જ્વાળામુખીએ અહીં વિનાશના બદલે કર્યું જીવનનું સર્જન

વૈજ્ઞાનિકોને દુનિયાના નવનિર્મિત ટાપુ પર જીવન હોવાના સંકેત મળ્યા છે. આ ટાપુનું નિર્માણ ચાર વર્ષ પહેલાં જ્વાળામુખી ફાટતાં થયું હતું.

આ ટાપુનું નિર્માણ કિંગ્ડમ ઑફ ટોંગા પર થયું છે. તેને અનૌપચારિક નામ આપવામાં આવ્યું છે હુંગા ટોંગા-હુંગા હેપાઈ.

આ ટાપુ પર ગુલાબી ફૂલની મહેક આવવા લાગી છે અને પક્ષીઓનો કલરવ સાંભળવા મળી રહ્યો છે.

પૂર્વ ઑસ્ટ્રેલિયામાં પ્રશાંત મહાસાગરમાં 170 ટાપુઓથી ટોંગા બનેલું છે.

સી એજ્યુકેશન ઍસોસિએશન અને નાસાની એક નાની ટૂકડીએ ઑક્ટોબર મહિનામાં આ ટાપુની મુલાકાત લીધી હતી. આ પૂર્વે તેઓ સેટેલાઇટની મદદથી ટાપુ પર નજર રાખી રહ્યા હતા.

હુંગા ટોંગા- હુંગા હેપાઈનું નામ બે ટાપુઓનાં નામ પરથી આપવામાં આવ્યું છે. આ ટાપુનું નિર્માણ વર્ષ 2014માં એક જ્વાળામુખી ફાટવાથી થયું હતું.

જ્યારે જ્વાળામુખીની રાખ ઠંડી પડી ગઈ, તે દરિયાના પાણીના સંપર્કમાં આવી અને એક મહિના બાદ નવા ટાપુનું નિર્માણ થયું હતું.

દરિયાની અંદરથી જ્વાળામુખી ફાટવો અને તેમાંથી ટાપુ બનવો તે કોઈ અસામાન્ય બાબત નથી, પણ તે લાંબા સમય સુધી ટકી શકતો નથી.

છેલ્લાં 150 વર્ષોમાં હુંગા ટોંગા હુંગા હેપાઈ ટાપુ એ 3 ટાપુમાંથી એક છે કે જે થોડા મહિના કરતાં વધારે સમય ટકી શક્યો છે.

વૉલ્કોનોલૉજિસ્ટ (જ્વાળામુખી અંગેનાં નિષ્ણાત) જેસ ફોએનિક્સે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "આ કેસમાં રાખનું દરિયાઈ પાણી સાથે કેમિકલ રિએક્શન થયું હતું તેના કારણે આ ટાપુને સ્થિર આકાર મેળવવામાં મદદ મળી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

વૈજ્ઞાનિકોને ત્યાં શું મળ્યું?

નાસા સંશોધક ડેન સ્લેબેક એ વૈજ્ઞાનિકોમાંથી એક હતા કે જેમણે ઑક્ટોબરમાં ટાપુની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે એ સમયે તેમને એવું લાગ્યું કે જાણે તેઓ સ્કૂલનાં બાળકોની જેમ ચક્કર મારવા નીકળ્યા હોય.

તેમને ત્યાં ચીકણી માટીનો કાદવ મળ્યો.

સ્લેબેક કહે છે, "અમને જરા પણ ખબર નહોતી કે આ શું છે અને હજુ સુધી અમે એ જાણી શક્યા નથી કે તે ક્યાંથી આવે છે."

કેટલા વર્ષો સુધી ટાપુ તેની જગ્યાએ રહી શકે છે?

નાસાએ વર્ષ 2017માં ભવિષ્યવાણી કરી હતી કે આ ટાપુ 6 વર્ષથી માંડીને 30 વર્ષ સુધી ટકી શકે છે.

જોકે, ડેન સ્લેબેક આ વાતથી અસહમત છે. તેમનું માનવું છે કે ટાપુની મુલાકાત લીધા બાદ ખબર પડી કે ધારણા કરતાં આ ટાપુ ઝડપથી ધસાઈ રહ્યો છે.

જેસ ફોએનિક્સ કહે છે, "ટાપુની મુલાકાત લેતાં સમયે અમારી પાસે મર્યાદિત સમય હતો."

"એવું લાગે છે કે જમીન ધસાઈ જવાનું કારણ ભારે વરસાદ છે અને જો વરસાદ સતત થાય તો એવું માની શકાય કે આ ટાપુ માત્ર એક દાયકા સુધી જ રહે. જોકે, આ અંગે વધુ કંઈ કહેવું અઘરું છે. જો આપણે નસીબદાર છીએ, તો તે વધારે સમય પણ ટકી શકે છે. "

તેઓ માને છે કે બધી શક્યતાઓ છતાં આ ટાપુનું અસ્તિત્વ હોવું જ એક મોટી વાત છે.

"જ્યારથી મોડર્ન સેટેલાઇટ સર્વિસ આવી છે, ત્યારથી આપણને આવો ટાપુ જોવાની એકમાત્ર તક મળી છે. આ સુંદર જ્વાળામુખીનું રૂપ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો