ભારત સરકાર પાસે ખર્ચને પહોંચી વળવા માટેની પૂરતી કમાણી નથી?

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

સરકારની કમાણીનો સૌથી મોટો રસ્તો છે ટૅક્સ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ.

ડાયરેક્ટ એટલે એ ટૅક્સ જે કમાણી કરનાર કે લેણદેણ કરનાર સીધા ભરે છે અને તેની જવાબદારી કોઈ ત્રીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી. તેમાં ઇન્કમટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સ કે કંપનીઓના ઇન્કમટૅક્સ સામેલ છે.

કૅપિટલ ગેન્સ ટૅક્સ પણ એવો ટૅક્સ છે અને બહુ પહેલા ખતમ થયેલો વેલ્થ ટૅક્સ અને એસ્ટેટ ડ્યૂટી કે મૃત્યુકર પણ એવો જ ટૅક્સ હતો.

અને ઇનડાયરેક્ટ ટૅક્સ એ હોય છે, જેની ચુકવણી કરનાર પહેલાં ખરીદી કરનારા પાસેથી વસૂલે છે. જેમ કે સેલ્સ ટૅક્સ, જેના સ્થાને હવે જીએસટી આવી ગયો છે, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી.

સરકારને પૈસા ક્યાંથી મળે છે?

ગત બજેટના હિસાબે આ વર્ષે સરકારને મળનારા દરેક રૂપિયામાંથી 18 પૈસા કૉર્પોરેટ ટૅક્સ અને 17 પૈસા ઇનક્મટૅક્સથી આવવાના હતા. બંનેને જોડીને ડાયરેક્ટ ટૅક્સથી 35 ટકા મળતા.

તેના પર જીએસટી 18 પૈસા, સેન્ટ્રલ એક્સાઇઝના 7 પૈસા અને સીમાશુલ્કના 4 પૈસા. એટલે કે ઇનડાયરેક્ટ ટૅક્સમાં 29 ટકા. તો રૂપિયામાં 64 પૈસા આવ્યા ટૅક્સથી.

ચાલુ વર્ષે બજેટમાં આ 64 ટકા રકમ અંદાજે વીસ લાખ કરોડ રૂપિયા હતી. પણ ખર્ચાવાના હતા લગભગ ત્રીસ લાખ કરોડ રૂપિયા. હવે બાકીના પૈસા ક્યાંથી આવે?

હવે સરકાર પાસે આવકના ત્રણ રસ્તા છે. નૉન ટૅક્સ રેવન્યુ, એટલે કે એ કમાણી જે ટૅક્સ નથી, પણ રેવન્યુ એટલે કે રાજસ્વ ખાતાની કમાણી.

ટૅક્સ સિવાય પણ સરકારના કમાણીના અનેક રસ્તાઓ છે.

તમે સરકારની જે સેવાઓનો ઉપયોગ કરો છે તેની ફી. વીજળી, ટેલિફોન, ગૅસ જેવા બિલમાં નાનો ભાગ.

તમામ ચીજો પર મળનારી રૉયલ્ટી, લાઇસન્સ ફી, રાજ્ય સરકારોને કરજ પર મળતું વ્યાજ, રેડિયો ટીવીનાં લાઇસન્સ, રસ્તાઓ, પુલોના ટૉલ ટૅક્સ, પાસપૉર્ટ, વીઝા વગેરેની ફી.

સરકારી કંપનીઓનો ફાયદાનો ભાગ અને વચ્ચે વચ્ચે રિઝર્વ બૅન્ક પાસેથી સરકાર જે રકમ વસૂલે છે એ. અન્ય પણ ઘણું બધું છે.

પણ આમાંથી ઘણી ચીજોમાંથી બહુ નાની રકમ આવે છે. તેમ છતાં બધું મિલાવીને દસ ટકા આ રસ્તેથી આવે છે.

બીજા રસ્તાઓ કયા છે?

અને હવે બાકી નૉન ડેટ કૅપિટલ રિસીટ્સ એટલે કે પૂંજી ખાતામાં આવનારી રકમ જે કરજ નથી. પણ રાજ્ય સરકારો કે વિદેશી સરકારોને આપેલા કરજની વાપસી આ ખાતામાં થાય છે.

આ ખાતું છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણું મહત્ત્વનું થઈ ગયું છે, કેમ કે સરકારી કંપનીઓની ભાગીદારી વેચવાથી મળતી રકમ પણ અહીં આવે છે અને સરકાર જો કોઈ નવી કંપની બજારમાં લિસ્ટ કરાવે કે તેને બૉનસ શૅર મળે તો એ પણ.

જેમજેમ એ લક્ષ્ય વધે છે તેમ સરકારી કમાણીમાં આ ખાતાનો હિસ્સો પણ વધે છે.

2019-20ના બજેટમાં આ ત્રણ ટકા હતી, પણ 20-21ના બજેટમાં છ ટકા થઈ ગઈ. એ વાત જુદી છે કે તેમાંથી કેટલી હાથમાં આવે છે.

અત્યાર સુધીમાં આપણે 80 ટકા કમાણીનો ભાગ જોડી ચૂક્યા છીએ. પણ તેમ છતાં 20 ટકા ભાગ બચે છે એ ક્યાંથી આવશે? એ આવે છે કરજ લઈને.

સરકારી બૉન્ડ જાહેર કરવાથી લઈને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે અન્ય દેશોની સરકારોથી મળતું કરજ અહીં નોંધાય છે.

જો વિકાસની ગતિ તેજ હોય તો કરજ લેવું અને ચૂકવવું મુશ્કેલ નથી હોતું. માટે વિકાસશીલ દેશ ખોટની અર્થવ્યવસ્થા ચલાવે છે અને વિકાસની ગતિ વધારીને પોતાનું કરજ ઉતારતા રહે છે.

પણ જો વિકાસ પર સવાલ હોય, કમાણી ઓછી થઈ રહી હોય તો આ ગળાનો ફાંસો પણ બની શકે છે. આ મોટી મુસીબત છે.

(લેખક સીએનબીસી આવાઝના પૂર્વ સંપાદક છે અને પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો