You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઈકોર્ટમાં બેન્ચમાં ફેરફાર, કોરોનાની સુઓમોટોની સુનાવણી કરતી બેન્ચને અસર
ગુજરાત હાઈકોર્ટે સિંગલ અને બે જજોની ડિવિઝન બૅન્ચમાં ફેરફાર થયો છે. આ ફેરફારથી કોરોના વાઇરસની સુઓમોટોની સુનાવણી કરી રહેલી બેન્ચમાં પણ પરિવર્તન આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ. જે. વોરાની ડિવિઝિન બેન્ચ આ ફેરફારથી બદલાઈ છે.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ પરત ફર્યા છે અને તેમણે અગાઉ એક ડિવિઝન બેન્ચ હતી તેને બે કરી છે તથા સિંગલ જજોની સંખ્યા પણ વધારી છે.
જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ વોરાને અલગ અલગ ડિવિઝન બેન્ચમાં મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ વોરાએ કોરોનામાં સરકારની કામગીરી અને સિવિલ હૉસ્પિટલની સ્થિતિને લઈને આકરી ટીકા કરી હતી અને જરૂર પડ્યે તેઓ હૉસ્પિટલની મુલાકાત લેશે એમ પણ કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે સરકારની કામગીરીથી સખત નારાજગી દર્શાવી હતી.
હવે ચીફ જસ્ટિસ પરત ફરતા ફેરફાર મુજબ હાલ ચાલી રહેલી સુઓમોટોની સુનાવણી સિનયોરિટીના ધોરણ મુજબ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાની ડિવિઝન બેંચમાં થશે.
જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઈલેશ જે વોરાની અલગ ડિવિઝન બેંચ રહેશે જે અન્ય સિવિલ અને ક્રિમિનલ કેસોની સુનાવણી કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સિંગલ બેંચ મેટર માટે જસ્ટિસ સોનિયા ગોકાણી, જસ્ટિસ આર. પી. ધોલરિયા, જસ્ટિસ વિપુલ એમ. પંચોલી. જસ્ટિસ એ. જે. શાસ્ત્રી, જસ્ટિસ બી. એન. કારિયા અને જસ્ટિસ સંગીતા કે. વિશેનની પણ નિમણુક કરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં આ તમામ જસ્ટિસ ઘરેથી ઑનલાઇન સુનાવણી કરે છે.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, વિચિત્ર કહેવાય. આ સામ્રાજ્યનો વળતો હુમલો છે? ગુજરાત હાઈકોર્ટે સરકારીની કોવિડની કામગીરી અને સિવિલ હૉસ્પિટલ બાબતે કડક વલણ લીધું હતું અને જે બેન્ચ સુનાવણી કરી રહી હતી તે બદલાઈ ગઈ. સામાન્યપણ અડધેક પહોંચેલા કેસોમાં બેન્ચ બદલાતી નથી. ચીફ જસ્ટિસ રોસ્ટર બદલે તો પણ નહીં.
સુઓમોટોમાં ગુજરાત સરકારની આલોચના
જસ્ટિસ પારડીવાલ અને જસ્ટિસ વોરાની બેન્ચે કડક નિરીક્ષણ કરતા કહ્યુ હતું કે, સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે.
ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકારે તમામ સુવિધાઓ યુદ્ધને ધોરણે પૂરી પાડવી પડશે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાત સરકાર સરકારી હૉસ્પિટલમાં ગરીબોને સેવા આપવામાં ઊણી ઊતરી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અપાતી સેવાઓ કથળેલી સ્થિતિમાં છે. સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધામાં વધારો કરવો જોઈએ.
હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. સરકાર આટલો મોટો મોતનો આંકડો હોવા છતાં કડક રીતે વર્તી રહી નથી, જે ડૉક્ટર આવા કપરી સ્થિતિમાં સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવવા આવ્યા નથી એમની તાત્કાલિક બદલી કરવી જોઈએ. મોટા ભાગનું કામ સિનિયર ડૉક્ટરોના બદલે રૅસિડેન્ટ ડૉક્ટરોના હાથમાં નાંખી દેવામાં આવે છે તે યોગ્ય નથી.
સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ અને પ્રાઇવેટ લૅબમાં પણ જે લોકોનો ટેસ્ટ થાય તેના પૈસા સરકારે આપવા જોઈએ. જે દર્દીઓને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે તેમના ટેસ્ટ પણ ફરજિયાત કરાવવા જોઈએ એમ હાઈકોર્ટે કહ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું કે, ડૉક્ટર નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓને N-95 માસ્ક અને પીપીઈ કિટ જેવા સાધનો તાત્કાલિક અસરથી મળવા જોઈએ. જે ખાનગી હૉસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે બેડ આપવાની ના પાડે તેમની સામે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો અને દરદીઓને પડી રહેલી હાલાકી દૂર કરવામાં સરકાર નિષ્ફળ જશે તો હાઈકોર્ટ ખુદ વીડિયો કૉન્ફરન્સિંગથી ડૉક્ટરો સાથે વાત કરશે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ પોતાના અવલોકનોમાં એ પણ નોંધ્યું છે કે, અમદાવાદની ઍપોલો, ઝાયડસ, ગ્લોબલ હૉસ્પિટલ, આનંદ સર્જિકલ અને યુ.એન મહેતા જેવી હૉસ્પિટલના બેડ શા માટે લેવામાં નથી આવતા એનો પણ સરકાર ખુલાસો કરે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો