કોરોના વાઇરસને કારણે ભૂખમરાની સમસ્યા વકરશે, UN ફૂડ પ્રોગ્રામનો વરતારો

    • લેેખક, ડૉ.જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એપ્રિલ મહિનામાં સંયુક્ત રાષ્ટ્રોની સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ બિસલે કોવિડ-19 મહામારી ફેલાઈ તે પહેલાં જણાવ્યું હતું કે 2020નું વરસ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ખરાબ વરસ હશે.

કોવિડ-19 પછી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે તેમણે એ પણ ચેતવણી આપી હતી કે મહામારી સામે લડતાં-લડતાં દુનિયાના દેશોએ ભૂખમરાની અણિ પર ઉભેલા લોકોનો પણ વિચાર કરવો પડશે નહીં તો વિશ્વમાં ભૂખમરાની સમસ્યા વકરશે.

તેમણે કહ્યું હતું કે સીરિયા, યમન અને બીજી જગ્યાઓમાં યુદ્ધની સ્થિતિ, આફ્રિકામાં તીડનો ઉપદ્રવ તેમજ સુદાન, કોંગો, લેબનન અને ઇથિયોપિયામાં કુદરતી આફતો અને આર્થિક સંકટને કારણે વિશ્વ માટે 2020 વરસ સંઘર્ષ પૂર્ણ રહ્યું છે.

ત્રણ લાખ મોત દરરોજ

આજે વિશ્વના 821 મિલિયન લોકો રાત્રે ભૂખ્યા સુવે છે અને કોવિડ-19 ને કારણે તેમાં વધુ 130 મિલિયન લોકોનો 2020ના અંત સુધીમાં ઉમેરો થશે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બિસલેએ જણાવ્યુ હતું કે વિશ્વમાં 30 મિલિયન લોકો ભોજન માટે તેમના પ્રોગ્રામ ઉપર જ આધાર રાખે છે તથા જો આ લોકો સુધી ભોજન ન પહોચ્યું તો આગામી ત્રણ મહિનામાં ત્રણ લાખ જેટલા લોકો ભૂખમરાને કારણે પ્રતિદિન મૃત્યુ પામશે.

સૌથી ખરાબ સ્થિતિમાં દુનિયાના 36 દેશોમાં ભૂખમરાથી લોકો પીડાઈ રહ્યા છે એમાંથી 10 દેશો એવા છે કે જેમાં દરેક દેશ દીઠ 10 લાખ લોકો ભૂખમરાની અણિ પર ઊભા છે.

ખોરાક અને ખાનાખરાબી

બીજી મેની સ્થિતિ મુજબ, કોરોના મહામારીથી હજી સુધી બે લાખ 40 હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે, તેના કરતાં વધુ લોકોના જીવન પર 'ભૂખમરાની મહામારી'ને કારણે સંકટ ઊભું થશે.

અત્યારે વિશ્વમાં જે વસતિ ભૂખમરાથી પીડાઈ રહી છે, તે ડબલ થવાની સંભાવના છે.

2019ના અંતમાં, 135 મિલિયન લોકો 'તીવ્ર ભૂખમરા'ની સ્થિતિ સાથે જીવી રહ્યા હતા, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં લૉકડાઉન લાગુ કરાતાં, આ સંખ્યા વધીને 265 મિલિયન થવાની સંભાવના છે, એવું વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું કહેવું છે.

2019 માં 8.3 અબજ ડૉલર પ્રાપ્ત કરનાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સંગઠનને હવે ચાલુ વરસે તેની કામગીરી ટકાવી રાખવા માટે 10થી 12 અબજ ડૉલરની જરૂર છે.

યુદ્ધ, પર્યાવરણની સમસ્યાઓ તથા આર્થિક કટોકટીથી પ્રભાવિત વિસ્તારો ઉપરાંત ઓછી અને મધ્યમ આવકવાળા દેશો આગામી મહિનાઓમાં કોરોનાવાઇરસના ફેલાવાને કારણે રોજગારની સમસ્યા તથા અન્ય આર્થિક મુશ્કેલીઓથી પ્રભાવિત થવાની સંભાવના છે.

યમનમાં યુદ્ધને પરિણામે પહેલાં માત્ર ચારથી પાંચ મિલિયન લોકોને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો લાભ લેતા, પરંતુ કોરોના પછી આ સંખ્યામાં ઉછાળો આવવાની આશંકા છે.

દરિદ્રતાના દર પર દેશો

કોંગોમાં 30 મિલિયન લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં વસે છે, તેઓ WFPની મદદથી પેટ ભરે છે.

બીજા અર્થમાં કહીએ તો કોંગોની વસતિની 15 ટકા વસતિ ભૂખમરાથી પ્રભાવિત છે.

આ વિસ્તારમાં પાંચ મિલિયન કોંગોના છે અને અડધો મિલિયન લોકો એ અન્ય દેશોમાંથી આવેલા રૅફ્યૂજી છે.

વેનેઝુએલા પાસે વિશ્વનાં સૌથી મોટાં ઑઈલ રિઝર્વમાંથી એક છે, પરંતુ ત્યાં ફુગાવાનો દર ગત જાન્યુઆરીમાં 200 ટકાના દરે વધતાં આર્થિક સ્થિતિ નબળી બની છે, જેને પરિણામે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ છે.

કેટલાક વેનેઝુએલાના લોકો અનઅધિકૃત રીતે બોર્ડર ક્રૉસ કરીને ખાદ્યચીજો અને દવાઓ ખરીદે છે. આજે વેનેઝુએલામાં દરેક ત્રીજા વ્યક્તિને મદદની જરૂર છે.

વેનેઝુએલાના 4.8 મિલિયન લોકો જે વેનેઝુએલાની કુલ વસતિના 15 ટકા થવા જાય છે. વેનેઝુએલાથી પાડોશી દેશોમાં ગયેલા લોકો અત્યારે ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

દક્ષિણ સુદાન પણ ઉત્તર સુદાનથી આઝાદ થયા છતાં ત્યાં સિવિલ વૉરની અસરને કારણે પરિસ્થિતિ સારી નથી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે તેમને ચેતવ્યા હતા કે ત્યાં ભૂખમરો આવશે.

અત્યારે દેશની 60 ટકા વસતિ ફૂડ મેળવવા માટે દરરોજ સંઘર્ષ કરી રહી છે.

એવી જ સ્થિતિ યુદ્ધગ્રસ્ત રહેલા અફઘાનિસ્તાનની છે. અફઘાનિસ્તાનની 50 ટકા વસતિ ગરીબી રેખાની નીચે જીવે છે અને 11 મિલિયન લોકો ભૂખમરાથી પીડાય છે.

આ ઉપરાંત બીજી મેની સ્થિતિ પ્રમાણે, કોરોના વાઇરસના અઢી હજાર જેટલા કન્ફર્મ કેસ નોંધાયા છે.

પ્રથમ દૃષ્ટિએ જોતા આ સંખ્યા ઓછી જણાય, પરંતુ અફઘાનિસ્તાનની સરકાર પાસે બહુ મર્યાદિત ટેસ્ટિંગ સુવિધાઓ અને હેલ્થકૅર ફેઍસિલિટી છે. વળી દોઢ લાખ જેટલા અફઘાની પાડોશી દેશ ઈરાનથી તથા હજારો લોકો પાકિસ્તાનથી પાછા ફર્યા છે, તે જોતાં ત્યાં પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ઈરાન અને પાકિસ્તાનમાં કોરોનો ચેપ મોટા પ્રમાણમાં લાગ્યો છે.

સધ્ધર દેશો અધ્ધર

વર્તમાન સમયમાં યુ.એન.એ આપેલી ચેતવણીને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે યમન, અફઘાનિસ્તાન, સુદાન જેવા દેશોમાં કટોકટીપૂર્ણ સ્થિતિ ઊભી થાય તે સમજી શકાય.

પરંતુ કોરોનાને કારણે આર્થિક રીતે સમૃદ્ધ દેશ ગણાતા અમેરિકા, જર્મની, જાપાન, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, સ્પેન જેવા વિકસિત દેશોમાં પણ ખાદ્યપદાર્થો મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

કોરોનાને કારણે ભલભલી મહાસત્તાઓ ઘૂંટણીયે પડી છે અને તેમની આર્થિક સ્થિતિ નબળી બનતી ગઈ છે.

બધા દેશોએ રાહત પૅકેજની જાહેરાત કરી છે, પરંતુ આ સંકટ માત્ર ભૂખમરા પૂરતું જ નથી આવનારા દિવસોમાં આ દેશોની આર્થિક તેમજ આરોગ્ય વ્યવસ્થા સુવિધાઓ માટે પડકાર ઊભો થશે.

કોરોના પછી વિશ્વભરમાં કરોડો લોકો બેકાર બનશે. અમેરિકામાં બે કરોડથી વધુ લોકોએ બેકારીભથ્થાં માટે અરજી કરી છે.

કોરોના આગળ વિકસિત દેશોથી લઈને વિકાસશીલ દેશો પણ લાચાર છે.

બધી જ દૈનિક આર્થિક પ્રવૃતિઓ થંભી થઈ ગઈ છે, કાળચક્રનાં પૈડાં થંભી ગયાં હોય તેવો માહોલ છે.

આવનાર સમયમાં બેકારી, ગરીબી, ભૂખમરાને કારણે વિશ્વભરમાં અરાજકતા ઊભી ન થાય તે જોવાનું રહ્યું, કારણ કે દુનિયાના લગભગ 26.5 કરોડ લોકો ભૂખમરાના આરે આવીને ઊભા છે.

પહેલાં પણ પૂર્વ આફ્રિકાના દેશો અને દક્ષિણ એશિયામાં ખાદ્યસંકટ હતું, હવે કોરોનાની ગરીબ અને વિકાસશીલ દેશો ઉપર વધારે અસર પડશે.

કૃષકોની મહેનતને કારણે ભારત ખાદ્યાન્નસુરક્ષાની બાબતે મહદંશે સલામત છે.

ભારતમાં ભૂખમરો છે, પરંતુ આવી સંકટની પળોમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ તરફથી ઘણીખરી જનતાને પૂરતું અનાજ મળી રહે છે, જેથી કોરોનાને કારણે લૉકડાઉન પરિસ્થિતિ ઊભી થવાથી લોકો પાસે કામ નથી, પણ જીવન ટકાવી રાખવા પૂરતો ખોરાક મોટા ભાગે મળી રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો