કોરોના વાઇરસને લીધે વિદેશમાં ભણવાનું ભારતીયોનું સ્વપ્ન કેમ રોળાયું?

    • લેેખક, નિકિતા મંધાની
    • પદ, બીબીસી સંવાદદાતા

29 વર્ષના રોનક સિંહે બે વર્ષ પહેલાં દુનિયાની ટૉપ બિઝનસ સ્કૂલમાં એમબીએનો અભ્યાસ કરવાની તૈયારી શરૂ કરી હતી.

જાન્યુઆરી 2020માં તેમનું નામ અમેરિકાના કૅલિફોર્નિયામાં યુસી બર્કલેની હાસ સ્કૂલ ઑફ બિઝનેસની વેઇટ-લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ તેમને પ્રવેશ માટે પોતાની માહિતી પૂરી પાડવાનું કહ્યું હતું.

રોનક સિંહ કહે છે, "પાંચ વર્ષથી સ્થિર એવી મારી નોકરી મેં છોડીને માનસિક કુશળતા માટે એક સ્ટાર્ટ-અપમાં કામ શરૂ કર્યું હતું."

તેમનું કહેવું છે કે "મારી ઍપ્લિકેશનમાં વિવિધતા બતાડવા માટે મેં પગારમાં ખોટ ખાઈને પણ નવી કંપનીમાં કામ શરૂ કર્યું હતું."

તેઓ કહે છે કે બર્કલેમાં તેમને પ્રવેશ મળી ગયો હતો અને તેઓ સપ્ટેમ્બર મહિનામાં પોતાનો કોર્સ શરૂ કરવા માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હતા.

પરંતુ કોવિડ-19ને કારણે દુનિયા બદલાઈ ગઈ અને હાલ તેમને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

રોનક સિંહ સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓમાંના એક છે, જે વિદેશમાં અભ્યાસ માટેનાં સ્વપ્ન જુએ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય યાત્રા પર લાદવામાં આવેલા પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અને અનિશ્ચિતતાને કારણે તેઓ નથી જાણતા કે આગળના મહિનાઓમાં તેમનું શું થશે.

'તણાવ, ચિંતા બહુ છે પણ સ્પષ્ટતા નથી'

ચીન પછી ભારતથી સૌથી વધારે વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં અભ્યાસ કરવા જતા હોય છે.

ભારતના વિદેશ મંત્રાલય મુજબ જુલાઈ 2019 સુધી દસ લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા.

વિદેશમાં અભ્યાસ કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે જૂન અને જુલાઈના મહિનામાં વિદ્યાર્થીઓ વિઝા સેન્ટર અને કૉન્સ્યુલેટ્સ પર ઊમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

23 વર્ષીય મીહિકા બરુઆ યુકેમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા માગે છે. તેઓ કહે છે, "અત્યારે ચિંતા અને તણાવ બહુ છે પરંતુ સ્પષ્ટતા નથી."

તેઓ કહે છે, "અમને ખબર નથી કે આંતરરાષ્ટ્રીય યાત્રા ફરી ક્યારે પહેલાંની જેમ સામાન્ય થશે અને વિઝા સમયસર મળી શકશે કે નહીં. એવું બને કે અમારે ઑનલાઇન ક્લાસ પણ લેવા પડે."

'લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાના ઘરે બેસીને ભણવું પડશે'

યુકે અને અમેરિકામાં કેટલીક યુનિવર્સિટીઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવતા સેમેસ્ટર કે વર્ષથી કોર્સ શરૂ કરવાનો વિકલ્પ આપ્યો છે, પરંતુ અમુક યુનિવર્સિટીઓએ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઑનલાઇન ક્લાસ અનિવાર્ય કર્યા છે.

યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજે જાહેરાત કરી છે કે આવતાં વર્ષ સુધી ઑનલાઇન લેક્ચર લેવામાં આવશે.

અન્ય યુનિવર્સિટી જેમ કે ગ્રીનવિચ યુનિવર્સિટીએ ઑનલાઇન ક્લાસ અને સામાન્ય રીતે શિક્ષક સાથે અભ્યાસના વિકલ્પ રાખ્યા છે, પરંતુ અન્ય દેશોથી આવતાં વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરવા માટે આવતા સેમેસ્ટર સુધી રાહ જોવી પડશે.

રોનક કહે છે કે, "દોઢ વર્ષ સુધી આ યુનિવર્સિટીઓમાં ઍડમિશન લેવા માટે મહેનત કર્યા પછી આવું થાય તે થોડું ગેરવાજબી લાગે છે."

તેમની જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ ઑનલાઇન ક્લાસના વિકલ્પને લઈને હતાશ છે.

મીહિકા બરુઆ કહે છે, "આ યુનિવર્સિટીમાં અરજી કરવાનો હેતુ ત્યાં કૅમ્પસમાં અભ્યાસ કરવાનો હોય છે અથવા તે દેશોમાં નોકરી શોધવી. અમે ત્યાંની સંસ્કૃતિને પણ અપનાવવા માગીએ છીએ."

વિદેશમાં અભ્યાસ કરવું મોંઘું પડે છે, કારણ કે ભારતીય અને અન્ય દેશોના વિદ્યાર્થીઓએ તેમની સ્થાનિક કરન્સીમાં નહીં, પરંતુ ડૉલર અથવા પાઉન્ડમાં ફી ચૂકવવાની આવે છે, તે સિવાય ઍપ્લિકેશન અને પ્રવેશ માટેના ટેસ્ટનો ખર્ચ અલગ હોય છે.

ઑનલાઇન ક્લાસને કારણે તેમનો વિઝા, ફ્લાઇટની ટિકિટ અને રહેવાનો ખર્ચ નહીં આવે. પણ કેટલાક વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરવા માટે પોતાની બચતમાંથી અથવા કોઈ પાસેથી ધિરાણ લઈને પૈસા ખર્ચ કરવામાં અચકાય છે.

સંકટ વચ્ચે વિદેશ જવાના પડકાર

આગામી મહિનાઓમાં પરિસ્થિતિ સુધરે તો તેઓ વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે કૅમ્પસમાં જોડાઈ શકે છે, જોકે તેમાં પણ અમુક પ્રશ્નો છે.

રોનક સિંહ કહે છે કે કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા જેવા દેશમાં ત્યાંની મોંઘી સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે કે કેમ એવા પ્રશ્નો પણ ઊભા થશે.

નોકરીની ઘટ

કોરોના વાઇરસની મહામારીને કારણે પહેલાથી વિશ્વનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, તેવામાં કંપનીઓ વિદેશી લોકોને નોકરી આપે અથવા તેમના વિઝા સ્પૉન્સર કરે તે સહેલી વાત નથી.

નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિભાગમાં કામ કરતાં ટૅયા કૅરથર્સ કહે છે, "સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને નોકરી મળશે કે કેમ તેને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ વધારે મુશ્કેલીભર્યો સમય છે, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ માટે અમેરિકા આવવું પણ મુશ્કેલ બની જશે."

જે વિદ્યાર્થીઓ સારા પગારવાળી નોકરીઓની આશા લઈને વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે ખાસ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.

નોકરીઓને લઈને અનિશ્ચિતતાને જોતાં વિદ્યાર્થીઓમાં ડર છે કે મોંઘી ડિગ્રી લઈને ભારત પરત આવવું પડશે તો?

રોનક કહે છે કે પોતાનો દેશ છોડીને વિદેશ જવામાં જે ખતરો હોય છે એ હવે અનેક ગણો વધી ગયો છે."

યુનિવર્સિટી સામે પડકાર

વૈશ્વિક શિક્ષણ નેટવર્ક ક્યૂએસ પ્રમાણે કોરોના વાઇરસ મહામારીને કારણે ઊભા થયેલા આર્થિક સંકટને જોતાં વિદેશમાં અભ્યાસ માટે જવાની તૈયારી કરી રહેલા 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય પર ફેરવિચારણા રહ્યા છે.

નિષ્ણાતો કહે છે કે યુનિવર્સિટીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

અમેરિકામાં અભ્યાસ માટે આવતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીંના અર્થતંત્રમાં દર વર્ષે 45 અબજ ડૉલર ઉમેરે છે. યુકેના અર્થતંત્રમાં વિદેશી વિદ્યાર્થીઓ સાત અબજ ડૉલર ઉમેરે છે.

એટલે વિદેશી વિદ્યાર્થીઓ જો અહીંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનું ટાળે તો યુનિવર્સિટીઓ માટે પણ આ એક મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

યુનિવર્સિટીઓ માટે નવી પરિસ્થિતિમાં કેટલાક પડકારો જોડાઈ જશે, જેમ કે કૅમ્પસ અને હૉસ્ટલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને અલગઅલગ ટાઇમ ઝોનમાં આવતાં દેશોના વિદ્યાર્થીઓનો ઑનલાઇન ક્લાસમાં સમાવેશ કરવો.

વિદેશમાં અભ્યાસ માટે કન્સલ્ટન્સી ચલાવતા સાદિક બાશા કહે છે કે "ટેકનૉલૉજી કેટલી પણ સારી હોય, પરંતુ ઇન્ટરનેટની સમસ્યા તો હંમેશાં રહે છે."

તેમનું કહેવું છે કે 2021માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં ઍડમિશન લેવાનું ટાળી શકે છે. જોકે લાંબા સમય સુધી ભારતીય વિદ્યાર્થીઓની મહત્ત્વાકાંક્ષા દબાયેલી નહીં રહે.

આવનારા મહિનાઓના ઘટનાક્રમ પર નજર રાખીને બેઠા રોનક સિંહ કહે છે કે તેઓ બે વર્ષના એમબીએ કોર્સ માટે ઑનલાઇન ક્લાસ તો શરૂ કરશે જ.

તેઓ કહે છે કે "એક વર્ષથી વધારે સમયથી હું તેની તૈયારી કરી રહ્યો હતો અને મને લાગે છે કે હું માનસિક રીતે ત્યાં પહોંચી ગયો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો