INDvsNZ : T-20 મૅચમાં ભારતની સૌથી ખરાબ હાર, ન્યૂ ઝિલૅન્ડ સામે 80 રને હાર્યું

ન્યૂ ઝિલૅન્ડે ભારતને ટી-20 ક્રિકેટની સિરીઝના પહેલા જ મૅચમાં 80 રને હાર આપી છે. આ ટી-20 મૅચમાં વધારે રનથી હારવાના મામલે ભારતની આ સૌથી ખરાબ હાર છે.

ન્યૂ ઝિલૅન્ડે પહેલા બૅટિંગ કરતાં 219 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ માત્ર 139 રનમા ઑલઆઉટ થઈ ગઈ હતી.

જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ સર્વાધિક 39 રન બનાવ્યા હતા.

ન્યૂ ઝિલૅન્ડ તરફથી સાઉદીએ સૌથી વધારે ત્રણ વિકેટો લીધી હતી.

ભારતની શરૂઆત જ ખૂબ ખરાબ રહી હતી. કપ્તાન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જે બાદ શિખર ધવન અને વિજય શંકરે કેટલાક સારા શૉટ્સ લગાવ્યા. ત્યારે એવું લાગતું હતું કે ભારતની પારી સંભાળી લેશે.

જોકે, ત્યારબાદ એક બાદ એક વિકેટ પડવાની શરૂ થઈ અને ભારતે પોતાની છ વિકેટ 77 રન પર જ ગુમાવી દીધી.

શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રન કર્યા હતા. ઋષભ પંતે ચાર અને દિનેશ કાર્તિકે પાંચ તથા હાર્દિક પંડ્યાએ ચાર રન બનાવ્યા હતા.

સાતમી વિકેટ માટે મહેન્દ્ર સિંહ ધોની અને કૃણાલ પંડ્યા વચ્ચે 52 રનની ભાગીદારી થઈ હતી.

જોકે, સ્કૉર એટલો મોટો હતો કે 20 રનની સરેરાશથી રન બનાવવાની જરૂરિયાત હતી.

કૃણાલ પંડ્યા 20 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, જ્યારે ભૂવનેશ્વર કુમાર માત્ર 1 રન બનાવી શક્યા.

મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધારે 39 રન બનાવ્યા હતા.

આ પહેલાં નિર્ધારિત 20 ઑવરમાં ન્યૂ ઝિલૅન્ડે 6 વિકેટે 219 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા રમવા ઊતરેલી ન્યૂ ઝિલૅન્ડની ટીમે ખૂબ જ મજબૂત શરૂઆત કરી હતી.

ન્યૂ ઝિલૅન્ડ તરફથી ઑપનર બૅટ્સમેન ટિમ સિફર્ટે સૌથી વધારે 84 રન બનાવ્યા.

સદી તરફ આગળ વધી રહેલા સિફર્ટને ભારતના બૉલર ખલીલ અહમદે 13મી ઑવરમાં ક્લિન બૉલ્ડ કર્યા હતા.

જે બાદ કૉલિન મુનરો અને કે. એસ. વિલિયમસને 34-34 રન બનાવ્યા હતા.

તેના સિવાય કોઈ બૅટ્સમેન મોટો સ્કૉર કરી શક્યા ન હતા.

ભારતની ટીમ તરફથી સૌથી વધારે બે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી.

જ્યારે ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, કૃણાલ પંડ્યા અને ચહલે એક-એક વિકેટ લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો