હિંદ મહાસાગરની વચ્ચે આવેલો આ ટાપુ કેમ ભૂતિયો બની રહ્યો છે?

    • લેેખક, નીલિમા વલાંગી
    • પદ, બીબીસી ટ્રાવેલ

આજે અમે તમને લઈ જઈએ છીએ ભૂતિયા ટાપુના પ્રવાસે. આ ભૂતિયો ટાપુ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો ભાગ છે.

હિંદ મહાસાગરમાં સ્થિત આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં કુલ 572 ટાપુ છે. તેમાંથી માત્ર 38માં જ લોકો વસવાટ કરે છે.

સમુદ્રની નજીકના વિસ્તારની વાત કરીએ, તો આંદામાન નિકોબાર દ્વીપ ભારત સિવાય દક્ષિણ પૂર્વ એશિયાથી સૌથી વધારે નજીક છે.

આંદામાનના ટાપુ પોતાના સુંદર સમુદ્રી કિનારા, કુદરતી સૌંદર્ય, ક્યારેય ન જોયા હોય તેવા જંગલો, દુર્લભ સમુદ્રી જીવો અને લાલ પથ્થરોના પર્વત માટે જાણીતા છે.

કાળા પાણીના કાળા ઇતિહાસના સાક્ષી

આ સુંદરતાના પડદા પાછળ છૂપાયેલો છે આંદામાનનો કાળો ઇતિહાસ. આંદામાનના એક ટાપુ રૉસ આઇલેન્ડની અંદર સામ્રાજ્યવાદી ઇતિહાસનાં રહસ્યો છૂપાયેલાં છે.

અહીં 19મી સદીના બ્રિટીશ રાજના ખંડેર આ ટાપુ અને ભારતના એક કાળા અધ્યાયના સાક્ષી છે.

રૉસ આઇલેન્ડમાં ભવ્ય બંગલો, એક વિશાળ ચર્ચ, બૉલરૂમ અને કબ્રસ્તાનનું ખંડેર છે, જેમની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે.

ઝડપથી વધી રહેલા જંગલ, આ ખંડેરોને પોતાની શરણે લઈ રહ્યાં છે.

કેમ રૉસ આઇલેન્ડની થઈ પસંદગી?

1857માં ભારતના પહેલા સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટીશ સામ્રાજ્યના વિદ્રોહીઓને આંદામાનના ટાપુઓ પર લાવીને કેદ કરવાની યોજના બનાવાઈ હતી.

1858માં 200 વિદ્રોહીઓને લઈને જહાજ આંદામાન પહોંચ્યું હતું.

એ સમયે બધા જ ટાપુ પર માત્ર જંગલો હતાં. મનુષ્ય માટે ત્યાં રહેવું મુશ્કેલ હતું.

માત્ર 0.3 વર્ગ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો રૉસ આઇલેન્ડ આ કેદીઓને રાખવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે અહીં પીવાનું પાણી મળી શકતું હતું.

પરંતુ આ ટાપુના જંગલોને સાફ કરીને માણસોને રહેવા લાયક બનાવવાની જવાબદારી એ જ કેદીઓના ખભા પર પડી હતી. આ દરમિયાન બ્રિટીશ અધિકારી જહાજ પર જ રહેતા હતા.

રૉસ આઇલેન્ડને આબાદ કરાયો

ધીરે ધીરે અંગ્રેજોએ આંદામાનમાં વધુ રાજકીય કેદીઓને લાવીને રાખવાનું શરૂ કરી દીધું. વધુ જેલ બનાવવાની જરૂર પડી. ત્યારબાદ બ્રિટીશ અધિકારીઓએ રૉસ આઇલેન્ડને આંદામાનને પ્રશાસનિક ઑફિસ બનાવવાનું મન બનાવી લીધું.

મોટા અધિકારીઓ અને તેમના પરિવારોના રહેવા માટે રૉસ આઇલેન્ડને ઘણો વિકસિત કરવામાં આવ્યો હતો. આંદામાનના ટાપુઓ પર ઘણી બીમારીઓ ફેલાતી રહેતી હતી.

તેનાથી અંગ્રેજ અધિકારીઓ અને તેમના પરિવારજનોને બચાવવા માટે રૉસ આઇલેન્ડ પર ખૂબ જ સુંદર ઇમારતોનું નિર્માણ કરાયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

સુંદર લૉન વિકસીત કરાઈ હતી. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફર્નિચર વાળા બંગલો બનાવવામાં આવ્યા. ટેનિસ કોર્ટનું પણ નિર્માણ કરાયું.

ત્યારબાદ અહીં એક ચર્ચ અને પાણી સાફ કરવાનો એક પ્લાન્ટ પણ ઊભો કરાયો. આ સિવાય રૉસ આઇલેન્ડ પર એક હૉસ્પિટલ પણ બનાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ડિઝલ જનરેટર વાળું એક પાવર હાઉસ અહીં બનાવવામાં આવ્યું જેથી અહીં વસતા લોકો માટે વીજ ઉત્પાદન થઈ શકે.

આ સુવિધાઓના કારણે રૉસ આઇલેન્ડ ચારે તરફ વિખરાયેલી તબાહી વચ્ચે એક ચમકતો તારો બની ગયો હતો.

પછી રૉસ આઇલેન્ડમાં સન્નાટો છવાઈ ગયો

પરંતુ 1942 સુધી રૉસ આઇલેન્ડ પર સન્નાટો છવાઈ ગયો હતો. કેમ કે રાજકીય કારણોસર અંગ્રેજોને 1938માં બધા જ રાજકીય કેદીઓને આંદામાનથી છોડવા પડ્યા હતા.

પછી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના હુમલાની આશંકાને પગલે અંગ્રેજો અહીંથી નાસી છૂટ્યા હતા.

જોકે, યુદ્ધના અંત સુધી મિત્ર સેનાઓએ આંદામાન નિકોબાર પર ફરી કબજો મેળવી લીધો હતો.

જ્યારે 1947માં ભારત સ્વતંત્ર થયું તો આંદામાન નિકોબાર પણ તેનો ભાગ બન્યો.

ત્યારબાદ લાંબા સમય સુધી રૉસ આઇલેન્ડને તેના હાલ પર છોડી દેવામાં આવ્યો હતો. 1979માં ફરી એક વખત ભારતીય સેનાએ આ ટાપુ પર કબજો કરી લીધો.

આજે શું છે રૉસ આઇલેન્ડની સ્થિતિ?

રૉસ આઇલેન્ડના ખંડર તેના કાળા અને ખૂબ જ ખરાબ ઇતિહાસના સાક્ષી છે. તેની ઝલક બતાવે છે. અહીંની બજાર હવે વેરાન બની ગઈ છે.

ઇમારતોની છતો હવે તૂટી પડી છે. કાચની બારીઓ તૂટી-ફૂટી ગઈ છે.

છત વગરના બંગલાના ખંડેર વૃદ્ધો જેવાં લાગે છે, જે પોતાના વિતેલા અતીતની વાત સંભળાવવા માટે તત્પર છે, પણ સાંભળવા વાળું કોઈ નથી.

આજે ચર્ચની દિવાલ હોય કે કબ્રસ્તાનની ચાર દિવાલો, ક્લબનું ખંડેર કે ઇમારતોની બારીઓ, બધા જ વૃક્ષોનો કબજો થઈ ગયો છે.

આજે હરણ, સસલા અને મોર વસે છે અહીં

વીસમી સદીની શરૂઆતમાં બ્રિટીશ અધિકારીઓએ આંદામાનના ટાપુઓ પર હરણની કેટલીક પ્રજાતિઓને વસાવી હતી. તેમને ટાપુ પર લાવવાનો ઉદ્દેશ હતો, શિકારના ખેલ માટે જાનવર આપવા.

પરંતુ હરણને લોકો ખાતા નથી, તેના કારણે તેની આબાદી વધતી ગઈ.

આ જ કારણોસર આંદામાનના ટાપુઓમાં ઝાડ-પાનને ખૂબ નુકસાન થયું. કેમ કે, હરણ નવા, નાના છોડને ખાઈ જતા હતા.

આજે આ હરણ, સસલા, અને મોર જ રૉસ આઇલેન્ડના રહેવાસી છે. અહીં આવતા પ્રવાસીઓ માટે પ્રાણીઓ સુંદર દૃશ્ય રજૂ કરે છે.

હવે આ ટાપુ કુદરતના આશરે

જૂનિયર અધિકારીઓ માટે બનાવવામાં આવેલા સબ-ઑર્ડિનેટ ક્લબની લાકડાથી બનેલી ફર્શ હજુ સુધી ઘણી હદે બચેલી છે.

એક જમાનો એવો રહ્યો હશે, જ્યારે અહીં ગીત-સંગીતની ધૂન પર લોકો નાચતા હશે. પરંતુ આજે માત્ર પક્ષીઓની કલરવ જ અહીંના ખંડરો વચ્ચે ગુંજતો એકમાત્ર અવાજ છે.

આંદામાનના કાળાની સજા વાળી જેલ બંધ થઈ તેને આઠ દાયકા કરતા વધારે સમય વીતી ચૂક્યો છે. આ સાથે જ ભારતના ઇતિહાસના એક કાળા અધ્યાય પર પડદો પણ પડ્યો હતો.

આજે રૉસ આઇલેન્ડના ખંડર એ વિતી ચૂકેલા કાળા ઇતિહાસના દાગ તરીકે હિંદ મહાસાગરમાં હાજર છે.

એ આપણને એ ભવિષ્ય દેખાડે છે, જ્યારે મનુષ્યની સભ્યતાનો અંત આવી જશે અને કુદરત એ વિસ્તારો પર ફરી પોતાનો હક જમાવશે જે માનવતા માટે ક્યારેક મહત્ત્વના સ્થળ હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો