એકમાત્ર વ્યક્તિ જેને બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ કરવામાં સરકારને સફળતા મળી

    • લેેખક, જાવિદ ઇકબાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

યૂકેના ગૃહસચિવ સાજિદ જાવિદે 4 ફેબ્રુઆરીએ છેતરપિંડીના આરોપી ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે મંજૂરીની મહોર મારી દીધી હતી.

જોકે, ભારત પ્રત્યાર્પણનો આ પ્રથમ મામલો નથી. યૂકેમાંથી ભારતના પ્રત્યાર્પણનો એક લાંબો ઇતિહાસ રહેલો છે.

રસપ્રદ વાત એ છે કે પ્રત્યાર્પણના આવા કેસોમાં અત્યારસુધી એક ગુજરાતી આરોપીને જ સ્વદેશ લાવવામાં સફળતા મળી છે.

2002માં ગોધરાકાંડ બાદનાં રમખાણોના આરોપી સમીરભાઈ વિનુભાઈ પટેલ નામની ગુજરાતી વ્યક્તિનું ભારત પ્રત્યાર્પણ સફળતાપૂર્વક પાર પાડી શકાયું હતું.

સમીરભાઈ પટેલનું 18 ઑક્ટોબર 2016ના રોજ ભારત માટે પ્રત્યાર્પણ કરાયું હતું.

2002માં ગુજરાતમાં થયેલાં હુલ્લડો દરમિયાન પહેલી માર્ચે ઓડ ગામમાં 23 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હતા.

લોકોને જીવતા સળગાવનારાં ટોળાંમાં પટેલની કથિત સંડોવણી બહાર આવી હતી. જોકે, પટેલ પોલીસની પકડથી દૂર નીકળીને લંડન પહોંચી ગયા હતા.

ભારતીય તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ 'રૅડ કૉર્નર નોટિસ' બહાર પડાઈ હતી. આખરે સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા તેની ધરપકડ કરી લેવાઈ હતી.

એ વખતના યૂકેના ગૃહસચિવ ઍમ્બર રુડે તેમના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યાં હતા.

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલી આ ઘટનામાં પટેલ 'વૉન્ટેડ' હતા.

પ્રત્યાર્પણનો પ્રથમ પ્રયાસ

1992માં ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અમલમાં આવ્યા બાદ સૌથી પહેલાં ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીનું ભારત પ્રત્યાર્પણ કરવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.

ઇકબાલ પર 1993માં મુંબઈમાં કરાયેલા વિસ્ફોટોની સંડોવણીનો આરોપ હતો.

જોકે, બાદમાં આ કેસ પડતો મૂકાયો હતો અને ઇકબાલ મામલે ભારતને કાયદાકીય ખર્ચ ચૂકવવો પડ્યો હતો.

વર્ષ 1995ના એપ્રિલ માસમાં સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા ઇકબાલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને આતંકવાદ તેમજ ડ્રગ્સના આરોપમાં તેમની ધરપકડ કરાઈ હતી.

જોકે, એ જ વખતે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો, જ્યાં ઇકબાલ પરથી સંબંધિત આરોપો હટાવી લેવાયા હતા.

અલબત્ત, લંડનમાં આવેલી ઇકબાલની રાઇસ મિલના મૅનેજરની નોકરી છોડ્યા બાદ મુંબઈમાં કરાયેલી હત્યાનો આરોપ ઇકબાલ પર લગાવાયો હતો.

જોકે, આ મામલે બૉ સ્ટ્રીટ કોર્ટના મૅજિસ્ટ્રેટે પ્રત્યાર્પણની અરજી ફગાવી દીધી હતી.

બાદમાં ભારત દ્વારા સંબંધિત મામલે કોઈ અરજી નહોતી કરાઈ અને ઇકબાલ મિર્ચી મામલે કાયદાકીય ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

હનિફ ટાઇગરનું શું થયું?

આવો જ વધુ એક હાઈ પ્રોફાઇલ મામલો ઉમરજી પટેલ ઉર્ફે હનિફ ટાઇગરનો પણ છે.

વર્ષ 1993ના જાન્યુઆરી માસમાં હનિફ પર સુરતની બજારમાં હાથગોળો ફેંકવાનો આરોપ હતો. આ ઘટનામાં શાળાએ જતી એક બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

વર્ષ 1993ના જ એપ્રિલ માસમાં એક ભીડભાડવાળા રેલવેસ્ટેશન પર હાથગોળો ફેકવાના કિસ્સામાં પણ હનિફની કથિત સંડોવણી બહાર આવી હતી. આ હુમલામાં 12 પ્રવાસીઓને ઈજા પહોંચી હતી.

મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે બ્રિટિશ ગૃહસચિવ સમક્ષ વર્ષ 2013માં હનિફે અંતિમ આવેદન કર્યું હતું.

જેને પગલે હનિફનો પ્રત્યાર્પણનો મામલો 'હજુ પણ વિચારણા હેઠળ' હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો '1993 ભારત-યૂકે પ્રત્યાર્પણ સંધિ' અંતર્ગત અત્યાર સુધી ત્રણ આરોપીનું સફળતાપૂર્વ બ્રિટન પ્રત્યાર્પણ કરી શકાયું છે.

જેમાં મનિંદરપાલસિંઘ કોહલી, કુલવિંદરસિંઘ ઉપ્પલ અને સોમૈયા કેતન સુરેન્દ્રનો સમાવેશ થાય છે.

મનિંદરપાલસિંઘ પર 29 જુલાઈ 2007માં હૅન્ના ફૉસ્ટરની હત્યાનો આરોપ હતો.

સોમૈયા પર 8 જૂલાઈ 2009ના રોજ છેતરપિંડીનો આરોપ હતો. સોમૈયા કેન્યાની નાગરિકતા ધરાવે છે.

જ્યારે કુલવિંદરસિંઘ પર 14 નવેમ્બર 2013ના રોજ અપહરણ અને બનાવટી કેદનો કેસ હતો.

વિજય માલ્યાના કેસમાં શું થશે?

લંડનનાં મુખ્ય મૅજિસ્ટ્રેટ ઍમ્મા આર્બથનૉટ દ્વારા માલ્યાને ભારત મોકલવાનો આદેશ આપ્યાના બે મહિના બાદ ગૃહ સચિવ સાજિદ જાવિદે આ મામલે મંજૂરીની મહોર મારી છે.

માલ્યાને આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે 14 દિવસનો સમય અપાયો છે.

માલ્યાએ આ મામલે ટ્વીટ કરીને જણાવ્યું છે, "10 ડિસેમ્બર 2018ના રોજ વૅસ્ટમિનિસ્ટર મૅજિસ્ટ્રેટ દ્વારા આદેશ અપાયા બાદ મેં અરજી કરવાની મારી ઇચ્છા વ્યક્ત કરી હતી. ગૃહ સચિવના નિર્ણય પહેલાં હું અરજી કરવાની પહેલ ના કરી શકું. હવે હું અરજી માટેની પ્રક્રિયા હાથ ધરીશ."

'કિંગફિશર' જેવી બ્રાન્ડના ઉદ્યોગ સામ્રાજ્યના માલિક વિજય માલ્યાએ માર્ચ 2016માં 7 હજાર કરોડ કરતાં વધુનું દેવું ના ચૂકવી શકવાને કારણે ભારત છોડી દીધું હતું.

જોકે, ભારતમાંથી 'ભાગી આવવા'નો આરોપ ફગાવતા માલ્યાએ દાવો કર્યો છે ગત વર્ષ જુલાઈમાં તેમણે તમામ રકમ 'બિનશરતી' રીતે ચૂકવી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો