસ્ચાર્જ થયા છે અને અમદાવાદમાં 252 ડિસ્ચાર્જ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી અમદાવાદ મહાપાલિકાએ હવે ફૂડ ડિલિવરી કરનારા અને સલૂન તથા શાકભાજી વેચનારા ઉપરાંત રિક્ષાચાલકો સહિતના લોકોનાં કોરોના ટેસ્ટ કરાવાવ માટે નિર્દેશ કર્યાં છે.
આ માટે મહાપાલિકાએ એક પ્રેસ જાહેરાત પણ કરી હતી.
અત્રે નોંધવું કે સુરતમાં પણ બહારથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ-આઇસોલેશનનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
વળી રાજ્યમાં સ્કૂલ-કૉલેજનું શિક્ષણ પણ ફરીથી ઑનલાઇન કરી દેવાયું છે. અને મહાનગરોમાં સીટી બસ, બાગ-બગીચા બંધ કરી દેવાયા છે.
વળી સુરત સહિત અમદાવાદમાં જાહેર પરિવહનની બસોના પ્રવેશ પણ સ્થગિત કરી દેવાયા હતા.
ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યુ સુધી કરફ્યૂ પણ લાગૂ કરાયો છે. ઉપરાંત 21 માર્ચે અમદાવાદમાં 136 કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષાઓ યોજાવાની છે. તેને યથાવત રખાઈ છે.
જોકે અમદાવાદ પોલીસે પરીક્ષા કેન્દ્ર ધરાવતા વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક પગલાં પણ જાહેર કર્યાં છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે.
'લૉકડાઉન એક વિકલ્પ'
મહારાષ્ટ્રની વાત લઈએ તો મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તથા છેલ્લા 24 કલાકમાં 70 મૃત્યુ નોંધાયા છે.
જેમાં મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 3062 નવા કેસ તથા 10 મોત થયા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હાલ લૉકડાઉનની કોઈ વિચારણા નથી. જનતા ખુદ જ નિયમોનું પાલન કરશે. પરંતુ જો સ્થિતિ સારી નહીં રહે અને નિયમોનું પાલન નહીં થાય તો કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.
વળી દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 39726 નવા કેસો નોંધાયા છે. તથા કુલ 154 કુલ મોત થયા છે. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુસ કેસોનો આંકડો 1.5 કરોડને પાર કરી ગયો છે અને મૃત્યુને મામલે 1.59 લાખને આંકડો પાર થઈ ગયો છે.
વિશ્વમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોનો કુલ આંકડો 12.19 કરોડને પાર થઈ ગયો છે. જ્યારે 26 લાખથી વધુ કુલ મોત અત્યાર સુધી નોંધાયા છે.
કેસોના મામલે અમેરિકા વિશ્વમાં સૌથી પ્રથમ છે, જ્યારે ત્યાર પછી બ્રાઝિલ અને ત્યાર પછી ભારતનો ત્રીજો ક્રમ આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો