નરેન્દ્ર મોદી PM કેર ફંડના બધા પૈસા મેડિકલ ઉપકરણોમાં લગાવે - 12 વિપક્ષી દળોનો પત્ર

12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવાની માગ કરી છે અને કહ્યું છે કે પીએમ કેર ફંડના તમામ પૈસા મેડિકલ સાધનોમાં ખર્ચવામાં આવે.

તેમજ આ નેતાઓએ મફત રસીકરણની માગ પણ કરી છે.

જે વિપક્ષી નેતાઓએ આ પત્ર પર સહી કરી છે, જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન અને જેડી (એસ)ના એચડી દેવગૌડા, એનસીપીના પ્રમુખ શરદ પવાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી, ડીએમકે નેતા એકે સ્ટાલિન, જેએમએમના હેમંત સોરેન, નેશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાહ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, સીપીઆઈના ડી રાજા અને સીપીએમના સીતારામ યેયુરીનો સમાવેશ થાય છે.

દેશમાં કોરોના મહામારીની ગંભીર સ્થિતિનો ઉલ્લેખ કરીને પત્રમાં લખવામાં આવ્યું કે વિપક્ષે ઘણી વાર કેન્દ્ર સરકારને આ અંગે વ્યક્તિગત કે સંયુક્ત રીતે પગલાં ભરવાની સલાહ આપી, પણ કમનસીબે તમારી સરકારે તેને નજરઅંદાજ કરી કે બધી સલાહને ફગાવી દીધી અને તેના કારણે જ માનવત્રાસદીની આવી સ્થિતિ આવી ગઈ છે.

વિપક્ષે પીએમ મોદીને મફત રસીકરણની અપીલ કરી છે અને કહ્યું કે તેના માટે બજેટમાં 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવી જોઈએ.

વિપક્ષે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ રોકીને તેના પૈસાથી ઓક્સિજન અને રસી ખરીદવાની સલાહ આપી છે.

વિપક્ષે પીએમ કેર ફંડમાં મોજૂદ બધી રાશિને કાઢીને તેનાથી રસી, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય મેડિકલ ઉપકરણો ખરીદવાની માગ કરી છે.

તેમજ બધા બેરોજગારોને કમસે કમ 6000 રૂપિયા પ્રતિમાસ આપવાની માગ કરી છે અને જરૂરિયાતમંદોને મફત ખાદ્યાન્ન આપવાની માગ કરી છે.

વિપક્ષી નેતાઓએ પોતાના પત્રમાં કૃષિકાયદાને પરત લેવાની માગ પણ કરી છે અને કહ્યું કે કાયદો પાછો લેવાથી લાખો અન્નદાતાઓને કોરોના મહામારીમાંથી બચાવી શકાશે અને આ ખેડૂતો ખાદ્યાન્નની ઊપજમાં લાગી જશે.

ગુજરાતમાં પડતર માગણીઓ માટે નર્સોનું પ્રતીક વિરોધપ્રદર્શન

ઇન્ટરનૅશનલ નર્સિસ ડેના દિવસે ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં કામ કરતાં નર્સોએ પોતાની પડતર માગણીઓને લઈને પ્રતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. નર્સો ખભા પર કાળી રિબન બાંધીને નોકરી પર આવ્યાં હતા.

અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ હૉસ્પિટલોમાં નર્સોએ પ્રતિક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

બીબીસી સહયોગી કલ્પિત ભચેચએ જણાવ્યું કે અમદાવાદના સિવિલ કોવિડ હૉસ્પિટલમાં નર્સોએ હાથમાં બેનર લઈને વિરોધ કર્યો હતો. સિવિલ હૉસ્પિટલમાં કામ કરતા બીજા પેરામેડિકલ સ્ટાફ પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

નર્સો માગ કરી રહ્યા છે કે તેમના નર્સિંગ ઍલાઉન્સ અને સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવે અને તેમને કેન્દ્ર મુજબ પે ગ્રેડ આપવામાં આવે. તેઓ રાજ્યમાં નર્સિંગ સેલની રચના કરવાની પણ માગ કરી રહ્યાં છે.

કલ્પિત ભચેચ અનુસાર વિરોધ કરતા નર્સો માગ કરી રહ્યાં છે કે નર્સિસની આઉટસોર્સિંગ ભરતી બંધ કરવામાં આવે. નર્સોને શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે. ગુજરાતમાં નર્સોનો જે ખાલી જગ્યાઓ છે તેમાં તાત્કાલીક ધોરણે ભરતી કરવામાં આવે.

નર્સોની માગ છે કે તેમને છેલ્લાં એક વર્ષથી આજદીન સુધી ન મળેલ રજાઓનું વળતર આપવામાં આવે અને સાતમા પગારપંચનું એરીયર્સ ચુકવવામાં આવે.

કૉંગ્રેસનો નડ્ડાને જવાબ, 'લોકોના શ્વાસ રૂંધાતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી મહેલના નિર્માણમાં વ્યસ્ત હતા'

મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કૉંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ પ્રમાણે અજય માકન, મલ્લિકાર્જુન ખડગે અને પી. ચિદમ્બરમ જેવા દિગ્ગજ કૉંગ્રેસી નેતાઓએ પત્રના જવાબમાં જે. પી. નડ્ડા અને ભાજપના વલણની આકરી ટીકા કરી છે.

અજય માકને આ સમગ્ર વિવાદ બાદ કૉંગ્રેસ તરફથી જણાવ્યું હતું, "પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા અપાયેલાં સૂચનો કોઈ દુર્ભાવનાપૂર્ણ નથી. કંઈક આવાં જ સૂચનો અને આવી જ ટીકા IMA, લૅન્સેટ અને અન્ય નિષ્ણાતોએ પણ કરી છે."

"શું ભાજપ તેને પણ રાજકારણપ્રેરિત ગણાવશે?"

આ સિવાય કૉંગ્રેસના અન્ય એક સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને લખેલા પત્ર અંગે વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે "સાત વર્ષથી સત્તા પર હોવા છતાં બધી વાતો માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવવાની ભાજપની આદત ક્યારે છૂટશે?"

તેમણે લખ્યું કે "જ્યારે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા, ત્યારે મોદી પોતાના મહેલના નિર્માણ અને રેલીઓ પર ધ્યાન આપી રહ્યા હતા, આ વાતને લોકો ક્યારેય નહીં ભૂલે."

ભરૂચ હૉસ્પિટલની આગ માટે કોઈને તો જવાબદાર ઠેરવવા પડશે : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ભરૂચની હૉસ્પિટલમાં આગની ઘટના માટે ગુજરાત સરકારની ટીકા કરી છે.

NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે આ મામલે કરાયેલી અરજીની સુનાવણી વખતે સરકાર તરફથી હાજર રહેલા ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે "જ્યાં આગ લાગી એ હૉસ્પિટલ ચૂપચાપ ચાલુ કરાઈ હતી. તે અંગે અધિકારીઓને જાણ કરાઈ નહોતી."

કમલ ત્રિવેદીના આ નિવેદન અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારની સખત ટીકા કરી. કોર્ટે કહ્યું કે આ ઘટના માટે કોઈને તો જવાબદાર ઠેરવવા જ પડશે ને.

ઍડ઼્વોકેટ અમિત પંચાલ દ્વારા આ મામલે રાજ્ય સરકારને યોગ્ય સૂચનો આપવાની દાદ માગતી અરજીની સુનાવણીમાં જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાએ કહ્યું:

"આ ઘટના અને સરકારનું વલણ દર્શાવે છે કે તેઓ હાઈકોર્ટ દ્વારા અગાઉ જારી કરાયેલા આદેશોને કેટલી ગંભીરતાથી લે છે અને કેવી રીતે તેનો અમલ કરે છે?"

"આ કોર્ટની અવમાનના જેવું છે. જ્યારે અધિકારીઓને આ હૉસ્પિટલ ચાલી રહી છે એ વાતની ખબર જ નહોતી, તો ત્યાં રહેલા દર્દીઓની માહિતી કઈ રીતે એકઠી કરાતી હશે?"

નોંધનીય છે કે અમુક દિવસો પહેલાં ભરૂચની હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 16 કોરોનાના દર્દીઓ અને બે નર્સ સામેલ હતાં.

કોરોનામાં પણ ગુજરાત સાબિત થયું પવનચક્કી પ્રોજેક્ટનું પાટનગર

કોરોનાના કપરાકાળ દરમિયાન પણ પાછલા વર્ષે ગુજરામાં સૌથી વધારે નવા પવનચક્કીના પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે 2020-2021માં પવનચક્કી થકી ઊર્જાનિર્માણના પ્રમાણમાં વધારાની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 1020.3 મેગાવૉટના વિન્ડપાવર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ અને કમિશન કરવામાં આવ્યા હતા.

વધારાની બાબતમાં આ દેશમાં સૌથી વધુ હતું. જ્યારે ગુજરાત પછી આ યાદીમાં બીજા ક્રમે તામિલનાડુ અને કર્ણાટક હતાં.

ગંગા નદીમાં ફરીથી ડઝનો મૃતદેહ મળી આવ્યાં

બિહારના ચૌસામાં ગંગા નદીના મહાદેવ ઘાટ પાસે ઘણાં મૃતદેહ મળ્યાના એક દિવસ બાદ મંગળવારે વધુ 71 શબ મળ્યાં, જેમને બક્સર જિલ્લા પ્રશાસને પોસ્ટમૉર્ટમ બાદ દફન કરાવ્યાં છે.

બક્સર જિલ્લા પ્રશાસને પોતાની તરફથી જારી કરેલ પ્રેસરિલીઝમાં કહ્યું છે કે, "અમને વધુ 71 શબ મળ્યાં. જેમને પોસ્ટમૉર્ટમ બાદ દફન કરી દેવાયાં છે. DNA સૅમ્પલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે."

"ભવિષ્યમાં આવું ન બને તે માટે જિલ્લા પ્રશાસન સતર્ક છે. અધિકારીઓને કહેવાયું છે કે ગંગા નદીના કિનારે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે."

બક્સર જિલ્લા પ્રશાસને કહ્યું છે કે ચૌસામાાં શબોની અંત્યેષ્ટિ માટે લાકડાંની કોઈ અછત નથી.

જ્યારે ગ્રામીણોનું કહેવું છે કે લાકડાંની ઊંચી કિંમત વસૂલાઈ રહી છે તેથી લોકો તેમના સ્વજનોને નદીમાં વહાવી રહ્યા છે.

આ પહેલાં બક્સર જિલ્સા SP નીરજ કુમાર સિંહે મીડિયાને કહ્યું હતું કે શબોની હાલત અત્યંત ખરાબ હતી અને ઘાટ પર જ તેમનાં પોસ્ટમૉર્ટમ કરાયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો