અમદાવાદથી ટ્રેનમાં ગયેલી મહિલાનું મોત, બાળક માતાના મૃતદેહ સાથે રમતો રહ્યો

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, પટનાથી, બીબીસી ગુજરાતી માટે

મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનો એક વીડિયો બુધવારે બહુ વાઇરલ થયો. વીડિયોમાં એક મહિલાનો મૃતદેહ જોઈ શકાય છે અને બે વર્ષનો બાળક એ મૃત શરીર પર ઢાંકેલું કપડું ખસેડીને તેનાથી રમી રહ્યો છે.

બાદમાં સોશિયલ મીડિયામાં આખો દિવસ આ વીડિયો ઘણી વાર શૅર કરાયો અને લોકો કૉમેન્ટ કરતાં રહ્યા.

શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં શ્રમિકોનાં થતાં મૃત્યુ વચ્ચે વાઇરલ થયેલા આ વીડિયોથી એવું અનુમાન લગાવાયું કે મહિલાનું મૃત્યુ ભૂખને લીધે થયું.

દરમિયાન બીબીસીએ આ મહિલા સાથે જોડાયેલાં તથ્યોની જાણકારી માટે કોશિશ કરી.

બીબીસીએ મૃત મહિલા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેમના સંબંધી વઝીર આઝમ સાથે વાત કરી.

વઝીર આઝમે જણાવ્યું કે ટ્રેનમાં ખાવાપીવાની કોઈ કમી નહોતી. ટ્રેનમાં ભોજન માત્ર એક ટાઇમ મળ્યું, પરંત પાણી, બિસ્કિટ અને ચિપ્સ વારંવાર મળતી હતી. જોકે પાણી એટલું ગરમ હતું કે તેઓએ બે-ત્રણ વાર પાણીની બૉટલ ખરીદીને પાણી પીધું.

વઝીર સાથે તેમની સાળી એટલે 23 વર્ષીય મૃતક અબરીના ખાતૂન, વઝીરનાં પત્ની કોહિનૂર, અબરીનાનાં બે બાળક (બે અને પાંચ વર્ષના અરમાન અને રહમત) અને વઝીર-કોહિનૂરનું એક બાળક મુસાફરી કરતાં હતાં.

અમદાવાદમાં મજૂરી કરનારા વઝીરે બીબીસીને જણાવ્યું કે અબરીના અને તેમના પતિ ઇસરામના એક વર્ષ પહેલાં તલાક થઈ ચૂક્યા છે.

તેઓએ જ જણાવ્યું કે અબરીનાનું મૃત્યુ ટ્રેનમાં થઈ ગયું હતું.

તો મુઝફ્ફરપુરના ડીપીઆરઓ કમલ સિંહે બીબીસીને જણાવ્યું કે મહિલાના મૃત્યુ બાદ તેમનો મૃતદેહ એમ્બ્યુલન્સથી કટિહાર મોકલી લીધો છે.

મહિલાના પોસ્ટમૉર્ટમના સવાલ પર તેઓએ કહ્યું કે પોસ્ટમૉર્ટમની જરૂર નહોતી, કેમ કે મહિલાનું મૃત્યુ બીમારીને લીધે થયું હતું.

પૂર્વ-મધ્ય રેલવેએ ટ્વીટ કર્યું કે 09395 શ્રમિક સ્પેશિયલ ટ્રેન 23 મેના રોજ અમદાવાદથી કટિહાર માટે ઊપડી હતી. તેમાં 23 વર્ષીય અબરીના ખાતૂનનું બીમારીને કારણે યાત્રા દરમિયાન જ મૃત્યુ થઈ ગયું. અબરીના પોતાનાં બહેન કોહિનૂર ખાતૂન અને કોહિનૂરના પતિ વઝીર આઝમ સાથે મુસાફરી કરતાં હતાં.

જોકે મુઝફ્ફરપુર જંક્શન પર સ્થાનિક પત્રકારોને વીડિયો ઇન્ટરવ્યૂ આપતાં અબરીનાના બનેવી વઝીર આઝમે કહ્યું કે તેને કોઈ બીમારી નહોતી. તે અચાનક મરી

ગઈ.

કટિહારના આઝમનગર થાણેના મહેશપુર પંચાયતના વઝીર આઝમે બીબીસીને પણ એ જ કહ્યું કે "તેને કોઈ બીમારી નહોતી, તે અચાનક મરી ગઈ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો