બજેટ 2021: શું આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા એક જ સિક્કાની બે બાજુઓ છે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આર્થિક મંચ તરફથી આયોજિત વર્ચુઅલ દાવોસ સંમેલનને સંબોધન કર્યું ત્યારે ફરી એકવાર ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના તેમની સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, "ભારત આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ભારતની આત્મનિર્ભરતાની આકાંક્ષા વૈશ્વિકીકરણને નવેસરથી મજબૂત કરશે અને મને આશા છે કે આ અભિયાન ઇન્ડસ્ટ્રી 4.0 (ચોથી ઔદ્યોગિક ક્રાંતિ) માટે પણ ઘણું મદદરૂપ નિવડશે."

વિતેલા વર્ષમાં સરકારે આ પ્રકારે 'નીતિ પરિવર્તન' કર્યું હતું અને દેશની આત્મનિર્ભરતા તરફથી ગતિને સત્તાવાર રીતે સ્પષ્ટ કરી હતી. આત્મનિર્ભરતા માટેની નીતિની જાહેરાત બાદ સોમવારે આવનારું બજેટ પ્રથમ બજેટ હશે.

અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે આ વર્ષે તથા આગામી કેટલાક વર્ષો સુધી બજેટમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત પર કેન્દ્રીત રહેશે.

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં આયાત થતી ઘણી સામગ્રી પર આયાત જકાત વધી શકે છે. કસ્ટમ્સ ડ્યુટી વધારીને દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવાનો ઇરાદો છે.

આત્મનિર્ભર ભારત એ મોદી સરકારનું જાહેર થયેલું લક્ષ્ય છે અને તેને હાંસલ કરવા માટે સરકારી મશીનરી ગંભીરતાથી કામે લાગી હોય તેવું લાગી રહ્યું છે.

ગત 12 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત 30 વર્ષથી જે આર્થિક નીતિ પર ચાલતું હતું, તેમાં દિશા પરિવર્તન કરીને આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરી હતી.

તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરતી વખતે આ વાત જણાવી હતી. તે પેકેજને વડા પ્રધાને આત્મનિર્ભરતા અભિયાન પેકેજ એવું નામ આપ્યું હતું. તે વખતે વડા પ્રધાન મોદીએ એક નવો નારો પણ આપ્યો હતો - "વોકલ ફૉર લોકલ."

વડા પ્રધાને એ વાત પર ભાર મૂક્યો હતો કે દેશને જરૂરી ઉત્પાદનો દેશમાં જ બને અને તેની વિદેશમાં વધુમાં વધુ નિકાસ થાય. તેમનો તર્ક એવો હતો કે આત્મનિર્ભર ભારત વિશ્વના દેશો માટે સપ્લાઇ ચેઇનની અગત્યની કડી બની શકે છે.

દાવોસના ભાષણમાં તેમણે આ માટેનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતે કોરોના વાઇરસ સામેની રસી વિકસાવી છે. આ રસી દુનિયાના ઘણા દેશોને આપવામાં આવી છે. તેમનું કહેવું હતું કે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલું ભારત કોરોના સામેની વધુ રસી પણ તૈયાર કરવાનું છે.

આત્મનિર્ભર અભિયાન

12 મેના વડા પ્રધાનના ભાષણ પછી તેમની સરકારના એક પણ પ્રધાન એવા નહીં હોય જેમણે આ મહિનાઓ દરમિયાન આત્મનિર્ભર ભારતના વિચાર પર કોઈને કોઈ વાત ના કરી હોય.

આ બે શબ્દો ભારતીય ઉદ્યોગપતિઓ અને વેપારીઓના કાનમાં વારંવાર પડે તે રીતે પ્રચાર થતો રહ્યો છે. નાણા મંત્રાલયના અમલદારો પણ આ સરકારનું મિશન છે એમ સમજીને આત્મનિર્ભર ભારતનો નારો આગળ વધારતા રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે સોમવારે રજૂ થનારા બજેટમાં પણ મોટા ભાગના સરકારી ખર્ચ, રાહતો અને નવી નીતિને આત્મનિર્ભરતા સાથે જોડવામાં આવશે.

બીજા શબ્દોમાં કહીએ તો નાણા પ્રધાન નિર્મલા સિતારમણ એવા પૂરા પ્રયાસો કરશે કે એવું બજેટ રજૂ કરે જેમાં વડા પ્રધાનના સપના અને લક્ષ્ય પ્રમાણે આત્મનિર્ભર ભારત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હોય.

આમ જુઓ તો ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો ગત વર્ષે પણ મોદી સરકારે કર્યા હતા. તે વખતે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવની યોજના જાહેર કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ ભારતીય કંપનીઓ દેશમાં જ ઉત્પાદનો તૈયાર કરે તેના પર આગામી પાંચ વર્ષ સુધી 4થી 6 ટકા સુધીની રાહત આપવાની વાત હતી.

આ યોજના હેઠળ પ્રથમ ઇલેક્ટ્રોનિક અને ફાર્મા સેક્ટરને આવરી લેવાયું હતું. ત્યાર બાદ 11 નવેમ્બરે પ્રધાનમંડળે આ યોજનાને અન્ય 10 સેક્ટરોમાં પણ લાગુ કરવા માટે મંજૂરી આપી હતી.

આ યોજના હેઠળ સરકારે ઉદ્યોગોને 2.60 લાખ કરોડ રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરી હતી.

આ જાહેરાત પછી ઉદ્યોગજગત ખુશ થયું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ત્રણ ટ્વીટ કરીને આ યોજનાને ગેમ ચેન્જર જણાવી હતી.

તેમણે લખ્યું હતું કે, "હું સામાન્ય સંજોગોમાં ગેમ ચેન્જર શબ્દ વાપરતો નથી. પરંતુ આ બાબતમાં આ શબ્દ બંધબેસે છે. મારા માટે આ યોજનાની જોગવાઈઓ કરતાંય, તેના કારણે ઉદ્યોગો પ્રતિ જે અભિગમ છે તેમાં નાટકીય પરિવર્તન આવ્યું છે તે વધારે અગત્યનું છે."

આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા એક જ સિક્કાની બે બાજુ?

ચિંતાની વાત એ છે કે ઘણી બધી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા બંને શબ્દોને એક શ્વાસે બોલી રહ્યા છે. જાણે કે બંને એક જ યોજના હોય તેવી વાત કરી રહ્યા છે.

મેક ઇન ઇન્ડિયા માટે વડા પ્રધાને ઑગસ્ટ 2014માં લાલ કિલ્લા પરના પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી. જોકે મેક ઇન ઇન્ડિયાની યોજના નિષ્ફળ ગઈ છે.

લાલ કિલ્લા પરથી વડા પ્રધાન વિદેશી મૂડીરોકાણકારોને અપીલ કરી હતી કે "કમ, મેક ઇન ઇન્ડિયા". વડા પ્રધાનનો ઇરાદો ચીનની જેમ ભારતને પણ વિશ્વનું મેન્યુફેક્ટરિંગ હબ બનાવવા માટેનો હતો.

પરંતુ છેલ્લા વર્ષમાં મેક ઇન ઇન્ડિયાની યોજના કાગળ પર જ વધારે રહી છે.

મેક ઇન ઇન્ડિયાની નિષ્ફતા વિશે વાત કરતાં સિટી ગ્રુપ રિસર્ચના એક અહેવાલમાં જણાવાયું હતું કે, "છેલ્લા છ વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેના મુખ્ય નિયમો અને ધારાધોરણોમાં કોઈ સુધારા કરવામાં આવ્યા નથી."

મેક ઇન ઇન્ડિયાની નિષ્ફળતા માટેના કારણો પણ આ અહેવાલમાં જણાવાયા હતા. તેમાં જણાવાયું હતું કે અમુક વિશેષ સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે એક સાથે 25થી વધુ સેક્ટરમાં મેક ઇન્ડિયા માટેની કોશિશ થઈ હતી તે નિષ્ફળ ગઈ હતી.

આત્મનિર્ભર ભારત યોજનામાં હાલમાં ફાર્મા, ઇલેક્ટ્રોનિક, સંરક્ષણ, ફૂડ અને ઑટોમોબાઇલ જેવા થોડાં ક્ષેત્રોને જ સામેલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ વિશેષજ્ઞો કહે છે કે આત્મનિર્ભર ભારત યોજના અને મેક ઇન ઇન્ડિયા યોજના એક જ પ્રકારની યોજનાઓ છે.

આ યોજનાઓ હેઠળ દેશમાં ઉત્પાદન વધે અને નિકાસ વધે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે બીજા કેટલાક જાણકારો કહે છે કે મેક ઇન ઇન્ડિયાની સરખામણીએ આત્મનિર્ભર ભારત વધારે સારો વિચાર છે. જોકે તેમાં કેટલી સફળતા મળી તેના માટે થોડા વર્ષો રાહ જોવી પડશે.

આત્મનિર્ભર ભારત કે પરવાના રાજ સાથેનું ભારત?

જોકે ઘણા બધા લોકોએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ શું શું ખામીઓ છે તેની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા અરવિંદ સુબ્રમણિયમે જુદા જુદા ઇન્ટરવ્યૂમાં આત્મનિર્ભર અભિયાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે આ રીતે ભારત ફરીથી એકવાર વેપારી સંરક્ષણવાદ તરફ પાછા ફરવાની કોશિશ છે.

સુબ્રમણિયમ એ દિવસોની યાદ અપાવી રહ્યા છે, જ્યારે વિદેશી કંપનીઓ માટે દેશમાં રોકાણ કરવાનું મુશ્કેલ હતું. આયાત જકાત બહુ ઊંચી રાખવામાં આવતી હતી, જેથી ભારતીય કંપનીઓનું હિત જળવાઈ રહે.

ભારતીય કંપનીઓને સ્પર્ધાનો સામનો કરવાનો પણ આવતો નહોતો. તેના કારણે દેશમાં તૈયાર થતા ઉત્પાદનોની કિંમત વધારે હતી અને તેની ગુણવત્તા પણ વૈશ્વિક કક્ષાની બની નહોતી.

પરવાના રાજની એ સ્થિતિમાં ભ્રષ્ટાચાર સામાન્ય થઈ પડ્યો હતો. નવી કંપની શરૂ કરવા માટે અનેક વિભાગો પાસેથી મંજૂરીઓ લેવી જરૂરી હતી અને લાયસન્સ મેળવવા માટે ભારે મથામણ કરવી પડતી હતી. તેના કારણે ભારતમાં કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં બહુ વિલંબ થતો હતો.

અરવિંદ સુબ્રમણિયણ ભય વ્યક્ત કરતાં કહે છે કે દેશ કદાચ ફરી તે માહોલમાં સરી જશે.

આત્મનિર્ભરતા વિશે તેઓ કહે છે, "ત્રણ દાયકાથી આર્થિક નીતિઓ અંગે એક સુનિશ્ચિતતા બની હતી તે આનાથી પલટાઇ જશે."

"ભારતમાં એક સર્વસંમતિ બની હતી કે ધીમે ધીમે આપણે વિશ્વ માટે આપણું બજાર ખોલીશું. તેના કારણે જ આપણે ગતિશિલતા દાખવી શક્યા હતા. આપણા નીતિ નિર્ણાયકો માને છે કે આત્મનિર્ભર બનવાના કારણે આપણો આર્થિક વિકાસ ઝડપી બનશે. મુક્ત અર્થતંત્રમાં જ ઝડપી વિકાસ થાય છે તે વિકલ્પને આ વિચારથી નકારમાં આવી રહ્યો છે."

સ્પર્ધાની ભાવના ખતમ થઈ જશે

'બેડ મની' સહિતના ઘણાં પુસ્તકોના લેખક અને અર્થશાસ્ત્રી વિવેક કૌલ પણ આત્મનિર્ભરતાની યોજનાથી ખાસ પ્રભાવિત થયા નથી. ઉલટાનું તેમને આ યોજનાથી ચિંતા સતાવી રહે છે.

વિવેક કૌલ કહે છે, "આત્મનિર્ભરતાને અમલમાં મૂકવા માટે જે પ્રકારની વાતો થઈ રહી છે, તેના પરથી લાગે છે કે વધુમાં વધુ આયાત જકાત લાગશે. સ્થાનિક ધોરણે ઉત્પાદનો વધારવા પર ભાર મૂકવાનો અર્થ એ છે કે ભારતીયોને આ વસ્તુઓ ખરીદવા માટે મજબૂર કરવામાં આવશે."

''બીજી બાજુ તમારે એ પણ સમજવાની જરૂર છે કે ભારતીય કંપનીઓ વૈશ્વિક સપ્લાઇ ચેઇનનો હિસ્સો બને તે માટેની પણ વાત થઈ રહી છે. પરંતુ તમે કમ્પિટીટિવ ના હો તો કઈ રીતે વૈશ્વિક સપ્લાઇ ચેઇનનો હિસ્સો બની શકશો? દેશની અંદર જ સ્પર્ધાનો માહોલ ખતમ થઈ જશે તો તમે કમ્પિટીટિવ કેવી રીતે બની શકશો?"

વિવેક કૌલને લાગે છે કે જો આત્મનિર્ભરતાનો અર્થ સંરક્ષણવાદ થવાનો હોય તો તેનાથી ભારતમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે.

વિવેક કૌલ કહે છે, "તમને યાદ હશે કે 1991ની પહેલા ભારતમાં ઉત્પાદનો સ્થાનિક ધોરણે જ તૈયાર કરવા માટે કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવતી હતી."

"ભારતમાં તૈયાર થતી વસ્તુઓ નબળી ગુણવત્તાની બનતી હતી અને મોંઘી પણ પડતી હતી, કારણ કે સ્પર્ધા નહોતી. લાયસન્સ રાજ ચાલતું હતું, ભ્રષ્ટાચાર હતો. 1991માં અર્થતંત્રને ખુલ્લુ મૂકવામાં આવ્યું અને તે પછી ઘણો વિકાસ થયો છે તે વાતને આપણે યાદ રાખવી જરૂરી છે."

જોકે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આજનું ભારત પરવાના રાજની સ્થિતિમાં નથી અને તે સ્થિતિમાં પાછા ફરવાનું શક્ય પણ નથી.

ભારત હવે અનાજની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયું છે. ટેક્નોલૉજીની બાબતમાં પણ ઘણા દેશોથી આગળ છે. ઇલેક્ટ્રોનિક સાધનોના ઉત્પાદનમાં પણ ઘણી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં નિકાસ 6.4 અબજ ડૉલરથી વધીને 11.8 અબજ ડૉલર સુધી પહોંચી છે.

આત્મનિર્ભરતા માત્ર ચીની ઉત્પાદનો વિરુદ્ધનુ અભિયાન છે?

ભારતમાં આત્મનિર્ભરતા અભિયાનનો પ્રચાર એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે સરહદે ચીન સાથે તંગદિલી ચાલી રહી છે.

ચીનના ઉત્પાદનોના બહિષ્કારની વાતો જાહેર કરવામાં આવી રહી છે. ભારત સરકાર એ બાબતથી પણ ચિંતામાં છે કે ચીન સાથે દ્વિપક્ષી વેપાર થાય છે તેમાં ચીનનો હિસ્સો બે તૃતિયાંશ જેટલો છે.

2018ના વર્ષમાં ચીનથી ભારતમાં 70 અબજ ડૉલરની આયાત થઈ હતી. ભારત ચીનથી થતી આયાતને ઓછી કરવા માગે છે.

દિલ્હીની ફૉર સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ચીનની બાબતોના નિષ્ણાત ડૉક્ટર ફૈસલ અહમદ કહે છે કે આ અભિયાન ચીની ઉત્પાદનોના બહિષ્કાર માટે કરવામાં નથી આવ્યું.

તેઓ કહે છે, "આત્મનિર્ભરતા રાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા વધારવા માટે છે. જોકે સ્વતંત્રતા પછી ભારતમાં હંમેશા નીતિની વાત આવે ત્યારે આત્મનિર્ભરતાની વાતો કરવામાં આવતી રહી છે."

"પરંતુ અત્યારે કોરોના મહામારી ફેલાઇ રહી છે ત્યારે ભારતમાં આત્મનિર્ભરતા પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેની પાછળનો ઉદ્દેશ માત્ર ચીનની સામે સ્પર્ધા કરવાનો નથી."

"પરંતુ મશીનરી, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, સંરક્ષણ સાધનો, ફૂડ પ્રોસેસિંગ અને હેવી ઇન્ડસ્ટ્રી સહિતના ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. તેના કારણે વિકાસમાં તેનો ફાળો વધે અને આ ક્ષેત્રોમાં દેશ આત્મનિર્ભર બની શકે તે ઉદ્દેશ છે."

ભારતના છ કરોડ જેટલા વેપારીઓ જેની સાથે જોડાયેલા છે તે વેપારી સંગઠન ભારતીય વેપારી સંઘ (CAIT) તરફથી આત્મનિર્ભરતા અભિયાનને આગળ વધારવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

"ઇન્ડિયન ગુડ્સ અવર પ્રાઇડ" એટલે કે ભારતીય ઉત્પાદનો આપણું ગૌરવ એવી રીતે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેનો ઉદ્દેશ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો છે અને તે ઉત્પાદનો દેશમાં જ તૈયાર કરવાનો છે.

આ ઝુંબેશ હેઠળ એવી 3,000 વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેની આયાત ચીનથી થાય છે. આ જ વસ્તુઓ ભારતમાં પણ બનાવી શકાય તેવી છે.

આ યાદીમાં રમકડાં, રસોડાંના સાધનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે. વેપારી સંઘનું લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધીમાં ચીનથી થતી આયાતમાં 13 અબજ ડૉલરનો ઘટાડો કરવો. જોકે આ લક્ષ્ય એટલું સહેલું નથી, કેમ કે હાલના સમયમાં જ તહેવારો વખતે ચીની ઉત્પાદનોની આયાત ઉલટાની વધી હતી.

શું આ એક વૈચારિક પરિવર્તન છે?

બીજી બાજુ કેટલાક ટીકાકારો આત્મનિર્ભરતાને મોદી સરકારના રાષ્ટ્ર વાદ અને આરએસએસની સ્વદેશીની વિચારધારા સાથે જોડે છે.

ઇઝરાયલી લેખક નદવ એયાલે પોતાના પુસ્તક 'The Revolt Against Globalisation'માં જણાવ્યું છે કે કોરોના મહામારી ફેલાઇ તેના કારણે કેટલાય દેશો આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

તેના કારણે ઘણા દેશોએ વૈશ્વિકીકરણ અને આંતરરાષ્ટ્રીય સહયોગને છોડીને પોતાન જ દેશમાં ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

રાષ્ટ્રવાદનો ફેલાવો થવાના કારણે વૈશ્વિકીકરણ અને અંતરરાષ્ટ્રીય સહયોગને એક ઝટકો લાગ્યો હતો અને તેના કારણે ઘણા દેશો સ્વદેશી ઉત્પાદનો અને સ્વેદશી બજાર પર ભાર મૂકવા લાગ્યા છે એમ તેઓ માને છે.

નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ આત્મનિર્ભરતા પેકેજની જાહેરાત કરી તેના થોડા દિવસ પહેલાં જ આરએસએસના વડા મોહન ભાગવતે દેશમાં જ ઉત્પાદનો તૈયાર કરવાની વાત પર ભાર મૂક્યો હતો. આરએસએસ શરૂઆતથી જ એમ માનતું આવ્યું છે કે દરેક ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભર હોવો જોઈએ.

આત્મનિર્ભર ભારતનું ભવિષ્ય

શું 'વોકલ ફૉર લોકલ' એક સફળ યોજના છે અને નજીકના ભવિષ્યમાં ભારત આત્મનિર્ભર બની જશે? શું પોતાની જરૂરિયાતના સાધનો ભારતમાં જ બનવા લાગશે?

ભારતીય ઉદ્યોગ અને વેપારી જગતના સંગઠન એસોચેમના જણાવ્યા અનુસાર બ્રાંડ ભારત અને સ્વદેશી કંપનીઓના વિકાસ અને પ્રચાર માટે આત્મનિર્ભરતાનો વિચાર ખૂબ સારો છે. તેને સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં ઘણા વર્ષો લાગશે, પરંતુ આ એક સારી પહેલ છે અને એસોચેમ તેનું સ્વાગત કરે છે.

આત્મનિર્ભરતા વિશે યોજાયેલા એક વેબિનારમાં 28 જાન્યુઆરીએ સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, "ભારતમાં પ્રતિભા અને કૌશલ્યની કોઈ ખામી નથી. ભારતીય કંપનીઓને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે તો વિદેશી કંપનીઓનો તે સામનો કરી શકે છે. અમારું લક્ષ્ય વોકલ ફૉર લોકલ હેઠળ ભારતને સ્વદેશીની મંઝીલ તરફ લઈ જવાનું છે."

જોકે હાલમાં સમયમાં ઇલેક્ટ્રોનિક અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ માટે અંતરરાષ્ટ્રીય કંપનીઓનો સામનો કરવો ઘણો મુશ્કેલ છે. ખાસ કરીને ચીની કંપનીઓ સામે સ્પર્ધા કરવામાં ઘણો મોટો પડકાર છે.

દાખલા તરીકે ઍરકંડિશનિંગ ઉદ્યોગની વાત લઈએ. ગત ઑક્ટોબર મહિનામાં ભારતના ઍરકંડિશનર બજારમાં ચીનની કંપનીઓનો હિસ્સો 35 ટકા હતો. ભારતે ચીનથી એસીની આયાત અટકાવી દીધી હતી. તે પછી હવે ભારતીય કંપનીઓ નવી ફેક્ટરીઓ નાખીને ઉત્પાદન ક્ષમતા વધારવામાં લાગી છે.

એ જ રીતે મોબાઇલ ફોન, ટીવી સેટ વગેરેમાં પણ ચીનથી મોટા પાયે આયાત થાય છે. તેમાં પણ ઉત્પાદન વધારવાની કોશિશ થઈ રહી છે. પરંતુ આ સાધનો તૈયાર કરવા માટે જે પૂર્જાની જરૂર હોય તેની આયાત તો ચીનથી જ કરવી પડે છે.

પૂરજા અને કાચા માલની બાબતમાં આત્મનિર્ભરતા કરવા માટે થોડા વર્ષો જોઈએ. પરંતુ સવાલ એ ઊભો રહેવાનો કે સ્પર્ધાના અભાવમાં આવા સાધનો મોંઘા રહેવાના અને તેની ગુણવત્તા પણ કદાચ એટલી સારી નહી હોવાની.

તેના કારણે આખરે ભારતીય ગ્રાહકોએ નબળી અને મોંઘી વસ્તુઓથી ચલાવવું પડે તેવી સ્થિતિ આવી શકે છે. વિદેશથી આવતી સારી વસ્તુઓ ઉપલબ્ધ ના હોય ત્યારે ભારતીય ગ્રાહકો પાસે બીજો કોઈ વિકલ્પ હોય નહિ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો