કોરોના વાઇરસથી શું દુનિયાભરના તાનાશાહોને નવું જોમ મળી રહ્યું છે?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના લગભગ એક તૃતીયાંશ લોકોને કોરોના વાઇરસને કારણે લૉકડાઉનમાં રાખવામાં આવી રહ્યા છે.

અનેક દેશોના સૈનિકો શહેરોમાં લશ્કરી વાહનોની અવરજવરનું નિયંત્રણ કરી રહ્યા છે ત્યારે પોલીસનાં વાહનો લોકોને ભીડવાળા વિસ્તારોમાંથી વિખેરાઈ જવાની અપીલ મૅગાફોન મારફત કરી રહ્યાં છે.

અનેક દેશોમાં સરકારી આદેશની જાહેરાત કરવા માટે ડ્રૉનની મદદ પણ લેવામાં આવી રહી છે. વધતાં મૃત્યુદર અને ઝડપથી ફેલાતી બીમારીએ વિશ્વની ઉત્તમ આરોગ્યસેવાઓને પણ પરેશાન કરી નાખી છે.

અનેક દેશોમાં નાટકીય જાહેરાતો દ્વારા આ બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ રાજકીય પંડિતો માને છે કે આવું કરવાથી આ બીમારી પર કદાચ અંકુશ મેળવી શકાશે, પરંતુ એટલું નક્કી છે કે આ બીમારી પર સંપૂર્ણ અંકુશ મેળવી લેવાશે ત્યારે કેટલાક દેશોમાં માર્ચ-2020 પહેલાં જેવી લોકશાહી હતી તેવી લોકશાહી નહીં હોય.

કોરોના વાઇરસના સામના માટે લેવામાં આવી રહેલાં કામચલાઉ પગલાં ક્યાંક કાયમી ન બની જાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોખમ ઓછું આંકવાની કોશિશ

દુનિયાના કેટલાક નેતાઓ શરૂઆતમાં આ બીમારી માટે તૈયાર નહોતા.

ઑસ્ટ્રિયાની ગ્રાઝ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્લૉરિયન બાઇબેર માને છે કે વિજ્ઞાન તથા દક્ષતા પ્રત્યેના તિરસ્કારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મૅક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે ઓબરાડોર અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાએર બોલસાનરોની સરકારોની અસંવેદનશીલ સરકારોની શ્રેણીમાં મૂકી દીધી છે.

આ બીમારીને કારણે સર્જાયેલા સંકટની અવગણના કરવાનું મુશ્કેલ બને એ પહેલાં આ દેશોના પ્રચારતંત્રો અને સરકાર સમર્થકમીડિયાએ કોરોના વાઇરસને લીધે ઊભાં થનારાં જોખમોનું મૂલ્ય પોતાના તરફથી ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.

દાખલા તરીકે, અમેરિકામાં ફોક્સ ન્યૂઝે કોરોનાના સમાચારને જોરશોરથી રજૂ કરવા બદલ ડૅમૉક્રેટ્સની ઝાટકણી કાઢી હતી.

સર્બિયા અને તુર્કીમાં સરકારસમર્થક મીડિયાએ પંડિતો તથા કહેવાતા નિષ્ણાતોના અભિપ્રાયને બહુ મહત્ત્વ આપ્યું હતું. એ અભિપ્રાયમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમારા દેશમાં રહેતા લોકો આનુવાંશિક રીતે આ પ્રકારના ચેપનો સામનો કરવા માટે સક્ષમ છે.

આ પ્રકારના રોગચાળાથી સરમુખત્યાર નેતાઓની શક્તિ ઘટતી હોય છે, કારણ કે રોગચાળા માટે કોઈને બલિનો બકરો બનાવવાનું તેમનું તિકડમ લોકોને ગળે ઊતરતું નથી.

આ નેતાઓનાં પગલાંની કાયદેસરતાને પડકારવામાં આવે તો તેઓ આકરાં પગલાંઓનું પ્રમાણ બમણું કરી નાખે છે અને કટોકટીના અધિકારોના ઉપયોગ પોતાની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે કરે છે.

માનવાધિકારો પર પાબંદી

દુનિયાના અનેક દેશોમાં તો કોરોના વાઇરસના આગમન પહેલાં જ લોકશાહીનાં મૂળિયાં નિર્બળ હતાં. પ્રજાતાંત્રિક મૂલ્યો માટે કામ કરતી સંસ્થા ફ્રીડમ હાઉસની વાત માનીએ તો ગયા વર્ષે 64 દેશોમાં લોકતાંત્રિક મૂલ્યોનું પ્રમાણ અગાઉના કરતાં ઘટ્યું હતું.

દુનિયાના અનેક દેશો આ રોગચાળાના સામના માટે અસાધારણ પગલાંઓ લઈ રહ્યા છે ત્યારે સરમુખત્યાર અને લોકશાહી એમ બન્ને પ્રકારના દેશોમાં માનવાધિકારોને વ્યાપકપણે નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ અલેકઝાન્દર વૂસિચ સહિતના યુરોપના અનેક દેશોના વડાઓએ વાઇરસના સામના માટે ચીને લીધેલાં દમનકારી પગલાંનાં વખાણ કર્યાં છે.

અમેરિકા અને ઈરાન

એક સ્થળે એકઠા થવાની સ્વતંત્રતા પર દુનિયાના લગભગ દરેક દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પણ જેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય એવો આ એકમાત્ર અધિકાર નથી.

અનેક દેશોમાં ચૂંટણી ટાળવામાં આવી રહી છે. અમેરિકાના કમસેકમ 12 રાજ્યોમાં ડૅમૉક્રેટિક પ્રાયમરીઝની ચૂંટણી ટાળવામાં આવી છે.

એટલું જ નહીં, અમેરિકા સીમાનિયંત્રણને વધુ મજબૂત કરવાની ઝુંબેશમાં જોડાઈ ગયું છે. આ કામ તો તેની કાર્યસૂચિમાં બહુ પહેલાંથી જ હતું.

શિકાગોનાં મેયર લૉરી લાઇટફુટે લખ્યું છે કે શહેરના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર લોકોએ આઠ-આઠ કલાક રાહ જોવી પડે એ સ્થિતિને કોઈ પણ સંજોગોમાં વાજબી ઠરાવી શકાય નહીં. કોઈ આયોજન વિના પ્રવાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે લોકોના આરોગ્ય પર વધુ જોખમ સર્જાયું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા કસ્ટમ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન સર્વિસની ટીકા કરતાં લૉરી લાઇટફુટે જણાવ્યું હતું કે તમારી અક્ષમતા માટે કોઈની પાસે સમય નથી. પોતાના નાગરિકોની જિંદગીને ધરાર નિયંત્રિત કરવા ઇચ્છતી ઈરાનની સરકારે આ બીમારીનું કારણ આપીને દેશના દરેક હિસ્સામાં સલામતીદળોને મોકલી આપ્યાં છે.

સરકારવિરોધી પ્રદર્શનો પર પ્રતિબંધ

સર્બિયા તથા ઉત્તર મેસીડોનિયામાં એપ્રિલમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી કોરોનાને કારણે ટાળવામાં આવી છે.

ઇરાક, અલ્જીરિયા અને લેબનનમાં અનેક મહિનાઓથી ચાલતાં સરકારવિરોધી આંદોલનોને સ્થગિત કરવામાં આવ્યાં છે.

બ્રિટનમાં પણ મે મહિનામાં યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને ટાળવામાં આવી છે.

હાલના વાતાવરણમાં ચૂંટણી યોજવાનું મુશ્કેલ જ નહીં, ખતરનાક પણ છે. ફ્રાન્સમાં 15 માર્ચે યોજાયેલી શહેરી સંસ્થાઓની ચૂંટણીએ કોરોના વાઇરસના પ્રસારમાં મોટી ભૂમિકા ભજવી હોવાના પૂરતા સંકેત મળ્યા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે અનેક મહિનાઓ સુધી ચૂંટણી ટાળવાથી માત્ર સરકારની કાયદેસરતા સામે સવાલો ઉઠાવવામાં આવશે, એટલું જ નહીં, પણ અનેક સરમુખત્યારો આ સ્થિતિનો ઉપયોગ પોતાની તાકાત વધારવા માટે કરશે અને પોતાને ફાયદો થાય એવા સમયે ચૂંટણી યોજશે.

આ સિક્કાની બીજી બાજુ પણ છે. મે મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી ટાળવામાં આવે એવું મોટા ભાગના પૉલેન્ડવાસીઓ ઇચ્છે છે, પણ ત્યાંની સરકાર ઇચ્છે છે કે ચૂંટણી નિર્ધારિત સમયે જ થાય. એમ કરવાથી વર્તમાન રાષ્ટ્રપતિ આંદ્રેઝેજ ડૂડાની સત્તાધારી લૉ ઍન્ડ જસ્ટિસ પાર્ટીને રાજકીય ફાયદો થાય તેમ છે.

કટોકટીની પરિસ્થિતિમાં ચૂંટણી યોજાય ત્યારે મોટા ભાગે સત્તાધારી પક્ષને ચૂંટણીપ્રચારમાં ફાયદો થાય છે અને વિરોધ પક્ષોની મુશ્કેલીઓ વધી જાય છે.

અમે આ વાઇરસ સામે યુદ્ધ છેડ્યું છે, એવી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતથી સામાન્ય નાગરિકોને અનેક પ્રકારના ત્યાગ માટે પ્રેરણા મળી હતી, પણ આ પ્રકારની અપીલ લાંબા સમયે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

વાઇરસ એ કોઈ લશ્કર નથી, પણ તેની સામેની લડાઈની હાકલ આરોગ્ય સંબંધી સંકટને સલામતી સંબંધી સંકટમાં પરિવર્તિત કરી શકે છે અને એ પ્રક્રિયામાં લેવાનારાં લોકોને દબાવનારાં પગલાં વાજબી ઠરાવી શકાય છે.

વ્યાપાર બંધ કરાવવો, સામાજિક અંતર જાળવવાનો આગ્રહ રાખવો, લોકોને રસ્તાથી દૂર રાખવા અને તેમના એકઠા થવા પર પ્રતિબંધ તેમજ કર્ફ્યુ લાદવા જેવાં પગલાં આ બીમારીનો પ્રસાર રોકવા માટે જરૂરી પગલાં છે એ સાચું, પણ તેનાથી સરમુખત્યારશાહીની નવી લહેરને ઉત્તેજન મળવાનું ગંભીર જોખમ પણ છે.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે રાષ્ટ્રજોગ સંબોધનમાં વિરોધ પક્ષને 'ખતરનાક દેશદ્રોહી' ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ બીમારી દરમિયાન દેશમાં નવા પ્રકારના કાયદા અમલી બનાવવામાં આવશે. કોઈ સમયે કટોકટીની જાહેરાત કરવામાં આવે એ પણ શક્ય છે. એ સમયે 'દેશદ્રોહીઓને' અલગ પાડી દેવાનું કામ ઐતિહાસિક જરૂરિયાત બની જશે.

કટોકટી કે એના જેવા કાયદાઓની જાહેરાતો

દુનિયાના અનેક દેશોમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે અથવા તો સરકારે આ બીમારીના સામના માટે તાકીદનાં કેટલાંક પગલાંઓની જાહેરાત કરી છે.

હંગેરીમાં વિક્ટર ઓરબોનની સરકારે કોરોના વાઇરસથી બચવા માટે એક કાયદો બનાવ્યો છે, જેમાં તમામ વર્તમાન કાયદાઓનો અમલ સ્થગિત રાખવાનો અધિકાર સરકારને આપવામાં આવ્યો છે.

એ ઉપરાંત આ સમયગાળામાં સંસદના અધિકાર પર પણ પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે અને માત્ર વડા પ્રધાનને જ આ પ્રતિબંધો હઠાવવાના સમયનો નિર્ણય કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

એક નવા કાયદાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફેક ન્યૂઝ ફેલાવવા તથા ક્વૉરન્ટીન તથા કર્ફ્યુના ઉલ્લંઘન માટે પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.

આ પગલાં સામે યુરોપના અગ્રણી માનવાધિકાર સંગઠન કાઉન્સિલ ઑફ યુરોપે વિરોધ વ્યક્ત કર્યો છે.

ઇઝરાયલમાં વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ આ મુશ્કેલ સમયનો ઉપયોગ પોતાના વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસોને ટાળવા માટે કર્યો છે.

તેમણે સંસદની બેઠકો યોજવા પર નિયંત્રણો લાદ્યાં છે અને આંતરિક જાસૂસી એજન્સીને લોકો પર નજર રાખવાનો અધિકાર આપ્યો છે.

રોમાનિયાના વડા પ્રધાન લોદોવિચ ઓરબાનની રાજકીય સમસ્યાઓ પણ કોરોનાને કારણે કમસે કમ થોડા સમય માટે તો છૂ થઈ જ ગઈ છે.

ગ્રીસની સરકારે કોરોના આપદાનો સહારો લઈને 'ધ ગાર્ડિયન' અખબારના કૈરો ખાતેના સંવાદદાતાની પરવાનગી રદ્દ કરી છે, કારણ કે એ સંવાદદાતાએ, ગ્રીસમાં કોરોનાથી પીડાતા લોકો બાબતે સરકારે આપેલા આંકડા સામે સવાલ ઉઠાવ્યા હતા.

જોર્ડનની સરકારે કોરોનાનો લાભ લઈને તમામ અખબારોના પ્રકાશન પર પ્રતિબંધ લાદ્યો છે અને દરેક શહેરના પ્રવેશદ્વાર પર સૈનિકો તહેનાત કરી દીધા છે.

ઘણા દેશોમાં રાજકીય કારણસર જેલમાં રહેતા કેદીઓ પર તેમના પરિવારજનો સાથે મુલાકાત સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ફિલિપાઇન્સ વિરોધ પક્ષના સંસદસભ્યોએ શંકા વ્યક્ત કરી છે કે ત્યાંના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે, લોકોની આવનજાવન તથા એકઠા થવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને ટૂંક સમયમાં હટાવશે.

તેમણે તેમના દેશમાં છ મહિના માટે કટોકટીની જાહેરાત કરી છે, જે દુનિયાના કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની જાહેરાતથી ઘણી વધારે પડતી છે.

બહુચર્ચિત પુસ્તક 'ઓથોરિટેરિયેનિઝમઃ વૉટ ઍવરીબડી નીડ્સ ટુ નો'નાં લેખિકા ઍરિકા ફ્રૅન્ક કહે છે, "આ પ્રકારનું સંકટ લોકશાહી માટે બહુ મોટું જોખમ છે. તેનાથી અનેક સરકારોને તેના નાગરિકો પર જુલમ કરવાની તક મળી જાય છે."

મીડિયા પર લગામ

જર્મની, ઇટાલી અને ઑસ્ટ્રિયા જેવા વિશ્વના મોટા લોકશાહી દેશોની સરકારોએ પણ લોકોની આવનજાવન પર નિયંત્રણ માટે તેમના સેલફોન સુધ્ધાં પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

મોન્ટેનિગ્રોમાં સરકારે, જેમણે ક્વોરૅન્ટીમાં રહેવું જોઈએ એવા નાગરિકોનાં નામ-સરનામાં પ્રકાશિત કરી દીધાં છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે કોરોના આફતના સામના માટે નાગરિકોના અધિકાર પરનું અતિક્રમણ અસ્થાયી હોવું જોઈએ અને તેના સમયસીમાની જાહેરાત પહેલાંથી થવી જોઈએ.

એ ઉપરાંત કાયદાકીય સંસ્થાઓ તમામ સંજોગોમાં સક્રિય રહેવી જોઈએ.

દાખલા તરીકે, ઑસ્ટ્રિયાની સંસદે કોરોનાના સામના માટે અનેક કાયદા પસાર કર્યા છે અને યુરોપની સંસદે પણ સંસદસભ્યોની બેઠક યોજ્યા વગર 'રિમોટ વોટિંગ' વડે, કોરોનાની આફત સામે ઝૂઝતાં દેશોના મદદ માટે એક વિશેષ ઈયુ ફંડની રચનાની જાહેરાત કરી છે.

ફેક ન્યૂઝ બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે તેનો સામનો દોષીતને સજા કરીને નહીં, પણ પારદર્શકતા વડે કરવો જોઈએ. ખોટા સમાચાર ફેલાવવા માટે હંગેરી, સર્બિયા અને તુર્કી જેવા દેશોમાં આકરી સજાની જોગવાઈ છે. આ દેશોનું સરકાર સમર્થિત મીડિયા કોરોના વાઇરસની જોખમ બાબતે ભ્રમિત કરતી ખોટી માહિતી વિના સંકોચ આપી રહ્યું છે.

બીજી તરફ તાઇવાન અને સિંગાપુર જેવા દેશોએ કોરોના વાઇરસનો સફળતાપૂર્વક સામનો કર્યો તેનું મુખ્ય કારણ ત્યાંની સરકારોની સ્પષ્ટ તથા પારદર્શન સંવાદ નીતિ છે.

સંકેત સ્પષ્ટ છે કે કોરોના આફતના નામે આખી દુનિયામાં લોકતંત્રના મૂળ પર આકરા પ્રહારો થઈ શકે છે.

કોરોના વાઇરસનો સામનો આ મુદ્દે સ્વસ્થ અને મોકળી ચર્ચા દ્વારા પણ કરી શકાય એ કૅનેડા તથા દક્ષિણ કોરિયાની સરકારોએ પણ દર્શાવ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો