You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના મહામારી : સુપર સ્પ્રેડર્સ કહે છે, 'કોરોનાએ તો અમને ડબલ માર માર્યો છે'
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 15મી મે સુધીમાં શાકભાજી અને કરિયાણાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પગલું ભરવા પાછળ કૉર્પોરેશન માને છે કે સુપર સ્પ્રેડર્સના સંપર્કમાં આવવાથી લોકોને રોકવા માટે આ પગલું જરૂરી છે.
15મી એપ્રિલથી 5 મે સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શાકના વેપારીઓનું સતત સ્ક્રિનિંગ કરીને લગભગ 250 કોરોનાના પૉઝિટિવ કેસ શોધી કાઢ્યા હતા, જેઓ અમદાવાદના વિવિધ શાકમાર્કેટમાં તેમજ વિવિધ સોસાયટીઓમાં શાક વેચતા હતા.
સૌથી ભયનજક બાબત એ હતી કે મોટા ભાગના સુપર સ્પ્રેડર્સ એસિમ્પટોમેટિક હતા. તેમનામાંથી ઘણાને હાલની અમદાવાદની સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે.
આ મોટા ભાગના શાકભાજીના વેપારીઓને નવાઈ છે કે તેમને કંઈ જ ન થયું હોવા છતાંય તેમના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.
બીબીસી ગુજરાતીએ આવા અમુક સુપર સ્પ્રેડર્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
નટુભાઈ ડાભી હરિપુરા વિસ્તારમાં શાકભાજી વેચી રહ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ અધિકારીઓએ પહેલી મેના રોજ તેમનો ટેસ્ટ કર્યો હતો અને તેના બે દિવસ બાદ તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને સમરસ હૉસ્ટેલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નટુભાઈ કહે છે કે પ્રથમ લૉકડાઉન વખતે તેઓ પહેલા અમદાવાદના ખોખરા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં જઈને શાક વેચતા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને ના પાડતા તેમણે પોતાના ઘરની બહાર જ શાક વેચવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ઘણા સમય સુધી ઘરની બહાર શાક વેચતા હતા. અમને ખબર પડી કે શાકભાજી વેચનાર દ્વારા કોરોના લાગી રહ્યો છે, ત્યારથી હું પોતે મોઢા પર માસ્ક અને હાથમાં મોજાં પહેરીને લારી પર બેસતો હતો. પણ મને ખુદને એ ખબર નથી પડી રહી કે મને ક્યાંથી અને કેવી રીતે આ વાઇરસ લાગી ગયો છે."
જોકે લૉકડઉનને કારણે તેમની આવકમાં ઘટાડો થયો હોવાનું અને આ વાઇરસને કારણે તેમને અને તેમના પરિવારને ડબલ માર પડ્યો છે એમ તેઓ કહે છે.
"એક તો આટલા દિવસોથી આવક નહોતી. બીજું આ કોરોનાને કારણે હું અહીંયાં હૉસ્ટેલમાં છું, અને મારા પરિવારને નિકોલની એક સોસાયટીમાં ક્વોરૅન્ટીન કરી દીધા છે. આ લૉકડાઉન ખૂલશે, પછી અમે શું ખાશું અને શું કરશું એની અમને ચિંતા સતાવી રહી છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
'અમારી સાથે સારું વર્તન કરો'
ઘણા શાકભાજીના વેપારીઓ માને છે કે તેમણે પોતાના જીવના જોખમે માર્કેટમાં જઈને, શાકભાજી ત્યાંથી લાવીને લોકો સુધી પહોંચાડી છે, જેથી લોકોને શાકભાજી નિયમિત મળતી રહી.
આ વિશે વાત કરતા રમેશ દેવીપૂજક બીબીસી ગુજરાતીને કહે છે કે, "અમે તમામ જોખમ ખેડીને લોકોની સેવા જ કરી છે. અમે અમારા ધંધાની રજા રાખી શક્યા હોત અને જેમ બીજા લોકોને મળી રહ્યું છે તેમ અમને પણ ભોજન મળી રહ્યું હોત. પરંતુ અમે રજા માણવાની જગ્યાએ પોતાના જીવ જોખમમાં મૂકીને લોકો સુધી શાકભાજી પહોંચાડી છે."
તેઓ કહે છે કે તેમણે જે સેવા કરી છે તે કોઈ દેશભક્તિથી ઓછી નથી.
રમેશ દેવીપૂજક કહે છે કે તેમને આ સુપર સ્પ્રેડર્સ નામ અપમાનજનક લાગે છે.
રમેશ દેવીપૂજક પોતાની લારીમાં લીલાં શાકભાજી વેચતા હતા. તેઓ હાલમાં સમરસ હૉસ્ટેમાં ટ્રીટમેન્ટ હેઠળ છે.
તેઓ કહે છે કે અમે જોયું છે કે લોકો બાલ્ટી લઈને શાકભાજી લેવા આવતા હતા, અને અમે પોતે જ તેમનાથી એક અંતર બનાવીને રાખતા હતા, પરંતુ હવે આ રોગ લાગી ગયો છે. તો તેનાથી જીતે જ છૂટકો છે.
તેઓ માર્કેટથી લીલાં શાકભાજી લઈને ખોખરા શાકભાજી માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા. પણ છેલ્લા ત્રણ દિવસથી તેઓ સુપર સ્પ્રેડર્સ તરીકે સમરસ હોસ્ટેલમાં દાખલ છે.
શું કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને?
એએમસીએ અગાઉ એક નોટિફિકેશન દ્વારા દરેક શાકભાજી વેચનારનું સ્ક્રિનિંગ કરીને એક સર્ટિફિકેટ આપવાની કરવાની જાહેરાત કરી છે.
આ નિયમ અનુસાર ઘણા લોકોનું સ્ક્રિનિંગ થયું અને એટલા માટે જ આટલી વધુ માત્રામાં શાકભાજી વેચનારા લોકોને એએમસી શોધી શકી છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતે પણ દરેક ગામોમાં શાકભાજી-કરિણાણું વેચનાર તેમજ ફેરિયાઓને હેલ્થકાર્ડ આપવાની સૂચના ગ્રામ પંચાયતોને આપી છે.
જિલ્લા પંચાતયની માહિતી મુજબ દરેક શાકભાજી વેચનાર, કરિયાણાના વેપારી, ફેરિયાઓ વગેરેની પ્રાથમિક આરોગ્ય તપાસ કરી 7 દિવસ માટે તલાટીની સહીથી હેલ્થકાર્ડ આપવામાં આવશે. સાત દિવસ પછી ફરીથી તપાસ કરાવી કાર્ડ રિન્યૂ કરાવી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો