કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે કાશ્મીરમાં કેમ વધી રહ્યા છે ઉગ્રવાદીઓના હુમલા?

    • લેેખક, માજિદ જંહાગીર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર

ભારતીય સૈન્યના એક કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સપેક્ટર સહિત સલામતી દળોના પાંચ લોકો 3 મે, 2020ના રોજ ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. આજે, 4 મેના રોજ અન્ય એક અથડામણમાં સીઆરપીએફના ત્રણ જવાનો મૃત્યુ પામ્યા અને સાત જવાન ઘાયલ થયા.

એ અથડામણ ભારત પ્રશાસિત કાશ્મીરના ઉત્તરીય વિસ્તારમાં કુપવાડા જિલ્લામાં આવેલા હંદવાડામાં થઈ હતી. તેમાં બે ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા હતા.

તે અથડામણ શનિવારે બપોરે શરૂ થઈ હતી. પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એ વિસ્તારમાં ઉગ્રવાદીઓ હાજર હોવાની બાતમી સલામતી દળોને ગુપ્તચર સુત્રો પાસેથી મળી હતી.

21 આરઆરના સીઓ હતા કર્નલ આશુતોષ શર્મા

હંદવાડા અથડામણમાં સૈન્યની રાષ્ટ્રીય રાઇફલ્સ(આરઆર)ની 21મી બટેલિયનના કમાન્ડિંગ ઑફિસર (સીઓ) કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ, નાયક રાજેશ, લાન્સ નાયક દિનેશ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસના સબ-ઇન્સપેક્ટર કાઝી પઠાણનું મોત થયું હતું.

કર્નલ શર્માને વીરતા પદક વડે બે વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.

કર્નલ આશુતોષ શર્માના મોટાભાઈ પીયૂષે પીટીઆઈને જણાવ્યું હતું કે 13મા પ્રયાસમાં સફળતા મળી ત્યાં સુધી તેઓ સૈન્યમાં સામેલ થવા માટે તનતોડ પ્રયાસ કરતા રહ્યા હતા. કર્નલ શર્મા તેમના મોટાભાઈ પીયૂષથી ત્રણ વર્ષ નાના હતા. તેઓ 2000ના દાયકાની શરૂઆતમાં સૈન્યમાં જોડાયા હતા.

કર્નલ આશુતોષ શર્માનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેરનો રહેવાસી છે, પરંતુ હાલ તેઓ જયપુરમાં રહેતા હતા. સોમવારે તેમનો મૃતદેહ જયપુર પહોંચ્યો હતો અને જયપુરમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા ઉગ્રવાદી પૈકીના એકની ઓળખ લશ્કરે તૈયબાના કમાન્ડર હૈદર તરીકે થઈ છે. હૈદર પાકિસ્તાનનો નાગરિક હતો.

કેરન સેક્ટરમાં માર્યા ગયા હતા પેરા એસએફના પાંચ જવાન

હંદવાદા ઍન્કાઉન્ટરના થોડા દિવસ પહેલાં જ સૈન્યએ કેરન સેક્ટરમાં અંકુશ રેખા પાસે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

એ વખતે થયેલી અથડામણમાં પાંચ ઉગ્રવાદી માર્યા ગયા હતા. જોકે, તે અથડામણમાં સૈન્યની પેરા સ્પેશિયલ ફોર્સ(એસએફ)ના પાંચ જવાનો પણ મૃત્યુ પામ્યા હતા.

સૈન્યના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ પાંચ ઘૂસણખોરો તે અથડામણમાં માર્યા ગયા હતા.

પોલીસે દાવો કર્યો હતો કે કોરોના વાઇરસની મહામારી વચ્ચે કાશ્મીરમાં એપ્રિલ મહિનામાં થયેલી અલગ-અલગ અથડામણોમાં 28 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.

કેરન સેક્ટરમાં અંકુશ રેખા પર બનેલી ઘટનાને બાદ કરીએ તો એપ્રિલમાં થયેલી કુલ 20 અથડામણોમાં સલામતી દળોના એક જવાન કે ઑફિસરનો જીવ ગયો ન હતો.

'દર વખતે એકસમાન પરિસ્થિતિ નથી હોતી'

કાશ્મીરમાં ઉગ્રવાદ વિરોધી કાર્યવાહીમાં વર્ષો સુધી સામેલ રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, આ કોઈ પુસ્તક નથી, કે જેમાં તમે તમારી મનપસંદ વાતો વાંચી શકો.

તેમણે કહ્યું હતું કે "તમે આતંકવાદ સામે લડતા હો ત્યારે તમારે આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડે છે."

એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "દરેક ઓપરેશન અલગ હોય છે અને દરેક ઓપરેશનના પોતાના આગવા પડકાર હોય છે."

કાશ્મીર ખીણમાં હવે, અગાઉની સરખામણીએ વધારે તાલીમ પામેલા ઉગ્રવાદીઓને મોકલવામાં આવી રહ્યા છે કે કેમ, એવા સવાલના જવાબમાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "હા. વધુ સારી તાલીમ પામેલા ઉગ્રવાદીઓને સરહદ પારથી કાશ્મીરમાં મોકલવામાં આવી રહ્યા છે, પણ આ કોઈ એવો પડકાર નથી કે જેનો આપણે સામનો ન કરી શકીએ. આપણે છેલ્લા 30 વર્ષથી આ જંગ લડી રહ્યા છીએ."

ભારત અને પાકિસ્તાન વચ્ચે અંકુશ રેખા પર થતી ગોળીબારની છૂટક ઘટનાઓમાં છેલ્લા એક મહિનામાં વધારો થયો છે. ગોળીબારની આ ઘટનાઓમાં નાગરિકો તથા સૈનિકોનાં મૃત્યુ પણ થયાં છે.

અધિકારીઓ આક્ષેપ કરે છે કે પાકિસ્તાન ગત પાંચમી ઑગસ્ટથી જ કાશ્મીર ખીણમાં સમસ્યા સર્જવાના પ્રયાસો કરી રહ્યું છે.

'હતાશ પાકિસ્તાન સર્જે છે મુશ્કેલી'

સલામતી દળોના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ શ્રીનગરમાં કહ્યું હતું કે "અમે ઘૂસણખોરીના મોટા પ્રયાસને તાજેતરમાં કઈ રીતે નિષ્ફળ બનાવ્યો એ તમે જાણતા હશો. એ ઘટનામાં પાંચ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા."

કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું હતું કે "કાશ્મીરમાં 5 ઑગસ્ટ, 2019થી શાંતિ છે. તેનાથી પાકિસ્તાન નિરાશ છે. હવે પાકિસ્તાન કોરોના કટોકટીનો લાભ લેવા ઈચ્છે છે. તમે જાણો છો તેમ પાકિસ્તાન દરરોજ અંકુશરેખા પર ફાયરિંગ કરે છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવે છે. ઉગ્રવાદીઓની એક ટોળકીને અમે તાજેતરમાં અંકુશરેખા પર ખતમ કરી નાખી હતી."

સૈન્યના જણાવ્યા મુજબ, આ વર્ષમાં અત્યાર સુધીમાં પાકિસ્તાને 650 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

ભારત દ્વારા સતત કરવામાં આવતા આ આક્ષેપનું ખંડન પાકિસ્તાન કરતું રહ્યું છે.

હંદવાડામાં ક્યાં ભૂલ થઈ?

કાશ્મીરમાં સલામતી સંબંધી ઘટનાઓ પર નજર રાખતા લોકોનું કહેવું છે કે આ હાઈ-પ્રોફાઇલ મોત ખરેખર દુર્ઘટના છે અને તેને સિક્યુરિટી ગ્રિડને થયેલું મોટું નુકસાન ન ગણવી જોઈએ.

છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી કાશ્મીર વિવાદને કવર કરતા રહેલા શ્રીનગરના પત્રકાર અઝર કાદરીએ કહ્યું હતું કે "પાછલા મહિને અનેક અથડામણોમાં મળેલી સફળતાને કારણે અધિકારીઓનો ઓવર કોન્ફિડન્સ હંદવાડામાં થયેલા નુકસાનનું કારણ બન્યો હતો."

અઝર કાદરીએ ઉમેર્યું હતું કે "સલામતી દળોએ ગયા મહિને અનેક ક્લીન-ઓપરેશન્શ કર્યાં હતાં. તેમાં સલામતી દળોને કોઈ નુકસાન થયું ન હતું. એ કારણે સલામતી દળોનો આત્મવિશ્વાસ ઘણા ઉંચા સ્તરે પહોંચી ગયો હતો, એવું મને લાગે છે."

'કેરનમાં થયેલું નુકસાન એક દુર્ઘટના'

અઝર કાદરીએ એમ પણ કહ્યું હતું કે "આ સલામતી દળો માટે વધારે ચિંતાનું કારણ નથી અને કેરનમાં જે કંઈ થયું એ માત્ર એક દુર્ઘટના હતું. આ એક ખુલ્લું મેદાન છે. એ વખતે મોસમ ખરાબ હતી. બરફવર્ષા થતી હતી. એ વખતે ક્યાંથી ફાયરિંગ થશે એ તમને ખબર ન હોય. એવી જગ્યા પર કોઈ વ્યૂહાત્મક લાભ પણ હોતો નથી."

"ઉગ્રવાદીઓ ઘરોમાં છૂપાયેલા હોય ત્યારે સલામતી દળો પાસે વ્યૂહાત્મક લાભ હોય છે, પણ ખુલ્લાં મેદાનમાં એવું શક્ય નથી હોતું," એમ અઝર કાદરીએ જણાવ્યું હતું.

જોકે, કાશ્મીરના કેટલાક અન્ય જાણકારોનું કહેવું છે કે કેરનની ઘટના સલામતી દળો માટે ચિંતાનું કારણ છે.

કલમ 370 હટાવાયા પછીની પરિસ્થિતિ

શ્રીનગરસ્થિત વિશ્લેષક હારુન રેશીએ કહ્યું હતું કે "કાશ્મીરમાં ઉગ્રવાદ ચાલુ છે એ મહત્વની વાત છે. એ ચિંતાની વાત પણ છે, કારણ કે કલમ 370 હટાવાયા પછી ઉગ્રવાદ અંકુશમાં આવ્યો હોવાનું વહીવટીતંત્ર સતત કહી રહ્યું છે."

હારુન રેશીએ ઉમેર્યું હતું કે "સલામતી દળોએ ત્રણ વર્ષ પહેલાં ઉગ્રવાદીઓ સામે ઓપરેશન ઑલઆઉટ શરૂ કર્યું હતું. તેનો હેતુ તમામ ઉગ્રવાદીઓનો સફાયો કરવાનો હતો, પણ આજે બે વર્ષ બાદ હું જોઈ રહ્યો છું કે ઉગ્રવાદ બે કે ત્રણ વર્ષ પહેલાં હતો તેવો જ છે."

ગત ત્રણ વર્ષમાં સલામતી દળો સાથેની અથડામણમાં સેંકડો ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. એ દરમિયાન કેટલાક ઉગ્રવાદી કમાન્ડરોના મોત પણ થયાં હતાં. વધારે ઉગ્રવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં માર્યા ગયા છે. એ હિસ્સાને કાશ્મીરમાં અલગતાવાદનું કેન્દ્ર માનવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો