You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ લૉકડાઉન : પાકિસ્તાનમાં પેટ્રોલ 15 રૂપિયા સસ્તું થયું, ભારતમાં કેમ નહીં?
- લેેખક, પ્રશાંત ચાહલ
- પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના પગલે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માગ ઊઠી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ 'પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ'ના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી જાહેરાત કરાઈ છે કે 'અંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત ઘટી રહી છે, તેથી પાકિસ્તાને સરકારે મે મહિનામાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો ઘટાડી દીધા છે, કે જેથી આમ આદમીને થોડી રાહત મળે.'
પાકિસ્તાની મીડિયા અનુસાર, ગત સપ્તાહે દેશની ઑઇલ ઍન્ડ ગૅસ રેગ્યુલેટરી ઑથૉરિટી (OGRA)એ પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયને વિનંતી કરી હતી કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત ઓછી થઈ રહી છે, તેથી દેશમાં પણ ભાવ ઘટાડો કરવો જોઈએ.'
પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલી મે 2020થી દેશમાં ઘટાડેલી કિંમત લાગુ કરી દેવાઈ છે.
તે પ્રમાણે પેટ્રોલમાં 15 રૂપિયા, હાઈસ્પીડ ડીઝલમાં 27.15 રૂપિયા, કેરોસીનનીમાં 30 રૂપિયા અને લાઇટ ડીઝલમાં 15 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી 96 રૂપિયે લિટર મળી રહેલું પેટ્રોલ હવે 81 રૂપિયે લિટર મળશે.
હાઈસ્પીડ ડીઝલનો ભાવ લિટરના 107 રૂપિયા હતો, તે ઘટાડીને સીધો 80 રૂપિયા જ કરી નખાયો છે.
નિર્ણય વિશે બે પ્રકારના અભિપ્રાય
સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના કેટલાક લોકો આ નિર્ણયની વાહવાહી કરી રહ્યા છે. તેઓ લખે છે કે 'કોવીડ-19 મહામારીને કારણે લોકો પર વધારે આર્થિક દબાણ પડ્યું હતું, તેમાં આ ભાવઘટાડાથી થોડી રાહત મળશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આર્થિક બાબતોના જાણકારો આ નિર્ણયને 'કમનસીબ' ગણાવી રહ્યા છે.
પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર કૈસર બંગાલીએ લખ્યું છે કે 'ઑઇલનો ભાવ ઘટાડીએ એટલે તેનાથી મોંઘવારી કે જાહેર પરિવહનના ભાડામાં કંઈ ઘટાડો થતો નથી. ગ્રાહકોને ફાયદો થવાની ખોટી વાતો ઑઇલકંપનીઓ કરતી હોય છે, કેમ કે તેમણે પોતાનું વેચાણ વધારવાનું હોય છે.'
ડૉક્ટર કૈસર બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે અને સિંઘ સરકારમાં પણ વિકાસસલાહકાર તરીકે કામ કરેલું છે.
ડૉ. કૈસરે ટ્વીટ કર્યું કે, "પેટ્રોલનો ભાવ ઓછો કરવાથી માત્ર ઑઇલકંપનીઓનો જ નફો વધે છે."
ઑઇલનો ભાવ ઘટવો જોઈએ નહીં. સરકારે જૂના ભાવ જ ચાલુ રાખ્યા હોત તેને આવક થઈ હોત."
સરકાર તેનો ઉપયોગ દેવું ચૂકવવામાં, જી.એસ.ટી.ના (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) દર ઓછા કરવામાં કે ઉદ્યોગો અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે કરી શકી હોત."
આંતરરાષ્ટ્રય બજારમાં હલચલ કેમ?
કોવીડ-19ની મહામારીને કારણે દુનિયાભરમાં પેટ્રોલિયમ પદાર્થોનો ઉપયોગ 35 ટકા જેટલો ઘટી ગયો હોવાનું અનુમાન છે.
પ્રથમ ચીન અને ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં લૉકડાઉન લાગુ થયું અને તેના કારણે ખનીજતેલના ભાવો દબાવવા લાગ્યા હતા.
પરંતુ આંતરરાષ્ટ્રીય ખનીજતેલ બજારની હાલત એટલી બધી ખરાબ થશે કે તેની કિંમત માઇનસમાં ચાલી જાય તેવી કોઈને કલ્પના પણ નહોતી.
ભાજપના નેતા અને ખનીજતેલની બજારના જાણકાર નરેન્દ્ર તનેજા સાથે અમે આ બાબતે વાતચીત કરી.
તનેજાએ જણાવ્યું કે, "કોરોના મહામારી ટ્રિગર બની તે વાત સાચી, પરંતુ સ્થિતિને વધારે મુશ્કેલ બનાવી અમેરિકા, રશિયા અને સાઉદી જેવા દેશોએ. તેલઉત્પાદક અખાતના દેશો વચ્ચે સ્પર્ધા જામી છે અને સૌ બજારમાં પોતપોતાનો દબદબો બનાવવા માગે છે."
તેઓ કહે છે, "ઓપૅકના દેશો વચ્ચે પહેલી મેના રોજ સમજૂતિ થઈ, ત્યાં સુધી આ દેશો ઉત્પાદન જોરશોરથી કરતા જ રહ્યા."
"હવે લૉકડાઉનના કારણે માગ ઘટી ગઈ અને દેશો વચ્ચે સહમતી થવામાં ઘણો સમય લાગી ગયો. હવે છેક આ દેશોએ નક્કી કર્યું છે કે રોજનું 97 લાખ બૅરલ તેલ ઓછું ઉત્પાદન કરવું."
"જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં માગ છે તેને ધ્યાનમાં લેતા જેટલું ઉત્પાદન ઘટાડવું જોઈએ તેનો આ માત્ર ત્રીજો ભાગ જ છે."
"રોજનું ચાર કરોડ બૅરલ ઉત્પાદન ઘટાડવું પડે તેમ છે. તો જ માગ અને પુરવઠાનું સંતુલન થાય અને સામાન્ય સ્થિતિ આવે."
ભારત આ સ્થિતિનો ફાયદો કેમ ઉઠાવતું નથી? તનેજા કહે છે, "ખનીજતેલના ભાવ ભારત માટે ભેંટ સમાન થયા છે."
"પરંતુ આપણે ત્યાં સ્ટોરેજ માટેની મોટી વ્યવસ્થા ના હોવાથી વધુ લાભ લઈ શકાયો નથી. ભારતમાં ફક્ત નવ દિવસના વપરાશ જેટલું સ્ટોરેજ કરવાની ક્ષમતા છે."
'ભારતમાં 2004 જેટલી કિંમત હોવી જોઈએ'
કૉંગ્રેસ પક્ષે માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવી દલીલ કરીને ઘેરવાની કોશિશ કરી હતી કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત 35 ટકા જેટલી ઘટી ગઈ છે, ત્યારે ભારતની જનતાને તેનો ફાયદો ક્યારે મળશે? ભારત પેટ્રોલનો ભાવ લિટરના 60 રૂપિયા ક્યારે કરશે?'
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે 'ખનીજતેલની કિંમત નવેમ્બર 2004 હતી, તે જ કિંમત અત્યાર છે. તો મોદી સરકાર 2004માં હતા તે સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવો કેમ લાવતી નથી.'
21 એપ્રિલે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર ટ્વીટ કર્યું કે "દુનિયામાં ખનીજતેલની કિંમત બહુ જ નીચે આવી ગઈ છે, તો પણ આપણા દેશમાં પેટ્રોલ 69 રૂપિયા અને ડીઝલ 62 રૂપિયે લિટર કેમ મળે છે? આ સંકટમાં ભાવ ઘટે તેટલું સારું. ક્યારે સાંભળશે સરકાર?"
પાકિસ્તાન ભાવ ઘટાડે તો ભારત કેમ નહીં?
પાકિસ્તાનમાં ભાવ ઘટ્યાના સમાચાર આવ્યા તે પછી ભારતમાં પણ સોશિયલ મીડિયામાં લોકો લખવા લાગ્યા કે 'પાકિસ્તાન સરકાર આમ કરી શકે તો ભારત સરકાર કેમ નહીં?'
ભાજપના નેતા તરીકે નરેન્દ્ર તનેજાએ આ સવાલના જવાબમાં કહ્યું કે 'આવી બાબતમાં ભારત અને પાકિસ્તાનની સરખામણી કરવી ખોટી વાત છે.'
તેઓ કહે છે, "પાકિસ્તાનનું અર્થતંત્ર નાનું અને બિનસંગઠિત અને 28થી 30 અબજ ડૉલરનું છે. એટલે કે મહારાષ્ટ્રના અર્થતંત્ર કરતાંય નાનું છે.
પાકિસ્તાનમાં મધ્યમ વર્ગ પણ ઓછો છે. ભારતમાં સૌથી મોટો મધ્યમ વર્ગ છે અને પેટ્રોલિયમ પદાર્થોનો મોટો ગ્રાહક વર્ગ છે. એટલે બંને દેશોમાં તેના વપરાશનો ટ્રૅન્ડ અલગ છે."
તેમની દલીલ છે કે 'ખનીજતેલઉત્પાદક દેશો મોટા ભાગે મુસ્લિમ દેશો છે અને તે પાકિસ્તાનને હળવી શરતો સાથે ઑઇલ આપે છે. તેને વધારે સારી ઉધારી પણ મળે છે.'
સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના અહેવાલ અનુસાર, સામાન્ય રીતે ભારતમાં રોજ 46થી 50 લાખ બૅરલ ઑઇલનું વેચાણ થાય છે, પરંતુ બજારના અંદાજ અનુસાર કોવીડ-19 મહામારીને કારણે વેચાણ 30 ટકા ઘટી ગયું છે.
સરકારી આંકડા અનુસાર, ભારતની જરૂરિયાતનું 85 ખનીજતેલ આયાત કરવું પડે છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઓછા થયા હોય ત્યારે તેનો લાભ લોકોને ના આપવો જોઈએ?
જવાબમાં નરેન્દ્ર તનેજા કહે છે, "ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં 50 ટકા હિસ્સો ટેક્સનો છે. ભારતમાં માગ ઘટી તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની બંનેની વેરાની આવક પણ ઘટી ગઈ છે."
"બીજું કે કોરોનાના કારણે ખનીજતેલ સસ્તું થયું છે. બીજા કોઈ કારણે સસ્તું થયું હોત તો પણ ભાવો ઘટાડી ના શકાય, કેમ કે પર્યાવરણ પર થનારી અસરને પણ જોવી પડે."
તનેજા કહે છે, "અખાતના દેશોમાં રહેલા 80 લાખ જેટલા ભારતીયોની રોજગારી પણ ઑઇલ માર્કેટ સાથે જોડાયેલી છે."
"અખાતના બધા દેશોનું અર્થતંત્ર ઑઇલની કમાણી પર છે. સતત ભાવો ઓછા રહેશે તો ત્યાંની કંપનીઓ બંધ થશે, મંદી અને બેરોજગારી આવશે."
"તેની અસર ત્યાં કામ કરતા ભારતીયોને પણ થશે. તેઓ દેશમાં લગભગ 50 અબજ ડૉલર કમાણી મોકલે છે તેના પર થશે. તે દેશોમાં થતી ભારતની નિકાસ પણ ઘટશે. તેનો અર્થ એ કે ભારત માટે એ જ સારું છે કે દુનિયાનું અર્થતંત્ર સારું રહે, અખાતના દેશોનું અર્થતંત્ર પણ સારું રહે."
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો