You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દીપ સિધુ : જ્યારે પંજાબી અભિનેતા પર 26 જાન્યુઆરીના કેસમાં 1 લાખનું ઇનામ લાગ્યું
ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા પંજાબી અભિનેતા દીપ સિધુનું માર્ગઅકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. આ દુર્ઘટના દિલ્હીની નજીક સોનીપત જિલ્લામાં કેએમપી એક્સ્પ્રેસ વે પાસે ઘટી.
રિપોર્ટ અનુસાર તેઓ દિલ્હીથી બઠિંડા જઈ રહ્યા હતા અને એ વખતે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ.
દિલ્હી પોલીસે ગત વર્ષે 26 જાન્યુઆરી વખતે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસાના મામલે દીપ સિધુની ધરપકડ કરી હતી.
એ વખતે દિલ્હી પોલીસે સિધુ પર એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.
પ્રજાસત્તાકદિને યોજાયેલ ટ્રેક્ટર રેલી દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં એક આંદોલનકારી ખેડૂતનું મૃત્યુ પણ નીપજ્યું હતું. જ્યારે સંખ્યાંબંધ પોલીસકર્મીઓ અને ખેડૂત આંદોલનકારીઓ પણ આ હિંસામાં ઈજાગ્રસ્ત થયા હતા.
નક્કી કરેલા રૂટથી અલગ કેટલાક ખેડૂતો લાલ કિલ્લા તરફ કૂચ કરી ગયા અને રેલીમાં અનેક સ્થળોએ થયેલા હોબાળા બાદ પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર શીખ ધર્મનો ઝંડો પણ ફરકાવ્યો હતો.
ઘટના બાદ ખેડૂત સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે કે પંજાબી અભિનેતા, ગાયક અને કર્મશીલ દીપ સિધુ યુવાનોને લાલ કિલ્લા તરફ લઈ ગયા હતા.
'ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 36 વર્ષીય દીપ સિધુ ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ટેકો આપનાર પ્રથમ સેલીબ્રિટી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ગુરુદાસપુર બેઠકથી ભાજપના ઉમેદવાર સન્ની દેઓલ માટે પ્રચાર પણ કર્યો હતો.
જોકે લાલ કિલ્લાવાળી ઘટના બાદ સન્ની દેઓલે ટ્વિટર પર જણાવ્યું કે દીપ સિંધુ સાથે તેમનો કોઈ સંબંધ નથી.
સન્ની દેઓલ સાથે નજીકના સંબંધ હોવાના કારણે ઘણાં ખેડૂત સંગઠનોએ દીપ સિધુ પર ભાજપના ઍજન્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોણ હતા દીપ સિધુ?
બીબીસી સંવાદદાતા સરબજીતસિંહ ધાલીવાલ અને સુનિલ કટારિયા કહે છે કે દીપ સિંધુ પંજાબના મુક્તસર જિલ્લાના ઉદેકરણ ગામના હતા.
તેમના પિતા સુરજિતસિંહ ઍડવોકેટ હતા અને લુધિયાણામાં કાયદાનો અભ્યાસ કરતા હતા. ચાર વર્ષ પહેલાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
દીપ સિધુના કાકા બિધિસિંહે જણાવ્યું હતું કે સુરજિતસિંહને ત્રણ દીકરા હતા - નવદીપસિંહ, મનદીપસિંહ અને દીપસિંહ.
નવદીપ કૅનેડામાં છે, મનદીપ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને દીપ ફિલ્મો અને ખેડૂત આંદોલનમાં સક્રિય હતા.
બિધિસિંહે જણાવ્યું કે કાયદાનો અભ્યાસ કરવા માટે દીપ મુંબઈ ગયા હતા અને ત્યાં વસી ગયા હતા. દીપે વકીલ તરીકે 'બાલાજી ફિલ્મસ' માટે કામ કર્યું છે અને દેઓલ પરિવાર સાથે નિકટતા વધતાં ફિલ્મી ક્ષેત્રે પ્રવેશ કર્યો.
દીપ સિધુનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેઓ એક બાળકીના પિતા પણ હતા.
દિપ સિધુની કારકિર્દી
દીપને 2017માં ગીતકારથી ફિલ્મ નિર્માતા બનનાર અમરદિપસિંહની ફિલ્મ 'ઝોરા 10 નંબરિયા'થી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેમણે ઝોરાની ભૂમિકા ભજવી હતી.
તેમણે મુંબઈમાં ઘણા ફૅશન શોમાં ભાગ લીધો હતો. 2015માં દેઓલ પરિવારના બૅનર 'વિજેતા ફિલ્મસ્'ની 'રમતા જોગી' ફિલ્મથી દીપ સિધુએ પંજાબી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું.
2019માં તેઓ ગુગૂ ગિલ સાથે ફિલ્મ 'સાડે આલે'માં દેખાયા.
વર્ષ 2020માં 'ઝોરા' ફિલ્મનો બીજો ભાગ 'ઝોરા સેકન્ડ ચૅપ્ટર' રજૂ થયો. જેમાં દીપ સિધુએ ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.
દીપ સિધુએ વિવાદ અંગે શું કહ્યું હતું?
પોતાના ફેસબુક એકાઉન્ટમાં દીપ સિધુએ જણાવ્યું છે કે જ્યારે સાચા હક અથવા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે ગુસ્સાના કારણે પ્રદર્શન થતાં હોય છે.
"જે થયું તે માટે અમે કોઈ વ્યક્તિને દોષ ન આપી શકીએ. આ પ્રકારનાં મોટાં પ્રદર્શનો કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી હોતાં. અમારો પ્રતીકાત્મક વિરોધ રજૂ કરવા માટે, લોકશાહી માટે અમે લાલ કિલ્લા પર ગયા હતા."
"અમે કોઈ ઝંડો ઉતાર્યો નથી પરતું પોતાનો નિશાન સાહિબ અને ખેડૂત એકતાનો ઝંડો ત્યાં ફરકાવ્યો હતો. આ બધાનો ગુસ્સો હતો, મારા એકલાની કાર્યવાહી નહોતી. મેં કોઈને આગળ નથી કર્યા. આ બધું જોસ્સામાં થયું. કોઈની પણ ઉશકેરણી કરવામાં આવી નહોતી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો