સંગીત નિર્દેશક બપ્પી લાહિરીનું મુંબઈમાં નિધન

સંગીત નિર્દેશક બપ્પી લાહિરીનું મુંબઈની હૉસ્પિટલમાં નિધન થયું છે. 69 વર્ષના બપ્પી લાહિરીએ બુધવારે મુંબઈની એક હૉસ્પિટલમાં અંતીમ શ્વાસ લીધો.

બપ્પી લાહિરીએ 1070-80ના દાયકાની ફિલ્મોમાં ડિસ્કો થીમ પર કેટલાંય પ્રખ્યાત ગીતો આપ્યાં હતાં. તેમણે 'ચલતે-ચલતે', 'ડિસ્કો ડાન્સર' અને 'શરાબી' જેવી ફિલ્મોમાં લોકપ્રિય ગીતોની ધૂન બનાવી હતી.

વર્ષ 2020માં આવેલી 'બાગી 3' ફિલ્મમાં તેમણે અંતિમ વખત સંગીત આપ્યું હતું.

બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર 1952માં પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો અને તેમનું મૂળ નામ આલોકેશ 'બપ્પી' લાહિરી હતું.

લાલુપ્રસાદ યાદવ ઘાસકૌભાંડના પાચમા કેસમાં દોષિત જાહેર

બિહારમાં બહુચર્ચિત ઘાસકૌભાંડ સાથે જોડાયેલા પાંચમા કેસમાં પણ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

રાંચિસ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી ગેરકાયદે નિકાસીના મામલે તેમને દોષિત ઠેરવ્યા છે.

આ કેસ ડોરંડા ટ્રેઝરીમાંથી રૂપિયા 139.35 કરોડની ગેરકાયદે નિકાસ સાથે જોડાયેલો છે.

કોર્ટે લાલુને દોષિત ઠેરવ્યા છે. જોકે, હાલ સજાનું એલાન કરાયું નથી.

ફેસલો સંભળાવ્યા બાદ લાલુપ્રસાદ યાદવને હિરાસતમાં લઈ લેવાયા. હાલ તેઓ કોર્ટરૂમમાં જ છે.

સીબીઆઈની વિશેષ કોર્ટના જજ સુધાંશુકુમાર શશીએ આ મામલે લાલુ સહિત કુલ 99 જીવિત આરોપીઓના ભાગ્યનો ફેંસલો કર્યો છે.

આમાં પૂર્વ મંત્રી ડૉ. આર.કે. રાણા, ધારાસભ્ય ધ્રુવ ભગત તથા જગદીશ શર્મા જેવા રાજનેતાઓ ઉપરાંત બિહારના એ વખતના નાણાસચિવ બૅક જુલિયસ, રાંચીના એ વખતના કમિશનર અધીરચંદ્ર ચૌધરી, ડોરંડા ટ્રેઝરીના ખજાનચી મહેન્દ્ર પ્રસાદ સહિત કેટલાય લોકો સામેલ છે.

કોર્ટે આ આરોપીઓમાંથી 24ને દોષમુક્ત જાહેર કર્યા છે.

ગુજરાતની પોલીસવાનને રાજસ્થાનમાં અકસ્માત, ચાર પોલીસકર્મી સહિત પાંચનાં મૃત્યુ

તહોમતદારોને દિલ્હીથી ગુજરાત લઈ જઈ રહેલા ગુજરાત પોલીસના વાહનને અકસ્માત નડ્યો છે, જેમાં પાંચનાં મૃત્ય થયાં છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ટ્વિટર પર આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "દિલ્હીથી ગુજરાત તહોમતદારોને લઈ જઈ રહેલા ગુજરાત પોલીસના વાહનને જયપુરના ભાબરુ વિસ્તારમાં અકસ્માત નડતાં ચાર પોલીસકર્મી સહિત પાંચ લોકોનાં મૃત્યુના સમાચાર દુ:ખદ છે."

"શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર તેમને આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે અને દિવંગતોની આત્માને શાંતિ પ્રદાન કરે."

ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ સફળ અવકાશઅભિયાન, ત્રણ ઉપગ્રહ તરતા મૂક્યા

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો)એ સોમવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરના લૉન્ચ પૅડ પરથી સવારે 05:59 વાગ્યે ત્રણ ઉપગ્રહો સફળતાપૂર્વક લૉન્ચ કર્યા હતા.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "લગભગ 17 મિનિટ 34 સેકન્ડની ઉડાણ પછી EOS-04, INSPIREsat-1 અને INST-2TD નામના ત્રણ ઉપગ્રહોને 529 કિમીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા."

આ ઉપગ્રહોને તેની અંતિમ સ્થિતિ પર લઈ જવામાં આવશે અને થોડા દિવસોમાં તે ડેટા પ્રદાન કરવાનું શરૂ કરશે.

ભારતનું આ વર્ષનું આ પ્રથમ અવકાશઅભિયાન હતું અને ઑગસ્ટ 2021માં જીએસએલવી એફ10 મિશનની નિષ્ફળતા પછીનું આ પહેલું મિશન હતું.

આ મિશન પણ કોરોના મહામારીને કારણે બે વાર પાછું ઠેલાયું હતું.

મમતા બેનરજી નવો વિપક્ષ બનાવવાની ફિરાકમાં

દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓએ ગરમી પકડી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, બિન-ભાજપી મુખ્ય મંત્રીઓને સાથે લઈને બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમુલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી નવો વિપક્ષ બનાવવાની વેતરણમાં છે.

આ માટે 10 માર્ચે પાંચ વિધાનસભાનાં ચૂંટણીપરિણામો પછી દિલ્હીમાં બિન-ભાજપી મુખ્ય મંત્રીઓની કૉન્ફરન્સ યોજાઈ રહી છે.

તેમાં મમતા બેનરજી સાથે તેલંગાણાના મુખ્ય મંત્રી અને ટીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવ, તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહે તેવી શક્યતા છે.

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન, કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયનને પણ આમંત્રણ અપાય તેવી શક્યતા છે.

ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક ભાજપવિરોધી મોરચામાં જોડાશે કે કેમ તે જોવું રહ્યું. શક્ય એટલા વધુ બિન-ભાજપી મુખ્ય મંત્રીઓને જોડવાનો પ્રયાસ કરાશે.

આ ભાજપ-વિરોધી મોરચો કેવો આકાર લેશે તે આગામી જુલાઈમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ દરમિયાન સ્પષ્ટ થઈ જશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો